Friday, January 17, 2014

ઇલ્મ અને જ્ઞાન વિશે ઇસ્લામની નીતિ

વિશ્વ ઇતિહાસમાં ઇસ્લામ ધર્મની આ વિશેષતા  છે કે, આ ધર્મ ઇલ્મ, જ્ઞાન, અને વિજ્ઞાનનો ઝંડાધારી બનીને આવ્યો. એના થકી વિશ્વમાં જ્ઞાન ક્ષેત્રે સર્વગ્રાહી પરિવર્તન અને ક્રાંતિ આવી. ઇસ્લામી અને ઇતિહાસની નજરે જોઈએ તો અન્ય ધર્મોની જેમ એનો આરંભ કોઈ અંધશ્રદ્ઘા કે અજ્ઞાનતાના આધારે નથી થયો. આજે ઘણા ધર્મો  કે સંપ્રદાયો એવા છે, જેમનું મુળ કોઈ અંધશ્રદ્ઘા કે અજ્ઞાનતામાં છે, અને પાછળથી એમાં સુધારા કરવામાં આવ્યા હોય અને સમયની તાલે ચાલવાને પાત્ર બનાવવામાં આવ્યા હોય. અલબત્ત ઇસ્લામમાં આ બાબત નથી, બલકે વાસ્તવિકતા આ છે કે એનો આરંભ જ જ્ઞાન અને ઇલ્મની બુનિયાદો ઉપર થયો છે.
ઇસ્લામ સિવાય કોઈ બીજો ધર્મ કે સમાજ તે વેળા એવો ન હતો, જે દરેક માનવી અને વ્યકિત માટે જ્ઞાન અને તાલીમને બુનિયાદી જરૂરત કહેતો હોય. તાલીમ - જ્ઞાન અને અન્ય અધિકારો બાબતે સમાજના દરેક વ્યકિતને સમાજ નજરે જોતો હોય. તે સમયના અતિવિકસિત ગણાતા યૂનાન (ગ્રીસ) અને ચીનમાં પણ જ્ઞાન - વિજ્ઞાનને એક વિશેષ સમુદાયનો અધિકાર સમજવામાં આવતો હતો. આ બાબતે સહુથી વધારે વિકસિત અને આધુનિક વિચારો ધરાવતા ગ્રીસના પ્લેટો (અફલાતૂન) દ્વારા THE REPUBLIC નામી એના પુસ્તકમાં રજૂ કરવામાં આવેલ  વિચારો જોઈએ તો એમાં પણ માનવ સમાજના ત્રણ ભાગો પાડીને દરેકને અલગ અલગ કામો સોંપી દેવામાં આવ્યા હતા, અને ફિલોસોફી, (જ્ઞાન - વિજ્ઞાન)ને એક વિષેશ સમુદાયની જાગીર ગણીને એને જ સત્તાનો અધિકાર આપવામાં આવ્યો હતો.
આ બધાથી વિપરિત ઇસ્લામ ધર્મના આગમન સાથે જ એલાન કરવામાં આવ્યું કે ઇલ્મન પ્રાપ્ત કરવું દરેક મુસલમાન ઉપર ફરજ છે.
ભારતમાં જ્ઞાન - વિદ્યાનો દબદબો હતો, ત્યારે ફક્તત બ્રાહમણો જ એના કાબેલ ગણાતા હતા. બીજા વર્ણનો માણસ કે બીજી જ્ઞાતિનો વ્યકિત જ્ઞાન પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરતો તો એને સજા આપવામાં આવતી. ધર્મગ્રંથોના શ્લોકો સાંભળી શકાય એટલા નિકટ આવી જતા તો એની સજામાં શુદ્રોના કાનમાં સીસું પીગળાવીને નાંખવામાં આવતું હતું. ઉતરતી જ્ઞાતિનો હોવાના કારણે એકલવ્યને તીરંદાઝીની તાલીમ ન આપવાની કથા આજે પણ લોકોમાં બોધકથા સ્વરૂપે પ્રચલિત છે.
આવી જ સ્થિતિ યુરોપની હતી. યુરોપ અને મધ્ય પૂર્વમાં વસતા ઈસાઈઓ અને યહૂદીઓ પાસે આસમાની ધર્મની શિક્ષા હતી. પણ ધર્મનો ઈજારો સંકુચિત સ્વભાવના સ્વાર્થી લોકો પાસે હતો, પરિણામે દરેક નવી બાબત, નવા વિચાર અને શિક્ષાણને ધર્મ વિરોધી હોવાનું લેબલ લગાવી દેવામાં આવ્યું. કોઈ એવી વાત, કાર્ય અથવા શોધ સામે આવતી જે એમણે નક્કી કરેલ ધર્મની વ્યાખ્યાના વિરુદ્ઘ હોતી તો આવા માણસને ધર્મથી બગાવત કરવાના આરોપસર જીવતો સળગાવી દેવામાં આવતો હતો. ઇતિહાસકારો લખે છે કે સ્પેનમાં આવી એક કોર્ટ દ્વારા ૧૪૮૧ થી ૧૪૯૮ સુધીના ૧૮ વરસોમાં દસહઝાર બસો બાવીસ માણસોને આધુનિકતાના આરોપ સર જીવતા સળગાવી દેવામાં આવ્યા. આ કમીટી દ્વારા બધા મળીને ૩,૪૦,૦૦૦ હઝાર માણસો ઉપર ધર્મથી બગાવતનો આરોપ લગાવવામાં આવ્યો અને એમાંથી વધુ પડતા લોકોને જીવતા સળગાવી દેવામાં આવ્યા.
ધરતી અને ચંદ્ર સુર્યની આસપાસ ફરે છે, એ સહુપ્રથમ કોપરનિકસ દ્વારા સંશોધન કરીને પુરવાર કરવામાં આવ્યું હતું. કોણ જાણે કયા આધારે આ શોધ અને વિચારને ધર્મ વિરોધી ગણીને ઈસાઈ પાદરીઓએ એને મૃત્યુદંડની સજા જાહેર કરી. દૂરબીનના શોધક ગેલેલિયો દ્વારા આ વિચાર અને શોધનું સમર્થન કરવામાં આવ્યું તો એને પણ સજા આપવામાં આવી.
આ તબક્કે આ જાણી લેવું યોગ્ય છે કે ઇસ્લામમાં અનેક ફિરકાઓ અને સમુદાયો છે, ઘણા આજે નામશેષ્ા થઈ ગયા તો ઘણા ફિરકાઓ નવા ઉભા થયા છે, આ બધામાં ફિરકાઓમાં ભારે વિરોધાભાસ અને ટકરાવ છે, એટલો બધો કે ઘણા ફિરકાઓ બીજા ફિરકા અને સંપ્રદાયને ધર્મથી ખારિજ, અધમર્ી, ગેરમુસ્િલમ, ગુમરાહ ગણે છે, અલબત્ત આ બધા વિરોધ પાછળ ધર્મ અને એનાથી સંલગ્ન બાબતો છે. નવી શોધ અને શિક્ષાણ અને આધુનિકતાને આધાર બનાવીને કોઈને ઇસ્લામથી ખારિજ અથવા ગેરમુસ્િલમ કહેવામાં આવ્યો હોય એવું કયાંયે નથી.
નબીએ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ ઉપર વહી ઉતરી તો સહુપ્રથમ આયતોમાં અલ્લાહ તઆલાના બે ગુણોનું વર્ણન હતું. અલ્લાહ તઆલાના ખાલિક - સર્જનહાર હોવાનું અને ઇલ્મ - જ્ઞાન આપવાનું.
એનાથી સ્પષ્ટ થાય છે કે જ્ઞાન અલ્લાહ તઆલાની સિફત અને ખૂબી છે, અને માણસને અલ્લાહ તઆલાએ આ ખૂબીથી નવાઝયો છે. નબીએ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમને દુઆ કરવાનો પણ આદેશ આપવામાં આવ્યો કે, હે રબ, મારા ઇલ્મમાં વૃદ્ઘિ ફરમાવો.
આ બધાનો નિચોડ આ છે કે ઇસ્લામ એના અનુયાયીઓને અંધારામાં રાખીને ફક્તત શ્રદ્ઘાના સહારે નથી રાખતો. ઇસ્લામની વાતો, આદેશો અને અદબો જ્ઞાન - વિજ્ઞાન અને તર્ક - બુદ્ઘિ સાથે સુસંગત છે, માટે ઇસ્લામ લોકોને આદેશ આપે છે કે ઇલ્મ મેળવો, આપોઆપ તમને ઇસ્લામ સમજાય છે. ઘણા ધમર્ોમાં એવું હોય છે ઇલ્મ મેળવીને માણસ જાણકાર થાય છે તો એને પોતાનો ધર્મ ખોટો અને નરી અંધશ્રદ્ઘા દેખાય છે, પછી તે કાં તો ધર્મ છોડી દે છે, કાં ધર્મમાંથી આસ્થા ખતમ કરીને નામનો અનુયાયી બનીને રહે છે. ઇસ્લામમાં ઉલટંુ છે, ખુદા ન કરે, કોઈ માણસ જ્ઞાનથી કોરો રહે તો શકય છે કે ધર્મ છોડી દે, પણ જ્ઞાની માણસ કદી ઇસ્લામને છોડશે નહી. આ જ ઇસ્લામની ખૂબી અને જ્ઞાન પરાયણતા છે. માટે જ ઇસ્લામનો આદેશ છે કે ઇલ્મ - જ્ઞાન મેળવો, એના થકી તમે તમારા પરવરદિગારને ઓળખી શકશો.
એક હદીસમાં તો નબીએ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ ફરમાવે છે કે, મને અલ્લાહ તઆલાએ શિક્ષાક બનાવીને મોકલ્યો છે.
મુહદ્દિષ્ાીન અને ઉલમાના મતે ઇલ્મના બે પ્રકાર છે. 
(૧) ફરજિયાત. દીન અને ઇસ્લામના આદેશો ઉપર અમલ કરવા માટે આવશ્યક દીની ઇલ્મ દરેક માટે ફરજિયાત છે. 
(ર) મરજિયાત. દીની વિદ્યાઓમાં વધુ કાબેલ બનવું અને દીની વિદ્યાઓ સિવાય અન્ય વિદ્યાઓ મેળવવી બધા લોકો માટે મરજિયાત છે, અલબત્ત અમુક માણસોએ એમાં કાબેલ બનવું અને વધુ જ્ઞાન મેળવવું જરૂરી છે. જેથી સામાન્ય માણસોને જરૂરત પડે એમની પાસેથી માર્ગદર્શન મેળવી શકે.
----------------------