એજયુકેશન, ઇકોનોમી, ટેકનોલોજી વગેરેમાં મુસલમાનો કેટલા આગળ હોવા જોઈએ.
સવાલ : શું વર્તમાન ઉમ્મતે મુસ્િલમહ માટે આ જરૂરી નથી કે તેઓ હથિયાર અને વોર - વેપન ટેકનોલોજીમાં યહૂદીઓ જેટલા જ પાવરફૂલ હોય. શું મુસલમાનો પાસે પણ એવા હથિયાર હોવા જરૂરી નથી, જેવા એમના વિરોધી કોમ કે સત્તા પાસે હોય ?
જવાબ : કુરઆનના આદેશ પ્રમાણે જે વસ્તુઓ જરૂરી છે તે આ છે : શત્રુના મુકાબલા માટે પોતાની શકિત મુજબની તૈયારી કરવામાં આવે. કોઈની બરાબરી કે કોઈનાથી ચઢિયાતા હોવું જરૂરી નથી. આપણી સૈન્ય શકિત શત્રુથી ચઢિયાતી હોય એ જરૂરી નથી. એના સમોવડી હોય એ પણ જરૂરી નથી. પણ આપણી શકિત મુજબની તૈયારી જરૂર હોવી જોઈએ અને એ હથિયારો અને શકિત વડે શત્રુ સાથે લડવું અને જિહાદ કરવો જરૂરી છે.
જરૂરત પડયે કોઈનો મુકાબલો કરવો પડે તો મુસલમાનોએ કેટલી તૈયારી કરવી, એ વિશે કુરઆનમાં સ્પષ્ટ રૂપે કહેવામાં આવ્યું છે : 'તમે તૈયારી કરો, જેટલી પણ તમે કરી શકો.''
કુરઆનમાં અન્ય એક સ્થળે ભૌતિક રીતે એટલે કે સંશાધનો, શસ્ત્રો, સૈન્યની સંખ્યા વગેરે બાબતોમાં મુસલમાનોએ કેટલા અંશે સમર્થ હોવું જરૂરી છે, એનું માર્ગદર્શન પણ છે. અલ્લાહ તઆલા ફરમાવે છે :
અગર તમારામાં અડગ રહેનાર વીસ માણસો હશે તો તેઓ બસો ઉપર વિજયી રહેશે અને જો તમારામાં સો (આવા) હશે તો હજાર કાફિરો પર વિજયી બનશે, કારણ કે તે એવા લોકો છે, જે (દીનને) કંઈ સમજતા નથી. (૬પ) હવે અલ્લાહે તમારાથી બોજો હલકો કરી દીધો અને તેણે જાણી લીધું કે તમારામાં કંઈક નબળાઈ છે તો (હવે) જો તમારામાં અડગ રહેનાર સો માણસો હશે તો તેઓ બસોને જીતી લેશે અને જો તમારામાં હજાર હશે તો બે હજાર પર અલ્લાહના હુકમથી જીત મેળવશે અને અલ્લાહ (ની મદદ) અડગ રહેનારાઓની સાથે જ છે. (૬૬) (સૂરએ અન્ફાલ)
આ આયતમાં સ્પષ્ટ રીતે કહેવામાં આવ્યું છે કે ભૌતિક રીતે મુસલમાનો અડધો અડધ પછાત હોય, ઓછા હોય, કમઝોર હોય તો પણ તેઓ એમના પ્રતિસ્પર્ધી કરતાં આગળ નીકળી શકે છે, એમના ઉપર પ્રભાવી થઈ શકે છે. અલબત્ત એના માટે જરૂરી શરતો આયતમાં આગળ જણાવી છે : પાકું ઈમાન અને અડગતા. લડાઇ જેવી બાબતે આ માપદંડ હોય તો અન્ય બાબતોમાં પણ આ માપદંડ હોય એ વધારે સ્પષ્ટ છે. કુરઆનમાં અનેક આયતોમાં જયાં મુસલમાનોને દુનિયામાં જીત અને પ્રભાવનો વાયદો કરવામાં આવ્યો છે, એ બધી જ આયતોમાં અસલ શર્ત ઈમાન પાકું હોવાની છે. ભૌતિક રીતે મુસલમાનો ચડિયાતા હશે તો જ જીતી શકશે એવું કુરઆનમાં કયાંયે નથી. મતલબ આ થયો કે મુકાબલા અને સ્પર્ધા માટે આપણી અસલ તાકત આપણું ઈમાન છે. એના લઈને તો લડાઈ છે, સ્પર્ધા છે, હરીફાઈ છે. વિરોધ અને ઝઘડાઓ છે. આપણે જો મુસલમાન રહેવા ન માંગીએ, ઇસ્લામ છોડી દઈએ તો પછી આપણા સાથે કોને દુશ્મની છે ? કોઈ પણ આપણો વિરોધી નથી. આપણો વિરોધ અગર કોઈ કરે છે તો ઇસ્લામના કારણે જ કરે છે. પછી આ બેવકૂફી ન કહેવાય કે ઇસ્લામના નામ ઉપર આપણે એનો મુકાબલો કરવા માટે ઇસ્લામને પણ છોડી દઈએ. એના કરતાં સરળ રીત આ છે કે મુકાબલા વગર જ ઇસ્લામને છોડી દઈએ, પછી લડાઈ અને સ્પર્ધાની જરૂરત જ નહી રહે.
એટલે કે આ દુનિયામાં આગળ આવવાના બે રસ્તા આપણી સામે છે. (૧) ભૌતિક રીતે થોડા પાછળ હોઈએ પણ ઇમાન અને અડગતામાં પાકા હોઈએ..(ર) ભૌતિક રીતે સમોવડિયા અથવા ચડિયાતા થઈને સ્પર્ધા - મુકાબલો કરીએ, ભલે ઇસ્લામના અનુસરણમાં આપણે પાછળ હોઈએ.
આપણા માટે કયો રસ્તો સરળ છે એ આપણે સમજી શકીએ છીએ.
અમારા ઉપરોકત લખાણનો મતલબ એ નથી કે રોઝા, નમાઝ, વગેરે ઇસ્લામી ઇબાદતો લઈને બેસી રહીએ અને જે તે ઝમાનામાં પ્રચલિત નીતિઓથી અજાણ રહીને એની સામે ઇસ્લાની નીતિઓના પ્રભાવી અને અસરકારક હોવાની તબ્લીગ ન કરીએ, દુશ્મનનો મુકાબલો પણ કરવામાં ન આવે. આપણે ઇસ્લામની નીતિઓની તબ્લીગ પણ કરવાની છે, એમાં આવતા વિરોધ અને અવરોધો પણ સહેવાના છે અને જરૂરત પડે તો સ્પર્ધા, હરિફાઈ, મુકાબલો, લડાઈ અને યુદ્ઘ પણ કરવાનું છે. પણ મુળ વાત આ યાદ રાખવાની છે કે આપણી અસલ પૂંજી અને અને ખરી શકિત શું છે ?
અકબર ઇલાહાબાદીએ આ જ વાત શે'રમાં કહી છે :
તુમ શોખ સે કોલેજ મેં પળ્હો, પાર્ક મેં ફૂલો.
જાઇઝ હે ગુબ્બારોમાં ઉડો. ચર્ખ પે જૂલો
પર એક સખુન બંદએ આજિઝ કા રહે યાદ
અલ્લાહ ઓર અપની હકીકત કો ન ભૂલો.
યાદ રાખો...
૧) આપણી મુળ સમસ્યા ભૌતિકતા, આધુનિકતા, આથર્િક સદ્ઘરતા કે રાજકીય સત્તા સાથે લઈને ભવિષ્ય સુધી જવાની નથી, બલકે આપણા ધર્મને આવતી કાલ સુધી અને ભવિષ્ય સુધી અસલ અને મુળ સ્વરૂપે, વાસ્તવિક અમલી સ્વરૂપમાં લઈ જવો આપણી અસલ ફરજ છે. હદીસ શરીફમાં નબીએ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ સહાબાને સંબોધીને ફરમાવે છે કે મારી વાતો અન્યો સુધી પહોંચાડો. એવું થઈ શકે છે જેના સુધી પહોંચાડવામાં આવી હોય, એ મુળ સાંભળનાર કરતાં વધારે સમજદાર હોય અને એને સમજીને ઘણું બધું કામ લઈ શકે. નબીએ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમની આ વાત આજના સંદર્ભમાં પણ પૂરી રીતે ઉપયોગી છે. આપણે કોઈ પણ રીતે છાતીએ ચાંપીને દીન સાચવી રાખવાનો છે. આવતી પેઢીને આપવા માટે. માટે થોડું ઘણું ભૌતિક - દુન્યવી નુકસાન વેઠીને પણ દીન જાળવી રાખવો આપણી ફરજ છે.
ર) વર્તમાન આધુનિક શિક્ષાણની બધી જ શાખાઓમાં અને સામાજિક, આર્થિક અને રાજકીય રીતે આગળ આવવું અને સદ્ઘર રહેવું ઘણું જરૂરી છે. એના માટે મોટી મોટી કુરબાનીઓ આપવી પડે તો એ આપવી જોઈએ, પણ ઇસ્લામ અને ઇસ્લામના આદેશોની કુરબાની હરગિઝ નહી.
No comments:
Post a Comment