સમાજ સુધારણાની નબવી ચળવળ અને
વર્તમાન મુસ્લિમ સમાજની સમીક્ષા
નબીએ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ સાથે આપણી મુહબ્બત અને અકીદત તેમજ નુબુવ્વત અને રિસાલત ઉપર આપણા ઈમાનનો તકાઝો છે કે ઈમાન અને મુહબ્બત વ્યકત કરે એવા ઘણા બધા કામો કરવાની સાથે આપણે નબીએ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમના મિશન અને નુબુવ્વતના ધ્યેયો - મકસદોને પણ ધ્યાને રાખીએ.
ન્યાય અને નૈતિકતા, ઈમાન અને ઇસ્લામ, સંસ્કાર અને સમાનતા વગેરે ભલાઈના કયા આદર્શોનું માનવીય સમાજમાં સિંચન કરવાનો ધ્યેય હતો ? અને બુરાઈ - બદીના કયા કાર્યો અને એના સ્ત્રોતોને બંધ કરવાનો આશય નુબુવ્વત અને રિસાલતના કેન્દ્ર સ્થાને હતો ? ફકત ર૩ વરસના ટુંકા ગાળામાં નબીએ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમે ભરપૂર મહેનત કરીને માનવીય સમાજમાં એવું શું પરિવર્તન લાવી દીધું કે આપ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમને મહાન ક્રાંતિક્રારી પયગંબર કહેવામાં આવ્યા ? ઇતિહાસકારો સર્વસમંત છે કે આટલા ટુંકા સમયમાં આવી ક્રાંતિ અને પરિવર્તન શકય નથી. હજ્જતુલ વદાઅના છેલ્લા સંબોધનમાં નબીએ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમે ફરમાવ્યું હતું : જહાલતકાળની બધા નિયમો અને રિવાજો મારા પગો તળે કચડી નાખવામાં આવ્યા છે. એટલે કે જાહિલી સમાજના રિવાજો અને પરંપરાઓ ખતમ કરીને નબીએ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમે એક નવા સમાજની રચના કરી હતી.
ટુંકમાં આપણે જોઈએ કે જહાલતકાળના કયા કયા રિવાજો કે કાયદાઓ અથવા પરંપરાઓને નબીએ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમે માનવીય સમાજ માટે નુકસાનકારક ઠેરવીને ખતમ કયર્ા હતા ? અને વિચારીએ કે કયાંક આ બાબતો ફરીથી માનવીય સમાજમાં ન આવી ગઈ હોય ?
- કુફ્ર - શિર્ક અને મુર્તિપૂજા અરબસ્તાનમાંથી સંપૂર્ણ નષ્ટ કરી દીધી.
- નગ્નતા એટલે વ્યાપક હતી કે સ્ત્રી અને પુરુષો નગ્ન થઈને કાબાનો તવાફ કરતાં હતાં. નબીએ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમે એને રોકવા હેતુ નગ્ન તવાફની પ્રથાને બંધ કરવા ઉપરાંત સામાજિક અને વ્યકિતગત જીવનમાં દરેક માટે સતર અને પરદાના નિયમો લાગુ કર્યા. એટલે કે સ્ત્રી અને પુરુષ ઉપર મોટા ભાગનું શરીર છુપાવવું ફરજ - આવશ્યક ઠેરવવામાં આવ્યું.
- જુગાર અને સટ્ટો સામાન્ય હતાં, હરમ શરીફમાં અને અુમક ઇબાદતોના ભાગ સ્વરૂપે પણ જુગાર રમવામાં આવતું હતું. નબીએ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમે આ પ્રથાને સદંતર ખતમ કરી દીધી.
- વ્યાજનું લેન - દેન સામાન્ય બાબત હતી. વેપાર અને કરજ, બન્નેમાં વ્યાજ સામાન્ય બાબત હતી. પણ નબીએ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમે વ્યાજને હરામ ઠેરવીને વ્યાજુ લેન - દેનને અલ્લાહ અને એના રસૂલ સાથે યુદ્ઘ કરવા સમાન ગુનો ઠેરવી દીધો.
- શરાબ - દારૂનું સેવન ગર્વની બાબત હતી. અને એનું સેવન લોકોની જરૂરત અને સ્વભાવ બની ગયો હતો. છતાં નબીએ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમે એને સંપૂર્ણ રીતે હરામ ઠેરવ્યું અને સમાજને આ બદીથી પાક કરી દીધો.
- ભાષા, પ્રદેશ, કોમ અને વંશ વગેરે આધારિત ગર્વ કરવો અને ભેદભાવનું વર્તન સામાજિક વ્યવસ્થાનો જ એક ભાગ હતો. આ આધારે એકબીજા ઉપર ઉચ્ચતા અને પ્રાથમિકતા જતાવવામાં આવતી હતી. એકબીજા ઉપર હાવી થવા અને પ્રભાવી થવાના પ્રયત્નો કરવામાં આવતા હતા. જનાબ નબીએ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમે આ બધી વસ્તુઓને જાહિલી ભેદભાવ અને વર્ણવ્યવસ્થા ગણાવીને જાહેરાત કરી કે સન્માન અને શરાફતનો આધાર ફકત તકવા અને ઇમાન જ રહેશે.
હ્ર બેટીનો જન્મ બોજ સમજવામાં આવતો હતો. માણસ એના થકી પોતાને હલકો અને અપમાનિત સમજતો હતો. બાપ ચાહતો તો બેટીને જીવતી રાખતો નહીતર એને જીવતી દફન કરી દેતો. હઝારો છોકરીઓ આવી રીતે દાટી દેવામાં આવી હતી.પરંતુ નબીએ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમે બેટીને જીવવાનો અધિકાર આપ્યો એટલું જ નહી, બેટીને અલ્લાહ તઆલાની રહમતનો સબબ ઠેરવીને બેટીને મોટું સન્માન પણ આપ્યું.
- નાચ - ગાન પણ સામાન્ય બાબત હતી. નબીએ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમે નુબુવ્વતના મકસદમાં આ બાબત વર્ણવી કે મને નાચ ગાનના સાધનો તોડવા - નષ્ટ કરવા મોકલવામાં આવ્યો છે.
- હલાલ - હરામનો કોઈ ફર્ક ન હતો. લોકોએ પોતપોતાના નિયમો બનાવી રાખ્યા હતા. બીજાનો માલ હઝમ કરી જવા માટે અનેક પ્રકારના બહાના શોધી લેતા હતા. નબીએ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમે રોઝી, વેપાર, કમાણી અને ખાવા પીવા બાબતે હરામ હરામના નિયમો નક્કી કર્યા અને ફરમાવ્યું કે હરામ રીતે બીજાનો માલ હડપ કરી જનાર માણસને જહન્નમાં બાળવામાં આવશે.
- યતીમ બાળકો અને સ્ત્રીઓ, સમાજમાં અપમાનિત હોવા ઉપરાંત અત્યાચારના શિકાર હતાં. એમના અધિકારો અને હકોની કોઈ કલ્પના પણ ન હતી. મોટાઓ અને વડીલો એમના ઉપર દરેક પ્રકારનો ઝુલમ કરતા હતા. નબીએ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમે આ બન્ને સમુહોને સામાજિક અન્યાય અને અત્યાચારથી બચાવ્યા અને એમના વિશેષ હકો નક્કી કર્યા.
નબીએ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ થકી સમાજમાં સ્થાપિત કરવામાં આવેલ સર્વગ્રાહી સુધારણા અને પરિવર્તનનો આ અછડતો ચિતાર છે. આ જ તે ક્રાંતિકારી બાબતો છે જેના કારણે નબીએ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમને ઇતિહાસના સૌથી સફળ ક્રાંતિકારી અને સમાજસુધારક સમજવામાં આવે છે.
અલબત્ત અફસોસની વાત આ છે કે ઉપર દર્શાવવામાં આવેલ ઘણી બધી ખરાબીઓ અને બદીઓ આજે માનવીય સમાજમાં ફરી પાછી પ્રસરી રહી છે. અને નબીએ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમના ઉમ્મતી હોવાથી આપણી જવાબદારી બને છે કે સમાજમાંથી એ ખરાબીઓ ખતમ કરવા માટે મહેનત કરીને સમાજમાં ઇસ્લામના આદર્શ સિદ્ઘાંતો ફરીથી જીવંત કરીએ.
(ઉર્દૂ ઉપરથી અનુવાદ.)
No comments:
Post a Comment