Saturday, January 30, 2016

લાલચ વગરની ઇબાદતલાલચ વગરની ઇબાદત
લખનઉના બજારમાં એક ગરીબ દરજીની દુકાન હતી. 
દરજીની આદત હતી કે દરેક મુસલમાનના જનાઝહ વેળા દુકાન બંધ કરીને નમાઝ માટે જતો હતો. લોકોએ એને કહયું કે આમ કરવાથી તારા ધંધાને નુકસાન નથી થતું ? એણે કહયું કે, ઉલમાના મોંઢે સાંભળ્યું છે કે બીજાઓની જનાઝહની નમાઝ પઢશું તો આપણા જનાઝહમાં મોટી ભીડ અલ્લાહ તઆલા ભેગી કરશે. પણ હું તો ગરીબ છું. મને કોણ ઓળખે છે ? અને કોણ મારા જનાઝહમાં આવશે ? બસ એટલી ઉમ્મીદ છે કે આ નમાઝોની બરકતથી જ મારી મગફિરત થઈ જાય.
અલ્લાહનું કરવું કે ૧૯૦રમાં હઝ. મવ. અ. હય લખનવી રહ.નો ઇન્તેકાલ થયો. મહાન આલિમ અને વિદ્વાન હતા. રેડિયો ઉપર એમની વફાતના સમાચાર અને જનાઝહની નમાઝના સમયનું એલાન થયું. લાખો લોકો દૂર દૂરથી જનાઝહની નમાઝ માટે આવ્યા. અને હજુ આવવાનું ચાલુ જ હતું. નમાઝ થઈ થઈ છતાં ઘણા લોકો રહી ગયા.
એમની જનાઝહની નમાજ પૂરી થઈ કે તુરંત એક બીજા જનાઝો આવ્યો અને એલાન થયું કે એક ગરીબ મુસલમાનનો જનાઝો છે. એની નમાઝ પણ પઢવા બધા ઉભા રહે. હઝારો બુઝુર્ગો, ઉલમા અને અલ્લાહવાળાઓ અને લાખો લોકો બધા જ આ જનાઝહમાં શરીક થયા. અને જે લોકો પહેલા જનાઝહમાં શરીક થઈ શકયા ન હતા એ બધા પણ આ જનાઝહમાં શરીક થયા. એમ આ જનાઝાની નમાઝમાં મવ. અ. હય રહ. કરતાં પણ વધારે લોકો શરીક થયા.
આ જનાઝો પેલા ગરીબ દરજીનો હતો.
સાચે જ ઇખ્લાસ અને નિખાલસતા મોટી દોલત છે. આ ગરીબના ઇખ્લાસમાં કોઈ શંકા જ નથી. જનાઝહમાં શરીક થવાની ફઝીલત સાંભળ્યા પછી પણ એની નિય્યતમાં એવું ન હતું કે મારા જનાઝહમાં લોકો ભેગા થાય એટલું હું જનાઝહમાં જાઉં છું. બસ એક મગફિરતની આશા હતી.
કોઈ પણ પ્રકારની લાલચ વગરની ઇબાદત તે આનું નામ.

આતંકવાદ, ઇસ્લામ, વિશ્વસત્તાઅો અને મીડીયા

પાછલા દિવસોમાં ફ્રાંન્સમાં આઈ.એસ.આઈ.એસ. દ્વારા કરવામાં આવેલ હુમલા પછી વિશ્વભરમાં એકદમ એવો માહોલ બની ગયો હતો જેમ ટવીન ટાવર એટેક પછી થયું હતું. અલબત્ત અમુક દિવસો વિત્યા પછી સ્થિતિ બદલાય રહી છે. આ હુમલો સાચે જ આઈ.એસ.આઈ.એસ. દ્વારા કરવામાં આવ્યો હતો, કે પછી કયાંક બીજી કોઈ શકયતા પણ રહેલી છે ? એ કદી સામે નહી આવે. આજે તો ફકત એક જ વાત છે. અને તે આ કે આ આઈ. એસ.આઈ.એસ.નું જ કામ છે. 
વિશ્વભરમાં એકદમ એવો હાઉ ઉભો થયો હતો જાણે આખા વિશ્વ અને સમગ્ર માનવ બિરાદરી ઉપર અસ્તિત્વનો ખતરો આવી પડયો હોય. આ જ ફ્રાંન્સ વિશ્વભરમાં અનેક સ્થળોએ માનવખુવારી થાય છે ત્યારે ચુપ રહે છે. ચાહે મુસલમાનોની હોય કે અન્યોની હોય. અમેરિકા અને ફ્રાંન્સ સહિત આખું યુરોપ વિશ્વમાં પોતાની નેતાગીરી માટે હુમલાઓ કરે છે, હત્યાઓ કરે છે, પોતે જાહેર કરે છે કે અમે ફલાણા ફલાણા ત્રાસવાદી સંગઠન સાથે યુદ્ઘ સ્થિતિમાં છે, પોતે જ શરૂઆત કરે છે, પછી જવાબ આવે છે તો છંછેડાય છે. એમને કહો કે પોતાના કર્મોના ફળ માટે માટે કોઈ બીજા દેશ કે ધર્મને બદનામ કરવાની કોઈ જરૂરત નથી.
વિશ્વને આખાને જાણે અમુક તમુક ઘટનાઓ ઉપર જ પોતાની લાગણીઓ વ્યકત કરવા માટેનું કહેવામાં આવતું હોય એમ અચાનક અમુક નાનકડી ઘટનાઓ ઉપર પણ મોટી ચર્ચાઓ અને ભયાનક વાતાવરણ ખડું કરવામાં આવે છે અને બીજી ઘટનાઓને એકદમ બ્લેકઆઉટ કરી દેવામાં આવે છે. આવા ટાણે મીડીયાથી પ્રભાવિત થઈને અનેક માણસોની વિચારવાની દિશા બદલાય જાય છે કે બદલવાની કોશિશ કરવામાં આવે છે. ભારતીય મીડીયાને ઇસ્લામ કે મુસ્લિમ વિરોધી કોઈ બાબતને ચગાવીને રજૂ કરવામાં વિશેષ મજા પડે છે. પાછલા દિવસોમાં આરબ દેશ કતર દ્વારા એક અરબ ડોલર.... એક અરબ ડોલર...નો દંડ ભારતીય સરકાર તરફે જતો કરવામાં આવ્યો. અરબો - ખરબો ડોલર લઈને કોઈ દેશ ભારતને યુદ્ઘ સામગ્રી આપે છે અથવા કોઈ ટેકનોલોજી આપે છે તો મીડીયા એની સાથે ભારતની દોસ્તીના ગીતો ગાય છે, પણ આ એક આરબ મુસ્લિમ દેશ હતો એટલે....
મીડીયાના આવા પ્રભાવ હેઠળ આવીને ઘણા સામાન્ય મુસલમાનો બચાવની પોઝીશનમાં આવી જાય છે. તેઓ સમજે છે કે કયાંક આપણે અથવા આપણા ધરમમાં જ કોઈ એવી ખામી છે જેના કારણે ધરમનું નામ લઈને લોકો આવું કૃત્ય કરે છે અને આપણો ધરમ બદનામ થાય છે. આવા લોકોને ધરમનું નામ લેવાથી રોકવા જોઈએ... પણ વાસ્તવમાં એવી કોઈ જરૂરત નથી હોતી. અગર કોઈ ધરમનું નામ લે છે તો અમેરિકા અને યુરોપ જે સ્વતંત્રતાનું નામ લે છે તે પણ એક પ્રકારનો ધરમ જ છે ને. એનું નામ લઈને જ તેઓ વિશ્વભરમાં લોકોને મારે છે ને. એક ધરમનો કાયદો બીજાને ગોશ્ત ખાવા ઉપર ફાંસી સજા આપવાની માંગ કરે છે.  કોઈ કાયદો ચોરી કરનારના હાથ કાપવા કે વ્યાભિચારીને મારી નાખવાની સજા કરે છે... બીજો કાયદો લોકોને બુરકો પહેરવા ઉપર હજારો કે લાખો રૂપિયાનો દંડ કરે છે. વિશ્વની સૌથી વધુ ભયંકર ત્રાસદાયક જેલોના નિયમો એક પ્રકારનો આધુનિક ત્રાસવાદી ધરમ જ છે ને. ? આધુનિક દેશો કાયદા કે કાનૂન નામે જે ધરમને અનુસરી રહયા છે એ કેટલો ન્યાયી છે ? પછી શીદને કોઈ ધર્મને બદનામ કરો છો ? એક દેશનો કાયદો દારૂ ઉપર પાબંદી લગાવે છે, બીજા દેશમાં છૂટ છે, છતાં કોઈ દેશ જૂનવાણી કે કટ્ટર નથી. તો ફકત ઇસ્લામના નામે અમુક કાયદાઓનું નામ લઈને શીદને કોઈને બદનામ કરવામાં આવે છે ? જુગાર અને સટ્ટાની અનેક સ્કીમો કેટલાયે દેશોમાં માન્ય અને સ્વીકાર્ય છે, અને ઘણા દેશોમાં ગુનો છે. એમાં કોઈને કશું ખોટું દેખાતું નથી. પણ ઇસ્લામે વ્યાજને હરામ કહયું એટલે એ બધાને ખુંચે છે. આવું જ કંઈ કહેવાતા આંતકવાદ અને ત્રાસવાદ બાબતે છે.
રશિયા યુક્રેનમાં કરે તે, અમેરિકા અશ્વેતો સાથે કરે તે, સવર્ણો દલિતો સાથે કરે તે, મ્યાનમારના બોદ્ઘો રોહિંગ્યા મુસલમાનો સાથે કરે તે, તમિલો અને સિંહલો એકબીજા સાથે કરે તે...બધી નાનકડી ઘટનાઓ...અને પેરિસમાં માથાફરેલ વ્યકિત જે કરે તે આખા વિશ્વને હચમચાવી મુકનારી ઘટના કહેવાય. દેશ અને સત્તાના નામે શાસકો ગમે તે કરે તે ન્યાય અને કોઈ સંગઠન જે કરે તે આતંકવાદ ¦ અમેરિકા એના શત્રુ કોરિયા સાથે વાટાઘાટ કરી શકે છે.. જરૂરત પડે તો અલકાયદા કે દાએશ સાથે પણ કેદીઓ છોડાવવા વાટાઘાટો કરે છે, તો પછી શાંતિ માટે કેમ વાટાઘાટો કરવામાં નથી આવતી, એને ખતમ કરવું જ છેલ્લો ઉપાય છે ? એને એક અલગ પ્રદેશ-દેશ તરીકે સ્વીકારીને મુખ્યધારામાં ન લાવી શકાય ? કદાચ એવું તો નથી કે બધાનું હિત એમાં છે જ કે વિશ્વ સળગતું રહે... શાસકોની નેતાગીરી અને એમના સ્પોન્સર કોર્પોરેટ ગૃહોનો હથિયારોનો વેપાર પણ ચાલતો રહે . અમે એટલું જ કહીશું કે આવી નાનકડી ઘટનાઓને મોટી બતાવીને હાઉ ઉભો કરવો ખોટો છે અને કોઈ કરે તો આપણે એના પ્રભાવમાં આવવું જોઈએ નહી. .

એજયુકેશન, ઇકોનોમી, ટેકનોલોજી વગેરેમાં મુસલમાનો કેટલા આગળ હોવા જોઈએ.

એજયુકેશન, ઇકોનોમી, ટેકનોલોજી વગેરેમાં મુસલમાનો કેટલા આગળ હોવા જોઈએ.

સવાલ : શું વર્તમાન ઉમ્મતે મુસ્િલમહ માટે આ જરૂરી નથી કે તેઓ હથિયાર અને વોર - વેપન ટેકનોલોજીમાં યહૂદીઓ જેટલા જ પાવરફૂલ હોય. શું મુસલમાનો પાસે પણ એવા હથિયાર હોવા જરૂરી નથી, જેવા એમના વિરોધી કોમ કે સત્તા પાસે હોય ?
જવાબ :  કુરઆનના આદેશ પ્રમાણે જે વસ્તુઓ જરૂરી છે તે આ છે : શત્રુના મુકાબલા માટે પોતાની શકિત મુજબની તૈયારી કરવામાં આવે. કોઈની બરાબરી કે કોઈનાથી ચઢિયાતા હોવું જરૂરી નથી. આપણી સૈન્ય શકિત શત્રુથી ચઢિયાતી હોય એ જરૂરી નથી. એના સમોવડી હોય એ પણ જરૂરી નથી. પણ આપણી શકિત મુજબની તૈયારી જરૂર હોવી જોઈએ અને એ હથિયારો અને શકિત વડે શત્રુ સાથે લડવું અને જિહાદ કરવો જરૂરી છે.
જરૂરત પડયે કોઈનો મુકાબલો કરવો પડે તો મુસલમાનોએ કેટલી તૈયારી કરવી, એ વિશે કુરઆનમાં સ્પષ્ટ રૂપે કહેવામાં આવ્યું છે : 'તમે તૈયારી કરો, જેટલી પણ તમે કરી શકો.'' 
કુરઆનમાં અન્ય એક સ્થળે ભૌતિક રીતે એટલે કે સંશાધનો, શસ્ત્રો, સૈન્યની સંખ્યા વગેરે બાબતોમાં મુસલમાનોએ કેટલા અંશે સમર્થ હોવું જરૂરી છે, એનું માર્ગદર્શન પણ છે. અલ્લાહ તઆલા ફરમાવે છે : 
અગર તમારામાં અડગ રહેનાર વીસ માણસો હશે તો તેઓ બસો ઉપર વિજયી રહેશે અને જો તમારામાં સો (આવા) હશે તો હજાર કાફિરો પર વિજયી બનશે, કારણ કે તે એવા લોકો છે, જે (દીનને) કંઈ સમજતા નથી. (૬પ) હવે અલ્લાહે તમારાથી બોજો હલકો કરી દીધો અને તેણે જાણી લીધું કે તમારામાં કંઈક નબળાઈ છે તો (હવે) જો તમારામાં અડગ રહેનાર સો માણસો હશે તો તેઓ બસોને જીતી લેશે અને જો તમારામાં હજાર હશે તો બે હજાર પર અલ્લાહના હુકમથી જીત મેળવશે અને અલ્લાહ (ની મદદ) અડગ રહેનારાઓની સાથે જ છે. (૬૬) (સૂરએ અન્ફાલ)
આ આયતમાં સ્પષ્ટ રીતે કહેવામાં આવ્યું છે કે ભૌતિક રીતે મુસલમાનો અડધો અડધ પછાત હોય, ઓછા હોય, કમઝોર હોય તો પણ તેઓ એમના પ્રતિસ્પર્ધી કરતાં આગળ નીકળી શકે છે, એમના ઉપર પ્રભાવી થઈ શકે છે. અલબત્ત એના માટે જરૂરી શરતો આયતમાં આગળ જણાવી છે : પાકું ઈમાન અને અડગતા. લડાઇ જેવી બાબતે આ માપદંડ હોય તો અન્ય બાબતોમાં પણ આ માપદંડ હોય એ વધારે સ્પષ્ટ છે.  કુરઆનમાં અનેક આયતોમાં જયાં મુસલમાનોને દુનિયામાં જીત અને પ્રભાવનો વાયદો કરવામાં આવ્યો છે, એ બધી જ આયતોમાં અસલ શર્ત ઈમાન પાકું હોવાની છે. ભૌતિક રીતે મુસલમાનો ચડિયાતા હશે તો જ જીતી શકશે એવું કુરઆનમાં કયાંયે નથી. મતલબ આ થયો કે મુકાબલા અને સ્પર્ધા માટે આપણી અસલ તાકત આપણું ઈમાન છે. એના લઈને તો લડાઈ છે, સ્પર્ધા છે, હરીફાઈ છે. વિરોધ અને ઝઘડાઓ છે. આપણે જો મુસલમાન રહેવા ન માંગીએ, ઇસ્લામ છોડી દઈએ તો પછી આપણા સાથે કોને દુશ્મની છે ? કોઈ પણ આપણો વિરોધી નથી. આપણો વિરોધ અગર કોઈ કરે છે તો ઇસ્લામના કારણે જ કરે છે. પછી આ બેવકૂફી ન કહેવાય કે ઇસ્લામના નામ ઉપર આપણે એનો મુકાબલો કરવા માટે ઇસ્લામને પણ છોડી દઈએ. એના કરતાં સરળ રીત આ છે કે મુકાબલા વગર જ ઇસ્લામને છોડી દઈએ, પછી લડાઈ અને સ્પર્ધાની જરૂરત જ નહી રહે.
એટલે કે આ દુનિયામાં આગળ આવવાના બે રસ્તા આપણી સામે છે. (૧) ભૌતિક રીતે થોડા પાછળ હોઈએ પણ ઇમાન અને અડગતામાં પાકા હોઈએ..(ર) ભૌતિક રીતે સમોવડિયા અથવા ચડિયાતા થઈને સ્પર્ધા - મુકાબલો કરીએ, ભલે ઇસ્લામના અનુસરણમાં આપણે પાછળ હોઈએ.
આપણા માટે કયો રસ્તો સરળ છે એ આપણે સમજી શકીએ છીએ.
અમારા ઉપરોકત લખાણનો મતલબ એ નથી કે રોઝા, નમાઝ, વગેરે ઇસ્લામી ઇબાદતો લઈને બેસી રહીએ અને જે તે ઝમાનામાં પ્રચલિત નીતિઓથી અજાણ રહીને એની સામે ઇસ્લાની નીતિઓના પ્રભાવી અને અસરકારક હોવાની તબ્લીગ ન કરીએ, દુશ્મનનો મુકાબલો પણ કરવામાં ન આવે. આપણે ઇસ્લામની નીતિઓની તબ્લીગ પણ કરવાની છે, એમાં આવતા વિરોધ અને અવરોધો પણ સહેવાના છે અને જરૂરત પડે તો સ્પર્ધા, હરિફાઈ, મુકાબલો, લડાઈ અને યુદ્ઘ પણ કરવાનું છે. પણ મુળ વાત આ યાદ રાખવાની છે કે આપણી અસલ પૂંજી અને અને ખરી શકિત શું છે ? 
અકબર ઇલાહાબાદીએ આ જ વાત શે'રમાં કહી છે :
તુમ શોખ સે કોલેજ મેં પળ્હો, પાર્ક મેં ફૂલો.
જાઇઝ હે ગુબ્બારોમાં ઉડો. ચર્ખ પે જૂલો
પર એક સખુન બંદએ આજિઝ કા રહે યાદ
અલ્લાહ ઓર અપની હકીકત કો ન ભૂલો.
યાદ રાખો...
૧) આપણી મુળ સમસ્યા ભૌતિકતા, આધુનિકતા, આથર્િક સદ્ઘરતા કે રાજકીય સત્તા સાથે લઈને ભવિષ્ય સુધી જવાની નથી, બલકે આપણા ધર્મને આવતી કાલ સુધી અને ભવિષ્ય સુધી અસલ અને મુળ સ્વરૂપે, વાસ્તવિક અમલી સ્વરૂપમાં લઈ જવો આપણી અસલ ફરજ છે. હદીસ શરીફમાં નબીએ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ સહાબાને સંબોધીને ફરમાવે છે કે મારી વાતો અન્યો સુધી પહોંચાડો. એવું થઈ શકે છે જેના સુધી પહોંચાડવામાં આવી હોય, એ મુળ સાંભળનાર કરતાં વધારે સમજદાર હોય અને એને સમજીને ઘણું બધું કામ લઈ શકે. નબીએ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમની આ વાત આજના સંદર્ભમાં પણ પૂરી રીતે ઉપયોગી છે. આપણે કોઈ પણ રીતે છાતીએ ચાંપીને દીન સાચવી રાખવાનો છે. આવતી પેઢીને આપવા માટે. માટે થોડું ઘણું ભૌતિક - દુન્યવી નુકસાન વેઠીને પણ દીન જાળવી રાખવો આપણી ફરજ છે.
ર) વર્તમાન આધુનિક શિક્ષાણની બધી જ શાખાઓમાં અને સામાજિક, આર્થિક અને રાજકીય રીતે આગળ આવવું અને સદ્ઘર રહેવું ઘણું જરૂરી છે. એના માટે મોટી મોટી કુરબાનીઓ આપવી પડે તો એ આપવી જોઈએ, પણ ઇસ્લામ અને ઇસ્લામના આદેશોની કુરબાની હરગિઝ નહી.

સમાજ સુધારણાની નબવી ચળવળ અને વર્તમાન મુસ્લિમ સમાજની સમીક્ષા

સમાજ સુધારણાની નબવી ચળવળ અને
વર્તમાન મુસ્લિમ સમાજની સમીક્ષા

નબીએ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ સાથે આપણી મુહબ્બત અને અકીદત તેમજ નુબુવ્વત અને રિસાલત ઉપર આપણા ઈમાનનો તકાઝો છે કે ઈમાન અને મુહબ્બત વ્યકત કરે એવા ઘણા બધા કામો કરવાની સાથે આપણે નબીએ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમના મિશન અને નુબુવ્વતના ધ્યેયો - મકસદોને પણ ધ્યાને રાખીએ.
ન્યાય અને નૈતિકતા, ઈમાન અને ઇસ્લામ, સંસ્કાર અને સમાનતા વગેરે ભલાઈના કયા આદર્શોનું માનવીય સમાજમાં સિંચન કરવાનો ધ્યેય હતો ? અને બુરાઈ - બદીના કયા કાર્યો અને એના સ્ત્રોતોને બંધ કરવાનો આશય નુબુવ્વત અને રિસાલતના કેન્દ્ર સ્થાને હતો ? ફકત ર૩ વરસના ટુંકા ગાળામાં નબીએ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમે ભરપૂર મહેનત કરીને માનવીય સમાજમાં એવું શું પરિવર્તન લાવી દીધું કે આપ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમને મહાન ક્રાંતિક્રારી પયગંબર કહેવામાં આવ્યા ? ઇતિહાસકારો સર્વસમંત છે કે આટલા ટુંકા સમયમાં આવી ક્રાંતિ અને પરિવર્તન શકય નથી. હજ્જતુલ વદાઅના છેલ્લા સંબોધનમાં નબીએ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમે ફરમાવ્યું હતું : જહાલતકાળની બધા નિયમો અને રિવાજો મારા પગો તળે કચડી નાખવામાં આવ્યા છે. એટલે કે જાહિલી સમાજના રિવાજો અને પરંપરાઓ ખતમ કરીને નબીએ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમે એક નવા સમાજની રચના કરી હતી.
ટુંકમાં આપણે જોઈએ કે જહાલતકાળના કયા કયા રિવાજો કે કાયદાઓ અથવા પરંપરાઓને નબીએ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમે માનવીય સમાજ માટે નુકસાનકારક ઠેરવીને ખતમ કયર્ા હતા ? અને વિચારીએ કે કયાંક આ બાબતો ફરીથી માનવીય સમાજમાં ન આવી ગઈ હોય ?
- કુફ્ર - શિર્ક અને મુર્તિપૂજા અરબસ્તાનમાંથી સંપૂર્ણ નષ્ટ કરી દીધી.
- નગ્નતા એટલે વ્યાપક હતી કે સ્ત્રી અને પુરુષો નગ્ન થઈને કાબાનો તવાફ કરતાં હતાં. નબીએ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમે એને રોકવા હેતુ નગ્ન તવાફની પ્રથાને બંધ કરવા ઉપરાંત સામાજિક અને વ્યકિતગત જીવનમાં દરેક માટે સતર અને પરદાના નિયમો લાગુ કર્યા. એટલે કે સ્ત્રી અને પુરુષ ઉપર મોટા ભાગનું શરીર છુપાવવું ફરજ - આવશ્યક ઠેરવવામાં આવ્યું.
- જુગાર અને સટ્ટો સામાન્ય હતાં, હરમ શરીફમાં અને અુમક ઇબાદતોના ભાગ સ્વરૂપે પણ જુગાર રમવામાં આવતું હતું. નબીએ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમે આ પ્રથાને સદંતર ખતમ કરી દીધી.
- વ્યાજનું લેન - દેન સામાન્ય બાબત હતી. વેપાર અને કરજ, બન્નેમાં વ્યાજ સામાન્ય બાબત હતી. પણ નબીએ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમે વ્યાજને હરામ ઠેરવીને વ્યાજુ લેન - દેનને અલ્લાહ અને એના રસૂલ સાથે યુદ્ઘ કરવા સમાન ગુનો ઠેરવી દીધો.
- શરાબ - દારૂનું સેવન ગર્વની બાબત હતી. અને એનું સેવન લોકોની જરૂરત અને સ્વભાવ બની ગયો હતો. છતાં નબીએ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમે એને સંપૂર્ણ રીતે હરામ ઠેરવ્યું અને સમાજને આ બદીથી પાક કરી દીધો.
- ભાષા, પ્રદેશ, કોમ અને વંશ વગેરે આધારિત ગર્વ કરવો અને ભેદભાવનું વર્તન સામાજિક વ્યવસ્થાનો જ એક ભાગ હતો. આ આધારે એકબીજા ઉપર ઉચ્ચતા અને પ્રાથમિકતા જતાવવામાં આવતી હતી. એકબીજા ઉપર હાવી થવા અને પ્રભાવી થવાના પ્રયત્નો કરવામાં આવતા હતા. જનાબ નબીએ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમે આ બધી વસ્તુઓને જાહિલી ભેદભાવ અને વર્ણવ્યવસ્થા ગણાવીને જાહેરાત કરી કે સન્માન અને શરાફતનો આધાર ફકત તકવા અને ઇમાન જ રહેશે.
હ્ર બેટીનો જન્મ બોજ સમજવામાં આવતો હતો. માણસ એના થકી પોતાને હલકો અને અપમાનિત સમજતો હતો. બાપ ચાહતો તો બેટીને જીવતી રાખતો નહીતર એને જીવતી દફન કરી દેતો. હઝારો છોકરીઓ આવી રીતે દાટી દેવામાં આવી હતી.પરંતુ નબીએ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમે બેટીને જીવવાનો અધિકાર આપ્યો એટલું જ નહી, બેટીને અલ્લાહ તઆલાની રહમતનો સબબ ઠેરવીને બેટીને મોટું સન્માન પણ આપ્યું.
- નાચ - ગાન પણ સામાન્ય બાબત હતી. નબીએ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમે નુબુવ્વતના મકસદમાં આ બાબત વર્ણવી કે મને નાચ  ગાનના સાધનો તોડવા - નષ્ટ કરવા મોકલવામાં આવ્યો છે.
- હલાલ - હરામનો કોઈ ફર્ક ન હતો. લોકોએ પોતપોતાના નિયમો બનાવી રાખ્યા હતા. બીજાનો માલ હઝમ કરી જવા માટે અનેક પ્રકારના બહાના શોધી લેતા હતા. નબીએ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમે રોઝી, વેપાર, કમાણી અને ખાવા પીવા બાબતે હરામ હરામના નિયમો નક્કી કર્યા અને ફરમાવ્યું કે હરામ રીતે બીજાનો માલ હડપ કરી જનાર માણસને જહન્નમાં બાળવામાં આવશે.
- યતીમ બાળકો અને સ્ત્રીઓ, સમાજમાં અપમાનિત હોવા ઉપરાંત અત્યાચારના શિકાર હતાં. એમના અધિકારો અને હકોની કોઈ કલ્પના પણ  ન હતી. મોટાઓ અને વડીલો એમના ઉપર દરેક પ્રકારનો ઝુલમ કરતા હતા. નબીએ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમે આ બન્ને સમુહોને સામાજિક અન્યાય અને અત્યાચારથી બચાવ્યા અને એમના વિશેષ હકો નક્કી કર્યા.
નબીએ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ થકી સમાજમાં સ્થાપિત કરવામાં આવેલ સર્વગ્રાહી સુધારણા અને પરિવર્તનનો આ અછડતો ચિતાર  છે. આ જ તે ક્રાંતિકારી બાબતો છે જેના કારણે નબીએ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમને ઇતિહાસના સૌથી સફળ ક્રાંતિકારી અને સમાજસુધારક સમજવામાં આવે છે.
અલબત્ત અફસોસની વાત આ છે કે ઉપર દર્શાવવામાં આવેલ ઘણી બધી ખરાબીઓ અને બદીઓ આજે માનવીય સમાજમાં ફરી પાછી પ્રસરી રહી છે. અને નબીએ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમના ઉમ્મતી હોવાથી આપણી જવાબદારી બને છે કે સમાજમાંથી એ ખરાબીઓ ખતમ કરવા માટે મહેનત કરીને સમાજમાં ઇસ્લામના આદર્શ સિદ્ઘાંતો ફરીથી જીવંત કરીએ.
(ઉર્દૂ ઉપરથી અનુવાદ.)

વાણી - વિચાર - વર્તનની ઇસ્લામી આઝાદી

વાણી - વિચાર - વર્તનની  ઇસ્લામી આઝાદી
માનવીય ઇતિહાસમાં સર્વશ્રેષ્ઠ અને અર્થસભર ગણાતા વાકયોમાં એક અનોખી વાત હઝરત ઉમર રદિ.એ કહી છે. 
'માનવીને એની 'મા'એ સ્વતંત્ર જણ્યો હતો, પણ તમે એને ગુલામ બનાવવાનું કયાંથી શીખી લીધું ?'
૧૪૦૦ વરસ પહેલાં કહેવામાં આવેલ આ વાકય ઇસ્લામી આદર્શ અને નબીએ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમની કેળવણીનો સાચો અર્થ અને મર્મ આપણને સમજાવી દે છે. અરબસ્તાનના ઉજ્જડ રણમાં વસતા કબીલાઓ અને એમની સંસ્કૃતિમાં વળી માનવીય ઉચ્ચતાના આવા આદશર્ોનું જ્ઞાન કયાંથી આવી ગયું ? એક માણસનું બીજા ઉપર રાજ કરવું, આસપાસના બીજા સઘળા સ્ત્રી - પુરુષ્ાોને પોતાના દાસ - દાસીઓ સમજવાં જયાં સામાન્ય વાત હતી ત્યાં ઉમર ઇબ્ને ખત્તાબ રદિ. માણસની સ્વતંત્રતાની તરફેણ કરતાં આટલા ઉચ્ચ સિદ્ઘાંત કયાંથી શીખી લાવ્યા હશે ? હુઝૂર સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમની ફકત ર૩ વરસની મહેનતનું આ ફળ હતું.
કોઈ પ્રવાસી કે મુસાફર ઇસ્વી સન ૬૧૦ ની આસપાસ અરબસ્તાનની સફરે આવે, જયારે હજુ નબીએ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમને નુબુવ્વત મળી ન હતી, અને ઇસ્લામની તાલીમ લોકો સામે આવી ન હતી. અને મક્કા - મદીનામાં રહીને ત્યાંના જીવન, સંસ્કારો અને સંસ્કૃતિનું એક ચિત્ર પોતાના મનમાં લઈને પાછો જાય તો એ ચિત્ર કેવું હશે ? એનું વર્ણન કરવાની જરૂરત નથી. યુદ્ઘ, અદાવત, નફરત અને વાદ - વિવાદ અને વાડાબંધીની એ સંસ્કૃતિને બધા જ જાણે છે. એમની પાસે ન જ્ઞાન હતું ન વિદ્યા કે કળા. સંપત્તિ અને સમૃદ્ઘિ પણ નહી. અંદરો અંદર લડવા સિવાય કદાચ બીજી કોઈ કળા એમને આવડતી ન હતી.
આ જ પ્રવાસી ર૩ વરસ પછી પાછો મક્કા  મદીના આવે તો એની શી હાલત થાય ? બે દશકા પહેલાં જે લોકો માનવતાની છેલ્લી પાયરીએ હતા તેઓ આજે માનવતાના ઉચ્ચ શિખરે કેવી રીતે પહોંચી ગયા, જે પરિવર્તન એને જોવા મળે એ નરી આંખોએ દીઠા પછી પણ એના માનવામાં ન આવે. આ કંઈ વીસમી સદીની ટેકનોલોજી દ્વારા કરવામાં આવેલ ઇન્ફ્રાસ્ટ્રકચર કે રીયલ એસ્ટેટની પ્રગતિ ન હતી. આ તો માનવીય સમાજ, સમજ અને સંસ્કારમાં આવેલ ધરમુળ પરિવર્તન હતું. 
હઝારો લાખો મજૂરો વડે કોઈ શહેરમાં કે વેરાન સ્થળે પણ, મોટી આલીશાન ઇમારતો, પ્લાઝા, લાંબા અને મજબૂત પુલો, મનમોહક અને સુંદર બાગો અને બીજી ઘણી આશ્ચર્યજનક સુવિધાઓ ઉભી કરી શકાય છે. આ બધું ર૩ વરસમાં અથવા એનાથી પણ ઘણા ઓછા સમયમાં કરી શકાય છે. અલબત્ત એક એવા સમાજની રચના કરી દેવી, જેમાં અભિમાન, અહંકાર ન હોય, નફરત અને અદાવત ન હોય, વાડાબંધી અને વાદ વિવાદ ન હોય, કેમેય કરીને શકય નથી.
જુઓ તો ખરા, નબીએ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમની તાલીમ થકી લોકોમાં કેવું પરિવર્તન આવી ગયું હતું ? 
હઝરત ઉમર રદિ. જેવા કુરેશના અતિ ઉચ્ચ મોભાવાળા વ્યકિત હઝરત બિલાલ જેવા, કુટુંબ કબીલા વગરના હબશી વંશના એક આઝાદ થયેલ ગુલામને 'સય્િયદના બિલાલ' (અમારા સરદાર બિલાલ) કહીને બોલાવે છે.
નબીએ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ એક સ્થળેથી પસાર થાય છે, એક માલિક એના ગુલામ સાથે કડકાઈ કરી રહયો હતો, આપ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમે એમને ફરમાવ્યું કે, યાદ રાખજો ¦ તમને આજે આ ગુલામ ઉપર જેટલો કાબૂ અને અધિકાર છે એનાથી કઈ ગણો વધારે કાબૂ કયામતના દિવસે અલ્લાહ તઆલાને તમારા ઉપર હશે. ફકત આટલી ટકોર સાંભળીને તે માલિક થરથર કાંપવા લાગે છે.
ઇસ્લામ પૂર્વેના જહાલતકાળમાં કોઈ વિચારી પણ ન શકે કે એક હબશી કાળો ગુલામ કાબા શરીફની છત ઉપર ચડીને લોકોને અલ્લાહના ઘરમાં આવવાની અથવા ઇબાદત કરવાની પ્રેરણા - દાવત આપી શકે છે.
બીજાનું જાનવર પહેલાં પાણી પી લે એના ઉપર વરસો સુધી લડી પડનારા આરબો સઘળી સંપત્તિમાં એક અજાણ્યાને ભાઈ માનીને ભાગીદાર બનાવવા તૈયાર થઈ ગયા. અકબર ઇલાહાબાદી આ વિગત કંઈ આવી રીતે વર્ણવે છે. 
ખુદ ન થે જો રાહ પર ઓરોં કે હાદી બન ગએ
કયા નજર થી જિસને મુરદોં કો મસીહા કર દિયા.
મવલાના અલ્તાફ હુસૈન હાલી કહે છે : 
વો બિજલી કા કડકા થા સોતે હાદી - અરબ કી જમીન જિસને સારી હિલા દી
નયી એક લગન દિલમેં સબ કે જગા દી-એક આવાઝ મેં સોતી બસ્તી જગા દી
ઝમાને કે બિગડે હુઓં કો બનાયા - બહોત દિન કે સોતે હુઓં કો જગાયા
ખુલે થે ન જો રાઝ અબ તક જહાં પર-વો દિખલા દિયે એક પરદા ઉઠા કર
કોઈ કલ્પના કરી શકે છે પોતાની સગી અવલાદને મારીને ગર્વ અનુભવનાર લોકો અલ્લાહ સામે જવા અને હિસાબ - કિતાબથી એવા ડરવા લાગશે કે તેઓ સઘળી સજા દુનિયામાં જ મળી જાય એવી ઇચ્છા કરશે. કોઈ એવું કહેશે કે કાશ ¦ હું ઘાસનું એક તણખલું હોત કે મારે અલ્લાહ પાસે કોઈ હિસાબ ન આપવો પડે. 
કોઈને ખબર ન હતી કે ફલાણાએ ઝીના (વ્યાભિચાર) કર્યો છે, છતાં પસ્તાવાનો બોજ લઈને એ પોતે જ નબીએ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ પાસે આવીને એકરાર કરતાં કહે છે : 
- માઇઝ બરબાદ થઈ ગયો.
અલ્લાહ પાસે માફી માંગો, તે મોટો માફ કરનાર છે.
- ફરીવાર એ જ અરજ કે માઇઝ બરબાદ થઈ ગયો.
એ જ જવાબ કે અલ્લાહ પાસે માફી માંગો, તે મોટો માફ કરનાર છે.
- ના, હું મારા ગુનાની સજા અહીયા જ ભોગવી લેવા માંગું છું.
ત્યારે એમના ઉપર સજાનો અમલ કરવામાં આવે છે. અને પછી અલ્લાહના રસૂલ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ ફરમાવે છે : માઇઝે એવી તોબા કરી છે કે આખા મદીના ઉપર વહેંચી દેવામાં આવે તો પણ કાફી થઈ પડે.
અજ્ઞાનીઓ - જાહિલોનો સરદાર લડાઈમાં માયર્ો જાય છે તો મારનારને કહે છે મારું માથું થોડું નીચેથી ગરદન સાથે કાપજે, જેથી અન્ય માથાઓ સાથે મુકવામાં આવે તો વધારે ઊંચું દેખાય. બે છોકરાઓના હાથે ઝખ્મી થઈને મરતી વેળા પણ એનું અભિમાન નીકળ્યું ન હતું.
આવા લોકો માંહે અમુક વરસોની મહેનત પછી નબીએ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ એલાન કરે છે : તમારામાંથી કોઈ ગોરાને કાળા ઉપર અને કાળાને ગોરા ઉપર... આરબને અજમી (ગેર આરબ) ઉપર અને અજમીને આરબ ઉપર કોઈ ઉચ્ચતા કે મહાનતા આપવામાં નથી આપવી. શ્રેષ્ઠતા અને મહાનતાની બુનિયાદ હવે પછી અલ્લાહના આદેશોનું પાલન અને અલ્લાહનો ખોફ રહેશે.
અને હવે લોકો એટલા બદલાય જાય છે કે પાડોશીની નારાજગીથી પણ ડરે છે કે કયાંક એના કારણે અલ્લાહ તઆલા નારાજ ન થઈ જાય, યતીમો, અશકતો અને ગરીબોના હક બાબતે પણ તકેદારી રાખતા થઈ જાય છે. સમાજમાં ટુંક સમયમાં એટલું બધું પરિવર્તન થઈ જાય છે. અને પછી હઝ. ઉમર રદિ. કહે છે કે, 'માનવીને એની 'મા'એ સ્વતંત્ર જણ્યો હતો પણ તમે એને ગુલામ કેમ બનાવવા માંડયા ? 
હવે આપણે બધા વિચારીએ ¦
નિતિ, વિચાર અને આચરણની દષ્ટિએ ૧૪૦૦ વરસ પહેલાં રચવામાં આવેલ સમાજ વધારે સ્વતંત્ર હતો કે આજનો બસો - ત્રણસો વરસ પહેલાં લોકશાહી કે સેકયુલરિઝમ કે કથિત કાયદાના શાસન દ્વારા રચવામાં આવેલ વર્તમાન આધુનિક સમાજ ? 
રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ દ્વારા તૈયાર કરવામાં આવેલ અને કેળવણી પામેલ પવિત્ર સમુહને થોડી વાર માટે એક પક્ષા સમજવામાં આવે તો કહી શકાય કે આ પક્ષાના સઘળા સભ્યો ફકત અલ્લાહ અને એના રસૂલના આદેશોના પાબંદ હતા. એમના ગળામાં ફકત અલ્લાહ અને રસૂલની ગુલામીનો ગાળિયો હતો. એના સિવાય કોઈ પાબંદી એમના ઉપર ન હતી. 
વર્તમાન લોકશાહીમાં પોતાને સમાનતા, સ્વતંત્રતા અને લોકાધિકારના રક્ષાક કહેતા પક્ષો, યુનિયનો, એસોસીએશન વગેરેને આપણે જોઈએ છીએ તો હેરાન રહી જઈએ છીએ. લોકશાહની જણેતા અને રક્ષાક કહેવાતા પશ્ચિમના દેશોમાં પણ જે સમુહ પાર્ટીને  ફંડીગ કરે એની જ પોલીસી પાર્લામેન્ટમાં ચાલે છે. જે સંસ્થાના બોર્ડ ઓફ ગર્વનર દ્વારા જેટલા પ્રમાણમાં નાણાકીય સપોર્ટ કરવામાં આવ્યું હોય એ મુજબ એના મંતવ્યને પ્રાથમિકતા આપવામાં આવે છે. આપણા ભારત - પાકિસ્તાન - બાંગ્લાદેશની લોકશાહીની તો વાત જ નિરાળી છે, પાર્ટીના સભ્યો અને નેતાઓ દિવસ રાતમાં પોતાના નેતા અને પ્રમુખ - પ્રેસિડન્ટનું નામ અલ્લાહ તઆલાના નામ કરતાં વધારે વાર બોલે છે. નેતા અને પ્રમુખ ચાહે ગમે તે કરે, જે અત્યાચાર કરે, હત્યા કરે કે કરાવે, નાઇન્સાફી કરે, ભષ્ટાચાર આચરે, કોઈને જાહેરમાં ભાંડે કે અપમાનિત કરે, તે નેતા જ રહે છે. એની સામે કોઈએ હરફ ઉચ્ચારવો પણ ગુનો બની જાય.
બધા સારી પેઠે જાણતા હોય છે આ વઝીર, ફલાણો પ્રધાન અને પેલો મંત્રી ચોર છે, ઝાલિમ છે, રિશ્વતખોર છે, પણ લગાતાર જૂઠ બોલીને એનો બચાવ કરવો પાર્ટીના દરેક કાર્યકર માટે જરૂરી છે. આવી પાર્ટી કે પક્ષામાં શામેલ થઈને થોડો અનુભવ કોઈ કરે તો એને સરળતાથી સમજમાં આવી જશે કે માનવી દ્વારા માનવીને ગુલામ બનાવી રાખવા માટે કેવું ભયંકર તંત્ર રચવામાં આવ્યું છે. અહીયા કોઈ નેતામાં હિમ્મત નથી કે લોકો સામે કહે કે હું કોઈ ખોટું કામ કરું તો મારો હાથ પકડીને મને રોકી દેજો અને કોઈ પક્ષાના કોઈ મોટા હોદ્દેદાર પાસે પણ એટલી નૈતિક હિમ્મત નથી હોતી કે કોઈ નીચેના કાર્યકરને ખોટા કાર્ય બાબત ટોકી શકે.. ¦ 
માણસને અલ્લાહ તઆલાએ આઝાદ બનાવ્યો છે. ફકત પોતાની ગુલામી કરવાનું કહયું છે, પણ પોતાના અદના સ્વાર્થ થકી તે પોતાની સ્વતંત્રતા વેચી દે છે. શું કદી કોઈ કુતરાને તમે બીજા કુતરાની ગુલામી કરતો જોયો છે ?  .....