Monday, May 29, 2006

નમાઝ માટેની પૂર્વ શરતો


ઇસ્લામમાં સૌથી મહત્વની ઇબાદત ગણાય છે, કુર્આન માં અનેક વાર સ્પષ્ટ શબ્દોમાં નમાઝ પઢવાનો આદેશ આપવામાં આવ્યો છે. સુવાસમાં અગાઉ પણ નમાઝ વિશે માહિતી આપવામાં આવી ચૂકી છે.
નમાઝ માટે પૂર્વ તૈયારી રૂપે અમૂક ચીજો જરૂરી છે.
(૧) જે સ્થળે નમાઝ પઢવામાં આવી રહી છે, તે પાક-સ્વચ્છ હોય, એટલે કે ત્યાં મળ મુત્ર કે અન્ય ગંદકી ન હોય.
(૨) માણસનું શરીર ચોખ્‍ખું – સ્‍વચ્‍છ હોય. અહિંયા પાક ચોખ્‍ખા હોવાનો મતલબ એ છે કે શરીઅતના આદેશ પ્રમાણે જો જરૂરત હોય તો નહાઈ લેવામાં આવે. ( પત્ની સાથે સંભોગ કર્યા પછી કે સ્વપ્ન દોષ પછી નાહવું શરીઅત પ્રમાણે જરૂરી છે. તે વગર માણસ નાપાક ગણાય છે. )અને નાહવાની જરૂરત નથી તો વુઝૂ કરવામાં આવે. (કોગળો કરવા, હાથ, મોં, પગ ધોવા વગેરેને વુઝૂ કહેવામાં આવે છે. આ વિશે બીજી કોઇ વખત વિગતે જણાવવામાં આવશે, ઇન્‍શાઅલ્‍લાહ.)
(૩) કપડાં પાક – સ્‍વચ્‍છ હોય. એટલે કે તેના પર કોઇ નાપાકી, મળ – મુત્ર , લોહી વગેરેની ન હોય. ( કપડાં, પાણી વગેરેના શરીઅતના ધારા ધોરણ મુજબ પાક સ્‍વચ્‍છ હોવા વિશેનું એક સ્વતંત્ર પ્રકરણ અત્રે પાછળથી લખવામાં આવશે. ઇન્‍શાઅલ્‍લાહ.
(૪) કિબ્‍લા તરફ મોઢું કરવું, ( કિબ્‍લા એટલે મક્કા શહેર પવિત્ર મસ્જિદ ના મધ્યે આવેલ એક વિશેષ સ્થળ ), ભારતવાસીઓ માટે એ પશ્ચિમ દિશાએ પડે છે.
(પ) નમાઝનો સમય હોવો, શરીઅત તરફથી પાંચેવ નમાઝોનો સમય નક્કી છે, જે તે નમાઝ માટે એનો સમય હોવો જરૂરી છે, એ સિવાય જો માણસ વધારાની ( નફલ) નમાઝ વધુ ઇબાદત રૂપે પઢવા માંગતો હોય અથવા કોઇ છૂટેલી નમાઝ પઢવા માંગતો હોય તો શરીઅત તરફથી મના કરવામાં આવેલ સમયો ન હોય એની ખાતરી કરી લે.
(૬) નિય્‍યત કરવી, એટલે કે નમાઝ શરૂ કરતાં પહેલાં એ બાબતનું ધ્‍યાન ધરવું કે હું અલ્‍લાહના આદેશાનુસાર ફલાણી નમાઝ પઢી રહ્યો છું.
આ છ બાબતોને નમાઝના બહારના ફરજો કહેવામાં આવે છે, બહારના એટલે નમાઝ રૂપી ઇબાદત શરૂ કરતાં પહેલાંની આવશ્‍યક બાબતો.

Monday, May 22, 2006

ઉતાવળ બુરી બલા છે.


નબીએ કરીમ સલ્‍લલ્‍લાહુ અલયહિ વ સલ્‍લમનું કથન છે,
ગંભીરતા (શાંતિ – શાલીનતા) અલ્‍લાહ તઆલા તરફથી છે, અને ઉતાવળ શયતાનથી સંબંધિત છે. (તિરમિઝી શરીફ)
ઉતાવળે આંબા ન પાકે,
ઉતાવળા તે સૌ બાવળા, ધીરા સૌ ગંભીર,
ધીરજના ફળ મીઠાં વગેરે કહેવતોનો આ જ મતલબ છે.
પૂરતી સાવચેતી, સોચવિચાર અને ગંભીરતાથી ધ્‍યાન દઇ કરવામાં આવતું કાર્ય સારી રીતે પૂરું થાય છે, તેમાં અલ્‍લાહની મદદ શામેલ થાય છે, એથી ઉલટું ઉતાવળે કરવામાં આવતા કામમાં કચાશ રહી જાય છે, કયાંક કાચું કપાય જાય છે, મનને શાંતિ અને બદનને આરામ પણ નથી મળતો,
માટે દરેક કામ શાંતિથી કરવું જોઇએ.
પરંતુ યાદ રાખવું જોઇએ કે શાંતિ ,ધીરજ, અને ગંભીરતાનો મતલબ સુસ્‍તી અને આળસ નથી, માટે કામ ન કરવા માટે ઉતાવળને બહાનું ન બનાવવું જોઇએ, આજનું કામ આજે જ કરવું જોઇએ, આવતી કાલ ઉપર ન છોડવું જોઇએ, આને ઉતાવળ ન કહેવાય.
ખુલાસો એ કે કામ માટે જેટલો સમય અને ધ્‍યાનની જરૂરત હોય તે આધારે કામ કરવું જોઇએ, એક હદીસમાં પયગંબર સાહેબ (સલ્‍લલ્‍લાહુ અલયહિ વ સલ્‍લમનું કથન છે કે શાંતિ અને ગંભીરતાથી રહો, અને ઉતાવળ ન કરો.
જરૂરત વગર દોડવું , સામાન્‍ય હાલતમાં પણ ચાલાવામાં બીજાથી આગળ વધવાની કોશિશ કરવી, જરૂરત વગરની ઉતાવળ કહેવાય.
શકય એટલું ધીરે બોલવું, ધીરે ચાલવું, કોઇને ધક્કો ન મારવો, કયાંક જવું હોય તો સમયથી થોડા વહેલાં નીકળી જવું, જેથી ગભરાવાનો મોકો ન આવે, આ બધું હદીસમાં તાકીદ કરવામાં આવેલ ગંભીરતા અને શાંતિમાં શામેલ છે.

Thursday, May 18, 2006

પહલે ઓરત જનતી થી, અબ સારા આલમ જનતા હે,

પહલે ઓરત જનતી થી,
અબ સારા આલમ જનતા હે,
પહેલે ઘી સે સબ્‍જી બનતી થી,
અબ સબ્‍જી સે ઘી બનતા હે,


અમને આ બે શે‘ર અચાનક ત્‍યારે યાદ આવી ગયા, જયારે રીડગુજરાતી પર નીચેના શે‘ર વાંચવા મળ્યા.

ક્યાંથી હોય – અજ્ઞાત

વસ્ત્રો થઈ ગયા ટુંકા, લાજ ક્યાંથી હોય ?
અનાજ થઈ ગયા હાઈબ્રીડ, સ્વાદ ક્યાંથી હોય ?
નેતા થયા ખુરશીના, દેશ દાઝ ક્યાંથી હોય ?
ફૂલો થયા પ્લાસ્ટીકનાં, સુગંધ ક્યાંથી હોય ?
ચહેરા થયા મેકઅપનાં, રૂપ ક્યાંથી હોય ?
શિક્ષકો થયા ટ્યુશનીયાં, વિદ્યા ક્યાંથી હોય ?
ભોજન થયા ડાલડાનાં, તાકાત ક્યાંથી હોય ?
પ્રોગ્રામ થયા કેબલનાં, સંસ્કાર ક્યાંથી હોય ?
માણસ થઈ ગયો પૈસાનો, દયા ક્યાંથી હોય ?
ભક્તો થયા સ્વાર્થના, ભગવાન ક્યાંથી હોય ?
રીડગુજરાતી પરથી....

સાથે જ પ્રસ્‍તૃત છે, મુહંમદ ભાઇ ભૈડુએ મોકલાવેલ એક નઝમ ( કવિતા )

ગમ લઈ ફરુછુઁ.

તૌહીદી છુઁ તૌહીદનો પરચમ લઈ ફરુઁછુઁ.
ઈમાનની દઅવત હુઁ હરદમ લઈ ફરુઁછુઁ.
આકાએ દોજહાન સદા મીરે કારવાઁ,
આ ઉમ્મતે મરહુમનો હુઁ ગમ લઈ ફરુઁછુઁ.
જ્યારે નિહાળુઁ બેઅમલી બેખોફનો આલમ
દિલને સળગતુ આંખને હુઁ નમ લઈ ફરુઁછુઁ.
જાન,માલ,દિલ, સમય જે કઁઈ બધું છે લૈ,
લાઈલાહા-ઈલ્લલાહ નો દમ લઈ ફરુઁછુઁ
મારા તમામ પાપને બખ્શીદો યા ખુદા,
હુઁ’વફા” મુજ આકેબતનો ગમ લઈ ફરુઁછુઁ

મોહમ્મ્દઅલી ભૈડુ”વફા”
ટોરંટો,કેનેડા 14મે,2006.

શબ્‍દવિહાર,

તૌહીદી - એકેશ્વરવાદી.
આકાએ દોજહાન - બે જહાન (વિશ્વ)ના સરદાર એટલે આ લોક અને પરલોબના સરદાર ( પયગંબર સાહેબ
માટે વપરાતી ઉપમા)
આકેબત - આખેરત , મરવા પછી ફરી જીવંત થઇ અલ્‍લાહ સમક્ષ હિસાબ કિતાબ આપવાની ઘડી.

Wednesday, May 17, 2006

બિસ્મિલ્‍લાહ .. એટલે ..... (સુવાસ)

મુસલમાનો દરેક કામના પ્રારંભે ‘બિસ્મિલ્‍લાહ‘ પઢે છે.
‘બિસ્મિલ્‍લાહ‘નો અર્થ થાય છે, અલ્‍લાહના નામથી.
આ ટુંકું વાક્ય છે, આખું વાક્ય આ પ્રમાણે છે,
બિસ્મિલ્‍લા‍હિર્રહમાનિર્રહીમ.
بسم اللہ الرحمن الرحیم
આ આખા વાક્યનો અર્થ થાય છે કે ,
શરૂ કરું છું હું અતિકૃપાળુ , મહાન દયાળુ અલ્‍લાહના નામથી.

કોઇ આ પ્રવિત્ર શબ્‍દો કોઇ પણ કામના આરંભે બોલવા-ઉચ્‍ચારવાથી એમાં બરકત અને સફળતા પ્રાપ્‍ત થાય છે.
નબીએ કરીમ હઝરત મુહંમદ સલ્‍લલ્‍લાહુ અલયહિ વ સલ્‍લમ પણ દરેક કામના આરંભે આ શુભ વાક્ય જરૂર ઉચ્‍ચારતા હતા.
આમ કરવામાં એક ખૂબી આ છે કે અલ્‍લાહના બે મહત્‍વના ગુણો ‘ રહમાન ‘ (અતિ દયાળુ) અને ‘ રહીમ ‘ (અતિ કૃપાળુ) ના ઉલ્‍લેખ લઇ કાર્ય શરૂ કરનાર માણસ અલ્‍લાહના નામ અને ગુણો દ્વારા તેની તેની અલ્‍લાહ પ્રત્‍યની નિખલાસતા, ધ્‍યેયની પ્રવિત્રતા અને સત્‍યનિષ્‍ઠાનો એકરાર કરે છે.
કુર્આનમાં પણ દરેક સુરત (પ્રકરણ)ના આરંભે બિસ્મિલ્‍લાહ...નું વર્ણન છે.
પૂરા વાક્ય ‘બિસ્મિલ્‍લા‍હિર્રહમાનિર્રહીમ‘ ની ટુંકી સમજ અત્રે અમે આપીએ છીએ.

‘ બિસ્‍મ ‘ ‘ નામથી ‘ એટલે કે નામની મદદ અને સહાય..
‘ અલ્‍લાહ ‘ આ અલ્‍લાહ તઆલાનું વિશેષ નામ છે. અલ્‍લાહ સિવાય કોઇ અન્‍ય વિશે આ નામનો ઉપયોગ કરી શકાય નહી. ફારસીમાં ‘ ખુદા ‘ અને અંગ્રેજીમાં ગોડ શબ્‍દ અલ્‍લાહ માટે વપરાય છે, પરંતુ ફારસી-અંગ્રેજીના આ શબ્‍દો અન્‍યો માટે પણ વપરાય છે. જેમ કે મોટા માણસ માલિક, શેઠ માટે ખુદાવંદ, ગોડફાધર વગેરે રૂપે બોલાય છે. અરબીમાં અલ્‍લાહ શબ્‍દ કોઇ અન્‍ય માટે વપરાતો નથી. માટે જ અન્‍ય ભાષામાં એનો ઉચિત સમાનાર્થી શબ્‍દ મળવો પણ મુશ્‍કેલ છે.

‘ રહમાન -રહીમ ‘ આ બે શબ્‍દો ‘રહમત! પરથી બન્‍યા છે.
‘ રહમાન ‘ એટલી વિપુલ રહમત વાળો કે એનાથી વધુ રહમતની કલ્‍પ્‍ના ન થઇ શકે. જેમ ‘ અલ્‍લાહ ‘ નામ ફકત અલ્‍લાહ માટે જ છે, એમ ‘ રહમાન ‘નું ગુણ વાચક આ નામ પણ ફકત અલ્‍લાહ માટે જ વપરાય છે. કુર્આનમાં અલ્‍લાહના નામ પછી સૌપ્રથમ જે ગુણનો ઉલ્‍લેખ કરવામાં આવ્‍યો છે તે ‘રહમાન‘ જ છે.

‘રહીમ ‘ પણ અલ્‍લાહનું ગુણવાચક નામ છે, રહમતમાં અતિશ્‍યોકિત દર્શાવે છે, એટલે કે વારંવાર રહમત કરવાવાળો.
આ બન્‍ને ગુણવાચક નામોનો ખુલાસો વર્ણવવામાં આવે તો કહી શકાય કે રહમતની વિપુલતા અને અતિમાત્રા તો રહમાનના ગુણ દ્વારા બતાવાવમાં આવી, અને વારેઘડીએ રહમત વરસવાને ‘ રહીમ ‘ના ગુણ દ્વારા વર્ણવવામાં આવ્‍યું.
આ છે ઇસ્‍લામના ધર્મપુસ્‍તક કુર્આનના આરંભિક શબ્‍દો. જે અલ્‍લાહના એકત્‍વ અને તેના પ્રેમ-કરૂણા, દયા રહમતના સર્વસ્‍વ અને સર્વગ્રાહી હોવાના એલાન સાથે ઇસ્‍લામના મુળ સ્‍વભાવને વ્‍યકત કરે છે,

Sunday, May 14, 2006

OLD IS GOLD

આજે અચાનક સુરત-રાંદેરથી પ્રકાશિત, હાલ બંધ, ‘ કારવાં‘ મેગેઝિનના જુના અંકો ઉઠલાવી રહ્યો હતો, ડિસેમ્‍બર ૧૯૪૦ નો અંક જોયો તો સુવાસના મથાળાથી આ પંકિતઓ મળી,
રહેજો કોઇના દિલમાં તો એની આશ બની
રહેજો આંખમાં તો આંખનો પ્રકાશ બની
જવાનું થાય જો શત્રુની કદી મહેફિલમાં
જજે ખુશીથી મગર ફૂલની સુવાસ બની.
( શયદા - મુંબઇ )

Saturday, May 06, 2006

ઇસ્‍લામનો આધાર, માનવીય સંસ્‍કારો ...( સુવાસ)

કુર્આનમાં અલ્‍લાહ તઆલાનો આદેશ છેઃ
ન્‍યાયથી વર્તો, ભલાઇ - ઉપકાર કરો. સગાવહાલાઓને એમનો હક આપો.
બુરી બાબતો , ગુનાહિત કામો ન કરો.
કુર્આનમાં અન્‍ય એક સ્‍‍થળે અલ્‍લાહ તઆલા તેના શ્રેષ્‍ઠ બંદાઓનું વર્ણન આ શબ્‍દોમાં કરે છે,
અલ્‍લાહના બંદા ધરતી પર હળવેથી હરે ફરે છે,
અજ્ઞાનીઓ એમનાથી બાખડવાનો પ્રયત્‍ન કરે છે તો શાંતિની વાત કરે છે.
રાત્રે અલ્‍લાહ સમક્ષ ઉભા રહે છે કે સજદો કરે છે, (એટલે કે રાત્રિ ઈબાદત આરાધનામાં પસાર કરે છે.)
તેઓ અલ્‍લાહથી દુઆ કરતા રહે છે કે અમને જહન્‍નમ – નર્કના અઝાબ - શિક્ષાથી રક્ષણ આપો.
તેઓ ખર્ચમાં મધ્‍યમ રાહ અપનાવે છે,
અલ્‍લાહ સાથે અન્‍ય કોઇને માબૂદ – પૂજ્ય નથી ગણતા.
અલ્‍લાહે મનાઇ ફરમાવેલ કોઇ પણ માણસને કતલ નથી કરતા, હા કોઇ ગુનાની સઝામાં જુદી વાત છે.
તેઓ વ્‍યાભિચાર નથી કરતા.
જેઓ આવા ( કતલ – વ્‍યાભિચાર વગેરે ગુનાના) કાર્યો કરે છે , તેમને ગુનો (અને તેની શિક્ષા) લાગુ પડશે.
તેઓ જુઠી ગવાહી નથી આપતા.
ગેરઉપયોગી બાબતો સજ્જનતાથી ટાળી દે છે.
તેઓ પ્રાથના – દુઆ કરે છે કે હે અલ્‍લાહ ! અમને અમારી પત્નિઓ અને બાળકોમાં આંખોની ટાઢક આપો, અને સજ્જન માણસોમાં ઉચું સ્‍થાન અર્પો.
આવા લોકોને અલ્‍લાહ તરફથી સ્‍વર્ગનું સુંદર સ્‍થાન આપવામાં આવશે.
સૂરએ ફુરકાન – ૬૩

------------------------------------

મક્કામાં જ્યારે મુહંમદ પયગંબર સાહેબનો જન્‍મ થયો તો ચોતરફ અંધાધૂંધી હતી, અત્‍યાચાર , બળાત્‍કાર અને કુકર્મોની બોલબાલા હતી, લુંટફાટ, ચોરી, ખૂનામરકી અને વ્‍યાભિચારનું ચલન હતું, લોકો એટલા નિલર્જ અને ક્રૂર – ઘાતકી હતા કે સગી પુત્રીને જીવતી દાટી દેતા હતા. પરંતુ પયગંબર સાહેબ સલ્‍લલ્‍લાહુ અલયહિ વ સલ્‍લમમાં આવો કોઇ દુર્ગુણ હતો નહિ, ઉલટાનું તેઓ આ બધાથી નફરત કરતા, લોકોને આમ ન કરવા કહેતા, આવા ખરાબ કૃત્‍યો કરનારાઓથી દૂર રહેતા. સદાયે ચિંતિત રહેતા કે કેમેય કરી લોકો સજ્જન બની જાય, અત્‍યાચારોનો અંત આવે, વગેરે...
એવામાં એક વાર એક ગુફાનમાં ઇબાદતમાં મગ્‍ન મુહંમદને અલ્‍લાહનો દિવ્‍ય સંદેશ પ્રા૫ત થાય છે અને લોકોની સુધારણા માટે નિયુકત કરવા ઉપરાંત તે માટે અલ્‍લાહ તરફથી સહાય અને સફળતાનું વચન આપવામાં આવે છે.
મુહંમદ પયગંબર સાહેબ સલ્‍લલ્‍લાહુ અલયહિ વ સલ્‍લમને પ્રારંભે જ્યારે અલ્‍લાહ તઆલા તરફથી દિવ્‍ય સંદેશ પ્રાપ્‍ત થયો કે આપને અલ્‍લાહનો સંદેશ લોકો સુધી પહોંચાડવા માટે નિયુક્ત કરવામાં આવ્‍યા છે, હવેથી તમારે લોકોની સુધારણા અને દિવ્‍યજ્ઞાનના પ્રસાર માટે અલ્‍લાહના આદેશ પ્રમાણે કામ કરવાનું છે. પ્રારંભે અચાનક જ અલ્‍લાહના એક મહાન ફરિશ્‍તા - દૂત મારફતે મળેલ આ સંદેશાથી પયગંબર સાહેબ કંઇક ગભરાય ગયા, તેઓ સીધા ઘરે આવ્‍યા, અને પત્નિ ખદીજાને આ બધી વાત કરી, આ નેક અને સજ્જન ખાતૂને પતિને શાંત્‍વન આપતાં કહ્યું કે ગભરાઓ નહિં, તમે તો નેક , સજ્જન , પ્રમાણિક અને અમાનતદાર વ્‍યકિત છો, ખુદા તમને કંઇ કષ્‍ટમાં નહિં નાંખે, તમે તો સગાંસ્‍નેહીઓથી સદવર્તન રાખો છો, પિડિતોની સહાય કરો છો, નિશાધારોને સધિયારો આપો છો, ગરીબોના બેલી છો, મહેમાનોની પરોણાગતિ કરો છો, અને સત્‍ય ખાતર દરેકને ઉપયોગી થાઓ છો.
પત્નિ ખદીજાના આ શબ્‍દો મુળે તો પયગંબર મુહમ્‍મદ સાહેબના સદાચાર અને સંસ્‍કારો દર્શાવે છે, પણ ઉપર દર્શાવવામાં આવેલા કુર્આનના આદેશને જોઇએ છીએ, તો સ્‍પષ્‍ટ થાય છે કે મુહંમદ પયગંબર સાહેબને ખુદા તઆલાએ પયગંબર બનાવ્‍યા પછી પણ તે જ સદકાર્યોનો આદેશ આપ્‍યો, જે તેઓ પહેલેથી તેમની સજ્જનતાથી કરતા જ હતા.
આનાથી ફલિત થાય છે કે માનવીય સંસ્‍કારો અને પ્રાકૃતિક સદાચારો જ મુળ ઈસ્‍લામ ધર્મના સિદ્ધાંતો છે, તેના ઉપર જ ઇસ્‍લામની ઇમારત ઊભી છે, જે કાર્યો અને સદકર્મો મુહંમદ એક સજ્જન અને સંસ્‍કારી હોવાના નાતે પોતે કરતા હતા તેના જ વિશે કહેવામાં આવ્‍યું કે તમે લોકોમાં એનો પ્રચાર – પ્રસાર કરો.
આ જ બાબત ઇસ્‍લામની ખૂબી છે, આધાર અને બુનિયાદ છે, મુસલમાનોએ અને અન્‍ય દરેકે આ બાબતને લક્ષમાં રાખી જ ઇસ્‍લામ વિશે વિચારવું જોઇએ, અત્‍યાચાર મુસલમાનોનો ધર્મ નથી, મુસલમાનોએ અપનાવવાની જરૂરત નથી, અને કોઇ કરે તો એનો સાથ પણ ન આપી શકાય.

Monday, May 01, 2006

પાંચ + પાચ + પાંચ + પાંચ = ર૦ બાબતો

અઝદ કબીલાનું એક પ્રતિનિધિ મંડળ પયગંબર હઝરત મુહંમદ સાહેબની સેવામાં પધાર્યું.જેમાં કુલ સાત માણસો હતા. એમનો પહેરવેશ અને ચાલ ઢાલ પયગંબર સાહેબને યોગ્‍ય જણાંયાં .
પયગંબર સાહબ - તમે કોણ છો ?
કબીલા વાળાઓ - અમે મોમિન છીએ.
પયગંબર સાહેબ - તમારા મોમિન હોવાનો મતલબ શું છે ?
કબીલા વાળાઓ – અમે પંદર વાતોને અનુસરીએ છીએ, એમાંથી પાંચ વાતોની ( દિલથી માનવા) માન્‍યતા રાખવાનો અને બીજા પાંચ કામો કરવાનો આદેશ અમને તમારા જ માણસોએ આપ્‍યો છે. અન્‍ય પાંચ વાતો અમે પૂર્વેથી જ અનુસરતા આવીએ છીએ.
દિલથી માનવા અને માન્‍યતા રાખવાની પાંચ વાતો આ છે,
૧ , અલ્‍લાહ ઉપર , ર, ફરિશ્‍તાઓ ઉપર , ૩ , અલ્‍લાહની કિતાબો ઉપર , ૪, અલ્‍લાહના રસૂલો ઉપર , ૫, અને મર્યા પછી આખિરત (પરલોકમાં ) ફરી જીવંત થવા ઉપર ઈમાન રાખવું, ( એટલે આ બધાના હોવા કે થવા ઉપર શ્રધ્‍ધા રાખવી.)

જે પાંચ કામો કરવાનો અમને આદેશ છે તે આ છે, ૧, લા ઇલાહ ઇલ્‍લલ્‍લાહ કહેવું, ( એટલે કે ફક્ત એક અલ્‍લાહ હોવાનો એકરાર કરવો). ર, પાંચ સમયની નમાઝ પઢવી. ૩, ઝકાત આપવી, ૪, રમઝાન માસના રોઝા ( ઉપવાસ) રાખવા, ૫, શકિત શાળી સમૃદ્ધ માણસે હજજ કરવી.
બાકીની પાંચ વાતો જેને અમે પૂર્વેથી જ અનુસરતા આવીએ છીએ તે આ છે ,
૧ , રાહતમાં શુક્ર કરવો , ર, મુસીબત ટાણે સબ્ર કરવો. ૩, અલ્‍લાહના ફેસલા પર ખુશ રહેવું ૪ , કસોટી વેળા સત્‍યને વળગી રહેવું, ૫ , શત્રુને હસવાની તક ન આપવી.
પયગંબર સાહેબે તેમની આ વાતો સાંભળી ફરમાવ્‍યું કે જેણે તમને આ વાતો શીખવાડી તે વિદ્વાન અને જ્ઞાની હતા. હવે બીજી પાંચ વાતો વધુ યાદ કરી પૂરી વીસ કરી લો.
૧ , જે વસ્‍તુ ખાવાની ન હોય એને ભેગી ન કરો.
ર ૪ જે મકાનમાં રહેવાનું ન હોય એને બનાવશો નહી.
૩ , જે વાતો કાલે છૂટી જવાની છે, એમાં હરિફાઇ ન કરો.
૪ , અલ્‍લાહથી ડરો , એની પાસે પાછા જવાનું છે.
૫ , આખિરતમાં કામ આવે એવી વસ્‍તુઓનો શોખ રાખો ,ત્‍યાં હંમેશા રહેવાનું છે.