Sunday, November 19, 2006
વિચારોના વૃદાવનમાં
‘‘ધાર્મિક સુધારા માટે મહંત-મુલ્લા-પાદરી પર આધાર રાખવામાં શાણપણ નથી, એ તો બ્લડ સુગર ઘટાડવા માટે કંદોઇની દુકાને જવા બરાબર છે.‘‘
રવિપૂર્તિ, દિવ્યભાસ્કર દૈનિક, તા. ૧૯ નવેમ્બર, ર૦૦૬.
તો પછી શિક્ષણમાં સુધારા માટે શિક્ષકો-પ્રોફેસરો-વિદ્વાનો અને શિક્ષિતો પાસે જવામાં શાણપણ નથી, એ તો ............
રાજવ્યવસ્થામાં સુધારા માટે શાસકો-અધિકારીઓ-સમાજસેવકો પાસે જવામાં શાણપણ નથી, એ તો......
ધર્મમાં સુધારા માટે અધર્મીઓ પાસે જવું,
શિક્ષણમાં સુધારા માટે જહાલો પાસે જવું,
વ્યવસ્થાતંત્રમાં સુધારા માટે વનવાસીઓ પાસે જવું ..
ગુણવંતશાહ આ કયાંનું ગણિત ભણાવી રહયા છે ?
Sunday, September 10, 2006
રાષ્ટ્રગીત અને રાષ્ટ્રપ્રેમ બન્ને જુદી બાબતો છે.
માદરે વતન એટલે વતન રૂપી માતા. ધરતીના ખોળે રમતો માણસ એટલે જાણે માતાના ખોળામાં રમતું બાળક. એટલે જ ફારસીમાં માદરે વતન, ગુજરાતીમાં ધરતીમાતા, અને અરબીમાં પણ મોટા શહેરને કે કેન્દ્રને ‘‘ ઉમ્મ ‘‘ (માતા) કહે છે. આ આધારે વતનની માટીને , દેશની ધરતીને એટલો જ પ્રેમ કરવો જોઇએ, જેટલો જનેતાથી. અરબીમાં ‘‘ હુબ્બુલ વતનિ મિન લ ઇમાન ‘‘ નો મતલબ જ એ છે કે વતનથી પ્રેમ એ મુસલમાનના ઇસ્લામનો એક ભાગ છે.
પયગંબર મુહમ્મદ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ જયારે તેમનું વતન મક્કા છોડી મદીના હિજરત કરી રહયા હતા, ત્યારે મક્કાથી બહાર નીકળી અફસોસ સહિત જે ઉદગારો તેમના મુખેથી નીકળ્યા તે આ હતા, હે મક્કા તારો વિરહ મને કદાપિ સ્વીકાર્ય ન હોત, જો તારા રહેવાસીઓ મારી સાથે અપમાનજનક વર્તાવ ન કરતા હોત.
પયગંબર મુહમ્મદ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમના અનુયાયીઓ અન દેશપ્રેમને ધર્મનો જ અંશ માનનારા મુસલમાનોને જો કોઇ એમ કહે કે તમારામાં દેશ પ્રેમ નથી તો સો વારના પ્રયાસો પછી પણ તેના કથનને તે પૂરવાર ન કરી શકે.
અત્રે યાદ રાખવું ઘટે કે દેશપ્રેમ કે રાષ્ટ્રપ્રેમ એ કોઇ કપડાંનો યુનિફોર્મ નથી, યુનિવર્સિટીની ડીગ્રી નથી, કોઇ પરવાનો કે લાયસન્સ નથી કે તમે એ ધારણ કરી લો, ખભે લગાવી દો, ગળે લટકાવી દો કે દીવારે કોતરાવી નાંખો એટલે પત્યું. પ્રેમ તો દિલમાં હોય છે, અને જાહેર રૂપે એના વ્યકત થવાના અનેક સાધનો છે. દેશપ્રેમના ગીતો ગાવા પણ એક સાધન છે. પણ જો કોઇ માણસ દેશપ્રેમના બદલે ભગવાનના ભજનને દેશપ્રેમમાં ખપાવવા માંડે તો પછી એ ભજન તો પૂજારીએ જ ગાવું રહ્યું.
આવું જ કંઇક ‘ વંદે માતરમ ‘ ગીત બાબતે છે. એમાં દશેની અને વતનની ધરતી પ્રત્યે પ્રેમ વ્યકત કરવામાં આવ્યો છે, એ બરાબર. પણ એમાં એથી આગળ વધીને ધરતીને માતા કે દેવી ગણી એની વંદના-ઇબાદત કરવાનો એકરાર છે. માટે આ ગીત રાષ્ટ્રપ્રેમનું ન હોય રાષ્ટ્રપૂજનનું છે, હિંદુઓ ચાહે તો ધરતીમાતાનું અલગ મંદિર બનાવી એમાં ધરતીના ગોળાને દેવી રૂપે સ્થાપી વંદે માતરમનું ભજન ગાય, પણ અલ્લાહ સિવાય અન્ય કોઇને પણ નહીં પૂજનાર મુસલમાનોથી આવી માંગણી ન કરી શકાય.
એમ જોવા જઇએ તો આ ગીત બાબતે અનેક સળગતા પ્રશ્નો છે,
લોકો જાણે જ છે કે પહેલાં ફિલમના આરંભે અને અંતમાં વંદે માતરમ વગાતું હતું, પણ કોઇ ઉભું થતું ન હતું એટલે કોર્ટે બંધ કરાવ્યું ! આજે પણ સંસદમાં આરંભે અને અંતે આ ીત ગવાય છે, પણ એનાથી જે રાષ્ટ્રપ્રેમનો જુસ્સો ઉભરાય છે તેનાથી સંસદનું કીંમતી ફર્નિચર રોજ તૂટે છે. અધિકારીઓ, સાહેબો, વેપારીઓ વારે – તહેવારે આ ગીત ગાય છે, અને પછી ખુરશી પર બેસી ભ્રષ્ટાચાર કરે છે. રાજકરણીઓ આ ગીત બાબતે જુસ્સાદાર નિવેદનો કરે છે, પછી નાગરિકોની લાશો પર ગીધોની મિઝબાની ઉડાવે છે.
મુળ વાત એ છે કે પૂર્વાગ્રહથી ભરેલ, ગંદુ માનસ ધરાવતા અમુક વિશેષ તત્વો ફકત અને ફકત મુસલમાનોના વિરોધ ખાતર આ મુદ્દાને ચગાવે છે. આજકાલ આ મુદ્દો ગરમ છે એટલે લેખકોને પણ ટોપિક મળી ગયો છે, અનેક નામી અનામી મુસલમાન નેતાઓના નામ લઇ એમની સાથે વંદેમાતરમનું ગાન જોડી દેવાનો પ્રયાસ કરવામાં આવે છે. મોલાના આઝાદ , હસરત મોહાની કે અન્ય જે કોઇ હોય, એ બધા કંઇ મુસલમાનોના ધાર્મિક ગુરૂઓ નથી, રાજકીય નેતાઓ છે, તેઓ વંદે માતરમને આપત્તિજનક ન સમજતા હોય તો એ એમનો મત છે, અન્ય મુસલમાનો એનાથી સંમત હોત તો આજ સુધી એનો વિરોધ બાકી ન રહેત. મોલાના આઝાદનું નામ લેનારા કેમ ભૂલી જાય છે કે એમણે તો ભાગલાનો પણ વિરોધ કર્યો હતો, ગાંધીજી અને સરદાર શા માટે માની ગયા ? ભારતના માથે કેટલું દેવું છે ? એ કોના તાગડધિન્ના કરવાથી ચડયું છે ? હે રાષ્ટ્રપ્રેમીઓ એનો ઉકેલ લાવો, પરિષદ અને સંઘ એની સંપત્તિ દેશને બખ્શી દે . પ્રજાનો કરોડોનો ટેકસ કયાં જાય છે ? કંપનીઓનો અરબોનો નફો કયા માલેતુજારો સમેટી જાય છે? સરકારી ગ્રાન્ટો, ફંડો, અને લોનો કોણ ઓહિયા કરી જાય છે ? મુસલમાનો જ કે પછી રાજકરણીઓ ? વંદેમાતરમ ગાનારા કે બીજા કોઇ ?
વિચારવા લાયક બાબત આ પણ છે કે દેશની એક ચતુર્થાંશ વસતીને જેના પ્રત્યે અણગમો છે તે ગીતને શા માટે આપણે રાષ્ટ્રગીતનો દરજો આપી રાખ્યો છે ? આતો એવું થયું કે રાષ્ટ્રપ્રેમ વ્યકત કરવાનું માધ્યમ જ રાષ્ટ્રવાસીઓના અણગમા અને જુથવાદ માટે કારણભૂત બની રહયું છે.
હિંદુ ધર્મમાં તો પતિ , આગ, નાગ, પથ્થર પાણી, ગાય અને ગરૂડ બધાં જ દેવ – દેવીઓ છે, રાષ્ટના આ બધા જ અવયવો પૂજવા-ભજવા પર કોઇ અન્ય ધર્મીને કેવી રીતે બાધ્ય કરી શકાય ?
Thursday, August 10, 2006
સુરતને સહાય.
Tuesday, August 08, 2006
નમાઝની રીત - ૨
રૂકુઅમાંથી સીધા ઉભા થઇ સજદહમાં જવાનું હોય છે,
સજદહ એટલે અલ્લાહ સમક્ષ માથું જમીન પર ટેકવી અલ્લાહ સામે તેની મોટાઇ અને આપણી તુચ્છતા-અલ્પતાનો એકરાર કરવો.
સજદહમાં દુઆ પઢવાની હોય છે, ‘ સુબ્હાન રબ્બિયલ અઅલા ‘ પવિત્ર છે, સૌથી મહાન પરવરદિગાર . રુકૂઅમાંથી સીધા જ કે વાંકા વાંકા સજદહમાં જવું ખોટી રીત છે,
સજદહમાં જવાની સહીહ રીત સજદહમાં જવાની ખોટી રીત.
સજદહમાં જઇ પીઠ થોડી એટલી લાંબી કરો, કે સીધી થઇ જાય, માથાની બન્ને બાજુ કાનોની નીચે આવે એવી રીતે હાથ મૂકો.
પાછળ પગોના પંજા ઉભા અને આંગળીઓ જમીન પર લાગેલી રહે, અધ્ધર ન રહે, એ યાદ રાખો.
સજદહની સહીહ રીત
ખોટી રીત. સજદહ પછી આવે છે, ‘ કાએદહ ‘
કાએદહ એટલે બેસવું, અલ્લાહ સામે જ બેઠા હોઇએ એ ધ્યાનમાં રાખી અદબથી બેસવું જરૂરી છે, એટલે કે હાથ સીધા પગ ઉપર ગુંથણ પાસે મુકો, આંખો ખોળામાં ઢાળેલી રાખો. અને પાછળ ડાબા પગનો પજો આડો પાડી એના પર બેસો. અને જમણા પગનો પંજો ઉભો રાખો.
કાએદહમાં બેસવાની સહીહ રીત.
ખોટી રીત
Monday, July 24, 2006
prayer times
ભારતના ૪૬ હઝારથી વધુ ,
દરેક સ્થળના અક્ષાંશ રેખાંશ સાથે,
દરેક મુસલમાને વિઝિટ કરવા જેવી સાઇટ...
www.islamicfinder.org.
Saturday, June 24, 2006
નમાઝ પઢવાની રીત
(2) હવે નિય્યત કરે.
નિય્યત દિલમાં કરવાની હોય છે. મોઢેથી બોલવું જરૂરી નથી, નમાઝ વેળા એટલું વિચારે કે હું ફલાણી (ફજર કે ઝોહર....) નમાઝ પઢું છું, તો આ નિય્યત થઇ ગઇ. નમાઝ ફરજ કે સુન્નત કે વાજિબ હોય તો એ પ્રમાણે નિય્યત કરે.
(3) હવે તકબીરે તહરીમા ( અલ્લાહુ અકબર ) કહેવાની સાથે હાથ કાનો સુધી ઉઠાવે. હથેળી કિબ્લા તરફ હોય, હાથ એટલા ઉંચા કરે કે અંગુઠા કાનો સુધી આવી જાય.
(4) ત્યાર પછી હાથ નીચે લાવી ડૂંટી નીચે બાંધી દે. જેની રીત આ છે કે જમણા હાથના અંગૂઠો અને છેલ્લી આંગળી એના વચ્ચે ડાબા હાથને પકડે અને વચ્ચેની ત્રણેવ આંગળીઓ ડાબા હાથની કાંડા પર મૂકી દે.
હવે બિલ્કુલ સીધા ઊભા રહે, આમ ઊભા રહેવાને ‘કિયામ‘ કહે છે. આ દરમિયાન આંખો સજદહની જગા સમક્ષ ઢાળેલી રાખવામાં આવે. બંધ ન કરવામાં આવે. અને બને ત્યાં સુધી હલન ચલન વગર શાંત ઊભા રહેવું આવશ્યક છે. યાદ રાખો તમે સર્વશક્તિમાન અલ્લાહ તઆલાના દરબારમાં ઊભા છો, અને તેના સમક્ષ ઊભા રહેવા માટે સંપૂર્ણ રીતે અદબ અને સ્વસ્થતા હોવી જરૂરી છે, કિયામમાં સૌપ્રથમ ‘ષના‘ દુઆ પઢે. ત્યાર પછી સૂરએ ફાતિહા ( અલ્હમ્દુલિલ્લાહિ... ) અને પછી કોઇ અન્ય સુરત અથવા કુર્આન શરીફની કોઇ પણ ત્રણ આયતો પઢે..
(5) કિયામ પછી હવે રુકૂઅ ..
કમરે થી વાંકા વળી
પીઠ બિલ્કૂલ સીધી,
આંખો અને મોઢું નીચું,
પગ ટટ્ટાર રાખી હાથના પંજા વડે ઘુંટણોને પકડી
અલ્લાહ સામે ઝૂકવાને રુકૂઅ કહે છે.
Tuesday, June 06, 2006
જિહાદ કે મહાભારત
ઉપરોક્ત વિષયના અનુસંધાનમાં અત્રે એક લેખ ‘ જિહાદ ‘ વિશે પ્રસ્તુત છે, મુળ આ લેખ મારી એક નાનકડી પુસ્તિકા ‘ કુર્આનની ૨૪ આયતો ‘ નો એક ભાગ છે. થોડા સમય પહેલાં અમુક લોકો તરફથી કુર્આનની ૨૪ આયતોને ટાંકીને એનો વિકૃત અર્થ ( અનર્થ) રજૂ કરી કુર્આન વિશે અઘટિત માંગણીઓ કરવામાં આવી હતી, તેના અનુસંધાનમાં કુર્આનની તે ૨૪ આયતોનો સાચો અર્થ અને વ્યાખ્યા સમજાવવા ખાતર એ પુસ્તિકા સંપાદન કરી લોકોમાં વહેંચવામાં આવી હતી.
જો કોઇ માણસ ઇચ્છે તો નીચેના સરનામેથી ફ્રી મંગાવી શકે છે, અત્રે સ્ટોક હશે તો મોકલવામાં આવશે, અથવા તમારી માંગણીને જમા રાખી જયારે પુસ્તિકા ફરીથી છપાશે ત્યારે મોકલવામાં આવશે , પાછલા ત્રણ વર્ષોમાં ત્રણ એડિશન ( પાંચ હઝાર પ્રત ) છપાય ચૂકયાં છે.
JAMIAH ULOOMUL QURAN , JAMBUSAR
AT & PO. JAMBUSAR. DIST BHARUCH
GUJARAT , 392150
INDIA, TEL : 91 2644 220786
E MAIL : jamia@satyam.net.im
આ પુસ્તિકા pdf ફાઇલ સ્વરૂપે સુવાસ ડાઉનલોડ સેન્ટર ઉપર પણ ઉપલબ્ધ છે. ત્યાંથી ડાઉનલોડ કરી શકાય છે.
જિહાદ કે મહાભારત
આજ કાલ જિહાદ શબ્દને ખૂબ વગોવવામાં આવી રહ્યો છે. અને ફકત શબ્દ જ નહી , ઇસ્લામી શરીઅતમાં જિહાદના આદેશ અને સ્થાનને પણ ખોટી રીતે જોવામાં આવી રહ્યાં છે. એટલો કાદવ કીચડ ઉછાડવામાં આવ્યો છે કે આ શબ્દ ગાળનો બીજો પર્યાય બની ગયો છે. અને ૧૧ સપ્ટેમ્બરના હુમલાઓ બાદ તો આંતકવાદ અને જિહાદને સમાનાર્થી શબ્દો સમજી લેવામાં આવ્યા છે. આંતર રાષ્ટ્રીય પ્રચાર માધ્યમો આજકાલ ઇસ્લામના જન્મજાત શત્રુઓ ( ઈસાઈઓ-યહૂદીઓ)ના પ્રભુત્વ હેઠળ છે , જેમનો પ્રથમ અને છેલ્લો પ્રયાસ એ જ રહે છે કે કોઇ પણ રીતે ઇસ્લામની નિર્મળ અને પવિત્ર માન્યતાઓ , જીવનમંત્રો , માર્ગદર્શનો , અને આચાર વિચાર સંબંધી સ્પષ્ટ નિર્દેશનોને વિશ્વ સમક્ષ આવતા રોકવામાં આવે . ઉપરાંત આ ઇસ્લામ વિશે ભ્રામકતાઓ પ્રસરાવા માટે પણ બનતા બધા જ પ્રયત્નો કરવામાં આવે છે. આજકાલ ગ્લોબલ વિશ્વમાં તો લગાતાર ઇસ્લામ અને મુસલમાનોને ભૂંડા ચીતરતી ફિલ્મો , નવલકથાઓ અને નેતાઓના જોરદાર ભાષણો દ્વારા આ કાર્ય અંજામ આપવામાં આવી રહ્યું છે.
જિહાદ શબ્દ અરબીના ‘જ-હ-દ‘ પરથી બન્યો છે. જેનો શાબ્દિક અર્થ છે , મહેનત , પ્રયાસ અને કોશિશ . અને ઇસ્લામી પરિભાષામાં જિહાદ (જેહાદ) નો અર્થ છે , અલ્લાહ ખાતર , ધર્મની સ્થાપના અને દઢ્તા ખાતર વ્યક્તિગત મર્યાદામાં રહી કે એથી આગળ વધી સમાજ કે પ્રદેશ સુધી કે એનાથી પણ વિસ્તરી વધુ આગળ સુધી પ્રયાસ કરવો. તેમજ જરૂર પડે તો શક્તિ , સામર્થ્ય અને બળનો પ્રયોગ કરવો. માટે જ મનને કેળવવા અને તેના પર કાબૂ મેળવવાને ‘ જિહાદે અકબર ‘ (શ્રેષ્ઠ િજહાદ) કહેવામાં આવ્યું છે. (હદીસ)
વધુ સ્પષ્ટ રીતે કહીએ તો જિહાદ મુસલમાનોની એક સામુહિક ફરજ અને ઇબાદત છે, અને ઇબાદત સ્વરૂપે એને બજાવવામાં ધર્મ, કોમ અને સમાજહિતના બધા જ કાર્યો ચાહે તે બહુ લક્ષી હોય કે ધ્યેય આધારિત હોય જેમ કે શત્રુ હત્યા વગેરે જે હોય તે , એમાં શામેલ છે.
એટલે કે જિહાદ ફકત લડાઇ કે યુદ્ધનું જ નામ નથી. બલકે સમાજ, કોમ, મિલ્લતના વિકાસ અને રક્ષા કાજે કરવામાં આવતા દરેક પ્રયાસો જિહાદ કહેવાય. શિક્ષણ મેળવવું , સાર્વજનિક સેવાના કાર્યો કરવા, ધર્મ કાજ સંપત્તિ ખર્ચ કરવી, અત્યાચારી સત્તાધીશ સામે છાતી ઠોકી સત્યોચ્ચાર કરવો, અને જરૂર પડયે લડાઇ કરવી ; આ બધું જ જિહાદ કહેવાશે.
ઉપરોક વિગત દર્શાવે છે કે ધર્મકાજેની મહેનતનું નામ જિહાદ છે અને લડાઇ એનો એક ભાગ છે.
જિહાદ એટલે લડાઇ યુદ્ધ
યાદ રાખવું જોઇએ કે ઇસ્લામી પરિભાષામાં જ્યારે િજહાદ શબ્દ પ્રયોજવામાં આવે અને તેના આગળ પાછળ અન્ય કોઇ અર્થ નકકી કરતી ચર્ચા ન હોય તો આ શબ્દ ફક્ત અને ફક્ત લડાઇ અને યુદ્ધ માટે જ વપરાય છે. (જસ્ટીસ તકી ઉસ્માની , તકમિલહ ફત્હુલ મુલ્હિમ ૩/૪)
આ જ લડાઇના અર્થમાં જિહાદ રક્ષણાત્મક અને આક્રમક બન્ને પ્રકારના યુદ્ધ માટે વપરાય છે. ઇસ્લામી દ્રષ્ટિએ બન્ને પ્રકારે યુદ્ધ અવસર પ્રમાણે ધાર્મિક ફરજ છે. જેમ વતનની રક્ષા કાજે અવસર પ્રમાણે રક્ષણાત્મક અને આક્રમક બન્ને પ્રકારની લડાઇ વતનવાસીઓની ફરજ છે.
જિહાદ સંબંધી બીજી એક સ્પષ્ટતા એ કરવાની છે કે ઇસ્લામમાં જિહાદનો મુખ્ય ધ્યેય સત્ય સ્થાપના, અત્યાચારનો ખાતમો અને અલ્લાહના આદેશોને સર્વોપરી બનાવવાનો છે , ફક્ત પ્રદેશો જીતવા , માલ સંપત્તિ મેળવવા , શોર્ય પ્રદર્શન અને નામના મેળવવા કે જૂથવાદ ખાતર લડવાનું નામ જિહાદ નથી. તેનો અર્થ એવો પણ નથી કે સત્ય સ્થાપનાના નામ પર, અલ્લાહના આદેશોને સર્વોપરિ બનાવવાના બહાને લોકોની ધાર્મિક સ્વતંત્રતા છીનવી લેવામાં આવે . બલકે ઇસ્લામી શાસનની ધૂરા સંભાળતા સત્તાધીશો પર જરૂરી છે કે દરેકને તેની મરજી પ્રમાણે ધર્મ પાળવાની છૂટ આપે.
અન્ય ધર્મીઓ મુસલમાનની નજરે એકેશ્વરવાદ ( તવહીદ) અને મહઝરત મુહંમદ સાહેબ ( સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)ને પયગંબર માની એમનું અનુસરણ ન કરવાના કારણે મુસલમાન નથી, આવા લોકો જો અલ્લાહ સિવાય અન્ય માબૂદોને પૂજતા હોય તો એમને કાફિર – મુશરિક કહેવાય છે. અને એમના અલ્લાહ સિવાય અન્યોને પૂજવાને શિર્ક કહેવામાં આવે છે.
શિર્ક એટલે કે અલ્લાહ સિવાય અન્યોને અલ્લાહના સમકક્ષ ( સંપૂર્ણ કે આશિંક રીતે ) ગણી એની ઇબાદત કરવી , પૂજા કરવી , એ ઇસ્લામી દ્રષ્ટિએ ભયંકર ગુનો અને અક્ષમ્ય અપરાધ છે. આ અપરાધ માણસનો વ્યક્તિગત હોય ઇસ્લામી સત્તા કે કે મુસલમાન હાકેમ કોઇ માનવીને એ છોડવા ઉપર મજબૂર કરી શકશે નહિં. બીજું કે આ અપરાધ ધર્મ સંબંધી હોય એની શિક્ષા અલ્લાહ તઆલા પોતે જ આખિરતમાં આપશે, દુનિયામાં મુસલમાને એ માટે અલ્લાહ તઆલાએ કંઇ કરવાનો અધિકાર નથી આપ્યો.
પરંતુ અત્યાચાર, અન્યાય ભેદભાવ , અસલામતી , ખૂનામરકી, સામાજિક દુષણો, કુરિવાજો, અને બહુ નુકસાનકારક પ્રણાલીકાઓ જે ઇસ્લામના વિચારબિંદુ સાથે મેળ ન ખાતી હોય ,તે જરૂર અક્ષમ્ય અને અસ્વીકાર્ય છે, અને શકિત પ્રાપ્ત થતાં તેને નષ્ટ કરવાના પ્રયત્નો કરવા આવશ્યક છે.
આ જ વાત કુર્આનમાં અલ્લાહ ફરમાવે છે ,
આ તો લોકો છે, જેમને અમે ધરતી પર સામથ્ય આપીએ છીએ તો નમાઝ (ની પ્રથા ) સ્થાપે છે, ઝકાત આપે છે, તેમજ લોકોને સત્કર્મોનો આદેશ આપે છે, અને કુકર્મોથી રોકે છે.
હઝરત મવલાના ઇદરીસ કાંધલવી (રહ.) લખે છે ,
‘‘ઇસ્લામ તેના શત્રુઓના અસ્તિત્વ માત્રનો વિરોધી કદાપિ નથી, બલકે શત્રુની એવી શકિતનો વિરોધી છે, જે ઇસ્લામ કે મુસલમાનો માટે જોખમરૂપ હોય.
આધુનિક વિશ્વના બધા જ દેશો સ્વીકારે છે કે પ્રાણ સંપત્તિ , આબરૂ અને સ્વબચાવ ખાતર લડવું માનવીનો બુનિયાદી અધિકાર છે, પરંતુ કોણ જાણે કેમ મુસલમાનો માટે આ અધિકાર સ્વીકારવામાં કંજુસાઇ કરવામાં આવે છે. ..... ઇસ્લામી જિહાદનો આશય એ છે કે સચ્ચાઇ, ન્યાય અને સમાનતા વિશ્વમાં સર્વોપરી રહે, સ્વાર્થી નેતાઓ કે પક્ષો વિશ્વશાંતિને ખલેલ ન પહોંચાડે.‘‘ ( સીરતે મુસ્તફા , ર/ ર૬-ર૭ )
જિહાદ કેવી પરિસ્થિતિમાં ?
હઝરત મુહંમદ પયગંબર સાહેબ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમના જીવનમાંથી બોધ ગ્રહણ કરી મુસ્લિમ વિદ્વાનોએ ચાર વિવિધ સંજોગો દર્શાવ્યા છે, જે શકયતઃ માનવીના જીવનમાં ઉદભવી શકે છે.
(૧) કોઇ સ્થાને મુસલમાનો અત્યંત નિર્બળ હોય, શત્રુના અત્યાચારથી બચવાની શકિત અને પ્રતિકાર માટે સમર્થ ન હોય, સર્વ સત્તા અને આધિપત્ય અન્યોના હાથમાં હોય, તો આવી પરિસ્થિતિમાં સબર કરી ત્યાં જ રહેવા અથવા ત્યાંથી હિજરત કરી અન્ય સ્થળે ચાલ્યા જવું જોઇએ. આવી સ્થિતિમાં જિહાદ- લડાઇનો આદેશ નથી, પયગંબર મુહંમદ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ જયાં સુધી મક્કામાં હતા, આપને જિહાદનો આદેશ ન આપતાં સબર અને ક્ષમાની શીખ આપવામાં આવી છે.
(ર) જયાં મુસલમાનો કંઇક શક્તિ ધરાવતા હોય, અને એવી સ્થિતિમાં હોય કે શત્રુનો પ્રતિકાર કરી એના અત્યાચારનો બદલો લઇ શકે , અથવા પૂર્વ તૈયારી રૂપે એના જોખમથી રક્ષણ મેળવી શકતા હોય તો સમય અને પરિસ્થિતિ પ્રમાણે અત્યાચારીઓ – શત્રુઓની ઘેરાબંદી અને એમને ક્ષતિ-હાનિ પહોંચાડવાની છૂટ છે. પરંતુ આવું કરવું આવશ્યક કે જરૂરી નહિ, બલકે જાઇઝ એટલે કરી શકાય છે.
જેમ કે મકકા થી હિજરત કર્યા બાદ મદીનામાં સ્થાયી થઇ આપ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમે કાફિરોથી લડવાનું શરૂ કર્યું, જિહાદનો આ પ્રારભિક દોર કહી શકાય.
(૩) મુસલમાનો એક શકિતનું કેન્દ્ર બની જાય અને જો કોઇ એમના પર અત્યાચાર કરે, અન્યાયથી વર્તે, તો મુસલમાનોએ શકિત મુજબ શત્રુનો પ્રતિકાર અને અત્યાચારને ખતમ-નષ્ટ કરવા મેદાનમાં આવવું ફરજ છે. આને જ આપણે રક્ષણાત્મક જિહાદ કહીશું.
(૪) જયાં મુસલમાનોને સ્પષ્ટ સત્તા – શાસન પ્રાપ્ત હોય, ત્યાં ઇસ્લામી સત્તાને દઢ બનાવવા અને કાફિરો – અધર્મીઓની અત્યાચારયુક્ત વ્યવસ્થા તોડવાના ભરપૂર પ્રયાસ કરવામાં આવશે. આવી પરિસ્થિતિમાં શત્રુ તેના ધર્મ પર અડગ રહીને જ ઇસ્લામી શાસન હેઠળ વ્યક્તિગત રીતે અથવા સંધિ કરી સરકારી રાહે જજિયાવેરો આપે, અથવા સમાનતાના ધોરણે ના યુદ્ધના કરાર કરવામાં આવશે.
પરંતુ યાદ રાખવું જોઇએ કે આ પ્રકારના જિહાદનો આદેશ લોકોને બળાત્કારે મુસલમાન બનાવવા માટે નથી, બલકે તેનો આશય અલ્લાહની જમીન પર અલ્લાહના આદશો અને વ્યવસ્થાની સ્થાપના કરવી છે.
હદીસ શરીફમાં છે , જો કોઇ મુસલમાન ઇસ્લામી દેશમાં રહેતા કાફિરની વાંક ગુના વગર હત્યા કરશે તો ચાલીસ વરસના અંતરથી આવતી સ્વર્ગની સુગંધથી પણ તે વંચિત રહેશે. (મિશ્કાત , ૨૯૯) ઉપરાંત આવા હત્યારાને પણ બદલામાં કતલ કરી દેવામાં આવશે.
એક સ્પષ્ટતા
જિહાદના આશય , ધ્યેય અને ઉદ્દેશ સંબધી ઉપરની વિગત ઇસ્લામના આરંભેથી જ મુસ્લિમ વિદ્વાનોમાં સર્વસ્વીકાર્ય ચાલતી આવી છે, પરંતુ હવે આ છેલ્લી ચૌદમી સદીમાં ઘણા લોકો પશ્ચિમની વિચારધારાથી પ્રભાવિત થઇ જિહાદ વિશેના તેમના અપ્રચાર અને પ્રોપેગન્ડાથી અંજાયને કહે છે કે જિહાદ ફકત રક્ષણાત્મક લડાઇનું જ નામ છે. જે સદતર ખોટું, અવાસ્તવિક અને ઇસ્લામી માન્યતાઓથી વિપરીત છે. યુરોપ અને પશ્ચિમના જે દશોના માનવાધિકારો સંબંધી હોબાળાથી અંજાયને લોકો આ પ્રમાણે કહેતા હતા અથવા હજુ કહે છે તેમને ધીરે ધીરે સમજાવા માંડયું છે કે માનવાધિકાર, પ્રથમ આક્રમણ ન કરવાની પ્રતિજ્ઞા, ફકત સ્વબચાવ, વગેરે વાતો સગવડિયા નિયમોનું નામ છે. આજે એ જ યુરોપ અને પશ્ચિમના રાષ્ટ્રો ફક્ત માલ, સંપત્તિ, વેપાર અને આર્થિક લાભો સામે રાખી ગરીબ દેશોને કરજમાં ડુબાડે છે, અથવા અંદરો અંદર લડાવે છે, કાં સ્વયં આક્રમણ કરી પોતાનો ઉલ્લુ સીધો કરે છે, આજની વૈશ્વિક પરિસ્થિતિ જોતાં કોઇને હવે શંકા ન રહેવી જોઇએ કે સ્વબચાવ ખાતર રક્ષણાત્મક કે આક્રમક જે રીતે પણ થઇ શકે , લડવું એ કોઇ પણ દેશ, સમાજ, વ્યકિતનો બુનિયાદી અધિકાર છે.
જિહાદનો આશય લોકોને પરાણે મુસલમાન બનાવવું નથી,
જિહાદ લોકોને પરાણે મુસલમાન બનાવવા માટે નથી, બલકે ઇસ્લામની પ્રતિષ્ઠા અને સન્માનની સ્થાપના માટે છે. પરાણે કે બળાત્કારે સ્વીકારેલો ઇસ્લામ સ્વીકાર્ય પણ નથી. બાહ્ય રીતે ઇસ્લામ દર્શાવનાર અને અંતરથી નહિ સ્વીકારનારને મુસલમાન નહિ, મુનાફિક કહેવામાં આવે છે. માટે લોકો પર પરાણે ઇસ્લામી ઠોકી બેસાડવાનો કોઇ અર્થ નથી, ઇસ્લામમાં અન્ય ધર્મીઓથી જજિયાવેરો વસૂલ કરવો અને એમના સાથે સુલેહ સંધિ કરવાના આદેશો અન નિતી નિયમો પણ સ્પષ્ટ કરે છે કે ઇસ્લામ અન્યધર્મીઓના સહઅસ્તિત્વને સ્વીકારે છે.
કર્આનમાં અલ્લાહ તઆલા ફરમાવે છે,
જો અલ્લાહ ઈચ્છત તો ધરતી પર બધા જ ઇમાન લઇ આવત. ( મુસલમાન બની જાત.) શું તમે લોકો પર દબાણ કરશો કે તેઓ મોમિન-મુસલમાન બની જવાય ? ( સૂરએ યૂનુસ ૯૯)
જે ઇચ્છે તે ઇમાન લાવે અને જે ચાહે તે કુફ્ર કરે . ( સૂરએ કહફ ૨૯)
દીન ( ધર્મ )ના વિશે બળજબરી નથી, કારણ કે હિદાયત પોતે જ ગુમરાહીથી નોખી તરી આવે છે. (સૂરએ બકરહ ર૫૬)
Monday, May 29, 2006
નમાઝ માટેની પૂર્વ શરતો
ઇસ્લામમાં સૌથી મહત્વની ઇબાદત ગણાય છે, કુર્આન માં અનેક વાર સ્પષ્ટ શબ્દોમાં નમાઝ પઢવાનો આદેશ આપવામાં આવ્યો છે. સુવાસમાં અગાઉ પણ નમાઝ વિશે માહિતી આપવામાં આવી ચૂકી છે.
નમાઝ માટે પૂર્વ તૈયારી રૂપે અમૂક ચીજો જરૂરી છે.
(૨) માણસનું શરીર ચોખ્ખું – સ્વચ્છ હોય. અહિંયા પાક ચોખ્ખા હોવાનો મતલબ એ છે કે શરીઅતના આદેશ પ્રમાણે જો જરૂરત હોય તો નહાઈ લેવામાં આવે. ( પત્ની સાથે સંભોગ કર્યા પછી કે સ્વપ્ન દોષ પછી નાહવું શરીઅત પ્રમાણે જરૂરી છે. તે વગર માણસ નાપાક ગણાય છે. )અને નાહવાની જરૂરત નથી તો વુઝૂ કરવામાં આવે. (કોગળો કરવા, હાથ, મોં, પગ ધોવા વગેરેને વુઝૂ કહેવામાં આવે છે. આ વિશે બીજી કોઇ વખત વિગતે જણાવવામાં આવશે, ઇન્શાઅલ્લાહ.)
(૩) કપડાં પાક – સ્વચ્છ હોય. એટલે કે તેના પર કોઇ નાપાકી, મળ – મુત્ર , લોહી વગેરેની ન હોય. ( કપડાં, પાણી વગેરેના શરીઅતના ધારા ધોરણ મુજબ પાક સ્વચ્છ હોવા વિશેનું એક સ્વતંત્ર પ્રકરણ અત્રે પાછળથી લખવામાં આવશે. ઇન્શાઅલ્લાહ.
આ છ બાબતોને નમાઝના બહારના ફરજો કહેવામાં આવે છે, બહારના એટલે નમાઝ રૂપી ઇબાદત શરૂ કરતાં પહેલાંની આવશ્યક બાબતો.
Monday, May 22, 2006
ઉતાવળ બુરી બલા છે.
નબીએ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમનું કથન છે,
ગંભીરતા (શાંતિ – શાલીનતા) અલ્લાહ તઆલા તરફથી છે, અને ઉતાવળ શયતાનથી સંબંધિત છે. (તિરમિઝી શરીફ)
ઉતાવળે આંબા ન પાકે,
ઉતાવળા તે સૌ બાવળા, ધીરા સૌ ગંભીર,
ધીરજના ફળ મીઠાં વગેરે કહેવતોનો આ જ મતલબ છે.
પૂરતી સાવચેતી, સોચવિચાર અને ગંભીરતાથી ધ્યાન દઇ કરવામાં આવતું કાર્ય સારી રીતે પૂરું થાય છે, તેમાં અલ્લાહની મદદ શામેલ થાય છે, એથી ઉલટું ઉતાવળે કરવામાં આવતા કામમાં કચાશ રહી જાય છે, કયાંક કાચું કપાય જાય છે, મનને શાંતિ અને બદનને આરામ પણ નથી મળતો,
માટે દરેક કામ શાંતિથી કરવું જોઇએ.
પરંતુ યાદ રાખવું જોઇએ કે શાંતિ ,ધીરજ, અને ગંભીરતાનો મતલબ સુસ્તી અને આળસ નથી, માટે કામ ન કરવા માટે ઉતાવળને બહાનું ન બનાવવું જોઇએ, આજનું કામ આજે જ કરવું જોઇએ, આવતી કાલ ઉપર ન છોડવું જોઇએ, આને ઉતાવળ ન કહેવાય.
ખુલાસો એ કે કામ માટે જેટલો સમય અને ધ્યાનની જરૂરત હોય તે આધારે કામ કરવું જોઇએ, એક હદીસમાં પયગંબર સાહેબ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમનું કથન છે કે શાંતિ અને ગંભીરતાથી રહો, અને ઉતાવળ ન કરો.
જરૂરત વગર દોડવું , સામાન્ય હાલતમાં પણ ચાલાવામાં બીજાથી આગળ વધવાની કોશિશ કરવી, જરૂરત વગરની ઉતાવળ કહેવાય.
શકય એટલું ધીરે બોલવું, ધીરે ચાલવું, કોઇને ધક્કો ન મારવો, કયાંક જવું હોય તો સમયથી થોડા વહેલાં નીકળી જવું, જેથી ગભરાવાનો મોકો ન આવે, આ બધું હદીસમાં તાકીદ કરવામાં આવેલ ગંભીરતા અને શાંતિમાં શામેલ છે.
Thursday, May 18, 2006
પહલે ઓરત જનતી થી, અબ સારા આલમ જનતા હે,
અબ સારા આલમ જનતા હે,
પહેલે ઘી સે સબ્જી બનતી થી,
અબ સબ્જી સે ઘી બનતા હે,
અમને આ બે શે‘ર અચાનક ત્યારે યાદ આવી ગયા, જયારે રીડગુજરાતી પર નીચેના શે‘ર વાંચવા મળ્યા.
ક્યાંથી હોય – અજ્ઞાત
વસ્ત્રો થઈ ગયા ટુંકા, લાજ ક્યાંથી હોય ?
અનાજ થઈ ગયા હાઈબ્રીડ, સ્વાદ ક્યાંથી હોય ?
નેતા થયા ખુરશીના, દેશ દાઝ ક્યાંથી હોય ?
ફૂલો થયા પ્લાસ્ટીકનાં, સુગંધ ક્યાંથી હોય ?
ચહેરા થયા મેકઅપનાં, રૂપ ક્યાંથી હોય ?
શિક્ષકો થયા ટ્યુશનીયાં, વિદ્યા ક્યાંથી હોય ?
ભોજન થયા ડાલડાનાં, તાકાત ક્યાંથી હોય ?
પ્રોગ્રામ થયા કેબલનાં, સંસ્કાર ક્યાંથી હોય ?
માણસ થઈ ગયો પૈસાનો, દયા ક્યાંથી હોય ?
ભક્તો થયા સ્વાર્થના, ભગવાન ક્યાંથી હોય ?
રીડગુજરાતી પરથી....
સાથે જ પ્રસ્તૃત છે, મુહંમદ ભાઇ ભૈડુએ મોકલાવેલ એક નઝમ ( કવિતા )
ગમ લઈ ફરુછુઁ.
તૌહીદી છુઁ તૌહીદનો પરચમ લઈ ફરુઁછુઁ.
ઈમાનની દઅવત હુઁ હરદમ લઈ ફરુઁછુઁ.
આકાએ દોજહાન સદા મીરે કારવાઁ,
આ ઉમ્મતે મરહુમનો હુઁ ગમ લઈ ફરુઁછુઁ.
જ્યારે નિહાળુઁ બેઅમલી બેખોફનો આલમ
દિલને સળગતુ આંખને હુઁ નમ લઈ ફરુઁછુઁ.
જાન,માલ,દિલ, સમય જે કઁઈ બધું છે લૈ,
લાઈલાહા-ઈલ્લલાહ નો દમ લઈ ફરુઁછુઁ
મારા તમામ પાપને બખ્શીદો યા ખુદા,
હુઁ’વફા” મુજ આકેબતનો ગમ લઈ ફરુઁછુઁ
મોહમ્મ્દઅલી ભૈડુ”વફા”
ટોરંટો,કેનેડા 14મે,2006.
શબ્દવિહાર,
તૌહીદી - એકેશ્વરવાદી.
આકાએ દોજહાન - બે જહાન (વિશ્વ)ના સરદાર એટલે આ લોક અને પરલોબના સરદાર ( પયગંબર સાહેબ
માટે વપરાતી ઉપમા)
આકેબત - આખેરત , મરવા પછી ફરી જીવંત થઇ અલ્લાહ સમક્ષ હિસાબ કિતાબ આપવાની ઘડી.
Wednesday, May 17, 2006
બિસ્મિલ્લાહ .. એટલે ..... (સુવાસ)
‘બિસ્મિલ્લાહ‘નો અર્થ થાય છે, અલ્લાહના નામથી.
આ ટુંકું વાક્ય છે, આખું વાક્ય આ પ્રમાણે છે,
બિસ્મિલ્લાહિર્રહમાનિર્રહીમ.
بسم اللہ الرحمن الرحیم
આ આખા વાક્યનો અર્થ થાય છે કે ,
શરૂ કરું છું હું અતિકૃપાળુ , મહાન દયાળુ અલ્લાહના નામથી.
નબીએ કરીમ હઝરત મુહંમદ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ પણ દરેક કામના આરંભે આ શુભ વાક્ય જરૂર ઉચ્ચારતા હતા.
આમ કરવામાં એક ખૂબી આ છે કે અલ્લાહના બે મહત્વના ગુણો ‘ રહમાન ‘ (અતિ દયાળુ) અને ‘ રહીમ ‘ (અતિ કૃપાળુ) ના ઉલ્લેખ લઇ કાર્ય શરૂ કરનાર માણસ અલ્લાહના નામ અને ગુણો દ્વારા તેની તેની અલ્લાહ પ્રત્યની નિખલાસતા, ધ્યેયની પ્રવિત્રતા અને સત્યનિષ્ઠાનો એકરાર કરે છે.
કુર્આનમાં પણ દરેક સુરત (પ્રકરણ)ના આરંભે બિસ્મિલ્લાહ...નું વર્ણન છે.
પૂરા વાક્ય ‘બિસ્મિલ્લાહિર્રહમાનિર્રહીમ‘ ની ટુંકી સમજ અત્રે અમે આપીએ છીએ.
‘ બિસ્મ ‘ ‘ નામથી ‘ એટલે કે નામની મદદ અને સહાય..
‘ અલ્લાહ ‘ આ અલ્લાહ તઆલાનું વિશેષ નામ છે. અલ્લાહ સિવાય કોઇ અન્ય વિશે આ નામનો ઉપયોગ કરી શકાય નહી. ફારસીમાં ‘ ખુદા ‘ અને અંગ્રેજીમાં ગોડ શબ્દ અલ્લાહ માટે વપરાય છે, પરંતુ ફારસી-અંગ્રેજીના આ શબ્દો અન્યો માટે પણ વપરાય છે. જેમ કે મોટા માણસ માલિક, શેઠ માટે ખુદાવંદ, ગોડફાધર વગેરે રૂપે બોલાય છે. અરબીમાં અલ્લાહ શબ્દ કોઇ અન્ય માટે વપરાતો નથી. માટે જ અન્ય ભાષામાં એનો ઉચિત સમાનાર્થી શબ્દ મળવો પણ મુશ્કેલ છે.
‘ રહમાન -રહીમ ‘ આ બે શબ્દો ‘રહમત! પરથી બન્યા છે.
‘રહીમ ‘ પણ અલ્લાહનું ગુણવાચક નામ છે, રહમતમાં અતિશ્યોકિત દર્શાવે છે, એટલે કે વારંવાર રહમત કરવાવાળો.
આ બન્ને ગુણવાચક નામોનો ખુલાસો વર્ણવવામાં આવે તો કહી શકાય કે રહમતની વિપુલતા અને અતિમાત્રા તો રહમાનના ગુણ દ્વારા બતાવાવમાં આવી, અને વારેઘડીએ રહમત વરસવાને ‘ રહીમ ‘ના ગુણ દ્વારા વર્ણવવામાં આવ્યું.
Sunday, May 14, 2006
OLD IS GOLD
રહેજો કોઇના દિલમાં તો એની આશ બની
રહેજો આંખમાં તો આંખનો પ્રકાશ બની
જવાનું થાય જો શત્રુની કદી મહેફિલમાં
જજે ખુશીથી મગર ફૂલની સુવાસ બની.
( શયદા - મુંબઇ )
Saturday, May 06, 2006
ઇસ્લામનો આધાર, માનવીય સંસ્કારો ...( સુવાસ)
ન્યાયથી વર્તો, ભલાઇ - ઉપકાર કરો. સગાવહાલાઓને એમનો હક આપો.
બુરી બાબતો , ગુનાહિત કામો ન કરો.
કુર્આનમાં અન્ય એક સ્થળે અલ્લાહ તઆલા તેના શ્રેષ્ઠ બંદાઓનું વર્ણન આ શબ્દોમાં કરે છે,
અલ્લાહના બંદા ધરતી પર હળવેથી હરે ફરે છે,
અજ્ઞાનીઓ એમનાથી બાખડવાનો પ્રયત્ન કરે છે તો શાંતિની વાત કરે છે.
રાત્રે અલ્લાહ સમક્ષ ઉભા રહે છે કે સજદો કરે છે, (એટલે કે રાત્રિ ઈબાદત આરાધનામાં પસાર કરે છે.)
તેઓ અલ્લાહથી દુઆ કરતા રહે છે કે અમને જહન્નમ – નર્કના અઝાબ - શિક્ષાથી રક્ષણ આપો.
તેઓ ખર્ચમાં મધ્યમ રાહ અપનાવે છે,
અલ્લાહ સાથે અન્ય કોઇને માબૂદ – પૂજ્ય નથી ગણતા.
અલ્લાહે મનાઇ ફરમાવેલ કોઇ પણ માણસને કતલ નથી કરતા, હા કોઇ ગુનાની સઝામાં જુદી વાત છે.
તેઓ વ્યાભિચાર નથી કરતા.
જેઓ આવા ( કતલ – વ્યાભિચાર વગેરે ગુનાના) કાર્યો કરે છે , તેમને ગુનો (અને તેની શિક્ષા) લાગુ પડશે.
તેઓ જુઠી ગવાહી નથી આપતા.
ગેરઉપયોગી બાબતો સજ્જનતાથી ટાળી દે છે.
તેઓ પ્રાથના – દુઆ કરે છે કે હે અલ્લાહ ! અમને અમારી પત્નિઓ અને બાળકોમાં આંખોની ટાઢક આપો, અને સજ્જન માણસોમાં ઉચું સ્થાન અર્પો.
આવા લોકોને અલ્લાહ તરફથી સ્વર્ગનું સુંદર સ્થાન આપવામાં આવશે.
સૂરએ ફુરકાન – ૬૩
------------------------------------
મક્કામાં જ્યારે મુહંમદ પયગંબર સાહેબનો જન્મ થયો તો ચોતરફ અંધાધૂંધી હતી, અત્યાચાર , બળાત્કાર અને કુકર્મોની બોલબાલા હતી, લુંટફાટ, ચોરી, ખૂનામરકી અને વ્યાભિચારનું ચલન હતું, લોકો એટલા નિલર્જ અને ક્રૂર – ઘાતકી હતા કે સગી પુત્રીને જીવતી દાટી દેતા હતા. પરંતુ પયગંબર સાહેબ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમમાં આવો કોઇ દુર્ગુણ હતો નહિ, ઉલટાનું તેઓ આ બધાથી નફરત કરતા, લોકોને આમ ન કરવા કહેતા, આવા ખરાબ કૃત્યો કરનારાઓથી દૂર રહેતા. સદાયે ચિંતિત રહેતા કે કેમેય કરી લોકો સજ્જન બની જાય, અત્યાચારોનો અંત આવે, વગેરે...
એવામાં એક વાર એક ગુફાનમાં ઇબાદતમાં મગ્ન મુહંમદને અલ્લાહનો દિવ્ય સંદેશ પ્રા૫ત થાય છે અને લોકોની સુધારણા માટે નિયુકત કરવા ઉપરાંત તે માટે અલ્લાહ તરફથી સહાય અને સફળતાનું વચન આપવામાં આવે છે.
મુહંમદ પયગંબર સાહેબ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમને પ્રારંભે જ્યારે અલ્લાહ તઆલા તરફથી દિવ્ય સંદેશ પ્રાપ્ત થયો કે આપને અલ્લાહનો સંદેશ લોકો સુધી પહોંચાડવા માટે નિયુક્ત કરવામાં આવ્યા છે, હવેથી તમારે લોકોની સુધારણા અને દિવ્યજ્ઞાનના પ્રસાર માટે અલ્લાહના આદેશ પ્રમાણે કામ કરવાનું છે. પ્રારંભે અચાનક જ અલ્લાહના એક મહાન ફરિશ્તા - દૂત મારફતે મળેલ આ સંદેશાથી પયગંબર સાહેબ કંઇક ગભરાય ગયા, તેઓ સીધા ઘરે આવ્યા, અને પત્નિ ખદીજાને આ બધી વાત કરી, આ નેક અને સજ્જન ખાતૂને પતિને શાંત્વન આપતાં કહ્યું કે ગભરાઓ નહિં, તમે તો નેક , સજ્જન , પ્રમાણિક અને અમાનતદાર વ્યકિત છો, ખુદા તમને કંઇ કષ્ટમાં નહિં નાંખે, તમે તો સગાંસ્નેહીઓથી સદવર્તન રાખો છો, પિડિતોની સહાય કરો છો, નિશાધારોને સધિયારો આપો છો, ગરીબોના બેલી છો, મહેમાનોની પરોણાગતિ કરો છો, અને સત્ય ખાતર દરેકને ઉપયોગી થાઓ છો.
પત્નિ ખદીજાના આ શબ્દો મુળે તો પયગંબર મુહમ્મદ સાહેબના સદાચાર અને સંસ્કારો દર્શાવે છે, પણ ઉપર દર્શાવવામાં આવેલા કુર્આનના આદેશને જોઇએ છીએ, તો સ્પષ્ટ થાય છે કે મુહંમદ પયગંબર સાહેબને ખુદા તઆલાએ પયગંબર બનાવ્યા પછી પણ તે જ સદકાર્યોનો આદેશ આપ્યો, જે તેઓ પહેલેથી તેમની સજ્જનતાથી કરતા જ હતા.
આનાથી ફલિત થાય છે કે માનવીય સંસ્કારો અને પ્રાકૃતિક સદાચારો જ મુળ ઈસ્લામ ધર્મના સિદ્ધાંતો છે, તેના ઉપર જ ઇસ્લામની ઇમારત ઊભી છે, જે કાર્યો અને સદકર્મો મુહંમદ એક સજ્જન અને સંસ્કારી હોવાના નાતે પોતે કરતા હતા તેના જ વિશે કહેવામાં આવ્યું કે તમે લોકોમાં એનો પ્રચાર – પ્રસાર કરો.
આ જ બાબત ઇસ્લામની ખૂબી છે, આધાર અને બુનિયાદ છે, મુસલમાનોએ અને અન્ય દરેકે આ બાબતને લક્ષમાં રાખી જ ઇસ્લામ વિશે વિચારવું જોઇએ, અત્યાચાર મુસલમાનોનો ધર્મ નથી, મુસલમાનોએ અપનાવવાની જરૂરત નથી, અને કોઇ કરે તો એનો સાથ પણ ન આપી શકાય.
Monday, May 01, 2006
પાંચ + પાચ + પાંચ + પાંચ = ર૦ બાબતો
પયગંબર સાહબ - તમે કોણ છો ?
કબીલા વાળાઓ - અમે મોમિન છીએ.
પયગંબર સાહેબ - તમારા મોમિન હોવાનો મતલબ શું છે ?
કબીલા વાળાઓ – અમે પંદર વાતોને અનુસરીએ છીએ, એમાંથી પાંચ વાતોની ( દિલથી માનવા) માન્યતા રાખવાનો અને બીજા પાંચ કામો કરવાનો આદેશ અમને તમારા જ માણસોએ આપ્યો છે. અન્ય પાંચ વાતો અમે પૂર્વેથી જ અનુસરતા આવીએ છીએ.
દિલથી માનવા અને માન્યતા રાખવાની પાંચ વાતો આ છે,
૧ , અલ્લાહ ઉપર , ર, ફરિશ્તાઓ ઉપર , ૩ , અલ્લાહની કિતાબો ઉપર , ૪, અલ્લાહના રસૂલો ઉપર , ૫, અને મર્યા પછી આખિરત (પરલોકમાં ) ફરી જીવંત થવા ઉપર ઈમાન રાખવું, ( એટલે આ બધાના હોવા કે થવા ઉપર શ્રધ્ધા રાખવી.)
જે પાંચ કામો કરવાનો અમને આદેશ છે તે આ છે, ૧, લા ઇલાહ ઇલ્લલ્લાહ કહેવું, ( એટલે કે ફક્ત એક અલ્લાહ હોવાનો એકરાર કરવો). ર, પાંચ સમયની નમાઝ પઢવી. ૩, ઝકાત આપવી, ૪, રમઝાન માસના રોઝા ( ઉપવાસ) રાખવા, ૫, શકિત શાળી સમૃદ્ધ માણસે હજજ કરવી.
બાકીની પાંચ વાતો જેને અમે પૂર્વેથી જ અનુસરતા આવીએ છીએ તે આ છે ,
૧ , રાહતમાં શુક્ર કરવો , ર, મુસીબત ટાણે સબ્ર કરવો. ૩, અલ્લાહના ફેસલા પર ખુશ રહેવું ૪ , કસોટી વેળા સત્યને વળગી રહેવું, ૫ , શત્રુને હસવાની તક ન આપવી.
પયગંબર સાહેબે તેમની આ વાતો સાંભળી ફરમાવ્યું કે જેણે તમને આ વાતો શીખવાડી તે વિદ્વાન અને જ્ઞાની હતા. હવે બીજી પાંચ વાતો વધુ યાદ કરી પૂરી વીસ કરી લો.
૧ , જે વસ્તુ ખાવાની ન હોય એને ભેગી ન કરો.
ર ૪ જે મકાનમાં રહેવાનું ન હોય એને બનાવશો નહી.
૩ , જે વાતો કાલે છૂટી જવાની છે, એમાં હરિફાઇ ન કરો.
૪ , અલ્લાહથી ડરો , એની પાસે પાછા જવાનું છે.
૫ , આખિરતમાં કામ આવે એવી વસ્તુઓનો શોખ રાખો ,ત્યાં હંમેશા રહેવાનું છે.
Saturday, April 29, 2006
અલગાવની લાગણી...
(પ્રા. ભીખુ પારેખઃ એક મુલાકાત)
મુલાકાત હિંમત ઝવેરી. નવનીત સમપર્ણ, નવે. ર૦૦ર પેજ ૬ર-૬૩
Wednesday, April 26, 2006
સમાચાર સાર અને ઉજાસ
જો મુસલમાનો જંગલી અને અન્યાયી હોત તો ?
જો મુસલમાનો જંગલી અને અન્યાયી હોત તો તેઓ પરાજિત પ્રજાઓનું સંપૂર્ણ નિકંદન કાઢી નાખત.
હુણો અને તાર્તરોએ શું કર્યું હતું તે ઇતિહાસના પૃષ્ઠોમાં વર્ણવાયેલ છે.
ઇસ્લામ સ્વીકારી અભણ આરબો એક મહાન પ્રજા બની ગયા. વિધા , હુનર સંસ્કાર અને સંસ્કૃતિના પ્રતિક બની ગયા. મુસલમાનો જયાં જયાં પણ ગયા, ત્યાંની પ્રજાના દિલ જીતી લીધાં . પરાજિત પ્રજાને પણ સંસ્કૃત બનાવી અને સમાન દરજો આપ્યો . અને તેમને જીવનનો સત્ય માર્ગ બતાવ્યો . હિંદુસ્તાનમાં જોઇએ તો મુસલમાન રાજઅમલમાં અહિયાં જાહોજલાલી હતી. તાજમહાલ , કુતુબમીનાર , લાલ કિલ્લો અને સ્થાપત્ય કળાના બીજા અનેક નમૂનાઓ, ઉપરાંત ભાષા, લોક જીવન, રાજવહીવટ, અને અન્ય અનેક ક્ષેત્રોમાં તેમનું યોગદાન આજે આપણે જોઇ શકીએ છીએ.
મુસલમાનો જંગલી હોત તો સ્પેનને તેમના સાતસો વરસના સત્તાકાળ દરમિયાન બરબાદ કરી નાખત . મુસ્લિમ સ્પેનમાં વિશ્વખ્યિત વિધાધામો સેવા બજાવતા હતા . કોરડોવાની વિખ્યાત યુનિવર્સિટીમાં યુરોપના ખિસ્તી રાજકુંવરો , ઉમરાવપુતો અને બિશપો જ્ઞાન લેવા આવતા હતા. આ ટાણે ખિસ્તી યુરોપ અંધકારમાં અટવાતું હતું .
મુસલમાનોએ પૂર્વ આફિકામાં સ્વાહીલી સંસ્કૃતિ અને પશ્ચિમ આફિકામાં મંડીગો ફુલાની અને હવસા ( હબશી મુસલમાનો ) ની સંસ્કૃતિની સ્થાપના કરી . તેનો વિકાસ કર્યો.
ઇસ્લામે વિશ્વ સંસ્કૃતિમાં કયો કયો ફાળો આપ્યો છે તે વિશેની જાણકારી યુનેસ્કો દ્વારા પ્રકાશિત ૮૦ પૃષ્ઠોના ‘ The Courier ‘ Aug Sept 1981 ના અંકમાં આપવામાં આવી છે.
જંગલી પ્રજા સંસ્કાર અને સંસ્કૃતિનો વિકાસ સાધી ન શકે. સંસ્કૃતિના વિકાસ માટે શાંતિ સલામતી અને ન્યાય આવશ્યક છે. જુલ્મ પર આધારિત તંદુરસ્ત રાજવ્યવસ્થા અને કુટુંબ રચના ન થઇ શકે.
જો મુસલમાનો જુલ્મી અને જંગલી હોત તો સાતસો વર્ષ સુધી સ્પેન અને ભારત પર રાજ કરી શકત નહી. રાજ્ય વ્યવસ્થા ન્યાય , સમાનતા સહિષ્ણુતા અને માનવાતા પર નિર્ભર છે.
પંડિત જવાહર લાલ નહેરૂ લખે છેઃ
આરબો જાગૃત થયા ત્યારે તેઓ પોતાના ધર્મ પ્રત્યે ખુબ ઉત્સાહી અને સહિષ્ણુ હતા. તેના ઘણા દષ્ટાંતો છે. ખલીફા ઉમર સહિષ્ણુતા માટે ખાસ આગ્રહી હતા. મુસ્લિમ સ્પેનમાં ખ્રિસ્તીઓની મોટી વસતી હતી. તેઓને દરેક પ્રકારની સ્વતંત્રતા હતી. સિંધમાં મુસ્લિમો બીજી પ્રજા સાથે મૈત્રિભર્યો સંબંધ રાખતા . આ સમયના ઇતિહાસમાં યુરોપના ખ્રિસ્તીઓની અસહિષ્ણુતા અને મુસ્લિમ આરબોની સહિષ્ણુતા વચ્ચેનો વિરોધાભાસ એક નોંધનીય બાબત છે. ( Glimpses of History )
પ્રોફેસર એ. જે. એબેરી લખે છેઃ
સદીઓથી યુરોપે ઇસ્લામને અન્યાય કર્યો છે. મુસ્લિમ સંસ્કૃતિઓની સિધ્ધિઓની અવગણના કરી છે.
સર ડેનીસન રોસ લખે છે કે
ઇસ્લામમાં જે કાંઇ સારું છે તે તદ્દન છુપાવવામાં આવ્યું અને જે કાંઇ ખ્રિસ્તીઓની નજરમાં સારૂં જ જણાયું તેની અતિશયોક્તિ કરવામાં આવી અથવા તેની વિકૃત રજૂઆત કરવામાં આવી .
Monday, April 24, 2006
મુહમ્મદ અને મક્કા
મુસલમાનો સામાન્યતઃ પયગંબરના નામ સાથે ‘સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ‘ લગાવે છે. જેનો અર્થ છે, એમના ઉપર અલ્લાહની કૃપા અને સલામતી રહે. ઇસ્લામી પરિભાષામાં મુહમ્મદ પયગંબર સાહેબ માટે કરવામાં આવતી આવી પ્રાથનાને દુરૂદ કહેવામાં આવે છે.
મક્કા શહેર અને તેની આસપસના વિસ્તારોના ખંડેરો આજે પણ ભવ્યભૂતકાળની સાક્ષી પૂરે છે. કુર્આનમાં પણ એ બધાંની ભવ્યતાનો ઉલ્લેખ છે. પણ પાપનો ઘડો જ્યારે છલકાય ત્યારે, એટલે કે ઇશ્વર-અલ્લાહે આપેલી ઢીલ પૂરી થાય ત્યારે અંતે તબાહી – વિનાશનો કાળ આવે છે.
ઇસ્વી સન ૫૭૧માં મુહમ્મદ પયગંબર સાહેબ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ) નો જન્મ થયો. ચાળીસ વરસના થયા છતાં સમાજની રસમો, રીવાજો, (અત્યાચારો અને બદીઓ) સાથે મનમેળ ખાતો ન હતો. માટે બધાંથી અળગા જ રહેતા.
રપ વરસની ઉમરે જેની સાથે શાદી કરી એ ૪૦ વર્ષીય પત્નિ ખદીજા ઘણાં નેક, પવિત્ર અને સજ્જન ખાતૂન હતાં. પતિના સ્વભાવ, સમજ અને અંતરના દુઃખને સમજતા હતાં. સહભાગી પણ હતાં.
૪૦ વર્ષના થયા તો અલ્લાહ તરફથી ફરિશ્તા (ઇશદૂત) જીબ્રઇલ મારફત અલ્લાહનો સંદેશ આપવામાં આવ્યો કે
‘પઢો, ( પઠન કરો) તે અલ્લાહનું નામ લઇ જેણે સૃષ્ટિનું સર્જન કર્યું, .......
તમારો પાલનહાર અતિસન્માનનીય છે, જેણે કલમ વડે જ્ઞાનની ધારા વહાવી.
ઈતિહાસકારો લખે કે આ ટાણે આખા મક્કામાં બધા મળીને ૧ર માણસો લખવા વાંચવાનું જાણતા હતા. સ્વંય મુહમ્મદ પયગંબર સાહેબ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ પણ જાણતા હતા.
અલ્લાહ તરફથી આવેલ આ પ્રથમ સંદેશ દ્વારા પરોક્ષ રીતે કહેવામાં આવ્યું કે જ્ઞાન મેળવો, ઇલ્મ પ્રાપ્ત કરો, કલમનો ઉપયોગ કરો. એના વડે અલ્લાહ માણસને જ્ઞાન આપી સન્માન અર્પે છે. એના થકી લોકો બુરાઇઓ છોડશે, અથવા તો સારું નરસું વિચારવાની લાયકાત મેળવશે.
આમ અલ્લાહના આદેશથી મુહમ્મદ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમની ચળવળ આરંભાય છે. પરંતુ અવરોધોનો પર નથી, મુહમ્મદ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમનો એટલો વિરોધ કરવામાં આવે છે કે તેમણે મક્કા છોડવું પડયું . પહેલાં તો તેઓ તાઇફ નામી શહેર ગયા. પરંતુ ત્યાંના લોકોએ સહકાર ન આપ્યો, અપમાન કર્યું. એટલે મક્કા પરત આવી ગયા.
થોડા વરસો પછી મદીના શહેરમાં આશાનું કિરણ ઉગે છે, મદીનાવાસીઓ મુહમ્મદની સીધી સાદી સદકર્મોની શીખ આપતી વાતોને સમજે અને અપનાવે છે. અને અંતે મુહમ્મદ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ મક્કા છોડી મદીના ચાલ્યા જાય છે.
મદીનામાં યોગ્ય સહકાર મળવાથી અને સમજદાર સાથીઓના સથવારે ( જેમાંથી ઘણા બધા મક્કાથી સાથે આવેલા નિષ્ઠાવાન અનુયાયીઓ પણ હતા) પયગંબર એક સુંદર, સંસ્કારિત, સમાનતા અને ન્યાય આધારિત સમાજની રચના કરવામાં સફળ થાય છે.
વિરોધીઓ ઘણા ખરા તો સદકાર્યો અને સંસ્કારો થકી મુસલમાન બની જાય છે, અને જેમણે કષ્ટો અને સતામણી ચાલુ રાખી એમને કંઇ કડકાઇથી સમજાવવામાં આવ્યા.
મદીનામાં મુહમ્મદ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ કુલ ૧૧ વર્ષ રહ્યા.
આ મુદ્દતમાં મક્કાવાળાઓ જોડે સામસામેના યુદ્ધો પણ થયા;
એક વાર સુલેહ-શાતિના કરાર થયા, પણ મક્કા વાસીઓએ કરાર પાલન કર્યું નહી. અને કરાર વિરુદ્ધ અનેક કાર્યો કર્યા.
આ બધાનો અંત મદીના આવ્યાને ૧૦ મે વરસે આવે છે. જ્યારે મુહમ્મદ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ લાખો અનુયાયીઓને લઇ મક્કા જાય છે.
મુસલમાનોની આ મક્કા પર ફતેહ હતી. મક્કાવાસીઓ શત્રુ હતા. અત્યાર સુધીની સતામણીનો પાર ન હતો. અને ન્યાયી રીતે દરેકથી બદલો લઇ શકાય એમ હતું. પરંતુ પયગંબર સાહેબે દરેકને ક્ષમા આપી. મક્કાવાસીઓ મુસલમાનો પરના તેમના અત્યાચારો ના કારણે એટલા બધા અપરાધ ભાવમાં હતા કે ક્ષમા અને માફીનું જાહેરનામા પર તેમને શ્રદ્ધા ન બેસી, એટલે એલાન કરાવવામાં આવ્યુ કે જે કોઇ તેના ઘરનો દરવાજો બંધ કરી લેશે તેને માફી. જે કોઇ કાબાની પવિત્ર મસ્જિદમાં આવી જશે, તેને માફી. જે કોઇ મક્કાના સરદાર અબૂ સુફિયાનના ઘરમાં આવી જશે, તેને માફી.
આ ઘટના અને પયગંબર સાહેબ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ દ્વારા પુરૂં પાડવામાં આવેલ ક્ષમા અને માફીનું દષ્ટાંત ઘણું બધુ કહી જાય છે. માફીનું ઇસ્લામમાં ઘણું મહત્વ છે,
ન્યાય અને બદલા માટે અસલ તો ઇસ્લામનો કાયદો ઘણો સખત છે. તેમાં વિશેષ કરી અત્યાચાર, જુલમ અને ગુનાહને સામે રાખી પીડિતનો વિશેષ ખ્યાલ રાખવમાં આવ્યો છે , માટે જ અમુક નક્કી બાબતોમાં તો કુર્આનમાં પણ કહી દેવામાં આવ્યું કે આંખના બદલે આંખ, કાનના બદલે કાન, અને પ્રાણના બદલે પ્રાણ. પણ કુર્આનમાં સાથે જ કહેવામાં આવ્યું છે કે આમ બદલો લેવાના બદલે જો પીડિત માફ કરી દે તો એ માફીનો એને અલ્લાહ તરફથી શ્રેષ્ઠ બદલો આપવામાં આવશે.
આજ કાલ પશ્ચિમના લેખકો અને કાયદાવિદો જેઓની નિતિ ગુનેગાર તરફી અને ઢીલ વાળી જ રહી છે, તેઓ આવા સખત કાયદાઓ પ્રત્યે અણગમો વ્યકત કરે છે. તેને માનવતા વિરુદ્ધ દર્શાવે છે, પરંતુ આવા કડક કાયદા સાથે ઇસ્લામે દર્શાવેલ માફી અને રહેમના પાસાને ફોક્સ નથી કરતા.
આપણે જોઇએ છીએ કે ઉપરની ઘટનામાં મુહમ્મદ પયગંબર સાહેબ પોતે તેમના શત્રુઓને ક્ષમા આપી આ જ માફી અને રહેમના સિદ્ધાંતને અનુસર્યા છે.
પયગંબર સાહેબનું કથન છે કે લોકોની તમારા પ્રત્યેની ભૂલોને માફ કરશો તો અલ્લાહ તમારી ભૂલોને માફ કરશે.
પયગંબર સાહેબનું જ કથન છે કે તમે ધરતીવાળાઓ પર રહેમ કરો, આસમાનવાળો તમારા પર રહેમ કરશે.
Saturday, April 22, 2006
મદરેસાઓ અંગેના તથાતથ્યની તપાસ થાય.
એટલું તો સ્પષ્ટ છે કે આપણા જેવા નાનાવિધ ધર્મો વાળા રાષ્ટ્રમાં ધર્માંધતાનું સાંપ્રદાયિક શિક્ષણ આપી શકાય નહીં એટલું જ નહી, ધાર્મિક શિક્ષણ આપતી પણ વખતે સર્વધર્મ સમભાવની ભાવના ખીલે એવું વલણ હોવું જોઇએ. વળી વિધાર્થીઓને માત્ર ધાર્મિક શિક્ષણ જ મળે અને અન્ય જ્ઞાન અને વિધાથી તેઓ વંચિત રહી જાય એ પણ ઇષ્ટ નહી ગણાય. તેથી જેમ મીશનરી શાળાઓ છે, અને હિંદુ ગુરુકુળો અને પાઠશાળાઓ છે, તેમ મદ્રેસાઓ પણ માત્ર ધાર્મિક શિક્ષણ આપતી સંસથાને બદલે બૃહદ વિધાધામો બની રહે એ ઇષ્ટ છે. તેમાં અન્યધર્મી માટે પ્રવેશ નિષિદ્ધ ન હોય તો વળી વધુ સારુ.
આવા એક વ્યાપક દષ્ટિકોણ સાથે આપણે એ પણ જાણવું જોઇએ કે આજે જે મદ્રેસાઓ ચાલે છે તે કોઇ ભુગર્ભ પ્રવૃતિ સ્વરૂપે અથવા બિનકાયદેસર ચાલતા નથી. આ બધા મદ્રેસાઓ બંધારણ માન્ય છે. અને કાયદેસર રજિસ્ટર્ડ થયેલા છે. તથા અન્ય સંસ્થાઓની માફક સરકારના ધારાધોરણ અનુસાર ચાલી રહ્યા છે. એટલે સરકાર દ્વારા એમનું જરૂરી નિયમન નિયંત્રણ સહેલાઇથી કરી શકાય. એમની સામે કોઇ ફરીયાદ હોય તો જરૂર કોઇ કાયદેસર પગલાં લઇ શકાય. પરંતુ આવી વારંવાર બહુ ફરિયાદો કરનારા પોતે આજે સરકારમાં હોવા છતાં અત્યાર સુધી એમણે આવું કશું જ કર્યું નથી, અરે આવી ગેરરીતી આચરનારા મદ્રેસાઓની યાદી સરખી પણ, તેની વિગતે માહિતી સરખી પણ એમણે જાહેરમાં મૂકી નથી.
ત્યારે શું એમ માનવું કે આ લોકોના હાથમાં હિંદુઓમાં મુસ્લિમ વિરોધી લાગણી ઉશ્કેરવા માટેનો આ પણ એક સસ્તો મુદ્દો માત્ર છે ? એમને આ સવાલ ઉકેલવામાં રસ નથી. માત્ર તેને સળગતો રાખીને રાજકયી લાભ ખાટતા રહેવામાં જ રસ છે ? આ પણ એક ભારે બેજવાબદાર, વિઘાતક અને અંતરાયરૂપ ભૂમિકા છે.
અહીં એટલું ઉમેરવું જોઇએ કે બધા મુસ્લિમો મદ્રેસામાં ભણે છે એવી છાપ પણ ખોટી છે. વાસ્તવિકતા તો એ છે કે મદ્રેસામાં જનારા બાળકોમાંથી મોટા ભાગના ગરીબ હોય છે. ...............ઉપરાંત ઘણા મદ્રેસાઓમાં ધામિર્ક શિક્ષણની સાથે અન્ય શિક્ષણ પણ આપવાનું શરૂ થયું છે. એમના અભ્યાસક્રમને આધુનિક બનાવાયા છે. થોડા વખત પહેલાં ભરૂચ બાજુના એક સંચાલકે તો જાહેરમાં નિમંત્રણ આપ્યું હતું કે અમારે ત્યાં આવીને જોઇ જાવ કે અમારા મદ્રેસામાં અમે કેવું એક અઘતન વિધાધામ જેવું શિક્ષણ આપી રહ્યા છીએ.
એટલે હવે મદ્રસાના મુદ્દાની લાકડી બનાવીને બધા મુસ્લિમોને એક સાથે ફટકારતા રહેવાનું બંધ થવું જોઇએ. અહીં એવું પણ યાદ આવે છે કે દસ પંદર વરસ પહેલાં સુરેન્દ્રનગરનો એક તેજસ્વી મુસ્લિમ વિધાર્થી એસ.એસ.સી.માં સંસ્કૃત વિષયમાં ગુજરાતભરમાં પ્રથમ નંબરે ઉત્તીર્ણ થયો હતો. ખોટી માહિતી આપીને મુસ્લિમો પ્રત્યે દ્વેષભાવ વધારતા રહેવાના બદલે આવી સાચી પણ ઉપેક્ષિત માહિતીને વધુ ને વધુ ઉજાગર કરતા રહેવાથી દૂરીભાવ ઓવો થશે અને હિંદુત્વની વધુ સેવા થશે.
( કાન્તિ શાહ, ‘‘ હિંદુત્વ એક અધ્યયન ‘‘ પેજ ૯૫ – ૯૬ )
Friday, April 21, 2006
તૌહીદની મયકદા --- એકેશ્વરવાદનું મદિરાલય
કુરઆનઆ આદેશ પણ ફેલાયને રહેશે.
કુફ્ર્ના વાદળ સહુ વિખળાયને રહેશે.
બસ ખુદાનુ નામ લઈ આગળ વધી જાઓ.
કામયાબી આવશે ચુમતી ક્દમ તારા ;
નફરત તણી દીવાલ પણ ભેદાયને રહેશે.
સીદ્દીકી શાનથી ચલો,ઊમરની આનથી ચાલો;
ખુદાથી માગીને લઈલો ગની ની માતબર દોલત;
ખુદાઈ પ્રેમના ઝરણા બધે રેલાયને રહેશે.
અમારી કૌમની કશ્તી લગાવી પાર છોડીશું;
અમે છીએં જવાં મુસ્લીમ બુલંદ હોંસલાબાજો;
ઈન્સાનિયતની ખુશ્બુ પણ મ્હેકાયને રહેશે.
વિશ્વ પણ સમજી જ્શે માર હજુરનો જમાલ;
કુદરતે અર્પયા હતા કંઈ કેટલાયે મૌઅજિઝહ
કથનો નબીના "વફા"ચર્ચાયને રહેશે.
Monday, April 17, 2006
ગુનેગારને વહેલી અને ન્યાયી સજા મળવી જોઇએ.
કોઇ પણ સમાજ, દેશ અને ધર્મમાં સમાજની રક્ષા અને વ્યક્તિના જાનમાલ તથા આબરૂના રક્ષણ માટે કાયદા ઘડવામાં આવેલા હોય છે અને એ કાયદા તોડનાર માટે સખત સજાઓ નક્કી કરવામાં આવી છે. સમાજમાં શાંતિની સ્થાપના માટે તે બેહદ જરૂરી છે. કારણ કે માનવીને દુરાચાર અને ગુનાહથી કયાં તો અલ્લાહનો ડર અવા સરકાર તરફથી સજાનો ભય જ રોકી શકે છે.
આ જ આધારે ઇસ્લામમાં પણ વિવિધ ગુનાઓની વિવિધ સજાઓ નક્કી કરવામાં આવી છે. ઘણા લોકો ઇસ્લામી સજાને આકરી અને અત્યાચારી સમજે છે. પણ તેનું કારણ અધૂરી જાણકારી છે. શરીરના કોઇ ભાગમાં સડો લાગે ત્યારે તેને કાપી નાંખવું શરીરના બીજા ભાગને બચાવવા માટે હિતકારી છે. એ જ રીતે સમાજમાં વધતી જતી ગુનાખોરીને ડામવા માટે નક્કી કરવામાં આવેલી ઇસ્લામી સજાઓ અતિ યોગ્ય અને જરૂરી છે. તેનાથી સમાજને લાભ જ પહોંચે છે.
આપણા દેશની જ વાત કરીએ તો આપણે જોઇ શકીએ છીએ કે કાયદા અને ન્યાયની હાલત કેટલી ચિંતાજનક છે. ગુનેગારો ઉભરાય રહયા છે. પણ કોઇના પેટનું પાણી હાલતું નથી. ન્યાયના નામે નાટક જ ખેલાય છે. લોકોને સાચો ન્યાય મેળવતા નાકે દમ આવી જાય છે. કોર્ટમાં કેસોના ઢગલા ખડકાયા છે. વર્ષોના વર્ષો સુધી કોઇને ન્યાય મળતો નથી. કાયદાઓ તો ઘડાતા રહે છે, પણ તેનો અમલ કરાવી શકવા શાસન લાચાર છે. ફકત વકીલોને જ મજા છે. ગુંડાતી માંડી રાજકરણીઓ સુધીના બધા જ મજા કરે છે. જો ગુનેગારોને તાત્કાલિક સજા મળે તો જ સાચો ન્યાય મળ્યો ગણાય. આજનો ન્યાય તો એવો છે કે સાચો ગુનેગાર છૂટી જાય છે અને બિચારો નીર્દોષ પીટાય મરે છે.કેમ કે કાયદાનો અમલ કરનારા ગંભીર નથી હોતા. ઇસ્લામી સજાઓ વિશે પશ્ચિમી દેશો માનવ અધિકારોના નામે ખૂબ બુમા બુમ કરે છે, પણ બોસ્નિયા , અફઘાનિસ્તાન ઇરાક જેવા દેશોમાં હજારો બેગુનાહો પર અત્યાચારો ગુજારવામાં આવ્યા ત્યારે માનવહકની વાતો કરનારા ભુગર્ભમાં ઉતરી જતા દેખાયા. ઇસ્લામે ગુનાહોના પ્રકાર મુજબ સજાના કાયદા બનાવ્યા છે. વ્યભિચાર, ખૂન , ચોરી વગેર દરેકની અલગ અલગ સજાઓ છે. ઇસ્લામે ગવાહ - સાક્ષીના પ્રમાણિક કયાન પર ન્યાય તોળવાનું સુચવ્યું છે. જેથી ગણતરીના સમયમાં ન્યાય મળી જાય છે. સાક્ષી માટે કડક નિયમો છે. ખોટી સાક્ષી સજાને પાત્ર છે. હવે કાયદા અને ન્યાયશાસ્ત્રના ખેરખાં વિચારે કે દુનિયાના દેશોમાં ચાલતી સજાઓ માનવ જાતિને શાંતિ સલામતી આપે છે કે ઇસ્લામી સમાજની કુરાની સજાઓ . તાત્કાલિક ન્યાય અને ગુનાહની સજાનો ડર જ શાંતિ સ્થાપી શકે છે. મોટા મોટા ન્યાયાલયોના બદલે ખુલ્લા મેદાનોમાં થતા ફેસલા જ વધુ અસરકારક બની શકે છે.
તિજોરીની તું પટલાણી
મૃત્યુ લોકની મોંઘી લ્હાણી
કવિજનોની અમૃતવાણી
તિજોરીની તું પટલાણી
બેંક રાજ્યની તુ છો રાણી
હોય ભલે ગાંડી પણ શાણી
જોઇ તને સૌ પાણી પાણી
તારો જાદુ સૌ જન ઉપર
રાજ્ય કરે તુ તન મન ઉપર
ઘણા મરે તુજ જોબન ઉપર
ભુખ્યા પડે જ્યમ ભોજન ઉપર
હું વારી તુજ લોચન ઉપર
નિચ્છાવર તુજ જીવન ઉપર
તારાથી વ્યવહારો ચાલે
તારાથી વ્યાપારો ચાલે
તારાથી દરબારો ચાલે
તારાથી સરકારો ચાલે
તારાથી અખબારો ચાલે
તુજ માટે તલવારો ચાલે
તુજ વિણ કંઇ બેકાર ફરે છે.
તુજ વિણ કંઇ બેઝાર ફરે છે.
લાખો નિરાધાર ફરે છે.
શોધવા તુજ સહકાર ફરે છે.
તુ મળતા અવતાર ફરે છે
જીવન કેરો સાર ફરે છે.
Sunday, April 16, 2006
મારી પ્યારી સોની નોટ
સૌથી સારી સોની નોટ
અમૃત ક્યારી સોની નોટ
કેવી અંગે અંગે શોભે
ટંકશાળ પિયર છે તારું
Friday, April 14, 2006
નમાઝ , એક બહુ હેતુલક્ષી ઇબાદત.
નમાઝ ઇસ્લામ ધર્મમાં એક મહત્વની ઇબાદત ગણાય છે. સામાન્ય પણે ધાર્મિક ક્રિયા ગણાતી આ ઇબાદતને લોકો એક જાતની ઇબાદતથી વધુ કંઇ સમજતા નથી. નમાઝના સમયો , સંખ્યા , તેના અન્ય આદર્શો પ્રત્યે સજાગ ન હોવા અને તેનું જ્ઞાન ન હોવાથી એની સંપૂર્ણ મહત્વતા અને સર્વગ્રાહિતા લોકો સમક્ષ આવતી નથી.
દિવસભરમાં નમાઝ પાંચ સમયે પઢવામાં આવે છે. સવારથી લઇ રાત્રી સુધીનો સમય આ માટે નિયુકત છે. એટલે કે રાત્રીને માણસ આરામ અને સુવા માટે સમજે છે, અલ્લાહ તઆલાએ પણ માનવીના આરામનો ખ્યાલ રાખી રાત્રીમાં કોઇ નમાઝ નક્કી કરી નહીં.
સવારે પ્હો ફાટવાથી લઇ સુર્યોદય સુધી ફજરની પહેલી નમાઝનો સમય છે. એટલે આ સમયે ઊંઘ પૂરી કરી ઊઠી જવું જોઇએ , સર્વપ્રથમ અલ્લાહની ઇબાદત કરવા માટે નમાઝ પઢવાનું કહેવામાં આવ્યું. આમ દિવસનો આરંભ નમાઝથી કરવાનું કહી દરેક વસ્તુના પ્રારંભે અલ્લાહના અસ્તિત્વના એકરાર, તેની સ્તૃતિ અને તેનાથી જ સઘળું થવાની શ્રધ્ધા વ્યકત કરવાનું કહેવામાં આવ્યું.
એક બીજી રીતે એવું પણ દશાર્વવામાં આવ્યું કે હવેથી તમારા કામનો સમય શરૂ થાય છે. પયગંબર સાહેબે તાકીદ ફરમાવી છે કે સવારે વહેલા ઉઠો , અને કામે લાગો અલ્લાહ તઆલા રોઝીમાં બરકત આપશે.
આ જ પ્રમાણે દિવસભરમાં પાંચ નમાઝો નક્કી કરી આખા દિવસનું ટાઇમ ટેબલ બનાવી દેવામાં આવ્યું. રાત્રીની છેલ્લી નમાઝ ( ઇશા ) વિશે એટલે જ તાકીદ છે કે ત્યાર પછી વાતો કરવી, મહેફિલ યોજવાની મનાઇ છે.
પાંચ સમયની આ નમાઝો માટે જે પ્રણાલી અને રીત દર્શાવવામાં આવી છે તે પણ સમાજ અને સમુહ લક્ષી છે, એટલે કે વ્યક્તિગત ઇબાદત અને ધાર્મિક ક્રિયાને પણ સમાજ અને સમુહલક્ષી હેતુપૂર્ણ બનાવી દેવામાં આવી. આમ કરવાથી એક લાભ આ છે કે ઇબાદત માટે એક સુંદર માહોલ અને વાતાવરણ બને છે, અને દરેક માટે વ્યક્તિગત રીતે પણ તે કાર્યને અંજામ આપવું સરળ થઇ જાય છે. ઘણી વાર આવો માહોલ જ માણસને કોઇ કાર્ય કરવા પ્રેરે છે. જો નમાઝ એક વ્યક્તિગત ક્રિયા જ હોત અને દરેકે ઘરમાં જ પૂરી કરવી જરૂરી ઠેરવવામાંઆવત તો એની બજવણીમાં શકય છે ઘણા લોકો સુસ્તી કરત કે ઇચ્છિત તકેદારી ન બતાવત.
પાંચ સમયે આમ મહોલ્લાના સઘળા લોકોને ભેગા થવાની તક આપી એક સુગઠિત સમાજ માટે ઇસ્લામે સુંદર બુનિયાદ નાંખી છે. આમ ભેગા થઇ લોકો એક બીજાના ખબર અંતર પૂછી શકે છે. મદદરૂપ થઇ શકે છે. વાકેફ રહી શકે છે. જો નમાઝમાં કોઇ ગેર હાજર હોય તો એના વિશે પૃચ્છા કરી શકાય છે કે તે કોઇ મુસીબતમાં છે કે તકલીફમાં છે . ઇસ્લામની સર્વગ્રાહિતા વિશે એક અન્ય બાબત પણ વિશેષ ધ્યાન માંગી લે છે. એક સુંદર , તંદુરસ્ત અને દરેક રીતે સમતુલિત સમાજની રચના ઇસ્લામનો વિશેષ ધ્યેય છે. આ માટે દરેકને તેનું યોગ્ય સ્થાન, માન સન્માન , સમાન અધિકારો , ઉપરાંત દરેક પ્રકારની સલામતીની બાંહેધરી આપવામાં આવી છે. સુંદર અને સ્વસ્થ સમાજરચના માટે સમાજના સભ્યો માંહે ઊંચ-નીચ અને વ્યક્તિઓ માંહે આર્થિક તફાવત મોટો અવરોધ છે. ઇસ્લામમાં આ બાબતની વિશેષ તકેદારી રાખવામાં આવી છે. નમાઝની રીત એવી રાખવામાં આવી કે એ વડે દરેકને એકબીજા પ્રત્યે સમાનતાની લાગણી ઉત્પન્ન થાય. કોઇ પોતાને બીજાથી મોટો ન સમજે. નમાઝમાં દરેક માણસ અલ્લાહ સમક્ષ ઉભો રહે છે. અને અલ્લાહ સમક્ષ જ્યારે દરેક માણસ પોતાને બીજાથી સમાન ગણે તો સામાન્ય જીવનમાં એની અસર પડે એ સ્વાભાવિક છે.
આ જ પ્રમાણે નમાઝનું એક પાસું મુસ્લિમ સમાજના આર્થિક ઉધ્ધાર સાથે જોડવામાં આવ્યું છે. જો કોઇ માણસ બીમારીના કારણે મરણ પથારીએ હોય, અને હવે સારા થવાની આશા નહિવત હોય તો એના માટે આદેશ છે કે તે દરેક નમાઝના બદલામાં નિશ્ચિત માત્રામાં અનાજ કે રકમ ગરીબને આપી દે. ઝકાત , સદકહ ઉપરાંત આવા કેટલાયે અવસરો છે જયાં આદેશ છે કે ગરીબોને આટલું દાન કરવામાં આવે.
આનાથી ફલિત થાય છે કે નમાઝ એક બહુર્મુખી ઇબાદત છે. અને મુસલમાનના જીવનમાં તે અનેક રીતે મુખ્ય ભાગ ભજવતું પરિબળ છે.
આ આધારે સમજમાં આવે છે કે ઇસ્લામમાં નમાઝને અલ્લાહ રસૂલના એકરાર પછી મહત્વની ઇબાદત ગણાવવામાં આવી છે તે બિલ્કુલ ઉચિત અને યોગ્ય છે.
વિજ્ઞાન અને ધર્મ (ઇસ્લામ)
આ બધાં એના અવયવો અને અંગો છે.
આ તો શરીરના અંગો થયા. આ જ પ્રમાણે માનવીય જીવનના અન્ય ઘણા પાસાંઓ અને અંગો છે , શાદી વિવાહ , શિક્ષણ , વેપાર , વગેરે બાબતો માનવીય જીવનના અંગો કહેવાય. અને એને લગતી બાબતોની જાણકારી માનવીને હોવી આવશ્યક છે. આ જ પ્રમાણે વિજ્ઞાન સાયન્સ ટેકનોલોજી પણ માનવજીવનનાં અંગો છે , અને માનવી તેનાથી અળગો ન રહી શકે.
જો કોઇ સમાજ કે વ્યક્તિ આવી બાબતોથી અળગો રહે , એનાથી સુગ રાખે કે આવી બાબતો પરત્વે એની પાસે પુરતું ગાઇડન્સ ન હોય તો આપણે કહી શકીએ કે આધુનિક વિશ્વમાં એનું સ્થાન પાછળ છે.
ઇસ્લામ એક સંપૂર્ણ જીવન વ્યવસ્થા હોવાના કારણે તે પણ માનવજીવનના તમામ વિભાગો સાથે સમાંતર અને અતૂટ સંબંધ ધરાવે છે.
વિજ્ઞાન એ માનવજીવનનું અત્યંત મહત્વપૂર્ણ અંગ છે. માટે વિજ્ઞાન બાબતે ઇસ્લામનો અભિગમ નકારાતમક ન હોય એ નક્કી છે. અમારા આ કથનને પૂરવાર કરવા અમે અમૂક બાબતો નીચે જણાવવીએ છીએ.
કુર્આનમાં અનેક સ્થળોએ અલ્લાહ તઆલાએ માનવીને સંબોધન કરીને અલ્લાહના સર્જનોમાં ચિંતન-મનન કરવાનો આદેશ આ૫યો છે. એક જગાએ અલ્લાહ તઆલા કહે છે ,
શું તમે ઊંટને ની જોતા, તેને કેવું પેદા કરવામાં આવ્યું છે ?
આકાશને નથી જોતા , તેને કેવી ઊંચું બનાવવામાં આવ્યું છે ?
જમીનને નથી જોતા , કેવી પાથરવામાં આવી છે ?
એક જગાએ કુર્આનમાં છે ,
અમે લોઢું – લોખંડ પેદા કર્યું છે, જે ઘણું કઠણ છે અને એમાં તમારા માટે ઘણા લાભો છે.
કુર્આનમાં છે કે અલ્લાહ તઆલાએ એક નબીને લોખંડ વડે બખ્તર બનાવવાની કારીગરી શીખવાડી હતી.
હઝરત નૂહ નબી બાબતે કુર્આનમાં છે કે અમે એમને અમારા આદેશ પ્રમાણે નાવડી બનાવતા શીખવાડયું.
કુર્આનમાં સ્પષ્ટ ઉલ્લેખ છે કે ધરતી પર પહાડોનું અસ્તિત્વ ધરતીને હાલક ડોલક થવાથી બચાવે છે. ધરતી કંપ વિશેના કારણો દર્શાવતી આજની થિયરી પણ આ બાબતને સમર્થન કરે છે.
નમાઝ ઇસ્લામની મહત્વની ઇબાદત છે, નમાઝમાં કિબ્લા તરફ મોઢું કરવું જરૂરી છે. કિબ્લો મકકા શરીફમાં છે. આ દુનિયાના કોઇ પણ ખુણામાં વસતા મુસલમાને દિશાઓનું જ્ઞાન મેળવવું જરૂરી છે , એ સ્પષ્ટ છે.
નમાઝ એક દિવસ રાતમાં પાંચવાર પઢવાની છે , આ માટે પાંચ સમય નક્કી છે. સવારે પરોઢ થયા પછી સુર્ય ઉગતાં પહેલાં ફજરની નમાઝ , બપોરે સૂરજ બિલ્કુલ માથા પર આવીને પશ્ચિમ તરફ ઢળી જાય ત્યારે ઝોહરની નમાજ, ત્યાર પછી વસ્તુનો પડછાયો વસ્તુના કદની એક ગણો કે બે ગણો થાય ત્યારે અસરની નમાઝ. સુર્યાસ્ત થાય ત્યારે મગરિબની નમાઝ અને તે પણ ચોમેર અંધારૂં પથરાય જાય તે પહેલાં , ચોમેર અંધારૂં પથરાય જાય એટલે ઇશાની નમાઝ.
આમ નમાઝ એક એવી ઇબાદત છે કે એ માટે ભુમિતી, ભુગોળ અને ખગોળનું જ્ઞાન જરૂરી છે. મુસલમાનોએ આ બાબતને અત્યંત આધુનિક શોધો સાથે સાંકળી લીધી છે, અને દરેક દેશમાં અને દરેક શહેરોમાં ત્યાનાં નક્કી અક્ષાંસ રેખાંશ પ્રમાણે સુર્યાસ્ત અને સુર્યોદયનો સમય ઉપરાંત અમે ઉપર જણાવ્યું તેમ આખા દિવસના સુર્યના ભ્રમણનો હિસાબ કરી નમાઝોનો સમય નકકી કરવામાં આવે છે. ઉપરાંત કિબ્લાની દિશા નક્કી કરવા માટે વિશેષ હોકાયંત્રો બનાવવામાં આવે છે.
માલદાર મુસલમાન માટે ઝકાત રૂપે માલનો ચાલીસમો અને ખેત પેદાશનો દસમો કે વીસમો ભાગ આપવો જરૂરી છે. મુસલમાનના અવસાન થયે એના વારસદારોને શરીઅતે દર્શાવ્યા પ્રમાણે ભાગો આપવા જરૂરી છે, જેમાં કોઇને છઠ્ઠો ભાગ , કોઇને આઠમો ભાગ, કોઇને ચોથો ભાગ, કોઇને ત્રીજો ભાગ , કોઇને એક કરતાં બમણો. અને જો આવા વારસદારો એકથી વધારે હોય , અને વિવિધ પ્રકારનો ત્રીજો , ચોથો , છઠ્ઠો વગેરે હક રાખતા હોય તો પછી એ બધા વચ્ચે એમના નક્કી ભાગો પ્રમાણે વહેંચણી કરવા માટે ખાસ્સા પ્રમાણમાં ગણિતની જાણકારી આવશ્યક છે.
આ બાબતે મુળ વાસ્તવિકતા એ છે કે કાળની થપાટોએ દુનિયાના નકશા પરથી મુસ્લિમ આધિપત્યના સમાપનની સાથે જ મુસ્લિમ વિશ્વ પાછળ પડવા માંડ્યું , રશિયામાં જ્યારે સામ્યવાદની ક્રાંતિ આવી તો તેનો અસર માર મુસલમાનનોને પડયો, આજે સ્વતંત્ર થયલા ડઝનેક મુસ્લિમ દેશો તે વખતે તેમના જહોજલાલી ભોગવી પતન તરફ જઇ રહ્યા હતા, આવા સમયે મુસલમાનોમાં જ કોઇ નવી ક્રાંતિકારી ચળવળ ઉભી થાય એના બદલે રશિયાની સામ્યવાદી વિચારધારાએ એનો અજગર ભરડો લઇ ત્યાંથી ઇસ્લામી અસ્તિત્વના અવશેષો સુદ્ધાં નષ્ટ કરવાના પ્રયત્નો કર્યા. સાચા શબ્દોમાં કહીએ તો દાંતરડા અને હથોડાનો મુળ માર એમને જ વાગ્યો છે.
અને આજે વિશ્વમાં જેમનો ડંકો વાગ રહ્યો છે, એવા અમેરિકાની શાસન ધુરા એવા લોકો પાસે છે, જેમની સત્તાના સુત્રોને સદા યુદ્ધોના ભણકારાથી જ સલામત રહ્યા છે. તેઓ આજે અકારણે પણ મુસલમાનોને બદનામ કરવાનો કોઇ પ્રયત્ન છોડતા નથી.
નહિતર આ વાસ્તવિકતા કોની સામે નથી કે પોતાના પડતી કાળ દરમિયાન ઈસાઈઓ , યહૂદીઓ અને હિન્દુઓ અને અન્ય તમામ કોમો આ કાળની આવી માર ખાય ચૂકી છે,
કાળનું ચક્ર આમ જ ફરે છે, અને એ સમય દૂર નથી કે મુસલમાનો પણ તેમના આજની શેક્ષણિક પછાતપણામાંથી બહાર આવશે, અબલત્ત અમે પ્રાથના કરીએ છીએ કે હવે પછી દુનિયામાં બધા જ સમાન રહે, મુસલમાનોની પ્રગતિ કોઇની પડતીના ભોગે ન હોય. જેમ કે આજે ઘણા બધા તેમની પ્રગતિ અન્યોની પડતીમાં જ જૂએ છે.
Wednesday, April 12, 2006
ઇસ્લામી શિક્ષણમાં ભારત .
પયગંબર સાહેબ (સ. અ. વ.) અને ભારત ; આ બે બાબતોને આવરી લેતા વિષય પર કેટલાયે પુસ્તકો લખાય ચૂક્યા છે. ઈતિહાસ સંબંધી ઘણા પુસ્તકોમાં ઇસ્લામના ઉદય સમયે ભારત અને પડોશી પ્રદેશોની પરિસ્થિતિ અને ઇસ્લામ બાબતેના પ્રત્યાઘાતો વિશે પણ પ્રકાશ ફેંકવામાં આવ્યો છે.
અત્રે આ વાતનો ઉલ્લેખ પણ જરૂરી છે કે ઇસ્લામના મુખ્ય બે શિક્ષણ સ્ત્રોતો કુર્આન અને હદીસમાં સ્પષ્ટ પણે કહેવામાં આવ્યું છે કે વારે ઘડીએ સન્માર્ગથી વિચલિત થતા માનવીને સન્માર્ગે લાવવા માટે અલ્લાહ તરફથી અનેક સંદેશવાહકો એટલે કે પયગંબરો દરેક કાળે દરેક પ્રદેશમાં મોકલવામાં આવ્યા હતા. હઝરત આદમ (અલૈ.)થી લઇ અંતિમ નબી હઝરત મુહમ્મદ (સ.અ.વ.) સુધી નબીઓનો લાંબો દોર ચાલ્યો છે.
સૌપ્રથમ માનવી અને સૌ પ્રથમ નબીનું સન્માન મેળવનાર હઝરત આદમ જન્નત એટલે કે સ્વર્ગમાંથી ધરતી પર ઉતારવામાં આવ્યા , પણ કયાં ?
પયગંબર મુહમ્મદ સાહેબ (સ.અ.વ.)નું કથન છે કે તેઓને ભારતની ધરા પર ઉતરાણ કરાવવામાં આવ્યું હતું. કેટલાક આરબ લેખકો આ કારણે જ ભારતને પૈતૃક ઘર ગણાવે છે. ઇસ્લામી ગ્રંથોમાં ઘણા સંશોધકોએ આ વાત પણ લખી છે કે આદમ (અલૈ.) કેટલાક ફૂલ અને છોડ જન્નત (સ્વર્ગ)માંથી સાથે લાવ્યા હતા. જેના કારણે ભારતની જમીન ઘણી જ ફળદ્વુપ બની. ઇસ્લામી માન્યતા અનુસાર સ્વર્ગની ચાર નદીઓ ધરતી પર વહેતી મૂકવામાં આવી છે , જેમાંથી એક ભારતમાં વહે છે.
મુસ્લિમ ઇતિહાસકારો અન્ય એક બાબતને પણ વિશેષ રૂપે લખે છે કે અરબસ્તાનમાં હઝરત મુહમ્મદ (સ.અ.વ.)ના આગમનના સમાચાર સાંભળી પૂર્વભારતના એક અગ્રણી રાજાએ તેના તરફથી એક શુભેચ્છા પ્રતિનિધિ મંડળ પણ મોકલ્યું હતું. અને હઝરત મુહમ્મદ સાહેબ દ્વારા આપવામાં આવતા માર્ગદર્શન વિશે માહિતી મંગાવી હતી. આ પ્રતિનિધિ મંડળ તેની સાથે કેટલીક સોગાદો પણ લઇ ગયું હતું , અરબસ્તાન પહોંચતા આ મંડળને હઝર મુહમ્મદ (સ.અ.વ.) સાહેબે તેમની મસ્જિદમાં માન સન્માન સાથે આવકાર આપ્યો હતો. અને આવેલી ભેટો તેમના સાથીઓમાં વિતરણ કરી હતી. આ પ્રતિનિધિ મંડળને આવકાર આપતાં પયગંબર સાહેબે કહ્યું કે ‘ મને ભારતની દિશામાંથી જન્નતની ખુશ્બૂ આવે છે.
વેપારી દ્રષ્ટિએ જોઇએ તો ઇતિહાસકારોએ ભારત અને અરબસ્તાનના સંબંધો બાબતે અનેક વાતો લખી છે , એક સામાન્ય જ્ઞાન ધરાવનાર માણસ એનાથી વાકેફ હશે જ.
આ બધી પોરાણિક વાતોથી એક વાત સ્પષ્ટ થાય છે કે ભારતવાસીઓ અને ઇસ્લામના સંબંધો ઘણા જૂના અને ગાઢ છે.
ધાર્મિક દ્રષ્ટિએ મહત્વની ગણી શકાય એવી આ વાતો અત્રે એટલે લખીએ છીએ કે આજકાલના કલુષિત વાતાવરણમાં એનાથી લોકો બોધગ્રહણ કરે અને પરસ્પર સ્નેહ અને વિશ્વાસથી રહેવાનો પઠ ગ્રહણ કરે.
ગુજરાત ટુ ડે, તા. ૧૯ માર્ચ ર૦૦૬ પરથી , સુધારા વધારા સાથે.
ઇસ્લામ એ ફક્ત મુસલમાનોનો અથવા લોકો કહે છે તે પ્રમાણે ૧૪ સદીઓ પૂર્વે હઝરત મુહમ્મદ સાહેબે સ્થાપેલ ધર્મ નથી. બલકે તે એક ઇશ્વરીય વ્યવસ્થા છે, જે માનવીના ઉત્પત્તિ કાળથી અલ્લાહ તઆલાએ માનવીને અર્પણ કરી છે. અલ્લાહ તઆલાએ સૌપ્રથમ હઝરત આદમને પેદા કર્યા અને તેમનાથી જ માનવવંશ ચાલ્યો , આ માનવવંશમાં અલ્લાહ તઆલા તરફથી જે કોઇને વિશિષ્ટ દરજો આપી અલ્લાહ તઆલાએ એમને લોકોના માર્ગદશર્ક કે નબી તરીકે પસંદ કર્યા , તેમને નબી અને રસૂલ કહેવામાં આવે છે. દરેક કાળમાં અને દરેક પ્રદેશમાં અલ્લાહ તરફથી આવા નબીઓ , સંતપુરૂષો , ઇશ્વરીય દૂતો અને સંદેશવાહકો નક્કી કરવામાં આવ્યા હતા. અને આ બધા જ અલ્લાહના નિયુક્ત કરેલા અને અલ્લાહના નિકટ્મ બંદા હતા, તેમને સાચા સમજવું અને તેમનો આદર કરવો દરેક મુસલમાન માટે જરૂરી છે.
કુર્આનમાં અલ્લાહ તઆલાએ ઘણા નબીઓ અને ઇશદૃતોનો નામ જોગ ઉલ્લેખ કયો છે. અને અન્ય ઘણાઓનો નામ જોગ ઉલ્લેખ નથી. કુર્આનમાં જેમનો નામ જોગ ઉલ્લેખ છે, તેમના વિશે સ્પષ્ટ રૂપે અલ્લાહના નિકટમ બંદા હોવા અને તેઓના સંતપુરૂષ – નબી હોવાનું ઈમાન ધરાવવું , યકીન રાખવું જરૂરી છે, અને ઇસ્લામનો જ એક ફરજ છે. આવા નબીઓમાંથી કોઇ એકને પણ અલ્લાહના નબી ન માનનાર મુસલમાન કહી શકાય નહી. જેમ કે કુર્આનમાં મૂસા. ઈસા અને અન્ય નબીઓનો ઉલ્લેખ છે, માટે એમને અલ્લાહના નબી માનવા દરેક મુસલમાન માટે જરૂરી છે. આમ મુસલમાનો ઇસાઇઓ અને યહૂદીઓના નબીઓને આદર પૂર્વક સ્વીકારે છે અને માને છે.
રામ - કૃષ્ણ , બુધ્ધ કે અન્ય ધર્મ પુરૂષોનો ઉલ્લેખ કુઆર્નમાં નથી, પરંતુ કુર્આનમાં આ ઉલ્લેખ જરૂર છે કે પૂર્વેના દરેક કાળમાં દરેક પ્રદેશમાં અલ્લાહે નબીઓ અને દૂતો મોકલ્યા હતા. માટે શક્ય છે કે ભારતમાં મનાતી આ હસ્તીઓ પણ અલ્લાહના નેક બંદાઓ હોય .
અલબત્ત અત્રે યાદ રાખવું જોઇએ કે ઇસ્લામમાં અલ્લાહ સિવાય અન્ય કોઇની પણ પૂજા - પ્રાથનાની મનાઇ છે . માટે અલ્લાહને પ્રિય કોઇ વ્યક્તિ કે અલ્લાહનો કોઇ દૂત કે પયગંબર લોકોને એવી તાલીમ કદી ન આપે કે અલ્લાહને છોડી એને પૂજવામાં આવે અથવા તો અન્ય કોઇ દેવી દેવતાની ઉપાસના કે ભક્તિ કરવામાં આવે.
ઇસ્લામમાં એને શિર્ક એટલે કે અલ્લાહ સાથે અન્યોને ભાગીદાર કરવાનું જ મોટું ગુનાહિત કૃત્ય ગણાવમાં આવ્યું છે. માટે આવી હસ્તીઓ જો વાસ્તવમાં અલ્લાહના દૂતો હોય તો પણ મુસલમાનને મન તે પૂજ્નીય તો નથી જ. હઝરત મુહંમદ પયગંબર સાહેબ પણ મુસલમાનને મન પૂજ્નીય નથી, હા આવા દરેક મહાનુભાવો આદર પાત્ર જરૂર છે.
Monday, April 10, 2006
મીલાદુન્ન્બી સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ
પવિત્ર મૃખાવિંદ
આપ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ ઘણાં જ સોંદર્યવાન હતા. મધ્યમ કદ , રંગ ઘઉં વર્ણો, પહોળું ઊંચું કપાળ, મોટું માથું, ભવાં વાંકા - વાળથી ભરેલા , કાળી આંખો , મોટી પાપણો, ગાલ સફેદ , નાકમાં ચમક , પહોળું મોઢું , પાતળા હોઠ , ભરાવદાર દાઢી અને ભપકાદાર અવાજ ધરાવતા હતા. દોસ્તો એમના સોંદર્યથી ખૂબ પ્રભાવિત હતા. હઝરત અબ્દુલ્લાહ બિન સલામ (રદિ.) ઇસ્લામ પૂર્વે યહૂદીઓના મોટા વિદ્વાન હતા, એમણે જ્યારે પ્રથમવાર આપને જોયા તો તુરંત જ બોલી ઉઠયા કે ‘‘ ખુદાના સમ આ કોઇ જૂઠા માણસનો ચહેરો નથી. ‘‘
હઝરત જાબિર ( રદિ ) ફરમાવે છે કે પયગંબર સાહેબનું મુખડું ચાંદ સૂરજની જેમ ચમકદાર હતું , એમના એક અન્ય દોસ્ત વર્ણવે છે કે રાત્રે જ્યારે ચાંદ નીકળતો તો હું કદી ચાંદને જોતો અને કદી હઝરત મુહંમદ સાહેબના મુખને. પરંતુ મને પયગંબર સાહેબ ચાંદથી અધિક સોંદર્યવાન લાગતા હતા.
હઝ. આઇશહ (રદિ.) ફરમાવે છે કે એક વાર કોઇએ કાળી ચાદર આપ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમને ને ભેટ આપી,
પહેરી મને પૂછયું કે મને આ કેવી લાગે છે ?
મેં કહ્યું કે હે અલ્લાહના રસૂલ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ !
તમારો ઉજળો વાન અને ચાદરની કાળાશ સાથે
અને ચાદરની કાળાશ આપની ઉજ્જવળતા સાથે મળી ખીલી ઉઠ્યાં છે.
સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ
વધુ પડતા શાંત , જરૂરત વિના વાત નહિં, જ્યારે પણ બોલતા અટકી અટકી, વાક્યોને જુદા કરી સાંભળનારને યાદ રહી જાય અમે બોલતા.
ઘણીવાર એક જ વાત ત્રણવાર બોલતા.
શબ્દો જાણે માળામાં પરોવેલાં મોતી. સાંભળનારના હદય સોંસરવા ઉતરી જાય એવા. ઉપરાંત મીઠાશ તો ખરી જ.
પોતાના પર થયેલા અત્યાચારનો કદી બદલો નહીં , ઉલટાનું અત્યાચારી સાથે સદવર્તન દાખવતા.
સૌથી વધુ બુદ્ધિવાન અને માનસિક સજ્જતા ધરાવતા હતા. લડાઇઓમાં જીત , શત્રુના પ્રપંચથી બચી નીકળવું અને અન્ય વ્યવસ્થાકીય આદેશો-સુધારા એના સ્પષ્ટ પુરાવા છે.
આપનું કથન છે કે ચાર વાતો મારી જેમ અન્યોને પ્રાપ્ત નથી થઇ.
દાનવીરતા,
બહાદૂરી ,
પૌરૂષત્વ અને
શક્તિ.
કોઇ વિશે જ્યારે કોઇ અણગમાની વાત પહોંચતી તો એનું નામ લઇ એમ ન કહેતા કે ફલાણાને શું થઇ ગયું ?
બલકે એમ કહેતા કે લોકોને શું થઇ ગયું છે કે તેઓ આવું કરે છે ?
સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ
વિવેક
મેહફિલમાં કદી પગ પસારી બેસતા બેસતા નહિં. જે મળે તેને સલામ કરવામાં પહેલ કરતા. મુસાફહા ( હસ્તધનુન) માટે પ્રથમ હાથ લંબાવતા.
કદી કોઇની વાત કાપતા નહિં.
કદી રાત્રે ઘરમાં આવવાનું થતું તો એવી રીતે સલામ કરતા કે જાગૃત સાંભળી લે અને ઊંઘનારને ખલેલ ન પડે. પોતાના સેવક - ખાદિમથી પણ તેની જરૂરતો વિશે પૃચ્છા કરતા રહેતા. હઝરત જાબિર (રદિ.) ફરમાવે છે કે આપ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ હમેંશા સાથીઓની પાછળ ચાલતા. નફલ નમાઝ દરમિયાન કોઇ નજીક આવી બેસતું તો નમાઝ ટુંકાવી એની વાત સાંભળતા અને જરૂરત સંતોષતા.
કદી ખિલખિલાટ હસતા ન હતા. મુસ્કાન જ આપનું હાસ્ય હતું. તહજ્જુદની નમાજમાં ઘણી વાર રડી પડતા.
વફાદાર દોસ્તના અવસાન સમયે પણ આંખોમાં અશ્રુ તરસ આવતા.
આપના પુત્ર હઝરત ઇબ્રાહીમ (રદિ.) દૂધ પીવાની ઉમરે જ અવસાન પામ્યા, જ્યારે એમને કબરમાં ઉતાર્યા તો આંખો ભરાઇ આવી. ફરમાવ્યું , આંખોમાં અશ્રુ છે , દિલ મહી ગમ છે, પરંતુ પરવરદિગારને પસંદ હોય એવી વાત કહીશ, ઇબ્રાહીમ ! મને તમારા અવસાનથી રંજ થયો.
એક વાર હઝરત અબ્દુલ્લાહ બિન મસ્ઉદ (રદિ.) આપને કુર્આન સંભાળાવી રહ્યા હતા. પઢતાં પઢતાં તેઓ જયારે એક આયત પર પહોંચ્યા તો આપે ફરમાવ્યું , બસ , ઉભા રહો, તેમણે આંખ ઉઠાવી જોયું તો આપની આંખોમાંથી અશ્રુધારા વહી રહી હતી. સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ
આપ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ સરકો , મધ , હલ્વો , ઝૈતુનનું તેલ અને દૂધ વિશષ પસંદ ફરમાવતા હતા. એક વાર આપના નવાસા હઝરત હસન અને પિત્રાઇ ભાઇ હઝરત અબ્દુલ્લાહ બિન અબ્બાસ (રદિ.) આપના પુનિત પત્નિ હઝરત ઉમ્મે સલ્મહ (રદિ.) પાસે ગયા અને અરજ કરી કે આજે અમને રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમને ગમતું ખાણું ખવડાવો. તેમણે કહ્યું કે ભલા લોકો તમને એ ખાણું કેવી રીતે ભાવશે ? છતાં એમના આગ્રહને વશ થઇ જુવાર દળી હાંડી ચૂલા પર મૂકી દીધી. ઉપરથી ઝૈતુનનું તેલ , જીરૂ , મરી નાંખ્યાં, રાંધીને લોકો સમક્ષ મૂક્યું અને કહ્યું કે આ ખાણું આપ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમને અતિપ્રિય હતું.
સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ
ચાદર,ખમીસ, અને લુંગી આપનું સામાન્ય પહેરણ હતું, પાયજામાનો તે સમયે અરબસ્તાનમાં રિવાજ ન હતો , માટે આપે તે પહેર્યો નથી, પણ એક વાર જોવામાં આવ્યો તો તેની સરાહના કરી . યમની ચાદર આપને વિશેષ પસંદ હતી.
પાઘડી પહેરતા, વધુ પડતી કાળા રંગની. નીચે માથાને ચોંટી રહે એવી ટોપી પહેરતા.
પાથરણું ચામડાનું ગાદલું , જેમાં રૂના સ્થાને ખજૂરના પાંદડાઓ ભરવામાં આવતાં. સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ
સફાઇ સ્વચ્છતા આપનો પ્રિય ગુણ હતો. કોઇને મેલા ગંદા કપડાંમાં જોતા તો એને સ્વચ્છતાની તાકીદ કરતા.
એકવાર જુમ્આના દિવસે આપ મસ્જિદમાં પધાર્યા , કામ કાજ કરનારા આપના અનુયાયીઓ ખેતરે વગેરેથી મેલાં કપડે જ મસ્જિદમાં આવ્યા હતા. ગરમીના દિવસો હતા. પસીનો થયો તો મસ્જિદમાં પસીનાની દુર્ગંધ પ્રસરવા લાગી. આપ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમે ફરમાવ્યું , ન્હાયને આવવું સારૂં છે. અને તે દિવસથી જ જુમ્અહના દિવસે નહાવું શરીઅતનો આદેશ બની ગયો.
મસ્જિદની ભીંત પર કે જમીન પર થુંકવું આપને પસંદ ન હતું. જો કોઇ એમ કરતું તો સ્વંય લાકડી વડે તેને સાફ કરી દેતા. એક વાર ભીત પર થૂંક જોયું તો ક્રોધથી રાતા પીળા થઇ ગયા , જ્યારે એક અન્સારી ઓરતે એને સાફ કરી ત્યાં ખુશ્બૂ લગાવી દીધી તો પછી ઘણાં જ પ્રસન્ન થયા.
એકવાર એક સહાબી (રદિ.) નમાઝ પઢાવી રહયા હતા. નમાઝમાં જ એમણે થૂંકયું , આપે જોયું તો ફરમાવ્યું કે આ માણસ હવેથી નમાઝ પઢાવશે નહિં.
દુર્ગંધ વાળી વસ્તુઓને આપ પસંદ કરતા ન હતા. કાચા પ્યાઝ ,લસણ , અને મૂળા ખાયને મસ્જિદમાં આવવાની મનાઇ હતી. આપનો આદેશ હતો કે ગાંડા માણસો પણ મસ્જિદમાં આવે નહિં.
અરબસ્તાનના ગામડિયા લોકો રસ્તામાં જ પેશાબ કરવા બેસી જતા. આપે એમને રોકયા . રસ્તા પર જ કે ઝાડ નીચે કે પાણી ભરેલા ખાડા ખાબોચિયા કે તલાવડીઓમાં પેશાબ કરવાથી પણ મનાઇ ફરમાવી.
Sunday, April 09, 2006
ઇસ્લામ અને ઇમાનનો અર્થ
અમારી અમુક ટેકનિકલ ખામીઓ બદલ ઓટલો (તરકશ ડોટ કોમ)ના પંકજ ભાઇએ અમને ચેતવ્યા એ બદલ એમનો આભાર. એમણે એમના ‘ ઓટલો ‘ માં પણ સુવાસની લિંક આપી છે . અહિંયા અમે પણ એમની લિંક આપી છે, વાચકો ત્યાં જઇ ગુજરાતી બ્લોગની દુનિયામાં નવું શું થઇ રહ્યું છે એ જોઇ શકે છે.
ઇસ્લામ શબ્દ અરબી મુળ ધાતુ સ – લ - મ (સલામતી – રક્ષા ) પરથી બન્યો છે.· એ જ પ્રમાણે ઈમાન મુળ ધાતુ અ - મ - ન (અમન – શાંતિ ) પરથી બન્યો છે.· એટલે કે ઇસ્લામ સ્વીકારનાર અને ઇમાન લાવનાર માણાસ માટે અલ્લાહ તરફથી શાંતિ સલામતી ની બાંહેધરી આપવામાં આવે છે.· એક બીજી રીતે ઇસ્લામનો અર્થ છે : આજ્ઞાપાલન અને સમર્પણ . અને ઈમાન એટલે શ્રધ્ધા , આસ્થા અને એકરાર .· એટલે ઇસ્લામનો અર્થ થયો કે અલ્લાહને સમર્પતિ થઇ એનું સંપૂર્ણ રીતે આજ્ઞા પાલન કરવું. અને ઇમાનનો અર્થ થયો કે પોતાના સર્જનહાર , સ્વામી અને માલિકમાં યકીન – આસ્થા શ્રધ્ધા રાખી તેનો એકરાર કરવો.· પૂર્ણતહ: ઇમાનનો અર્થ છે : અલ્લાહને તેના સર્વગુણો , વિશેષતા, પૂર્ણતા અને સંપૂર્ણ શ્રધ્ધા સહિત સ્વીકારવું.· ત્યાર પશ્ચાત એના આદેશાનુસાર જીવન વિતાવવાનો નિર્ધાર કરી સ્વંયને એના આઘીન કરવું એ ઇસ્લામ.
કુર્આન શું છે ?
કુર્આન ઇશવાણી છે, તે વિશુધ્ધ છે, તેમાં એકેશ્વરવાદ ( તવહીદ) નો સંદેશ છે. અલ્લાહના હુકમો અને નિષેધો છે. માનવીના હકો અને ફરજો છે. નીતિમય જીવનના આદશેો છે. બોધવચનો છે.· પાપો અને દુષ્કર્મો કરવા પર ચેતવણી છે. અને સદકસ્મોના બદલાનું વર્ણન છે.· કુર્આનમાં ૧૧૪ પકરણો ( સૂરતો ) છે. ૬૬૬૬ પંક્તિઓ ( આયતો ) છે. દરેક સૂરતના જુદા જુદા શીર્ષકો છે. દરેક સૂરત બિસ્મિલ્લાહિર્રમાર્રહીમ થી શરૂ થાય છે. તેનો અર્થ છે ; શરૂ કરૂ છુ; અલ્લાહના નામથી ,જે મહા દયાળુ અને કૃપાળુ છે.· પહેલી સૂરત ફાતેહા છે. તેમાં અલ્લાહના વખાણ છે. અને પછી સીધા રસ્તે ચાલવા માટેની દુઆ યાચના છે.પૂરી સૂરએ ફાતેહાનો અનુવાદ નીચે પ્રમાણે છેઃહું બેહદ કૃપાળુ દયાળુ અલ્લાહના નામથી શરૂ કરૂં છું .સર્વ વખાણ અલ્લાહના માટે જ છે.તે સકળ સૃષ્ટિનો માલિક છે.તે ઘણો કૃપાળુ અને મહાન દયાળુ છે.તે કિયામત (હિસાબ)ના દિવસનો માલિક છે.હે અલ્લાહ અમે તારી જ બંદગી કરીએ છીએ.અને દરેક કાર્યમાં તારી જ મદદ માંગીએ છીએ.હે અલ્લાહ ! તું અમને સીધા માર્ગ ઉપર ચલાવ.· કુર્આન શુધ્ધ અરબી ભાષામાં છે. અને અનેક ભાષાઓમાં તેના અનુવાદો થયા છે. કુર્આનની શૈલી અર્ધ ગધ અને અર્ધ પધ જેવી છે. તે અલૌકિક , મધૂર અને લાવણ્યમય છે. તેમાં એક મીઠાશ છે. તેના પઠન ( પઢવા) થી હદયમાં એક અનોખા પકારનો આદરભાવ ઉત્પન્ન થાય છે.· ઇસ્લામ શિક્ષણના બે મુખ્ય આધારો કુર્આન અને સુન્ન્ત છે. કુર્આન એટલે અલ્લાહની વાણી. હદીસ એટલે પયગંબર મુહમ્મદ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમની વાણી. કુર્આનના શબ્દો પણ અલ્લાહના છે. જયારે હદીસ પયગંબર સાહેબના શબ્દોમાં છે. ધર્મ બાબતે કોઇ પણ વાત તેમણે પોતાની મનેચ્છાથી કહી ન હતી. બલકે જે કાંઇ અલ્લાહે દર્શાવ્યું તે જ કહયું. હદીસ કુર્આનનું સ્પષ્ટીકર અને અનુમોદન કરે છે.· કુર્આનનો હુકમ છે કે અલ્લાહની તાબેદારી કરો. અને તેના પયગંબરની વાત માનો.
ઇસ્લામના પાંચ ફરજો
1, ઈમાન ,એટલે કે અલ્લાહ એક છે. અને હઝરત મુહમ્મદ પયગંબર સાહેબ અલ્લાહના રસૂલ છે , વાતને સાચી સમજી સ્વીકારવી.