Thursday, November 28, 2013

બાળકોના નામ કેવા રાખશો ?

બાળકોના નામ કેવા રાખશો ?
ધાર્મિક કાર્યો ઉપરાંત જીવનના દરેક પાસા અને તબક્કા બાબત માર્ગદર્શન આપવું, એ વિવિધ ધર્મોમાં ફકત ઇસ્લામની જ ખાસિયત છે. આ જ આધારે નવા જન્મતા બાળકના નામ રાખવા વિશે પણ ઇસ્લામમાં સ્પષ્ટ માર્ગદર્શન અને ધારા ધોરણો નક્કી કરવામાં આવ્યા છે. હદીસ શરીફમાં નબીએ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ ફરમાવે છે કે, તમને કયામતના દિવસે તમારા અને તમારા વાલિદના નામ સાથે પુકારવામાં આવશે, માટે સારું નામ પાડો. (મિશ્કાત શરીફ)
બીજી એક હદીસમાં નબીએ કરીમ સલ્લલ્લાહુ અયહિ વ સલ્લમ ફરમાવે છે કે સારું નામ રાખવું, એ વાલિદ ઉપર બાળકનો હક છે. (બયહકી)
એક હદીસમાં સારા નામને વાલિદ તરફથી બાળકને આપવામાં આવતો પ્રથમ તોહફો ગણવામાં આવ્યો છે. (કન્ઝુલ ઉમ્માલ, અબૂશ્શેખ)
સારું નામ રાખવાની પ્રેરણા આપવાની સાથે એ માટેનું વધું માર્ગદર્શન બલકે બુનિયાદી સિદ્ઘાંત પણ હદીસ શરીફમાં નબીએ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમે નક્કી ફરમાવી દીધો છે.
અબૂદાવૂદ શરીફમાં હદીસ છે કે નબીએ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમે ફરમાવ્યું કે, અંબિયાના નામો મુજબ નામો રાખો. અલ્લાહ તઆલાને 'અબ્દુલ્લાહ, અબ્દુર્રહમાન' નામ સૌથી વધારે પસંદ છે. 'હારિસ, હુમામ' નામો સૌથી સાચા છે. અને 'હર્બ, મુર્રહ' નામ સૌથી ખરાબ છે. (હર્બ એટલે લડાઈ અને મુર્રહ એટલે કડવું)
નબીએ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ કોઈને નામ પૂછતા અને સારું નામ હોતું તો એનાથી ઘણા જ ખુશ થતા હતા. અને ખરાબ અર્થ વાળું નામ હોય તો નારાજ થતા હતા, ચહેરા ઉપર નારાજગી દેખાય જતી.
આ બધાનો ખુલાસો એ છે કે બાળકની તરબિયતની જેમ જ એના માટે સારું નામ પસંદ કરવું, સારું નામ પાડવું પણ પિતાની જવાબદારી છે. અને પિતા ઉપર એ બાળકનો હક છે. અને આ માટે અંબિયાના અને સારો અર્થ - મતલબ ધરાવતા નામો શ્રેષ્ઠ ગણવામાં આવ્યાં છે. અને ખરાબ અર્થ વાળા નામો નાપસંદ કરવામાં આવ્યા છે.
નામ રાખવા બાબતે મુસ્લિમ સમાજની સ્થિતિ આજકાલ ઘણી જ ખરાબ થઈ ગઈ હોય એમ લાગે છે. લોકો નવા નામની શોધમાં રહે છે. સગાંઓમાં, આસપાસ ગામ - વિસ્તારમાં કોઈનું ન હોય એવું નામ શોધે છે. ઘણી વાર અર્થ વગરનું અથવા યોગ્ય અર્થ ન હોય એવું નામ એટલા માટે પસંદ કરી લેવામાં આવે છે કે એ નવું હોય છે. ઘણી વાર લોકો એવા નામોનો અર્થ પૂછે છે કે એવો કોઈ શબ્દ અરબી - ફારસીમાં હોતો જ નથી.
એવું પણ નથી નવું નામ રાખવું કોઈ ગુનાહનું કામ છે, અથવા શરીઅતની નજરે અયોગ્ય બાબત હોય. પણ નવા નામ ખાતર નામ રાખવાના ઇસ્લામી આદર્શો છોડી દેવા ખોટું અને ઇસ્લામી આદાબના વિરુદ્ઘ છે. અંબિયા અને સહાબાના સેંકડો નામો એવા છે, જે નવા છે, સારો અર્થ અને મતલબ ધરાવે છે, અને આજ કાલ લોકોમાં એ નામો પ્રચલિત પણ નથી.
માટે જરૂરી છે કે નવું નામ શોધવાની સાથે એ નામ અંબિયા, સહાબા, દીનદાર લોકોમાં રાખવામાં આવતું હોય, એનો પણ ખ્યાલ રાખવામાં આવે.
ઉલમાએ કિરામ, મસ્જિદના ઇમામો, મકતબ અને મદરસાના ઉસ્તાદોથી લોકો એમની અવલાદ માટે નામો પૂછે છે, માટે આવા લોકોની પણ મોટી જવાબદારી છે કે તેઓ લોકોમાં સારા નામો પ્રચલિત કરવાનો પ્રયત્ન કરે. લોકોની ઇચ્છા મુજબ નવા નામો અંબિયા અને સહાબાના નામોમાંથી શોધીને રાખે, જેથી જરૂરત પડે લોકોને એવા નામો બતાવી શકાય.
આજકાલ નામોની ઘણી કિતાબો - પુસ્તકો પણ મળી આવે છે, આવી કિતાબો મોતબર આલિમ દ્વારા લખવામાં આવી હોય એની ખાતરી કરીને એમાંથી નામ પસંદ કરી શકાય છે. સામાન્ય પણે મુસલમાનોના નામ અરબી અથવા ફારસી આધારિત હોય છે, માટે જે નામ રાખવામાં આવે એનો અર્થ જાણવાની સાથે અરબી - ફારસી અથવા ઉર્દૂમાં એ કેવી રીતે લખાય છે, એ પણ જાણી લેવું આવશ્યક છે. અરબી રીતે એનો ખરો ઉચ્ચાર ન જાણવાના કારણે ઘણી વાર નામ એવું બદલાય જાય છે કે ખ્યાલ પણ નથી આવતો કે અસલમાં આ શબ્દ શું છે ?
---------------

Tuesday, October 29, 2013

રસૂલ અને નબી...... ઇસ્લામી અકીદો અને માન્યતા

અલ્લાહ તઆલા તરફથી હઝરત આદમ અલૈ.થી લઈને હઝરત મુહમ્મદ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ સુધી સમયાંતરે, લોકોની હિદાયત અને માર્ગદર્શન માટે સમયાંતરે લોકોમાંથી જ વિશેષ સ્વરૂપે પસંદ કરીને એના વિશેષ બંદાઓને લોકો વચ્ચે મોકલવામાં આવ્યા. આવા લોકોને નબી અને રસૂલ કહેવામાં આવે છે.
અલ્લાહના જે બંદાને એમની કોમ માટે વિશેષ શરીઅત અને કિતાબ આપવામાં આવી હોય એને 'રસૂલ' અને 'નબી' બન્ને કહેવામાં આવે છે. અને જે વિશેષ બંદાને લોકોની હિદાયત માટે નક્કી કરવાની સાથે વિશેષ શરીઅત અને કિતાબ ન આપવામાં આવી હોય, અને તેઓ એમના પૂર્વેના રસૂલની શરીઅતના તાબેદાર અને એ મુજબ લોકોની હિદાયત માટે મોકલવામાં આવ્યા હોય, એમને ફક્તત 'નબી' કહેવામાં આવે છે.
નબી એટલે કે, અલ્લાહ તરફથી લોકો તરફ મોકલવામાં આવેલ એવા માણસ, જેની ફરમાબરદારી દરેક માણસ માટે જરૂરી હોય છે. નબીને અલ્લાહ તઆલા પોતાના વિશેષ્ા બંદા અને પયગંબર - સંદેશવાહક બનાવીને અન્ય લોકો કરતાં ઉચ્ચ સ્થાન અને બુલંદ મરતબાથી નવાઝે છે.
નબી દરેક પ્રકારના ગુનાહોથી પવિત્ર હોય છે. એટલે કે તેઓ નાના મોટા (સગીરહ - કબીરહ) કોઈ પણ પ્રકારના ગુના કરતા નથી.
અલ્લાહ તઆલા તરફથી જે મુજબ હુકમ કરવામાં આવે છે, અને જે વાત લોકો સુધી પહોંચાડવાનો આદેશ કરવામાં આવે છે, તેઓ પૂર્ણ રીતે એ જવાબદારી પૂરી કરે છે. તેઓ કોઈ વાત રહેવા દે કે ભૂલી જાય કે છુપાવી રાખે એ શકય નથી.
અલ્લાહના નબીઓ હમેંશા પુરૂષ્ા જ હોય છે, સ્ત્રી નહિ. અને જે માણસ માનવજાતિ માટે નબી હોય છે એ જ વ્યકિત જિન્નાતો માટે પણ નબી હોય છે.
નબી હોવું, અલ્લાહ તઆલાનું વિશેષ ઇનામ અને પસંદગી છે. કોઈ માણસ ઇબાદત, બંદગી કે નેકીઓમાં મહેનત કરીને આ સ્થાન મેળવી શકતો નથી. અલ્લાહ તઆલા જેને ઇચ્છે છે એને જ નુબુવ્વત અર્પણ ફરમાવે છે.
હઝરત આદમ અલૈ. સૌથી પહેલા નબી છે અને હઝરત રસૂલે કરીમ મુહમ્મદ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ છેલ્લા નબી છે. અલ્લાહ તઆલા દુનિયામાં વિવિધ સમયે લોકોના માર્ગદર્શન અને હિદાયત માટે કેટલાયે નબીઓ મોકલ્યા. અલબત્ત એ બધાની કુલ સંખ્યા કોઈને ખબર નથી. અમુક રિવાયતોમાં એક લાખ ચોવીસ હઝાર, અમુક રિવાયતોમાં એક લાખ ચોંસઠ હઝાર અને અમુક રિવાયતોમાં બે લાખ ચોવીસ હઝારની સંખ્યાનો ઉલ્લેખ આવ્યો છે. સ્પષ્ટ છે કે આ બાબતે કોઈ સંખ્યા નક્કી નથી.
જેમના નબી હોવાનું વર્ણન કુર્આન અને હદીસમાં સ્પષ્ટ રૂપે આવ્યું છે, એ બધાને નબી માનવું મુસલમાન માટે જરૂરી છે. એટલે કે,
જે કોઈને, આગલા ગમે તે ઝમાનામાં અલ્લાહ તઆલા તરફથી નબી બનાવામાં આવ્યા હોય, એ છેલ્લે સુધી, એમના મૃત્યુ પછી પણ નબી જ ગણાશે. માટે એમના નબી હોવાનો ઇન્કાર ન કરવામાં આવે. હા, છેલ્લા નબી, રસૂલે કરીમ હઝરત મુહમ્મદ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમના આગમન પછી આગલા નબીઓની શરીઅતના સ્થાને નબીએ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમે બતાવેલ આદેશો અને શરીઅતને માનવી અને એના ઉપર અમલ કરવો જરૂરી છે.
મુસલમાન માટે જરૂરી છે કે હઝરત મુહમ્મદ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમને અલ્લાહના અંતિમ નબી માનવાની સાથોસાથ અન્ય તમામ નબીઓને પણ નબી માને. જે નબીઓ - રસૂલો વિશે નામ સહિત નબી - રસૂલ હોવાનું વર્ણન કુરઆન - હદીસમાં છે એમને પણ અને જેમના નામોની ખબર નથી એમના વિશે પણ અકીદો રાખે કે તેઓ નબી અને રસૂલ છે. કોઈના વિશે એવું માનવું કે તે અલ્લાહના નબી - રસૂલ નથી, એ કુફ્ર છે.
આ જ પ્રમાણે જેમના નબી - રસૂલ હોવાનું નામ સાથે વર્ણન છે, એમના સિવાય કોઈ બીજા માણસને, કોઈ શરઈ દલીલ વગર, નબી કે રસૂલ માનવું પણ ખોટું છે. અન્ય ધર્મના આગલા મહાપુરૂષ્ાોને નક્કી સ્વરૂપે નબી માનવા ખોટું છે. અને એમના નબીહોવાનો સ્પષ્ટ ઇન્કાર પણ ખોટો છે. એવું માની શકાય કે, જો એમની તાલીમ, એમના આદર્શ જીવનચરિત્ર વગેરે આપણી સામે મોજૂદ અન્ય આસમાની ધમર્ોના વિરુદ્ઘ નથી, અને એમના મારફત લોકોને મોટી સંખ્યામાં હિદાયતની રાહ મળી છે, તો શક્તય છે કે તેઓ નબી હોય.
અને હઝરત મુહમ્મદ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ સઘળા નબીઓના સરદાર છે. અલ્લાહ તઆલાના દરબારમાં દરેક નબી અને રસૂલનું એના મરતબા મુજબ ઉચ્ચ સ્થાન છે. પરંતુ કોઈ નબીની મહાનતા અને બુલંદ મરતબાનું એવી રીતે વર્ણવવું કે સમજવું, જેનાથી બીજા નબીઓ અને રસૂલોની શાનમાં ગુસ્તાખી થાય, અથવા નબીઓને સામ - સામે મૂકીને એકની કોતાહી અને બીજાની ફઝીલત વર્ણવવી ખોટું છે. કુરઆનમાં એની મનાઈ આવેલી છે.

છેલ્લી ક્રુસેડ

ઉર્દૂમાં સલીબી જંગ, અંગ્રેજીમાં ક્રુસેડ (Crusades)નો અર્થ ગુજરાતીમાં ઘણીવાર ધર્મયુદ્ઘ કરવામાં આવે છે. વાસ્તવિક રીતે આ અર્થ ઘણો ખોટો અને (ક્રુસેડ) શબ્દ દ્વારા વ્યકત કરવામાં આવતા અર્થને ફેરવીને બીજી તરફ વાળી દે છે. સલીબી જંગ કે ક્રુસેડ એવી લડાઈને કહેવામાં આવે છે જે ધર્મના નામે ઇસાઈ પાદરીઓ દ્વારા શરૂ કરવામાં આવી હોય. વધુ પડતી આવી લડાઈઓ ઇસાઈઓ દ્વારા મુસલમાનો વિરુદ્ઘ જ લડવામાં આવી છે. વર્તમાન ઇતિહાસમાં ઇસ્વીસન ૧૦૯પ થી ૧ર૯૧ સુધી લડવામાં આવેલ મુસ્લિમ વિરોધી લડાઈઓને ક્રુસેડ કહેવામાં આવે છે. ઈસાઈ પાદરીઓ અને એમના સમર્થક રાજાઓ દ્વારા બયતુલમુકદ્દસ (જેરૂસલમ)ને મુસલમાનોના કબ્જામાંથી પાછું લેવાના નામે આ લડાઈઓ શરૂ કરવામાં આવી હતી.
બયતુલ મુકદ્દસ અથવા જેરૂસલમના નામે લડાયેલ આ લડાઈઓ ઉપરાંત પણ બીજું અમુક યુદ્ઘો આ શ્રેણીમાં આવે છે. ચાહે ઇતિહાસકારો એને પારિભાષિક રીતે ક્રુસેડનું નામ ન આપતા હોય.
અલબત્ત આ નામે ઘણા રાજાઓએ મુળ આશય છોડીને અન્ય હીન પ્રવૃતિઓ પણ આચરી હતી. યુરોપમાંથી યુવાનો, સ્ત્રીઓ, બાળકો વગેરેને ભરીને બીજા દેશોમાં ગુલામ તરીકે વેચી દેવામાં આવતા હતા. કોઈ શત્રુને વેર વાળવા કે એને દૂર કરી દેવા યુદ્ઘમાં મોકલી દેવામાં આવતો હતો. લશ્કરના કુચ દરમિયાન વચ્ચે આવતા યહૂદીઓની સરેઆમ કતલ કરવી અને લૂટમાર ઈસાઈઓ માટે સામાન્ય બાબત હતી. આવી રીતે યહૂદી શત્રુનો ખાતમો પણ ઈસાઈઓ કરી લીધો.
આ શ્રેણીનું છેલ્લું યુદ્ઘ ૧૩૯૬ ઇ.સ. રપ સપ્ટેમ્બરના રોજ બલ્ગારીયામાં લડાયું. એકતરફ ફ્રાંન્સ, જર્મની, હંગરી, બલ્ગારીયા, વીનસ, રોમન એમ્પાયર સહિત મોટાભાગના યુરોપીય દેશોની સેના હતી, જેમનો મકસદ યુરોપ ખંડમાં તુર્કો - ઉસ્માની સલતનતના આગળ વધતા પ્રભાવને રોકવો હતો. સામે બાજુ ઉસ્માની ખિલાફત એટલે કે તુર્કો હતા.
પોપ બેનીફેસ-૯ (Pope Boniface IX) દ્વારા ઇસ્લામી ખિલાફતના બાદશાહો એટલે કે તુર્કો વિરુદ્ઘ જાહેર કરવામાં આવેલ આ લડાઈ બલ્ગારીયાના નિકોલસ (Nicopolis) સ્થળે લડાયી હતી.
ઇતિહાસમાં આ લડાઈનું ઘણું મહત્વ છે. એટલા માટે કે એના થકી ધર્મના નામે યુદ્ઘ ભડકાવનારા ઈસાઈ પાદરીઓ અને રાજાઓને કારમી હારનો એવો બોધપાઠ મળ્યો હતો કે ત્યાર પછી ક્રુસેડનો સિલસિલો જ બંધ થઈ ગયો. ઉસ્માની ખિલાફત અથવા તુર્કીના મુસ્લિમ રાજાઓનો દબદબો યુરોપ ઉપર છવાય ગયો, અને તુર્ક મુસ્લિમ રાજાઓ - ખલીફાઓને શાંતિથી એમની કલ્યાણકારી યોજનાઓ પાર પાડવાનો અવસર સાંપડયો.
આ લડાઈમાં તુર્ક અને મુસલમાનોની સેનાની કમાન સુલતાન બાયઝીદના હાથમાં હતી. સુલતાન ઘણો બહાદૂર હોવા ઉપરાંત તીવ્ર ગતિથી દુશ્મનના માથે પહોંચી જવામાં પ્રખ્યાત હતો. આ જ કારણે તુર્ક ભાષામાં એમને 'યલદરમ' એટલે કે 'વીજળીની ચમક'નો ઇલ્કાબ આપવામાં આવ્યો હતો. આરંભે બાયઝીદ શરાબી હતો. એની પૂર્વર્ના ઉસ્માની અને તુર્ક રાજાઓ નેક અને દીનદાર હતા. અલબત્ત જયારે એણે યુરોપની મુસ્લિમ શત્રુતા જોયી તો તોબા કરી લીધી અને મન્નત માની કે અલ્લાહ તઆલા આ લડાઈમાં ફતેહ આપશે તો પોતાના તાબાના પ્રદેશમાં અનેક મસ્જિદો પણ બનાવશે.
લડાઈના મેદાનમાં તુર્ક મુસલમાન સેનાની સંખ્યા ૬૦ હઝાર હતી અને યુરોપની ઈસાઈઓ પાસે એકલાખ ત્રીસ હઝાર સૈનિકોનું સૈન્યબળ હતું. પરંતુ બાયઝીદે કંઈક એવો પેંતરો રચ્યો કે ફ્રેંન્ચ સેના ઉતાવળ કરી બેઠી અને તેઓ બાયઝીદના ઘેરામાં આવી ગયા. પરિણામે એટલું મોટું નુકસાન ઉઠાવવું પડયું કે ફરી પાછા હોશ સંભાળીને લડાઈના મેદાનમાં આવી શકયા જ નહી.
આ ફતેહના કારણે બાયઝીદ અને તુકર્ોનો ડંકો વાગી ગયો. આ ફતેહના કારણે જ બાયઝીદને 'સુલતાન'નો ઇલ્કાબ આપવામાં આવ્યો અને ત્યાર પછીથી ઉસ્માની રાજાઓ સુલતાન કહેવાયા.
લડાઈ પૂરી થયા પછી સુલતાન બાયઝીદે વાયદા મુજબ રાજધાની 'બુરસા'માં એક આલીશાન મસ્જિદ બનાવી. ઓલો જામેઅ મસ્જિદના નામે ઓળખાતી આ મસ્જિદ ઉસ્માની સ્થાપત્ય કળાનો સુંદર નમૂનો છે. આજે પણ આ મસ્જિદ એ જ સુંદરતા અને આકર્ષણ સાથે મોજૂદ છે. ર૦ ગુંબદ, બે ઊંચા મિનારાઓ અને અંદરની દીવારો ઉપર આયતો અને ફૂલોનું સુંદર કોતરણી કામ આ મસ્જિદની વિશેષતા અને આકર્ષણનું કેન્દ્ર છે.
આ લડાઈમાં ઈસાઈઓની સંયુક્તત સેનાની હાર ઘણી જ કારમી અને નુકસાદાયક હતી. ત્યાર પછી કેટલાયે વરસો સુધી ફરી પાછા તેઓ તુર્કો સામે આંખ ઉઠાવવાની હિંમત કરી શકયા નહી. આ લડાઈના થોડા વરસો પછી તૈમુરલંગ સામે બાયઝીદની હાર થઈ, છતાં એમની હિંમત ન હતી કે ફરી પાછા તૈયારી કરીને તુર્કો  સામે આવે અને આગળ વધે. ઈસાઈઓ શત્રુની આવી પીછેહઠ અને માનસિક રીતે ભાંગી પડવાનો લાભ ઉઠાવીને તુકર્ોએ તૈમૂરલંગ સામે હારીને પણ પોતાની તૈયારી ચાલુ રાખી અને થોડા વરસો પછી બાયઝીદના પુત્ર મુહમ્મદ પહેલાએ ફરી પાછી આગેકુચ કરી અને ઉસ્માનીઓનો પ્રભાવ આખા પ્રદેશ ઉપર પાછો સ્થાપિત કરી દીધો.

Saturday, September 28, 2013

ગાયની કુરબાની અને જીવદયા

કુરબાની વિશે હિન્દુ લોકો, વિશેષ કરીને વર્તમાનમાં જીવદયાની વાત કરતા અમુક લોકો એક વિશેષ પ્રકારના અસમંજસમાં ફસાયેલા છે.
કારણ કે, જીવદયા, એક ભૂલભરેલી પરિભાષા છે. માનવજીવનમાં એનું અમલીકરણ અશક્ય છે. સૃષ્ટિની દરેક વસ્તુમાં જે તે વસ્તુ મુજબ જીવ હોવાનું વૈજ્ઞાનિક અને ધાર્મિક, બન્ને રીતે પૂરવાર થયેલ વસ્તુ છે. આ આધારે સબજી ખાવી, ઘાસ કાપવું, જમીન ખોદવી પણ જીવહત્યામાં શામેલ છે. જાનવરનું દૂધ પીવું પણ એમાં શામેલ છે અને વ્યાજ ખાયને ગરીબોની પસીનાની કમાણી ખેંચી લેવી પણ એમાં શામેલ છે. જીવદયામાં માનનારા આ બધું જ કરે છે.
હિન્દુઓમાં 'જીવદયા' ફક્તત જૈનોની ધાર્મિક માન્યતા છે. અન્યો તો આ બાબતે ફકત મુસ્લિમો પ્રત્યેના વેરભાવના કારણે એમાં જોડાયા છે. થોડા દિવસ પહેલાં શિવસેના - મુંબઈના એક નેતાએ મુંબઈમાં કહયું હતું કે મુંબઈમાંથી ગુજરાતીઓને કાઢવા પડશે, નહીંતર એમની વધતી વસતીના કારણે મુંબઈ શહેરના શાકાહારી બની જવાનો ભય છે.
જૈન સંપ્રદાય પોતે, અને એમના સાધુ - સાધ્વીઓ અને તપસ્વીઓ આ સિદ્ઘાંત ઉપર અમલ નથી કરતા, અને એક યા બીજા પ્રકારે જીવહત્યાને સ્વીકારે છે. ઉદાહરણ તરીકે... જૈનોમાં 'સંથારો' કરવાને બહુ મોટું સ્થાન અને પુણ્યનું કામ સમજવામાં આવે છે. કોઈ તપસ્વીને એવું લાગે કે હવે જીવનના છેલ્લા દિવસો છે, તો અન્ન, જળ વગેરે બધું જ તજીને મરણપથારી કરવાને 'સંથારો' કહેવામાં આવે છે. આમ માણસ અતિક્રુર બનીને પોતાને જ મારી નાખે છે. આમ કરવું સ્પષ્ટ રૂપે જીવદયા વિરુદ્ઘ છે. માનવીએ પોતાના પ્રતિ આટલા ક્રુર બનવાનો કોઈ આધાર નથી. છતાં એને એક સામન્ય બાબત સમજીને જૈનોએ સ્વીકારી છે.
હા, એક ચર્ચા રહી જાય છે : ગાય વિશે...
હિંદુઓ ગાયને પવિત્ર માનીને પૂજે છે અને ગાયની કુરબાની કરવાને પોતાની પૂજય ગાયનું અપમાન સમજે છે. અલબત્ત ગાયની કુરબાની, કે કોઈ બીજા જાનવરની કુરબાની મુસલમાન એના અપમાન કે તૃચ્છ હોવાના લીધે નથી કરતો. બલકે એના પવિત્ર હોવાના કારણે જ કુરબાની કરે છે. હિન્દુઓ આ બાબતે પોરસાયને કહી શકે છે ગાયની પવિત્રતાના કારણે જ મુસલમાનો પણ એને અલ્લાહના દરબારમાં કુરબાનીના લાયક અને પાત્ર સમજે છે. સાદી રીતે એમ પણ કહી શકાય કે કુરબાનીને હત્યાના બદલે બલિદાનના રૂપમાં જોવું જ ખરી દષ્ટિ છે. અને બલિદાનને કોઈ હત્યા કે અપમાનના અર્થમાં નથી સમજતું....
------------------

જૂઠી હદીસ....

જૂઠી હદીસ....
.મુખ્તાર ષકફીએ એક મુહદ્દિષને કહયું કે, મારા માટે કોઈ એવી બનાવટી હદીસ બનાવી કાઢો કે હું ખલીફા બની જઉં. બદલામાં તમને દસ હઝાર દિરહમ, તાજ, સવારી અને ખાદિમો આપીશ.
મુહદ્દિષે કહ્યું કે નબીએ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમના નામે તો કોઈ જૂઠી હદીસ બનાવવાની મારી હિંમ્મત નથી, પણ તમારી પરવાનગી હોય તો કોઈ સહાબીના નામે બનાવટી વાત ચલાવી દઉં. વળતર થોડું ઓછું આપજો. મુખ્તારે કહયું કે, નબીએ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમની વાત બનાવીને કહે તો વધારે સારું...
તો મુહદ્દિષે જવાબ આપ્યો કે, તો પછી અઝાબ પણ એવો જ મોટો ચાખવો પડશે.
---------------------------
.કુરઆન શરીફમાં નબીએ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમને ખુશખબરી આપવામાં આવી છે કે,
عسی أن یبعثک ربک مقاما محمودا
અર્થાત  : અલ્લાહ તઆલા તમને મકામે મહમૂદ (એક ઉચ્ચ મકામ) અર્પણ ફરમાવશે.
કોઈ જૂઠા વઅઝ કરનારે લોકોને ખુશ કરવા વઅઝમાં કહી દીધું કે, એનો મતલબ આ છે કે નબીએ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમને અલ્લાહ તઆલા સાથે અર્શ ઉપર સ્થાન આપવામાં આવશે. લોકોને આ વાત ઘણી સારી લાગી. ઇમામ મુહમ્મદ બિન જરીર તબરી રહ.ને આ વાતની ખબર પડી તો તેઓ ઘણા નારાજ થયા. આ ખોટી વાતનો ઘણો વિરોધ કર્યો અને પોતાના ઘરના દરવાઝા પર લખાણ લખ્યું કે, અલ્લાહ તઆલાની ઝાત પાક - પવિત્ર છે, એને કોઈ દોસ્ત - સાથીની જરૂરત નથી. એના અર્શ ઉપર કોઈ બીજું બેસનાર નથી.
લોકોમાં આ લખાણ ચર્ચાનો વિષય બની ગયું. અને આમ લખવાને ખોટું સમજીને ઇમામ તબરીનો વિરોધ કરવા લાગ્યા. અને ઇમામ તબરી રહ.ના ઘર ઉપર એટલા પથ્થરો ફેંકયા કે એમનો દરવાઝો ઢંકાય ગયો.

વ્યાજ મહાન ગુનો અને માનવસમાજનું દુષણ

વ્યાજ
મહાન ગુનો
અને
માનવસમાજનું દુષણ


વ્યાજની લેવડ-દેવડ કુર્આન અને હદીસના સ્પષ્ટ આદેશોની રૂએ હરામ અને સખ્ત ગુનાહિત કૃત્ય છે. નબીએ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમનો ઇરશાદ છે કે જાણી બુઝીને વ્યાજનો એક દિરહમ ખાવું છત્રીસવાર ઝિના કરવાથી વધારે ભયાનક છે. (મિશ્કાત પેજ-ર૪૬)
અન્ય એક ઇરશાદમાં નબીએ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે વ્યાજ લેનાર, વ્યાજ આપનાર અને વ્યાજનું લખાણ કરનાર અને વ્યાજના મામલામાં સાક્ષાી રહેનારાઓ ઉપર લઅનત ફરમાવી છે અને ફરમાવ્યું કે આ બધા જ લોકો વ્યાજના ગુનાહમાં બરાબરના શરીક છે. (મિશ્કાત પેજ-ર૪૪) માટે કોઈ પણ એવું કામ જે વ્યાજની લેવડ-દેવડમાં સહાયરૂપ બનતું હોય શરઈરૂએ ના-જાઈઝ અને ગુનાહિત છે.
કુર્આને પાકમાં સ્પષ્ટ અને સાફ-સાફ શબ્દોમાં વ્યાજનું હરામ હોવું બયાન કરવામાં આવ્યું છે. ઇરશાદે ખુદાવંદી છે حرم الربا(સૂરએ બકરહ ર૭પ) અર્થાત : અલ્લાહ તઆલાએ વ્યાજને હરામ ઠેરવ્યું છે. વ્યાજના હરામ હોવાનો હુકમ કુર્આનમાં નાઝિલ થયા પછી પહેલાંની વ્યાજની લેણી રકમની વસૂલીથી પણ મનાઈ ફરમાવવામાં આવી, બલકે તેને ઈમાનની શર્ત રૂપે ઠેરવવામાં આવી. સુરએ બકરહ આયત ર૭૮,માં ઈરશાદે ખુદાવંદી છે કે, વ્યાજની બાકી લેણી રકમ પણ છોડી આપો અગર તમે ઈમાનવાળા છો.
અને આમ ન કરનારાઓ માટે યુદ્ઘનું એલાન છે. સૂરએ બકરહ ર૭૮,ર૭૯,માં ઈરશાદે ખુદાવંદી છે : અગર તમે એવું નિહ કર્યું તો અલ્લાહ અને તેના રસુલ તરફથી લડાઈનું એલાન છે.
હઝરત અબૂ હુરૈરહ (રદિ.) રિવાયત ફરમાવે છે કે નબીએ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમે ફરમાવ્યું કે વ્યાજના સિત્તેર દરજજાઓ છે, જેમાં સૌથી ઓછો અને હલકો દરજજો પોતાની માં સાથે બદકારી કરવા સમાન છે. [મિશ્કાત -ર૪૬]
એ સિવાય બીજી ઘણી હદીસોમાં વ્યાજનું હરામ હોવું તેની ખરાબીઓ વર્ણવવામાં આવી છે.
હઝરાતે સહાબા (રદિ.)ને સંબોધન કરી વ્યાજના હરામ હોવાનો હુકમ આપવામાં આવ્યો હતો ત્યારે આર્થિક પરિસ્થિતિ ઘણી બદતર અને દુખદાયક હતી, તેઓ કાફિરોના કરજોમાં ડુબેલા હતા, કાફિરો તેઓનું લોહી પી રહયા હતા. તેઓ ભૂખને લઈ પેટ ઉપર પથ્થર બાંધતા હતા. લગાતાર ભૂખા રહેવાને લઈ બેહોશ થઈને પડી જતા હતા, બબ્બે - ત્રણ - ત્રણ મહિના સુધી ઘરમાં ચૂલો સળગતો ન હતો. શરીર ઢાંકવા માટે પુરૂં કપડું પણ ન હતું. નિકાહમાં મહેરરૂપે આપવા માટે લોઢાની અંગૂઠી પણ ન હતી. બાળકોને ભૂખ્યા રડતા જોઈને ત્રણ ચાર દાણા ખજૂર મેળવવા માટે યહુદીઓની મજૂરી કરવી પડતી હતી. ખૂદ નબીએ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમે એમની પવિત્ર પુનિત પત્નીઓના ભરણ-પોષ્ાણ માટે જેહાદમાં કામ આવતું પોતાનું બખ્તર યહુદી પાસે ગીરો રાખવું પડયું અને એ જ હાલતમાં આપ સલ્લલ્લાહ અલયહિ વ સલ્લમનો વિસાલ થયો. આ હાલત હોવા છતાં તેઓને કાફિરોના માલ અને દૌલત પ્રતિ આંખ ઉઠાવીને જોવાથી પણ મનાઈ ફરમાવવામાં આવી અને કહેવામાં આવ્યું.
આપ આંખ ઉઠાવીને પણ તે વસ્તુઓ પ્રતિ ન જુઓ જેનાથી અમે આ (દુન્યાદારો) ના વિવિધ જન સમુહોને તેઓની આજમાઈશ માટે વાપરવા માટે આપી છે. આ બધુ માત્ર દુન્યવી જીંદગીની રોનક છે.
વર્તમાન યુગની કરૂણાતિકા જ આ બની ગઈ છે, માણસ ફક્તત પૈસે ટકે આગળ આવવાને જ પોતાનું મુળ ધ્યેય સમજે છે. એ માટે જે કંઈ પણ કરવું પડે. અખ્લાક, સંસ્કાર, તાલીમ, દીનદારી વગેરે બાબતો સંપૂર્ણ રીતે લોકોના ધ્યેયમાંથી બાકાત થઈ રહી છે. લોકો બધી જ ખૂબીઓ અને સંસ્કારો એકતરફ મૂકીને માલ પાછળ દોડી રહયા છે, અને આ દોડમાં વ્યાજને પણ હરામ સમજવાનું છોડી રહયા છે, અથવા એના વગર ન ચાલે એમ માનીને હલાલની સાથે હરામને પણ ભેળવી રહયા છે.
કાશ ¦ માણસને આ દુનિયાની ઝિંદગીના ટુંકી હોવાનો અને આખિરતની ઝિંદગી લાંબી અને સાચી હોવાનો એહસાસ થઈ જાય. ......

હઝરત અબ્દુલ્લાહ બિન અમ્ર બિન આસ રદિ.ની ભેગી કરેલ હદીસો

હઝરત અબ્દુલ્લાહ બિન અમ્ર બિન આસ રદિ.ની ભેગી કરેલ હદીસો
હઝરત અબ્દુલ્લાહ બિન અમ્ર બિન આસ રદિ. ફરમાવે છે કે,
મેં એકવાર નબીએ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમને અરજ કરી કે હું તમારી હદીસો રિવાયત કરવા ચાહું છું. માટે જો તમે રજા આપો તો હું દિલથી યાદ કરવા ઉપરાંત હાથથી લખીને આ કાર્ય અંજામ આપું ? આપ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમે ફરમાવ્યું કે, મારી વાતો હોય તો તમે એના માટે દિલથી યાદ કરવા ઉપરાંત હાથની મદદ પણ લઈ શકો છો. (દારમી)
અબૂદાઉદ શરીફમાં રિવાયત છે, હઝરત અબ્દુલ્લાહ બિન અમ્ર બિન આસ રદિ. ફરમાવે છે કે હું નબીએ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમની જેટલી વાતો સાંભળતો એ બધી લખી લેતો હતો. મારો મકસદ એ વાતોને યાદ રાખવાનો હતો.
મને કુરૈશના લોકોએ રોકયો કે તમે નબીએ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમની બધી જ વાતો લખી લ્યો છો, (એ યોગ્ય નથી) નબીએ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ તો માણસ છે. અન્ય માણસોની જેમ એમને પણ ગુસ્સો આવે છે. (શકય છે કે ગુસ્સામાં કોઈ અયોગ્ય વાત પણ બોલતા હોય). મેં કુરૈશની આ વાત નબીએ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ સમક્ષા રજૂ કરી તો આપ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમે પોતાના હોંઠ તરફ ઇશારો કરીને ફરમાવ્યું કે, જેના કબ્જામાં મુહમ્મદના પ્રાણ છે, એ હસ્તી (અલ્લાહ તઆલા)ની કસમ ! આ બે હોંઠો વડે જે વાત પણ નીકળે છે એ હક હોય છે. તમે લખી લ્યો.
(અબુદાવૂદ, ઇબ્ને સઅદ)
હઝ. અબ્દુલ્લાહ બિન અમ્ર રદિ.એ ભેગી કરેલ હદીસોના સંગ્રહને 'સહીફએ સાદિકહ' નામ આપવામાં આવ્યું હતું.
આ સંગ્રહમાં કેટલી હદીસો હતી એ તો સ્પષ્ટ નથી, પણ હઝ. અબૂહુરયહ રદિ.ની એક હદીસથી અંદાઝો કરી શકાય છે કે એમાં કેટલી હદીસો હશે ?
હઝરત અબૂ હુરયરહ રદિ. ફરમાવે છે કે નબીએ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમની હદીસો મારાથી વધારે કોઈની પાસે નહી હોય. એક અબ્દુલ્લાહ બિન અમ્ર રદિ. સિવાય. કારણ કે તેઓ હદીસો લખી લેતા હતા અને હું લખતો ન હતો. બીજી તરફ હઝ. અબૂ હુરયરહ રદિ.એ રિવાયત કરેલ પ૩૬૪ હદીસો કિતાબોમાં છે. એનાથી કયાસ કરી શકાય કે હઝ. અબ્દુલ્લાહ રદિ.ની ભેગી કરેલી હદીસો એનાથી વધારે હશે.
હઝરત અબ્દુલ્લાહ બિન અમ્ર બિન આસ રદિ. ફરમાવે છે કે,
મેં નબીએ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમથી સાંભળીને એક હઝાર મિષાલો (ઉદાહરણથી સમજાવેલ વાતો) યાદ કરી છે. (ઉસ્દુલ ગાબહ)
આ કથનથી સમજાય છે કે એમના સંગ્રહ 'સહીફહ સાદિકહ'માં એક હઝાર તો ઉદાહરણો વાળી હદીસો હતી.
હઝરત અબ્દુલ્લાહ રદિ. આ સંગ્રહને ખુબ સાચવીને રાખતા હતા.
હઝરત મુજાહિદ રહ. ફરમાવે છે કે એકવાર હું એમની પાસે ગયો અને એમના ગાદલા નીચે મુકેલ આ સંગ્રહ મેં લીધો તો મને એમણે રોકી દીધો. મેં એમને કહયું કે તમે કોઈ વસ્તુ મારાથી બચાવતા નથી અને મને રોકતા નથી તો પછી આ વિશે કેમ રોકો છો ?
તો એમણે જવાબ આપ્યો કે,
આ સહીફહની વાતો મેં નબીએ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમથી એવી રીતે સાંભળી છે કે મારા અને રસૂલુલ્લાહ વચ્ચે કોઈ બીજું નથી. જયાં સુધી મારી પાસે અલ્લાહ તઆલાની કિતાબ, આ સંગ્રહ અને વહઝ (એમના વહીવટ હેઠળ વકફની એક જમીન) સલામત છે, મને દુનિયાની બીજી કોઈ વસ્તુની પરવા નથી.
આ સંગ્રહ એમની અવલાદમાં પેઢીઓ સુધી સચવાતો આવ્યો. અને એમના પપોત્ર હઝરત અમ્ર બિન શુઐબ એમાંથી હદીસો રિવાયત કરતા હતા.
મશ્હૂર મુહદ્દિષ યહયા બિન મઅીન અને અલી બિન મદીની રહ. ફરમાવે છે કે હદીસની કિતાબોમાં આ સનદથી જે રિવાયતો આવે છે એ બધી આ સંગ્રહની જ હોય છે. હદીસ શરીફની વર્તમાન પ્રચલિત કિતાબો અબૂદાવૂદ, તિરમિઝી, મુસ્નદે અહમદ, નસાઈ, બયહકી, મિશ્કાત વગેરે કિતાબોમાં આ રિવાયતો મોટી માત્રામાં મોજૂદ છે.

Monday, September 02, 2013

મિસરનો લશ્કરી બળવો અને રાજાઓની રાજરમત

મિસરનો લશ્કરી બળવો અને રાજાઓની રાજરમત
મિસરમાં હોસ્ની મુબારકના ઇમરજન્સી શાસનના અંત પછી લોકશાહી રીતે ચુંટાયેલ સરકારનું એક જ વરસ પુરું થયું હતું કે લશ્કરે એક બહાના હેઠળ લોકશાહી સરકારને ઉઠલાવીને ફરીથી લશ્કરી શાસન લાદી દીધું છે. રાષ્ટ્રપતિ મુહમ્મદ મુરસીને અજ્ઞાત સ્થળે કેદ કરીને અનેક નેતાઓને જેલમાં પૂરી દેવામાં આવ્યા છે. ચુંટાયેલ સરકાર મવાળવાદી મુસ્લિમ સંગઠન 'મુસ્લિમ બ્રધરહુડ'ની રાજકીય પાંખની બહુમતી વાળી હતી એટલે આ બળવાને મુસ્લિમ જગતમાં પ્રથમ દષ્ટિએ અમેરિકા, ઇઝરાયેલ અને યુરોપની ઇસ્લામ વિરોધી હરકતના સ્વરૂપે જોવામાં આવ્યો. અલબત્ત પાછળથી જે વાસ્તવિકતાઓ સામે આવી એ જોતાં લાગે છે કે ષડયંત્રના મુળ ઘણાં ઊંડાં છે.
બળવો થતાં જ લોકશાહી સમર્થકો વિરોધ કરવા લાગ્યા. રેલીઓ અને ધરણાઓનું આયોજન કરવામાં આવ્યું. આ રેલીઓ અને ધરણાઓનો વિસ્તાર વધવા લાગ્યો તો લશ્કર દ્વારા એને શકિત વડે ખતમ કરવામાં આવ્યાં અને ઇદ પછીના અઠવાડિયામાં લગભર હઝારથી વધારે સમર્થકોને સીધી ગોળીએ વીંધી નાંખવામાં આવ્યા અને મુસ્લિમ બ્રધરહુડના હઝારો સમર્થકોને જેલમાં ગોંધી દેવામાં આવ્યા.
લશ્કર દ્વારા સત્તા કબ્જે કરવાના તુરંત પછી સઉદી અરેબિયાના શાહ અબ્દુલ્લાહે નિવેદન આપ્યું કે લશ્કરે મિસરને બરબાદ થવાથી બચાવી લીધું. આરબ અમીરાતે પણ લશ્કરને ભરપૂર સમર્થન હોવાનું જાહેર કયું. આનાથી વિપરીત તુર્કીએ લશ્કરી બળવાનો ભરપૂર વિરોધ કર્યો.
આજે સ્થિતિ એ છે કે અમેરિકા અને યુરોપ મિસરની સહાય રોકવાની તૈયારી કરી રહયા છે તો સઉદી અરેબિયાએ જાહેરાત કરી છે કે એ બધી સહાયનો બદલો મિસરને અમે આપવા તૈયાર છીએ.
આ બધું જોતાં લાગે છે કે સઉદી એરેબિયાના રાજાને મિસરની લોકશાહી સરકારથી અથવા તો 'મુસ્લિમ બ્રધરહુડ'થી કોઈ ખતરો હતો, જેના લઈ સઉદી અરેબિયા અને અમીરાત દ્વારા આયોજન કરીને લશ્કર દ્વારા મુસ્લિમ બ્રધરહુડને ખતમ કરવાનો પ્લાન બનાવવામાં આવ્યો છે.
હરમૈન શરીફૈનની ખિદમતના નામે મુસલમાનોના નેતા બનેલા આ નેતાઓને વિશ્વમાં સાચી રીતે મુસલમાનો શકિતશાળી બને અને યુરોપ, યહૂદીઓ અને અમેરિકાના અત્યાચારો સામે અવાજ ઉઠાવે એમાં રસ નથી. એમને પોતાની સત્તા અને રાજગાદી છીનવાય જવાનો ખતરો છે. પાછલા દિવસોમાં ટયુનિશ, લિબીયા, મિસર, કુવૈત અને જોર્ડન વગેરે દેશોમાં કયાંક આંશિક રીતે તો કયાંક સંપૂર્ણ રીતે લોકશાહી રીતે શાહી ખાનદાનો પાસેથી રાજગાદી વિદાય લઈ રહી છે, એવામાં તેલની અઢળક દોલતની લાલચ આવા લોકોથી કેવી રીતે છુટે ?
ઉપરાંત તુર્કીની વર્તમાન સરકાર જે રીતે મક્કમ રીતે ઇસ્લામી પ્રણાલીને અપનાવીને આગળ વધી રહી છે એ જોતાં મુસ્લિમ વિશ્વનું નેતૃત્વ કરવા એ સક્ષામ નજર આવી રહી છે. મિસરની મુરસી સરકારે પણ તુર્કી સાથે મજબૂત સંબંધો શરૂ કરી દીધા હતા અને બંને સંયુકત રીતે ઇઝરાયેલને ઘેરવાના પ્રયત્નો કરી રહયા હતા. પેલેસ્ટાઈનની હમાસની સરકારને ગાઝહપટીમાં પૂર્ણ સમર્થન આપી રહયા હતા. ઇઝરાયેલના હુમલા વેળા મુરસી પોતે સહાય લઈને ગાઝહપટીમાં ગયા હતા. આવી સ્થિતિમાં તુર્કી અને મિસરના હાથમાં મુસ્લિમ વિશ્વનું નેતૃત્વ સરકતું જોઈને સઉદીયા બે ત્રણ વરસથી ધમપછાડા કરી રહયું છે. ભારત અને વિશ્વના મુસ્લિમ બહુલ દેશોમાં સઉદી ઉલમા, હરમૈનના ઇમામો મોકલીને મુસ્િલમ પ્રજાને હરમૈનના બહાને સઉદી રાજા સાથે અકીદત અને શ્રધ્ધા સાથે જોડી રાખવા મથી રહયું છે.
હજ ઉમરહની સેવા કરવામાં પણ કમાણી કરતા આ રાજાઓ પાસે ખાદિમુલ હરમૈનના ઇલ્કાબ સિવાય એવી કઈ વસ્તુ છે જેના લઈ તેઓ મુસ્લિમ વિશ્વના નેતા હોવાના ભરમમાં રાચે છે ? આ રાજાઓને ખબર હોવી જોઈએ કે આવા ધમપછાડાઓથી સત્તા સચવાતી નથી. સત્તા સાચવવા માટે સાચી સેવા કરવી પડે છે. હઝારોના લોહી વહાવીને મુસલમાનોના હમદદર્ોને ખતમ કરવાથી એમની ગાદી કદાચ થોડા સમય માટે સલામત રહી શકે છે, પણ કુદરતનું કાળચક્ર આવતી કાલે એમનાથી બદલો લેશે ત્યારે એમને ખબર પડશે.

Monday, August 12, 2013

એક ગેરમુસ્લિમ યુવાનના અમુક પ્રશ્નો અને ખુલાસાઓ

એક ગેરમુસ્લિમ યુવાનના અમુક પ્રશ્નો અને ખુલાસાઓ

રાંચીથી મુંબઈ જવા ફલાઇટમાં સવાર થયો તો જોયું કે બાજુની સીટ ઉપર નિર્દોષ ચહેરાવાળો એક યુવાન મોજૂદ છે. સામાન મૂકીને, સીટ ઉપર બેસીને, સીટ બેલ્ટ બાંધીને, મેં એનાથી વાતચીત શરૂ કરી. વિકાસ નામ હતું અને પટનાથી મુંબઈ જતો હતો. મને મારી મંઝિલ અને નામ પૂછીને થોડી વારે એણે પૂછયું કે,

??? તમે શું કરો છો ?
>>>   મેં કહયું કે, અમે મદરસા એટલે કે ઇસ્લામી સ્કૂલમાં શિક્ષક છીએ.
???  શું તમે પવિત્ર ગ્રંથનું શિક્ષણ આપો છો ?
>>>  હા, એ અમારા કોર્સમાં હોય છે. એના ઉપરાંત ઇસ્લામી વિષયોને લગતી અનેક કિતાબોનું શિક્ષાણ આપવાનું હોય છે.
???  મેં કુરઆનનો થોડો અભ્યાસ કર્યો છે. મારા એક દોસ્તે મને કહયું હતું. અલબત્ત ઘણો થોડો અભ્યાસ કર્યો છે. પરસ્પરની વાતચીત જેવો જ એનો અંદાઝ છે. વાત સમજમાં આવી જાય એવો. મારે એ જાણવું છે કે કુરઆનમાં મુખ્ય પણે શું કહેવામાં આવ્યું છે ?
>>> મુસલમાન માટે એના જીવનના દરેક પાસાની એમાં તાલીમ છે. પર્સનલ લાઈફ,  ફેમીલી લાઇફ,  ગર્વમેન્ટ,  ક્રાઇમ,  કલ્ચર વગેરેના મહત્વના ઇસ્લામી નિયમો એમાં દર્શાવવામાં આવ્યા છે. એટલે કોઈ એક વિષયમાં એમની તાલીમ સમાવી ન શકાય.
આમ છતાં તવહીદ એટલે કે દુનિયાના સર્જનહાર અને માલિક - ખાલિક એક હોવાની વાત એમાં વિશેષ રૂપે કહેવામાં આવી છે. અને કુરઆનનો ઘણો ખરો ભાગ આ બાબતની તાલીમ ઉપર આધારિત છે.
                                                થોડી વારની ખામોશી પછી એણે મને પૂછયું કે,
???  એક મુસલમાન સાત શાદીઓ કરી શકે છે ?
>>> ના, સાત નહી, ચાર શાદીઓ કરવાની પરવાનગી છે.
 ??? શું ફકત મોઢેથી તલાક બોલવાથી તલાક થઈ જાય છે ?
>>> હા..
??? આ તે કેવું ? એના માટે કોઈ ફોર્માલીટી કેમ નથી ?
>>> એમાં કોઈ ફોર્માલીટીની જરૂરત શું છે ?  જેમ નિકાહનો કરાર ફકત મોઢેથી બોલવાથી થઈ જાય છે તો એવી જ રીતે ખતમ પણ જાય છે. અને એમાં મુસલમાનના નિકાહની વાત નથી. દુનિયાના બધા જ કરારો મોઢે બોલીને થાય છે અને મોઢેથી બોલીને ખતમ થાય છે. કાગળ પરની ફોર્માલીટી તો પૂરાવા અને પ્રુફ માટે હોય છે.
???  હા, તમારી આ વાત સાચી છે. દુનિયામાં પણ બધું મોઢેથી જ થાય છે.
???  સ્ત્રીઓ મસ્જિદમાં ન જઈ શકે ?
>>> જઈ શકે છે. પણ બેહતર નથી. વર્તમાન સ્થિતિમાં એનું ઘરમાં જ રહેવું બેહતર છે. પવિત્ર જગ્યાએ એની મર્યાદા ન સચવાય અને માણસથી કોઈ ભૂલ - ગુનો થઈ જાય તો ગુનો પણ લાગુ પડે અને પવિત્ર સ્થળની ગરિમા પણ ખતમ થઈ જાય, અને પછી ઇબાદત - પ્રાથનાનો હેતુ પણ ખતમ થઈ જાય એટલે અમે આ બાબતે સ્ત્રીના ઘરમાં નમાઝ પઢવાને બેહતર સમજીએ છીએ.
???  શું સ્ત્રી તલાક ન આપી શકે ?
>>> અમુક વિશેષ સ્થિતિમાં સ્ત્રીને એના પતિથી અલગ થવાનો અધિકાર છે. આ બાબત શરતોની આધીન છે અને વિશેષ સ્થિતિમાં જ શકય છે.
??? આવું કેમ ?
>>> અમારું માનવું છે કે સ્ત્રી અને પુરુષમાં શરીર, વિચાર, લાગણી અને બીજી  ઘણી બાબતોમાં તફાવત છે. પુરુષ એમાં પરિપકવ છે. અને નિકાહ એ સામુહિક જીવન છે. સામુહિક રીતે કરવામાં આવતા કોઈ પણ કામમાં કોઈ એકને વધુ અધિકાર આપીને બોસ બનાવવામાં આવે છે. દુનિયામાં પણ આમ જ હોય છે. અમુક માણસો થકી કરવામાં આવતા કોઈ પણ કામમાં એક વ્યકિતને બોસ બનાવીને જ કામ કરાય છે અને એને વધારે અધિકાર આપવામાં આવે છે. બધાને સમાન રાખવામાં ટકરાવ થવાની સંભાવના છે. આ જ કારણે ફેમીલી લાઈફમાં પુરુષને બોસ ગણવામાં આવ્યો છે. બીજી બાબતોમાં ધાર્મિક અને સામાજિક રીતે સ્ત્રીને એના અધિકારો પૂરા આપવામાં આવ્યા છે. એ કોઈ પુરુષની ગુલામ નથી.
??? શું તમારે દાઢી રાખવી જરૂરી છે ?
>>> હા, દાઢી રાખવી દરેક મુસલમાન માટે આવશ્યક છે. આ અમારી ધાર્મિક ઓળખ છે.
??? પણ બધા મુસલમાનો આમ નથી કરતા ?
>>>ઘણા મુસલમાનો એના ઉપર અમલ નથી કરતા. બાકી આ ઓળખ દરેક માટે જરૂરી છે. ઇસ્લામમાં દરેક બાબત અને આદેશ દરેક મુસલમાન માટે સરખાં છે. સામાન્ય મુસલમાન હોય કે ધાર્મિક નેતા હોય, ઇસ્લામી આદેશોમાં બધા જ સરખા છે. કોઈના માટે વિશેષ આદેશ નથી.
??? આ સૂફીવાદ શું છે ?
>>> મુળમાં તો સુફીવાદ એટલે સંસારની મોહજાળને બાજુ ઉપર મૂકીને ઇબાદત - પ્રાથનામાં વધારે ધ્યાન આપવું. ઇસ્લામમાં મુળ રીતે સંસાર ત્યાગનું કોઈ મહત્વ નથી. અલબત્ત આમ છતાં કોઈ માણસ સંસાર તજીને ફકત અલ્લાહની ઇબાદતમાં લાગી જાય તો એની મનાઈ પણ નથી. આવા લોકોને પહેલાં 'સૂફી' કહેવામાં આવતા હતા. આજકાલ 'સૂફીવાદ' નો મતલબ એ ઠસાવવામાં આવે છે કે બધા ધર્મો સરખા છે અને એમાં કોઈ તફાવત નથી,  એ ખોટું છે. મુસલમાન મંદિરમાં જાય અને હિંદુ મસ્જિદમાં આવે,  એ સરખું છે,  એવું આજના સૂફીવાદમાં કહેવામાં આવે છે. જે વાસ્તવિક રીતે ખોટું છે. ઇસ્લામની તાલીમ પ્રમાણે હિંદુ અને મુસલમાન અલગ છે. અલબત્ત માનવી હોવામાં અને માનવીય સન્માન અને અધિકારોમાં ઇસ્લામની દષ્ટિએ બધા જ સરખા છે. જયારે દરેક ધર્મમાં આટલી લચક અને ફલેકસીબિલીટી છે તો પછી બધા ધર્મોને ભેગા કરીને ધાર્મિક સિદ્ઘાંતોનો કચ્ચરઘાણ વાળવાની શી જરૂરત છે ?
>>> વાત તો તમારી બરાબર છે. દરેક ધર્મ અલગ છે, એ અલગ રહીને પણ એકબીજા સાથે રહી શકતા હોય તો પછી આવું કરવાની કોઈ જરૂરત નથી.
??? કોઈ ગેર મુસ્લિમ સાથે શાદી કરી શકાય ?
>>> મુસલમાન પુરુષ ગેર મુસ્લિમોમાંથી ફકત યહૂદી અને ઇસાઈ સ્ત્રી સાથે જ નિકાહ કરી શકે છે. એ સિવાય કોઈ બીજા ધર્મની સ્ત્રી સાથે નહી.
અને મુસલમાન સ્ત્રી બીજા કોઈ પણ ધર્મના પુરુષ સાથે નિકાહ કરી શકતી નથી.
??? આવું કેમ ?

>>> આ એટલા માટે કે મુસલમાનોની માન્યતા મુજબ યહૂદીઓના પયગંબર મૂસા અલૈ. અને ઇસાઈયોના પયગંબર ઇસા અલૈ. મુસલમાનો માટે પણ પયગંબર અને પવિત્ર હસ્તીઓ છે. આવી સ્થિતિમાં કોઈ સ્ત્રી મુસલમાન સાથે નિકાહ કરશે તો મુસલમાનના ઘરમાં એના ધાર્મિક અધિકારોનું પણ સન્માન કરવામાં આવશે અને એના ઉપર એના ધર્મ બાબતે કોઈ રોકટોક કે દબાણ નહી થાય. એનાથી ઉલટું યહૂદી અને ઈસાઇ લોકો મુસલમાનોના પયગંબર મુહમ્મદ સાહેબને માનતા નથી. તેઓ એમનો વિરોધ કરે છે. આવી સ્થિતિમાં મુસલમાન સ્ત્રી યહૂદી કે ઈસાઈ પુરુષ સાથે નિકાહ કરશે તો પતિના ઘરમાં એના ધાર્મિક અધિકારો સચવાય એ શકય નથી. ઇસ્લામને ન માનવાને કારણે પત્નિના ઇસ્લામી કાર્યો એના યહૂદી કે ઈસાઈ પતિને સ્વીકાર્ય નહીં હોય.                            ........

                                  ફરીદ અહમદ કાવી. 

Wednesday, May 22, 2013

મુસ્લિમ રાજાઓની સલતનત.. ઇસ્લામી સલતનત કે મુસલમાન સલતનત

મુસ્લિમ રાજાઓની સલતનત..
ઇસ્લામી સલતનત કે મુસલમાન સલતનત
ઇસ્લામના પ્રારંભિક દોર (ખિલાફતે રાશેદહ)ના ખતમ થયા બાદ મુસલમાનોની રાજવ્યવસ્થા ઇસ્લામની પકડમાંથી મુકત થઈ ગઈ હતી, એ એક વાસ્તવિકતા છે. જે સિદ્ઘાંતો રાજવ્યવસ્થાના આધાર રૂપે ઇસ્લામે નકકી કર્યા હતા, તે ભુલાવી દેવામાં આવ્યા હતા. ખિલાફતે રાશેદહના સિદ્ઘાંતોથી ઘણા દૂર હોવા છતાં ઉમવી અને અબ્બાસી ઇતિહાસને આમતોર પર ઇસ્લામી ઇતિહાસ કહેવામાં આવે છે. એટલા માટે કે એમના રાજકીય, સાંસ્કૃતિક અને સામાજીક જીવન ઉપર ઇસ્લામી અસરો વધુ પડતી દેખાતી હતી. ભારતના મુસલમાન રાજાઓના રાજકાજ, સમાજ વ્યવસ્થા અને સંસ્કૃતિ ઉપર પણ ઇસ્લામી પ્રભાવ સ્પષ્ટ હતો અને આ આધારે જ ઇતિહાસકારો એમની બાદશાહીને ઇસ્લામી સલ્તનત કહે છે.
પરંતુ વાસ્તવિકતા આ છે કે ત્યારથી લઈ આજ સુધી મસ્લિમ વિદ્વાનો આ બાદશાહોને ઇસ્લામના પ્રતિનિધી માનવા તૈયાર નથી. એમના ધાર્મિક અલકાબોને ફકત દેખાડવા-બતાવવાના સમજે છે. અને જે કોઈ સમકાલીન વિદ્વાને આ બાદશાહોના અલકાબો કે સેવાઓની પ્રસંશા કરી છે તેમને ચાપલૂસ, ખુશામદખોર અને દરબારી ઇતિહાસકારો ગણે છે. જયારે કે આવા જ વિદ્વાનો- ઇતિહાસકારોનો એક મોટો વર્ગ એવો પણ છે જે મુસલમાન રાજાઓ અને રાજપૂતોના યુદ્ઘોને એવા રંગમાં ઉલ્લેખે છે કે જાણે આ બધા જ યુધ્ધો કુફ્ર અને ઇસ્લામ વચ્ચેના યુદ્ઘો હોય. વર્તમાન યુગના ઇતિહાસકારો આવા જ વિદ્વાનોના લખાણનો આશરો લઈ આ મુસલમાન સત્તાધિશોની તલવારોને ઇસ્લામની તલવાર કહે છે. એમની બેરહમી, ખૂનામરકી અને ગેર મુસ્િલમો ઉપર કરવામાં આવેલા ઝુલ્મોને ઇસ્લામી આચાર વિચાર સમજે છે. જયારે કે આ બધું બન્ને તરફથી કોઈ પણ ધર્મના કોઈ ભેદભાવ વગર થતું હતું. મુસલમાનોના હાથે હિંદૂઓની જેમ મુસલમાનો પણ રંજાડવામાં આવતા હતા. અને બધા જ ઇતિહાસકારો સ્પષ્ટ કે અસ્પષ્ટ રીતે આ વાત માને છે કે ફકત યુદ્ઘ દરમ્યાન જ અતિરેક થતો, યુદ્ઘ પત્યા બાદ તો પ્રજા હોવાના નાતે હિંદુઓ અને મુસલમાનોને બરાબર જ સમજવામાં આવતા હતા.
સ્વયં આ બાદશાહોના જીવન ઉપર નજર કરવામાં આવે તો આપણને ભિન્ન પ્રકારની જાણકારી મળે છે. તેઓ ઇસ્લામી પ્રણાલિકાઓ વિરૂદ્ઘ સિંહાસન ઉપર બેસવા લડાઈઓ કરતા, ભાઈઓ પણ એક બીજાના ગળાં કાપતા અને પછી જયારે ગાદીનશીન થઈ જતા તો ઈસ્લામી પ્રણાલિકા મૂજબ અમીરો અને સરદારોથી વફાદરીનો શપથ (બયઅત) લેતા. સાથે જ પોતાને ધર્મ - દીનના મદદગાર કહેડાવવા કોઈ યોગ્ય લકબ પણ અપનાવતા. એટલે જ કોઈ દીનનો કુતુબ(કુત્બુદ્દીન), કોઈ દીનનો શમ્સ-સૂરજ(શમ્સુદ્દીન), કોઈ ગયાસ-મદદ (ગયાસુદ્દીન), કોઈ જલાલ (જલાલુદ્દીન) બની જતા.
સુલ્તાન શમ્સુદ્દીન અલ્તમશ પોતાના અંગત જીવનમાં અત્યંત ચુસ્ત અને ધાર્મિક હતો. ઈતિહાસકારો લખે છે કે તેને ઈબાદતની ઘણી જ લગન રહેતી, એક હસ્તપ્રતનું લખાણ નકલ કરતા પ્રોફેસર નિઝામી લખે છે કે તે પૂરી રાત જાગતો રહેતો, લોકો એને કદી સૂતો ન જોતા, હંમેશા ઇબાદતમાં મશ્ગુલ જોતા, કદી આંખ લાગી જતી તો એકદમ ગભરાઈને જાગી જતો, ઉઠીને સ્વંય પાણી  લઈ વુઝૂ કરી મુસલ્લા પર જઈ બેસતો, કોઈ ચાકરને જગાડતો સુદ્ઘાં નહિ, બલકે તેનું માનવું હતું કે જે લોકો આરામમાં છે, હું એમને શા માટે તકલીફ આપું.
આ જ અલ્તમશના દરબારની હાલત વર્ણવામાં આવે છે કે તે પછાત અને ઉચ્ચ, તુર્ક અને ગેર તુર્ક જેવી ગેરઇસ્લામી પ્રણાલિકા હંમેશા જરૂરી સમજતો. આ બધું એટલી હદ સુધી હતું કે અલ્તમશે પોતે દિલ્હીના શયખુલ ઇસ્લામ નિયુકત કરેલા બુઝુર્ગ સય્યિદ નુરૂદ્દીન મુબારક ગઝનવીએ દરબારમાં ખુલ્લે આમ કહેવું પડયું કે ’’બાદશાહ જે શાહી ઠાઠમાઠને જરૂરી સમજે છે, જે રીતે ખાય-પીએ છે, કપડાઓ પહેરે છે, રીતે ઉઠે-બેસે અને સવારી ઉપર સવાર થાય છે. જે પ્રમાણે ગાદી ઉપર બેસી લોકોને સામે બેસાડી સજદો કરાવે છે, ખુદાના નાફરમાન બંદાઓથી આત્મીય સંબધો ધરાવે છે, અને પોતાને બધી જ વાતોમાં સૌથી ઊંચો સમજે છે. આ બધું જ ગેરઇસ્લામી છે.˜
ગયાસુદ્દીન બલ્બન રાજગાદી પર બેસતાં પહેલાં ઇસ્લામ સાથેનો પોતાનો સંબધ સાબિત કરવા પોતાના બેટાઓના નામ મુહમ્મદ અને મહમૂદ રાખે છે. પરંતુ રાજગાદીએ બેસ્યા પછી પોત્રોના નામ કેકબાદ, કૈખુસરો, કૈકાઉસ, કૈમરસ રાખી પોતાના ઈરાની હોવા ઉપર ગર્વ અનુભવવા લાગે છે.
ફીરોઝશાહ તઘલખ અલાઉદ્દીન ખીલજીએ પ્રચલિત કરેલ સરકારી બાગી વિદ્રોહીના પુરા ઘરને સજા આપવાની સજાની પ્રથાને પોતે ખતમ કરી હોવાની વાત ઘણા જ ગર્વથી લખી પોતાને ન્યાયપિ્રય મુસલમાન બતાવે છે, પણ બીજી તરફ વ્યકિતગત જીવનમાં તે દારૂની લત છોડવા તૈયાર નથી.
અબ્બાસી ખલીફા હારૂન રશીદ એની ખૂબીઓ, ન્યાયપિ્રયતા, પ્રજાલક્ષી સેવાકાયર્ો અને વ્યકિતગત નેકી તકવામાં અત્યંત મશ્હૂર બાદશાહ છે. ઇમામ અબૂ હનીફહ રહ.ના વિશેષ શાગિર્દ ઇમામ અબૂયૂસુફ રહ. એના દરબારમાં હાજર રહેતા હતા અને કાઝીયુલ કુઝાત (ચીફ જસ્ટીસ) હતા. એના વિશે પણ આવે છે કે બયતુલ માલ અને સરકારી ખઝાનાને છુટા હાથે વહેંચવામાં સ્વતંત્ર હતો. ઇતિહાસકારોએ એના રાત્રિના મોજશોખ અને રંગીના રાતોનું વર્ણન પણ કર્યું છે. અમુક ઇતિહાસકારો શરાબ પીવાનું પણ વર્ણન કરે છે. જેને બીજા અમુક ઇતિહાસકારો ખોટું પણ બતાવે છે. એના ખિલાફતકાળની પ્રગતિઓમાં રાગ - સંગીતની પ્રગતિનો વિશેષ્ા ઉલ્લેખ કરવામાં આવે છે.
સુફિયાન ષોરી હારૂન રશીદના બચપનના દોસ્ત હતા. હારૂન રશીદ ખલીફા બન્યો તો સુફિયન એને મળવા સુદ્ઘાં ગયા નહી. હારૂન રશીદે એમને સામે ચાલીને પત્ર લખીને દરબારમાં આવવાનું આમંત્રણ આપ્યું કે મને મળવા આવનાર દરેક દોસ્તને મેં કીમતી તોહફા આપ્યા છે. તમારે પણ પધારવું જોઈએ. જવાબમાં સુફિયાન રહ.એ લખ્યું કે તમે પોતે માનો છો કે બયતુલ માલને અયોગ્ય રીતે વાપરો છો અને પાછા મને એનો ગવાહ બનાવવા માંગો છો ? વિચાર કરો, ખુદાને શો જવાબ આપશો ? સિંહાસન ઉપર બેસો છો, દરવાઝે ચોકીદાર રાખો છો, તમારા અધિકારીઓ પોતે દારૂ પીએ છે અને બીજાઓને દારૂ પીવાની સજા આપે છે, પોતે ઝીના કરે છે અને બીજાઓના ચોરી કરવા બદલ હાથ કાપે છે. કયામતના દિવસે તું આ બધાની આગળ અને તારા આ અધિકારીઓ તારી પાછળ હશે.
એક બે ઉદાહરણો આપી કહેવા માંગુ છું કે જેમ આજકાલ સિકકાની બે બાજુઓ હોય છે, અને બન્ને સાચી હોય છે. એવો જ હાલ આ બાદશાહોનો છે. પેહલી બાજુ એ છે કે આ બાદશાહોએ સંપૂર્ણ પણે અથવા તો આંશિક રીતે એવા દેશ ઉપર રાજ કરવાનું હતું, જયાંની બહુમતી વસ્તી તેમની સહધર્મી ન હોય. ભારતના અનુસંધાનમાં જોઈએ તો જો તેઓ ઉતાવળે સંપૂર્ણ ઇસ્લામી હુકૂમત સ્થાપવાની કોશીશ કરત તો તે લાંબી ન ચાલી શકત એ નકકી છે. અને એટલે જ શમસુદ્દીન અલ્તમશને મુસલમાન વિદ્વાનોની જમાઅતે જયારે કહયું કે ભારતના હિંદુઓનો ’યા તો ઈસ્લામ યા કતલ˜ ની રીતે ફેસલો કરવો જોઈએ. તો પોતાના વઝીર મા'રફતે જવાબ આપ્યો કે આપણી પાસે હજૂ સુધી આટલી બધી તલવારો નથી.
પરંતુ સાચે જ આ બાદશાહો તે ધર્મને બિલ્કુલ તરછોડી પણ શકતા ન હતા, જેના નામ ઉપર તેઓ રાજ કરતા હતા.
સિકકાની બીજી બાજુ રજૂ કરનાર એક વર્ગનું માનવું છે કે ભારતના મુસલમાન બાદશાહો લડાઈ-સુલેહ, ગનીમતનો માલ, ટેક્ષા અને બીજી આવકો તેમજ અન્ય ઘણી બાબતોમાં ઇસ્લામી સિદ્ઘાંતોના પાબંદ નથી રહયા. અમારા મતે વાત બન્નેની સાચી છે. ઈતિહાસનો અભ્યાસ કરનારને આ બન્ને વાતો જુદી રાખી ચાલવાનું છે.
અહિંયા પ્રોફેસર ખલીક અહમદની વાત ઘણી જ ઉપયોગી થઈ પડે એમ છે. તેઓ લખે છે કે :
જયારે મુસલમાન બાદશાહોના આચાર-વિચાર અને આચરણનો પ્રશ્ન આવે છે તો કુદરતી તોર પર બે માપદંડો આપણી સામે આવે છે. એક ઇસ્લામના તે સિદ્ઘાંતોનું માપદંડ જેના ઉપર રસૂલે અકરમ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ અને ખુલફાએ રાશિદીન કાર્યબધ્ધ રહયા, જેના ઉપર સમયના વહાણો તો વહી ગયા હતા, પરંતુ મુસલમાનોના ધામર્િક અને રાજકીય માનસમાં તેની મહત્વતા હજુ પણ અકબંધ હતી. શાહ વલીયુલ્લાહ (રહ.)ના કહેવા મુજબ રસૂલે અકરમ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ અને ખુલફાએ રાશિદીનની ખિલાફત ઇસ્લામના બુનિયાદી સિદ્ઘાંતોમાંથી ગણાશે અને કોઈ પણ બાદશાહ જયાં સુધી આ પાયાને મજબૂતીથી ન પકડે, શરીઅતની કોઈ વાતની ગેરંટી ન આપી શકાય.
બીજું માપદંડ છે : આ બાદશાહોના સમયકાળમાં પ્રચલિત સંસ્કારો અને સામાજીક વિચારધારાનું
પહેલી આંખે જયારે બાદશાહોના વિચાર અને આચાર પર નજર કરવામાં આવે છે તો તેમાં સેંકડો ખામીઓ આંખ સામે આવે છે.અને તેમના જીવનના ઘણા પાસાં ધિકકારપાત્ર અને વખોડવાપાત્ર જણાય છે.
પરંતુ જયારે તે સમયના પ્રચલિત રાજકીય માહોલના આયનામાં જોઈ એમની સમીક્ષાા કરવામાં આવે છે તો એમનંુ એક જૂદું જ ચિત્ર આપણી સામે ઉપસે છે. એક એવા દૌરમાં જયારે હિંદુસ્તાન ભેદભાવ અને જાત-પાતના વિખવાદોમાં ફસાયેલ હતંુ અને દરેક શહેર ભેદભાવની એક જૂદી નિશાની બની ચુકયું હતું. આ બાદશાહોએ આવીન, દેશમાં એક પરિવર્તન લાવી દીધું. જે શહેરોમાં કદી નીચલી જ્ઞાતિઓને આઝાદીથી હરવું ફરવું પણ નસીબ થતું ન હતું, સૂરજ આથમ્યા બાદ જયાં તેઓ પગ પણ મુકી શકતા ન હતા, એવા માહોલમાં ઊંચા મહેલોની આસપાસ હવે એમના ઝુ્ંપડાઓ પણ દેખાવા લાગ્યા. જયાં સજા અને દંડનો કાયદો દરેક વર્ગ માટે જૂદો હતો ત્યાં તેમણે કાનૂની એકતા સ્થાપી નાના મોટાની બધી વિશેષતાઓ ભૂંસી નાંખી.
આ બન્ને તસ્વીરો જુદા જુદા બેકગ્રાઉન્ડ પ્રમાણે બને છે. અને ઇતિહાસકાર માટે બન્નેમાં રહેલો ભેદ સામે રાખવો જરૂરી છે. તસ્વીરની એક બાજુ ઇસ્લામી ઇતિહાસમાં આ બાદશાહોની જગ્યા બતાવે છે તો બીજી બાજુથી વિશ્વ ઇતિહાસમાં એમનું સ્થાન સ્પષ્ટ થાય છે.

Saturday, May 04, 2013

સૃષ્ટિના વરરાજો માનવી એના સર્જનહારને ઓળખે...

રંગબેરંગી આ સૃષ્ટિના વરરાજા - દુલ્હો 'ઇન્સાન' સૃષ્ટિના સર્જનહારનું સૌથી શ્રેષ્ઠ અને અનુપમ સર્જન છે. પોતાના આ સર્જનને સૃષ્ટિમાં જીવવા, મહાલવા, રહેવા - ફરવાની જે મહેતલ આપી છે, એ મહેતલની મુદ્દત પૂરી કરવા જે કંઈ સરંજામ અને સવલતો અલ્લાહ તઆલાએ એની ચારે તરફ ફેલાવી છે, એ બધા ઉપર વિચાર કરીએ છીએ તો અલ્લાહ તઆલાના અસ્તિત્વ અને કુદરતનું યકીન થઈને જ રહે છે. અલ્લાહ તઆલા આ માટે જ ફરમાવે છે કે, અમે તમારા માંહે જ નિશાનીઓ મૂકી છે, તમને એ દેખાતી નથી ?
માણસ પોતાના અસ્તિત્વથી નજર હટાવીને આસપાસ દષ્ટિ કરે તો સૂર્ય, ચંદ્ર, હવા, પાણી, આકાશ અને તારા, જમીન અને જનાવર, કુદરતના આ બધા અદ્વિતીય સર્જનો એવી રીતે 'ઇન્સાન'ની સેવા ચાકરીમાં મંડયા રહે છે, જાણે બિચારા એ ગરજવાનોનું કોઈ મહત્વનું કામ 'ઇન્સાન' પાસે અટવાય પડયું હોય.
સળગતો સૂરજ, ઉજળો ચાંદ, ચમકતા તારા, ઉછળતા દરિયા, વહેતા પાણી, ફૂંકાતા પવન, લહેરાતી હવા, ખીલતા ફૂલ, પાકતા ફળો, અને હરતા ફરતા જનાવરો... બધું 'ઇન્સાન' માટે જ પેદા કરવામાં આવ્યું છે. જાણે આપણે ઇન્સાનો કોઈ રજવાડાના રાજા અને સલતનતના શહેનશાહ હોય અને આ બધા આપણા દાસ - દાસીઓ...
વાસ્તવમાં છે પણ આવું જ.
નબીએ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ ફરમાવે છે કે આ દુનિયા તમારા માટે જ પેદા કરવામાં આવી છે. અને તમે આખિરત માટે.
અલબત્ત આ બધી વસ્તુઓને પરવરદિગારે આપણી સેવામાં લગાવી દીધી છે. આપણો કોઈ અધિકાર એમના ઉપર નથી.
માટે વિચારવાની વાત એ છે ફકત પરવરદિગારના આદેશને આધીન થઈને આ બધા સર્જનો આપણી સેવા માટે મંડી પડયા હોય તો પછી આપણે પરવરદિગારના આદેશને કેટલો અનુસરીએ છીએ ?
એની સવલતોને આપણે ભોગવીએ પણ એના આદેશો ન માનીએ, એ કયાંનો ન્યાય કહેવાય ?
ઘોડાનો માલિક ઘોડાને ફકત ચારો જ ખવડાવે છે, પણ બદલામાં ઘોડો એના માટે એના પ્રાણ ખપાવી દે છે. પણ 'ઇન્સાન' છે કે ખુદાની વફાદારીને સૌથી છેલ્લી વસ્તુ સમજે છે. અને આ બધું ફકત માલની મહોબ્બત ખાતર જ...
દુનિયામાં કોઈ કંપની કે ઓફિસનો વડો ગુસ્સે થઈ જાય છે તો કર્મચારી હાથ બાંધીને એની સામે ઉભો થઈ જાય છે... પણ કુદરતનો હુકમ 'ઇન્સાન'ને અનેક વાર ગંભીર ચેતવણીઓ આપી ચુકયો છે, છતાં ઇન્સાનને એની કોઈ પરવા જ નથી.
અલ્લાહ તઆલા વારંવાર કહે છે કે હું તમારી પાસે માલ દોલત નથી માંગતો, એ તો હું તમને આપું છું, તમે ફકત મારી ઇબાદત કરો, મારા આદેશો માનો, મારા કહયા પ્રમાણે ચાલો....
ગાય 'ઇન્સાન'ને દૂધ આપે છે તો ઇન્સાને એને માતા બનાવીને પૂજા શરૂ કરી દીધી. વતનની માટી રહેવાની જગ્યા આપે છે તો માણસ એના માટે મરી ફીટે છે. પણ અલ્લાહ તઆલાને ઇન્સાનથી ફરિયાદ છે કે, અરે ઇન્સાન, ગાયના શરીરમાંથી છાણ અને લોહી વચ્ચેથી ધોળું, સ્વચ્છ, સ્વાદિષ્ટ દૂધ તો હું આપું છું, અને મને જ ભૂલી ગયો છે ?
બાળકને નવડાવીને, સારા કપડાં પહેરાવીને, ખવડાવીને, રમાડીને... માં પૂછે છે : બેટા તું કોનો છોકરો ? બાળક સહજ રીતે જ કહે છે : અમ્માનો.. બસ.. આટલું સાંભળતા તો માં એને ફરી પાછો પાસે ખેંચીને ચૂમીઓથી નવડાવી દે છે, ખાવા, પીવા, પાલન પોષણ વગેરેની જવાબદારીઓ ઉપરાંત બાળકની ગંદકી સાફ કરવાની જવાબદારી પણ માં નિભાવે છે.
કયાંથી આવ્યો આટલો બધો પ્યાર માંના દિલમાં ?
નબીએ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ કયાંક સફરમાં જઈ રહયા હતા. એવામાં એક સ્ત્રીનું બાળક ખોવાય ગયું ? બિચારી માં પાગલ બનીને આમથી તેમ એને શોધતી હતી, ઘણા સમય પછી જયારે મળી આવ્યું તો દોડીને બાળકને ભીંસમાં લીધું અને ચુમીઓનો વરસાદ વરસાવી દીધો. નબીએ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ આ બધું જોઈ રહયા હતા, ફરમાવ્યું કે, આ બધું તમે જુઓ છો ને, યાદ રાખો, તમારો રબ તમારી સાથે આથી પણ વધારે મહોબ્બત કરે છે..
લોકો કહે છે, અમે સ્વીકારીએ છીએ કે આ દુનિયા, એના સુંદર દશ્યો, એની આરામદાયી સવલતો, લાભ અને નફાના સઘળા સાધનો, એશ - આરામનો બધો સરંજામ અલ્લાહ તઆલાએ જ બનાવ્યું છે, એની કુદરતની કમાલ છે, કોઈ માણસ કયાંથી બનાવી શકે, અને અમને એમાં કયાં ઇન્કાર છે ?
પણ... આ સ્વીકાર પછી પણ શું 'ઇન્સાન' એના એ મહાન ઉપકારકનો આભાર માનવા તૈયાર છે ? શુક્ર અદા કરે છે ? એના એહસાનને સ્વીકારીને એની તાબેદારી કરે છે ? તો જવાબ 'ના' છે.
જરા વિચારો
ઘરે કોઈ મહેમાન આવે, તમારા ઘરના ફર્નીચરના વખાણ કરે, એની બનાવટ, ગોઠવણીની તારીફ કરે. ઘરના બાંધકામ, તમારા પકવાનો, અને તમારા અખ્લાક - સંસ્કારના પણ પેટભરીને વખાણ કરે... પણ દસ્તરખાનું ભરપેટ જમણ કરીને પછી આભાર ન માને, શુક્રિયદ અદા ન કરે, તો એનો સઘળો બકવાસ શા કામનો ? એણે જે કરવાનું હતું તે જ નથી કયુ્ં.
બસ આ છે, 'ઇન્સાન'...
દુનિયાની વસ્તુઓની ફિલોસોફી, એના રહસ્યો, હિકમતો વિશે ખૂબ ચર્ચા કરશે, છેલ્લે ઘણા અહોભાવથી અલ્લાહનું નામ પણ લેશે.. પણ એની ફરમાબરદારી નહીં.
અને આજે આ બાબત સર્વસામાન્ય છે. પોતાના નોલેજ, જ્ઞાન, અનુભવની છાપ પાડવા લોકો મજલિસમાં બોલવાનું શરૂ કરે છે તો એવુ્ં લાગે છે કુદરતને અને કુદરતના સર્જનહારને આ માણસે સારી રીતે ઓળખી લીધાં છે...
પણ અમલની વાત આવે છે તો આવા માણસો 'બેદીન' પુરવાર થાય છે, એના કરતાં તો એક જાહિલ માણસ સારો, જે રોજ મજૂરી કરીને દિવસની પાંચ નમાઝો પઢવાને પોતાની મેઅરાજ સમજે છે. અને પરવરદિગાર પાસે મગફિરતનું યકીન રાખે છે...

Friday, April 12, 2013

ટાઇમ પાસ

         પાનના ગલ્લા, ચાયની લારી, સર્કલ ઉપરની હોટલો, ગલીઓ અને મહોલ્લાના નાકે, આજકાલ જોવામાં આવે છે કે, યુવાનો, બાળકો, અને વડીલો - વૃદ્ઘો દરેક અલગ અલગ ગ્રુપમાં ગપ્પાબાઝી, મસ્તી મજાક કે 'ટાઈમપાસ'માં વ્યસ્ત છે. ફિલ્મોની ચર્ચા, ક્રિકેટ - ફૂટબોલ મેચની ચર્ચા, રાજકરણ અને રાજકીય નેતાઓની ચર્ચા આ મજલિસોનો મુખ્ય વિષય હોય છે. રસ્તે જતા આવતા લોકો ઉપર નજર રાખવી કે કરવી પણ એમની ફરજમાં શામેલ હોય છે. સ્ત્રીઓ અને છોકરીઓ આવે જાય તો પણ નજર નીચી કરવાની નહી, આમ બદનજરી અને આંખોનો ગુનો થતો જ હોય છે. દિલની વાત ખબર નથી....
એમની પાસે જઈને પૂછીએ તો દરેક પોતાની ઓળખ કોઈ 'ઇસ્લામી નામ' દ્વારા આપે છે. 
       તો પછી આ મુસલમાનો મફતના ગુનાહો લુટવા અહિંયા કેમ ભેગા થયા છે ?
        એમને કોઈ રોકનારું જ નથી ? 
એમને કોઈ કેવી રીતે રોકે કે ટોકે ?
કોઈ પરાયો કે હિંદુ કંઈ કહે તો એનું આવી જ બને.
અને આ યુવાનોના વાલીઓને એમના જિગરના ટુકડાઓની આ  બરબાદી ઉપર કંઈક ચિંતા હોત તો પછી પૂછવાનું જ શું હતું ? 
         મુસલમાનોએ આવા દિવસો ન જોવા પડત.
સમજદારો જાણે છે કે જેટલી વધારે બેકારી હોય, સમાજ એટલો જ ખોખલો હોય છે. થોડા સમયની બેકારી હઝારો બુરાઈ પેદા થવાનો સબબ બને છે. માણસ પ્રવૃત રહે તો અનેક બુરાઈયોથી બચી જાય છે. બીજી કોમને આપણે જોઈએ છીએ કે તેઓ એમના બાળકોને શરૂથી જ તાલીમ સાથે વધારના સમયમાં પોતાના કારોબારમાં લગાવી રાખે છે. આપણે આસપાસ જોઈએ છીએ કે કડિયા કામ કરતા માછીમારનો છોકરો સ્કૂલની રજાના દિવસે એના બાપ સાથે કામ પર આવે છે, અને સાંજે ર૦૦-૩૦૦ રૂા. કમાય લે છે.
એનાથી વિપરીત મુસલમાનોમાં એમ પણ શિક્ષાણ (દીની - દુન્યવી) ઓછું છે, અને કયાંક આ બાબતે થોડી જાગૃતિ છે, તો એની સાથે બેકાર ટાઈમ પાસ અને બુરી સોબતના દુષણો પેસી ગયા છે.
સમાજના વડીલોએ આ બાબત સમજીને એને રોકવાની કોશિશ કરવાની છે. યુવાનો અને બાળકોના વાલીઓ એમને રાતે ઘરે વહેલા આવીને સૂઈ જવાની તાકીદ કરે એ આવશ્યક છે.
વડીલો અને વૃદ્ઘો પોતે આવી મજલિસબાજીથી દૂર રહીને અન્યોને પણ એમ કરવાથી રોકે એ જરૂરી છે.
આજકાલ છોકરો થોડો મોટો થાય કે એને મોબાઈલ આપી દેવામાં આવે છે, આ મોબાઈલથી ફેસબુક, ટવીટર, યુટયુબ વગેરે દ્વારા એ કેટલાયે નાજાઇઝ અને દુનિયા આખિરત ખરાબ કરનારા કામો કરે છે. એવી દોસ્તીઓ બાંધે છે જેના શિક્ષાણ અને સંસ્કારને ખરાબ કરી દે છે. તે આખો દિવસ બેસીને ફેસબુક અને ટવીટર જ ફંફોસ્યા કરે છે.
મોબાઈલ ઇન્ટરનેટ દ્વારા ફેસબુક ઉપરાંત અત્યંત અશ્લીલ સામગ્રી પણ યુવાનો જુએ છે.
આ જ સ્થિતિ યુવાનો સાથે યુવતીઓની પણ છે. જંબુસર, ભરૂચ, સુરત, વડોદરા વગેરે શહેરોમાં આજુબાજુના ગામડેથી ભણવાના નામે આવતી છોકરીઓ મોબાઈલ લઈને આવે છે, અને એના થકી ફેસબુક ચેટીંગ કરીને દોસ્તી કરે છે. ભરૂચ - જંબુસરમાં તો આસપાસના ગામડાઓની છોકરીઓને મોબાઈલની અનેક દુકાનોમાં બેસીને હિંદુ - મુસ્લિમ યુવાનો સાથે ગપ્પા મારતાં બધા નજરે જુએ છે. અમુક મર્યાદાઅો   ન હોત તો કદાચ આવી છોકરીઓના ફોટા અને વીડીયો એમના ઘરે પણ પહોંચતા હોત.
આ બધું કેટલું ખતરનાક છે, એનો અંદાઝો કરવાની જરૂરત છે, વાલીઓ આ બાબતે વિચારવાનો થોડો સમય કાઢે તો એની ભયંકરતાનો અંદાઝો આવે.
નબીએ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમને બાળકોની અખ્લાકી તરબિયતનો કેટલો એહસાસ હતો, એનો અંદાઝો આ એક હુકમથી આવી શકે છે. મિશ્કાત શરીફમાં આપ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમની હદીસ વર્ણવવામાં આવી છે કે, બાળક જયારે મોટું થઈ જાય તો એનો બિસ્તર અલગ કરી દયો. અને એક સરખી ઉમરના બાળકોને (ભાઈ - બહેનોને) સાથે ન સુવા દો. અને જયારે તેઓ જવાન થઈ જાય તો એમની શાદી કરાવી દો.
કયાંક વાચ્યું હતું :
વકત બરબાદ કરને વાલોં કો,
વકત બરબાદ કરકે છોડે ગા.
join whtasapp, send your name and city name : 9427822481

Saturday, April 06, 2013

સામજિક ન્યાય અને સમાનતા -- સરકારી બજેટનો ઉપયોગ સમાજના ઉત્કર્ષ માટે

સામજિક ન્યાય અને સમાનતા
સરકારી બજેટ (બયતુલ માલ)નો ઉપયોગ સમાજના ઉત્કર્ષ માટે
  -- મવ. ઝાહિદુર્રાશિદી સા. દા.બ.

કોઈ સત્તાના તાબા હેઠળ આવતા લોકોનાં પ્રાણ અને સંપત્તિની રક્ષા, શાંતિ અને સલામતીની ગેરંટી, ન્યાય અને અધિકારોની રક્ષા, એ સત્તા અને સરકારની જવાબદારી સમજવામાં આવે છે. આ સિવાય રોજગારની ગેરંટી, ગરીબો અને નિરાધારોના ગુજરાનની વ્યવસ્થા સરકારી જવાબદારીઓમાં આજે પણ પ્રથમ દરજાની 'ફરજ' સમજવામાં આવતી નથી. દરેકને 'સમાન તક' આપવાનો કાયદો ભારતમાં તો હજુ પણ વિચારાધીન છે.
યુરોપના અમુક દેશો આ બાબતે નિશંક પ્રસંશનીય કાયદાઓ અને વ્યવસ્થા ધરાવે છે. આ જ પ્રમાણે 'ગલ્ફ'ના સઉદીયા, બહરૈન, જેવા અમુક રાજાશાહી દેશો પણ દેશના દરેક નાગરિકોને મીનીમમ વાર્ષિક રોજગાર ભથ્થું આપવા ઉપરાંત રોટી, કપડાં, મકાન માટે માતબર સબસીડી આપે છે.
અલબત્ત વિશ્વના દરેક દેશોમાં આવી વ્યવસ્થા નથી અને સરકારો નાગરિકો માટે રોટી - કપડા - મકાનની વ્યવસ્થાને પણ શાંતિ - સલામતી અને ન્યાયની જેમ પોતાની પ્રાથમિક ફરજોમાંથી નથી સમજતી એ સ્પષ્ટ છે.
ઇસ્લામિક રાજવ્યવસ્થા 'ખિલાફત' અન્ય બાબતો ઉપરાંત આ બાબતે પણ વર્તમાન રાજ વ્યવસ્થાથી નોખી છે. એટલે કે ઇસ્લામી સત્તા એના તાબા હેઠળના દરેક વ્યકિતને એની જીવન જરૂરીયાત ઉપલબ્ધ કરાવવાને જરૂરી સમજે છે. સમાજના નિરાધાર અને નિસહાય લોકોના ભરણપોષ્ાણની પણ જવાબદાર છે. 'વેલેફેર સ્ટેટ' વાસ્તવમાં આ બધી સેવાઓ ઉપલબ્ધ કરાવવાનું જ નામ છે. અને નબીએ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમે જ સૌ પ્રથમ એની બુનિયાદ નાખી હતી.
બુખારી શરીફમાં રિવાયતમાં નબીએ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ ફરમાવે છે કે, જે માણસ માલ છોડીને મર્યો તો એનો માલ એના વારસદારોમાં વહેંચવામાં આવશે. અને જે કોઈ કરજનો બોજ અને નિરાધાર અવલાદ છોડીને મર્યો તો એના માટે મારાથી સંપર્ક કરવામાં આવે, એની જવાબદારી મારા શિરે રહેશે.
આ જવાબદારીઓ પૂરી કરવા માટે જ 'બયતુલ માલ'ની રચના સામે આવી. નબીએ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમના ઝમાનામાં તો કોઈ માણસને જે કંઈ પણ જરૂરત હોતી તો નબીએ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ સમક્ષા આવીને રજૂઆત કરતો અને નબીએ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ બયતુલ માલના ફંડમાંથી એની જરૂરત પૂરી કરી દેતા. આવા અનેક કિસ્સાઓ હદીસ શરીફમાં છે.
હઝરત અબૂ મૂસા અશ્અરી રદિ. ફરમાવે છે કે અમારા ખાનદાનને એક સફર માટે અમુક ઊંટોની જરૂરત હતી. કબીલા તરફથી પ્રતિનિધિ બનીને હું આપ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમની સેવામાં આવ્યો અને સવારી માટે ઊંટોની માંગણી કરી. આપ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ પાસે આ સમયે ઊંટોની વ્યવસ્થા ન હતી, માટે આપી શકયા નહીં. અલબત્ત થોડા સમય પછી આપ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ પાસે કયાંકથી ઊંટોની વ્યવસ્થા થઈ ગઈ તો મને પાછો બોલાવીને બે જોડ ઊંટોની અર્પણ ફરમાવી.
આવી જ એક બીજી ઘટના નબીએ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમના હળવા મજાકના અનુસંધાનમાં પણ વર્ણવવામાં આવે છે કે, એક માણસે આવીને અરજ કરી કે મને સફર માટે ઊંટની જરૂરત છે. આપ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમે એને ફરમાવ્યું કે થોભો, હું તમને ઊંટણીનું એક બચ્ચું આપું છું. પેલો માણસ વિચારમાં પડી ગયો કે ઊંટણીનું બચ્ચું મારા શા કામ આવશે ? એની મુંજવણ જોઈને આપ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમે ફરમાવ્યું કે, અલ્લાહના બંદા, હું તને જે ઊંટ પણ આપીશ તે કોઈ ઊંટણીનું બચ્ચંુ જ હશે ને.
આમ નબીએ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમની સેવામાં લોકો એમની જરૂરતો રજૂ ફરમાવતા અને આપ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ બયતુલ માલ દ્વારા પૂરી ફરમાવતા.
આ 'સેવાકાર્ય'ને નબીએ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમે હાકેમોના એહસાન ગણવાને બદલે સરકારની જવાબદારી સ્વરૂપે વર્ણન ફરમાવ્યું છે. હદીસ શરીફમાં આ બાબતે જે શબ્દો વર્ણવવામાં આવ્યા છે   من ترک کلا و ضیاعا فإلی و علی  એનો આ જ મતલબ છે.
નબીએ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમના ઝમાનામાં બયતુલ માલની વ્યવસ્થા મુજબ ગનીમતમાં આવતા માલનો પાંચમો ભાગ બયતુલમાં જમા થતો. આ પાંચમાં ભાગનો પાંચમો ભાગ, એટલે કે પચ્ચીસમો ભાગ, અથવા ચાર ટકા, આપ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ માટે ઘરેલુ ખર્ચ માટે અલગ કરવામાં આવતો હતો. આ ચાર ટકામાંથી આપ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમની બીવીઓ (રદિ.) વગેરેની જરૂરતો પૂરી કરવામાં આવતી. અને જો એમાંથી કંઈ બચી જતું તો આપ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ એ પાછું બયતુલમાલમાં જમા ફરમાવી દેતા.
આમ લોકોને એમની જરૂરતો એમના તકાઝા મુજબ ઉપલબ્ધ કરાવવાની પરંપરા સૌપ્રથમ આપ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમે જ સ્થાપી છે. આ વ્યવસ્થા ખુલફાએ રાશિદીનના સમયકાળમાં આયોજનબદ્ઘ રીતે અંજામ આપવામાં આવતી હતી.
મદીના શરીફમાં શરૂ થયેલ બયતુલ માલની આ પ્રથાને લગભગ એક સો વરસ વીતી ગયા પછી, હઝરત ઉમર બિન અબ્દુલ અઝીઝ રહ.ના ખિલાફતકાળમાં એક વાર ઇરાકના ગર્વનર અબ્દુલ હમીદે એમને પત્ર લખ્યો કે આ પ્રદેશમાં ઝકાત, ઉશ્ર વગેરે વસૂલ કયર્ા પછી, વષ્ર્ા ભરનો ખર્ચ અને બજેટ પૂરું કયર્ા પછી અમુક રકમ બચી ગઈ છે. એના વિશે શું કરવામાં આવે, એ લખી જણાવો.
હઝરત ઉમર બિન અબ્દુલ અઝીઝ રહ.એ લખી જણાવ્યું કે સવર્ે કરાવીને તમારા પ્રદેશમાં જે લોકો કરજદાર હોય અને કરજ ચૂકવવાની શકિત ન રાખતા હોય તો એમનું કરજ આ રકમમાંથી ચૂકવી દેવામાં આવે. ગર્વનરે જવાબ લખ્યો કે આ કામ તો હું કરી ચૂકયો છું.
હઝરત ઉમર બિન અબ્દુલ અઝીઝ રહ.એ જવાબ લખ્યો કે જે બાલિગ છોકરા - છોકરીઓના નિકાહ ખર્ચના કારણે નથી થયા એમના નિકાહ કરાવી દયો. ગર્વનરે જવાબ આપ્યો કે આ કામ પણ હું કરી ચૂકયો છું.
અમીરુલ મુઅમિનીન રહ.એ ત્રીજો જવાબ લખ્યો કે જે લોકોએ હજુ સુધી એમની બીવીઓની મહેર અદા નથી કરી, અને અદા કરવાની શકિત નથી ધરાવતા તો આ રકમમાંથી અદા કરી દયો. ગર્વનરે જવાબ આપ્યો કે આ કામ પણ હું કરી ચૂકયો છું.
એટલે ચોથા પત્રમાં હઝ. ઉમર બિન અબ્દુલ અઝીઝ રહ.એ લખી જણાવ્યું કે જમીનોનું સર્વે કરાવીને ખરાબાની જમીનોમાં ખેતી માટે સરળ હપ્તેથી કરજ આપવામાં આવે.
મજાની વાત આ છે કે એકવાર એક મજલિસમાં મેં આ ઘટના વર્ણવી તો એક યુવાને મને સવાલ કર્યો કે મોલ્વી સાહેબ ¦ આ એક પ્રદેશ (રાજય)નું બજેટ હતું  કે 'પેસેફિક મહાસાગર' ? એક રાજયના બજેટમાં આટલો બધો પૈસો કયાંથી આવ્યો ?
મેં જવાબ આપ્યો કે ભાઈ, હઝ. ઉમર બિન અબ્દુલ અઝીઝ રહ.ની એક ઘટના સાંભળી લ્યો, બધું તમને સમજમાં આવી જશે.
'કિતાબુલ અમ્વાલ'ની રિવાયત મુજબ, એક દિવસ હઝ. ઉમર બિન અબ્દુલ અઝીઝ રહ. સાંજે ઘરે પરત આવ્યા તો બીવીથી પૂછયું કે તમારી પાસે એક દિરહમ હોય તો મને આપો, મારે જરૂરત છે. બીવીએ પૂછયું કે શી જરૂરત છે ? એમણે દર્શાવ્યું કે ઘરે આવતી વેળા એક લારી પર દ્રાક્ષા વેચાતી જોઈ, આજે ખાવાની ઇચ્છા છે, પણ ગજવામાં પૈસા નથી. બીવીએ કહયું કે તમારી પાસે ન હોય તો મારી પાસે કયાંથી હોય ?
બીવી ત્યાર પછી, સ્ત્રીઓના સ્વભાવ પ્રમાણે બોલવા લાગી કે, તમે કેવા અમીરુલ મુઅમિનીન છો કે પોતાના માટે બજારમાંથી એક દિરહમના અંગૂર પણ મંગાવી નથી શકતા ?આજની પરિભાષ્ાામાં કહીએ તો તમારી પાસે એટલી સરકારી ગ્રાન્ટ કે રાહતફંડ પણ નથી કે એક દિરહમની દ્રાક્ષા ખરીદી શકો ?
હઝ. ઉમર બિન અબ્દુલ અઝીઝ રહ.એ એને સંબોધીને ફરમાવ્યું કે અલ્લાહની બંદી ¦ જે દિરહમની તમે વાત કરો છો એ દિરહમ નથી, આગનો અંગારો છે.
માટે ભાઈ ¦ જે દેશનો વડો સરકારી ખઝાનાના દિરહમને આગનો અંગારો સમજતો હોય તો એના બજેટમાં પૈસા પૈસા જ હશે.
                                                                  ડેઈલી ઇસ્લામ, ૩૧ જાન્યુ. -૧૩
                                                                સાર સંકલન : ફરીદ અહમદ.

Monday, April 01, 2013

ઈતિહાસ અભ્યાસ, શિક્ષાણ અને બોધગ્રહણની મહત્વતા

ઈતિહાસ
અભ્યાસ, શિક્ષાણ અને બોધગ્રહણની મહત્વતા
સંકલન : મુફતી ફરીદ અહમદ કાવી.

ઇતિહાસ, પ્રજા અને સંસ્કૃતિનું પ્રતિબિંબ પાડતો આયનો છે, ભૂતકાળને સામે કરે છે, વર્તમાનની સમીક્ષા કરે છે અને પછી તેમાંથી ભવિષ્યનો પથ દર્શાવે છે, માટે જ તે પ્રતિ ધ્યાન આપીને, તેનું રક્ષાણ કરીને નવી આવનાર પેઢી સુધી વાસ્તવિક રૂપમાં એને પહોંચાડવાની મહત્વતા ઘણી વધી જાય છે. આમ કરવાથી ઇતિહાસ પ્રજાના વર્તમાન અને ભવિષ્ય માટે બોધ અને માર્ગદર્શનનું કામ આપી શકે છે. ઇતિહાસ સાક્ષી છે કે જે પ્રજાનો પોતાનો ઇતિહાસ નથી, તેનું અસ્તિત્વ પણ નથી ટકતું.. ઇતિહાસ વડે જ પ્રજા ટકે છે અને જીવે છે. તેના ભુલવા - બગાડવાથી જ પ્રજાનું અસ્િતત્વ નષ્ટ થાય છે.

પ્રજાના જીવન અને પ્રગતિમાં ઇતિહાસનો રોલ સમજીને જ ઇસ્લામના શત્રુઓએ ઇસ્લામના ઇતિહાસને વિકૃત કરવા, ખંડિત કરવા, તેની ભવ્યતાને ભૂલાવવા ખાતર ભરપૂર પ્રયત્નો કર્યા છે, ઘણી વાસ્તવિકતાઓ વિપરીત કરી દેવામાં આવી, ઘટનાઓ ઘટાવી નાંખવામાં આવી, અને શત્રુઓ એક એવો ઇતિહાસ બનાવવામાં પ્રવૃત છે, જે એમના આશયોને અનુરૂપ અને એમના ધ્યેય પાર પાડવામાં સહાય રૂપ હોય.
પ્રજાના જીવનમાં વિશેષ કરી મુસલમાનો માટે  તેમના ભવ્ય ઇતિહાસની જે મહત્વતા છે, અત્રે અમે તેના અમૂક કારણો દર્શાવીએ છીએ.
(૧) વર્તમાનમાં સાથે રહેતી પ્રજાઓ-વ્યકિતઓને ઓળખવામાં ઇતિહાસ વિશેષ સહાયકારક નીવડે છે, ખાસ કરી એવા ટાણે જયારે પ્રજાઓ- જ્ઞાતિઓ, સમાજ કે વ્યકિતઓના વચ્ચે ભિન્નતા ન રહેવાના કારણે એકનું અસ્તિત્વ બીજામાં ભળી જાય છે.
(ર) ભરોસા પાત્ર સાચો ઇતિહાસ વાસ્તવિકતાઓ, ઘટનાઓની સચ્ચાઈ અને પ્રમાણિકતા જાણવા માટે મહત્વનું સાધન છે, જેમકે યહૂદીઓ દ્વારા એક પુસ્તકમાં દશર્ાવવામાં આવ્યું છે કે નબીએ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે ખૈબર વાસીઓ પરથી જિઝયહ માફ કરી દીધો હતો, ઉપરાંત આ બાબત ઉપર હઝરત મુઆવિયહ અને હઝરત સઅદ રદિ.ની સાક્ષાી અને સમર્થન પણ વર્ણવવામાં આવ્યું છે, પરંતુ તપાસ -તહકીક કરતાં સ્પષ્ટ થાય છે કે હઝરત સઅદ (રદિ.)તો ખૈબરની ઘટનાના બે વરસ પૂર્વે બનૂ કુરયઝહની લડાઈના દિવસે અવસાન પામી ચૂકયા હતા. અને હઝરત મુઆવિયહ (રદિ.)એ ખૈબરની જીત પછી બે વરસે મક્કાની જીત પછી ઇસ્લામ સ્વીકાર કર્યો હતો, આમ સ્પષ્ટ થાય છે કે વાસ્તવિકતા શું છે ?
(૩) ઇતિહાસ દ્વારા બે વિરોધાભાસી તથ્યો કે સમાચારોની સચ્ચાઈ અને હકીકત જાણી શકાય છે, કોઈ માણસ વિશે કે ઘટના વિશે પહેલાં વર્ણવવામાં આવેલ ખબર કરતાં પાછળથી વર્ણવવામાં આવેલ સમાચાર વધુ ભરોસા પાત્ર હોય છે.
(૪) વિવિધ ઘટનાઓ, કિસ્સાઓ, પ્રસંગો અને તેના સંલગ્ન અન્ય ઘણી બાબતો ઇતિહાસ દ્વારા જ આપણને જાણવા મળે છે.
(પ) ઇસ્લામી ઇતિહાસ, ઇસ્લામના પ્રચાર-પ્રસાર અને સ્થાપનની એક જીવતી જાગતી તસ્વીર છે, જે દ્વારા આપણે તેના ઝળહળિત પાસાંઓને જોઈ અનુભવીએ છીએ, અને તેને અનુસરી શકીએ છીએ, નકારાત્મક નુકસાન કારક પાસાંઓ જોઈ સમજી તેનાથી બચી શકાય છે.
(૬) અલ્લાહ તઆલા ફરમાવે છે : તમ કહી દો કે જમીનમાં હરો- ફરો અને જુઓ, અલ્લાહને જુઠલાવનારાઓનો કેવો અંજામ થયો? (અન્આમ :૧૧)
એટલે કે ઇતિહાસ દ્વારા આપણને બોધ-નસીહત મળે છે. પડતી અને ચડતીના ચિહનો- પરિબળો, દલીલો જાણી શકાય છે.
(૭)ઇતિહાસ દ્વારા અલ્લાહની કાર્ય પ્રણાલી સમજીને આપણે આપણા ભવિષ્યને પણ સમજી-જાણી શકીએ છીએ.
(૮) ઇતિહાસ દ્વારા જ પ્રજાઓ અને વ્યકિતઓમાં આકાક્ષાાઓ ઊંચી થાય છે, ચેતનાનો સંચાર થાય છે, કંઈક કરી છૂટવા, વિશ્વને કંઈક પ્રદાન કરવા અને ઉપયોગી થવા માટેનો શોખ અને ભાવના તીવ્ર બને છે.
(૯) ઇતિહાસના પૃષ્ઠોમાં ઉજળા અક્ષારોએ જેમનું  વર્ણન છે, વરસોના વહાણા પછી પણ જેમને વિશ્વ ભૂલી શકતુ નથી, એવા વિશ્વના મહાન નેતાઓ, ચિંતકો, સુધારકો, શાસકોની ઓળખાણ ઇતિહાસ દ્વારા જ મળી શકે છે.
(૧૦) ઇતિહાસની સૌથી અગત્યની લાભદાયિકતા એ છે કે તેનાથી પુર્વ પ્રજાઓ-વ્યકિતઓની ભૂલો જાણી શકાય છે, ઈતિહાસના રક્ષિાત ભયસ્થાનોને જાણી તેનાથી બચી શકાય છે, નબીએ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમની હદીસ છે કે ''મો'મિન એક (સાપના) દરથી બે વાર કરડાતો નથી.''(બુખારી, મુસ્લિમ)
અલ્લાહ તઆલાથી દુઆ કરીએ કે આપણને ઈતિહાસથી બોધ મેળવવાની પ્રેરણા આપે.

Sunday, March 24, 2013

દુનિયાનું જીવન -- આખિરતની ખેતી


દુનિયાનું જીવન -- આખિરતની ખેતી

    મૃત્યુ એ માનવઅસ્ત્તિવનો છેલ્લો પડાવ નથી, બલકે મોત પછી અલ્લાહ તઆલાના દરબારમાં હાજર થવાનું છે. મુસલમાનો માટે આ અકીદો રાખવો અને એને એક અફર સત્ય તરીકે સ્વીકારવું જરૂરી છે.
દુનિયામાં માણસ ઉપર આવતી મુસીબતો અને રાહતો, ખુશી અને ગમ, ભલાઈ અને બુરાઈ, બધું એક પ્રકારે પરીક્ષાા માટે છે. આ બધા પછી એ પરીક્ષાાના પરિણામ માટે દરેકે અલ્લાહના દરબારમાં જવાનું છે.
આ દુનિયામાં માનવજીવનના આરંભે જ હઝરત આદમ અલૈ.ને કહી દેવામાં આવ્યું હતું કે,
ولکم فی الارض مستقر و متاع إلی حینۘ
તમારા માટે ધરતી ઉપર એક નિયત સમય સુધીનું રોકાણ અને રોઝી નક્કી કરી દેવામાં આવ્યાં છે.
આ સાથે જ એ પણ કહેવામાં આવ્યું કે, દુનિયાના આ રોકાણ દરમિયાન જે લોકો અલ્લાહ તઆલાના માર્ગદર્શનને અનુસરશે અને એના હુકમો માનશે, એમને પાછળથી પસ્તાવાનો વારો આવશે નહી.
સ્પષ્ટ છે કે અલ્લાહ તઆલાનું માર્ગદર્શન એના નબીઓ અને રસૂલો મારફત જ માણસને જાણવા મળશે, એટલે મતલબ આ થયો કે માણસ અલ્લાહના રસૂલો અને નબીઓની વાતો માને, એમના આદેશો માને તો એની આખિરત સુધરી જશે.
લોકો વચ્ચે રસૂલ હયાત હોય તો એ રસૂલ લોકોને માર્ગદર્શન આપશે એ સ્પષ્ટ છે, અલબત્ત રસૂલની વફાત પછી રસૂલના દર્શાવેલ આદેશો અને રસૂલનું આદર્શ જીવન માનવી માટે હિદાયત અને માર્ગદર્શનનો સ્ત્રોત ગણાશે. અલ્લાહ તઆલાએ કુરઆનમાં પણ આ બાબત સ્પષ્ટ ફરમાવી છે.
ખુલાસો આ કે દુનિયાનું જીવન એક પ્રકારની પરીક્ષા છે, માણસ માટે ભવિષ્યની તૈયારી કરવાનો મોકો છે. આ મોકાને ભૂલી - ચૂકીને માણસ જો દુનિયાના ખેલ - કૂદમાં મશ્ગૂલ થઈ જાય તો એનાથી મોટી બીજી કોઈ ગફલત નથી.
અલ્લાહ તઆલા કુરઆનમાં ચાર વાર દુનિયાની જિંદગીને ખેલ - કૂદ હોવાનંુ સ્પષ્ટ રીતે દર્શાર્વીને એનાથી બચવાની તાકીદ ફરમાવી છે.
આજે સ્થિતિ આ છે કે ક્રિકેટ કે ફૂટબોલ જેવા એક નાનકડા ખેલ પાછળ આખો દેશ એવો ગાંડો થઈ જાય છે કે જાણે આ રમતની હારજીતમાં જ દેશની રોઝી - રોટી અને શાંતિ સલામતીની ગેરંટી હોય.
નબીએ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમના ઝમાનામાં ઘણા કાફિરો માનતા હતા કે જીવન, એ ફકત આ દુનિયાનું જ જીવન છે, એને મરજી મુજબ જીવીને માણસે રહેવાનું હોય. આખિરતની ફિકર તે વળી શી વસ્તુ છે ? જેના કારણે આ જીવનની મોજ છોડી દેવામાં આવે ?
આજે આંકડાકીય સ્િથતિ તો આ છે કે વિશ્વની મોટા ભાગની વસ્તી કોઈને કોઈ ધર્મમાં માને છે, અને એ આધારે આખિરત, પરલોક, જન્નત જહન્નમ વગેરેને કોઈને કોઈ સ્વરૂપે પણ સ્વીકારે છે, પણ વહેવારમાં આખું વિશ્વ જાણે આ બધાને ભૂલીને બસ દુનિયાના જીવનને જ સર્વસ્વ સમજે છે. કોઈ પણ રીતે આ જીવનને સુખમય બનાવવાની પેરવી કરે છે. એ માટે ખરું - ખોટું, જે કરવું પડે તે. નેકી અને બુરાઈનું માપદંડ દુનિયાનો લાભ અને નફો થઈ ગયંુ છે. એના આધારે જ કોઈ કામ સારું કે ખરાબ કહેવાય છે.
કુરઆનમાં સૂરએ હદીદમાં અલ્લાહ તઆલાએ દુનિયાના જીવનને સમજાવવા ખાતર પાંચ અલગ અલગ પ્રકારના દરજાઓ પાડીને સમજણ આપી છે. અલ્લાહ તઆલા ફરમાવે છે : યાદ રાખો, દુનિયાનું જીવન ખેલ, તમાશો, દેખાવડો, ગર્વ - ઘમંડ અને માલ - અવલાદમાં એકબીજાથી આગળ નીકળવાના પ્રયાસોનંુ નામ છે.
કુરઆનમાં બીજા સ્થળે  દુનિયાના જીવનને એક ઉદાહરણ દ્વારા સમજાવવામાં આવ્યું છે.
જેમ કે વરસાદ વરસવાથી ખેતી ઉગે છે, ખેતરની હરિયાળી ખેડૂતને ઘણી સારી લાગે છે. પછી એ પાકીને પીળી પડી જાય છે, અને છેલ્લે એ ખેતી કપાયને ઘાસ - ફૂસ બની જાય છે.
ખેતરના પાકની જેમ માણસનું જીવન પણ અનેક તબક્કામાંથી પસાર થાય છે. છેલ્લો જેમ ખેતરનો પાક એના ખેડૂતને એની મહેનત મુજબનું ફળ આપે છે, એ જ પ્રમાણે જીવન પણ એના અંતે માણસને એની મહેનતોનું ફળ આપે છે.  .......

Saturday, March 09, 2013

મોઅજિઝહ અને સાયન્સઆ સૃષ્ટિમાં માનવીને અસ્તિત્વ આપ્યા પછી સર્જનહારે એને સન્માર્ગના માર્ગદર્શન માટે વિવિધ કાળે અનેક નબીઓને પથદર્શક બનાવીને મોકલ્યા, આ નબીઓને પુરાવા ખાતર અને અન્ય હેતુઓ માટે પરવરદિગારે અનેક ચમત્કારો (મોઅજિઝા) આપ્યા હતા. આ ચમત્કારો - મોઅજિઝાઓ શું છે ? એની હકીકત અને વાસ્તવિકતા બાબતે ઇસ્લામી દષ્ટિએ કુર્આન હદીસ અને સીરતની કિતાબોમાં સવિસ્તાર ચર્ચા કરવામાં આવી છે.
આ બધાનો ખુલાસો એટલો તો ખરો જ કે આ ચમત્કારો (મોઅજિઝહ) એવી બાબત છે જેને કરવા ઉપર માણસ અશક્તત હોય છે, પરંતુ અલ્લાહ તઆલા એ અશકય કાર્યને દુનિયાના નિયમોથી ઉપરવટ, પોતાની અપાર શકિત વડે, નબીના હાથે પ્રગટ કરે છે, જેથી લોકો એમને નબી માનીને એમનું અનુસરણ કરે.
આજે વિજ્ઞાનની પ્રગતિથી નવાઈ પ્રમાડે એવા કાર્યો સામે આવી રહયા છે, પહેલાંના સમયમાં અશક્તય - અસંભવ લાગતા કા્ચો આજે સામાન્ય થઈ ગયાં છે, વરસોનો સમય લેતાં કાર્યો આજે દિવસોમાં કે કલાકોમાં થઈ જાય છે.
પહેલાંના સમયમાં નબીઓના હાથે પ્રગટ થયેલ કોઈ મોઅઝિજહ (ચમત્કાર) એવો હોય જે આજના વિજ્ઞાનના સંર્દભમાં સંભવ અને શકય લાગતો હોય તો ઘણા લોકો એ ચમત્કારને સીધા જ વિજ્ઞાન અને સાયન્સ સાથે જોડીને જુએ છે, અને એવી રીતે રજૂ કરે છે કે, જાણે એ ચમત્કાર અલ્લાહના નબીએ સાયન્સના એ નિયમ પ્રમાણે જ દેખાડયો હશે, અથવા અલ્લાહ તઆલાએ એને પ્રગટ કરવામાં સાયન્સના આ જ નિયમને અનુસર્યો હશે. જયારે કે આમ વિચારવું સદંતર ખોટું, ભૂલ ભરેલું અને ધાર્મિક દષ્ટિએ જોઈએ તો ગુનાહિત કહી શકાય.
આધુનિક સાધનો કે સાયન્સના નિયમો પ્રમાણે આવા ચમત્કારો જેવું કોઈ કાર્ય થતું હોય દા.ત. વિમાન દ્વારા હવામાં ઉડવું, ટી.વી. દ્વારા દૂરના દશ્યો દેખાવાં, તો જેમ આ બધાને મોઅજિઝહ - ચમત્કાર ન કહી શકાય, એ જ પ્રમાણે કોઈ પણ મોઅજિઝહને સાયન્સની કોઈ શોધ કે વિજ્ઞાનના કોઈ નિયમનું પરિણામ કહેવું ખોટું છે. કારણ કે વિજ્ઞાનના નિયમો કે સાયન્સની આધુનિક શોધો દ્વારા ઇશ્વરીય ચમત્કારોનું શકય હોવું પુરવાર કરવા અથવા એના સમર્થન રજૂ કરવાનો મતલબ એવો થશે કે આજે આધુનિક શોધો દ્વારા એવા કાર્યો સામે આવે તો એને પણ ચમત્કાર ગણવામાં આવે, આ વાસ્તવિક પણ નથી અને આમ કરવામાં મોઅજિઝહનું મહત્વ પણ ઘટી જાય છે.
મોઅજિઝહની વિજ્ઞાન સાથે સરખામણીની ચેષ્ટામાં માણસ ઘણી વાર થાપ પણ ખાય જાય છે, જેમ કે ઘણા લોકો મેઅરાજ (રસૂલે ખુદાના સ્ર્વગારોહણ)ને આઈન્સ્ટાઈના સાક્ષોપ વાદ (Special Theory of relative)થી પૂરવાર કરવાની ચેષ્ટા કરે છે. આ નિયમ પ્રમાણે અવકાશમાં પ્રકાશગતિએ પ્રવાસ કરતા માનવી અને ધરતી ઉપર વસતા માનવીના સમયમાં તફાવત દર્શાવવામાં આવે છે, દા.ત. તરીકે બે જોડિયા ભાઈઓમાંથી એક અવકાશમાં પ્રકાશની ગતિએ પ્રવાસ કરીને પાછો આવે તો ધરતી ઉપર રહેતો ભાઈ ઉમરમાં ઘણો મોટો થઈ ગયો હશે, અને અવકાશયાત્રી ભાઈ એનાથી નાનો હશે.
આ નિયમ અને એના ઉદાહરણથી વિપરીત મેઅરાજની ઘટનામાં આપ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમની આસમાનની સફરમાં અલ્લાહથી મુલાકાત, વાતચીત, જન્નત - જહન્નમ, અને અન્ય સ્થળોની મુલાકાતમાં કેટલો સમય વીત્યો એ ખુદા જ જાણે છે, પણ ધરતી ઉપર કોઈ લાંબો સમય પસાર થયો ન હતો અને આપ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ કરતાં ધરતીના લોકોની ઉમરમાં કોઈ વધારો નોંધાયો ન હતો. મેઅરાજની સફરની લાંબી વિગત હોવાં છતાં આપ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ અને ધરતીના લોકો, દરેકની ઉમર અને સમય સરખો જ પસાર થયો હતો, અને તે પણ ઘણો જ ઓછો, એમ આ ઘટનાથી માલૂમ પડે છે.
અત્રે એક બીજી વાત પણ ધ્યાને રાખવા જેવી છે,
ધર્મ ગ્રંથોમાં આવેલ ઘણી વાતો એવી હોય છે, જે સૃષ્ટિના એટલે કે કુદરતના નિયમો આધારિત હોય છે, પણ એ નિયમો કે ઘટનાઓ વચ્ચે કારણ - પરિબળ - પરિણામોનો સંબંધ આપણને દેખાતો નથી. જેમ કે સૃષ્ટિના સંચાલનને લગતી, ઋતુઓ, દિવસ, રાત, વરસાદ, ગરમી, શરદી વગેરે કુદરતની નવાઈ પમાડતી અનેક બાબતોને કુર્આનમાં અલ્લાહની શકિત અને નેઅમતના પુરાવા રૂપે વર્ણવવામાં છે અને એમાં વિચાર, મનન, મંથન કરવાની પણ તાકીદ કરવામાં આવી છે, એટલે આવી બાબતોને સમજવા માટે વિજ્ઞાનનો સહારો લેવો, અને એ નિમયોને સમÒને આ બાબતોને સમજવી ખોટું નથી, એનાથી ખુદાની કુદરતની બારીકાઈ અને મહાનતા સામે આવે છે, માણસને એનાથી ખુદા તઆલાની મહાનતાનો એહસાસ થાય છે. આમ કુદરત અને ફિતરતને સમજવા માટે સાયન્સ  - વિજ્ઞાનથી મદદ લેવામાં કોઈ વાંધો નથી. અલબત્ત અલ્લાહ તઆલાએ એને જ આધાર અને સહારો બનાવ્યો હશે એવું ઈમાન રાખવું ન જોઈએ.
પરંતુ... મોઅજિઝહને તો સાયન્સ - વિજ્ઞાનથી સમજવાની ચેષ્ટા કરવી સદંતર ખોટી કહી શકાય, કારણ કે પછી એ મોઅજિઝહ ન રહેશે, બલકે સાયન્સના નિયમને આધીન દરેક માટે શકય બાબત બની જશે, અને પછી આજના વૈજ્ઞાનિકો સહુથી મોટા નબીઓ ગણાશે.
આ લેખનો મકસદ ધર્મ અને વિજ્ઞાનને એકબીજાના વિરોધી દશર્ાવવું નથી, પરંતુ દરેક ધાર્મિક બાબતને વૈજ્ઞાનિક તથ્ય ગણવા અને સમજવામાં થતી ભૂલ અને નુકસાન સ્પષ્ટ કરવો છે.

Thursday, February 28, 2013

મહાન આલિમ, વિદ્વાન મુફતી, હઝરત મવલાના મુફતી ઇસ્માઈલ ભડકોદ્રવી સાહેબ રહમતુલ્લાહિ અલયહિ


મહાન આલિમ, વિદ્વાન મુફતી, જામિઅહ જંબુસરના શૈખુલ હદીસ હઝરત મવલાના
મુફતી ઇસ્માઈલ ભડકોદ્રવી સાહેબ
રહમતુલ્લાહિ અલયહિ
--------------------------------

            તા. ૧૭ રબીઉલ અવ્વલ, ૧૩૬૮ હિજરી. થી.......
            તા. ૧૬ રબીઉલ અવ્વલ ૧૪૩૪ હિ.
            એટલે કે સંપૂર્ણ ૬૬ વરસોનો સમયગાળો. ન એક દિવસ ઓછો ન વધારે..
            આ છે મુફતી ઇસ્માઈલ ભડકોદ્રવી સાહેબ રહ.ના જીવનનો કુલ હિસાબ..
            પણ આ તો 'ટોટલ' છે. બાકી જમા - ઉધારની ખાતાવહી તો ઘણી લાંબી. અને એમાંયે જમા પાસું જ દેખાય છે. અને ઉધાર, એ કોઈની દ્રષ્ટિ
નો ભમ્ર હશે... અને હવે તે પણ નથી, ને દશ્ય બિલ્કુલ સાફ...
            કોને ખબર હતી કે 'અલબલાગ'ને પાને અમારે એમની જુદાઈ અને વિદાયના આંસુ સારવા પડશે.. શેખ સાદીના શબ્દો પ્રમાણે મરહૂમને કદાચ એમના હિસાબની એટલી ફિકર નહી હોય, જેટલી આપણને આપણી 'ખોટ'ની છે.
ભીની ભીની વિદાયનો કોઈ વસવસો નથી -- આંસુ બનાવી આંખથી તું સારજે મને
તારી જ લાગણી છું, મને વ્યકત કરે હવે -- શબ્દો મળે કુંવારા તો ઉચ્ચારજે મને
            ૬૬ વરસની આ મજલમાં પ્રથમ પડાવ ગામના મકતબ અને સ્કૂલનો છે. નાનકડું ગામ ભકડોદરા, ઉસ્તાદો, ઇમામો અને કેવળણીકારો બાબતે ઘણું સદનસીબ રહયું છે. મવલાના યાકૂબ કાસમી સા. મવલાના મૂસા કરમાડી સા. મવલાના યાકૂબ કાવી (વરાછા) રહ. મવલાના સુલેમાન દેવલા રહ. વગેરે ગુજરાતની પ્રથમ પંકિતના આલિમો આ ગામને ફાળે આવ્યા છે. શૈખુલ ઇસ્લામ મવલાના હુસૈન અહમદ મદની રહ.ના કરામતી અને ઇસ્લાહી ગશ્તથી ભરૂચ જિલ્લાના અન્ય ગામોની જેમ ભડકોદ્રા પણ વિશેષ્ા લાભાંવિત થયું હતું. અનેક લોકો હઝરત રહ.થી બયઅત થયા તો એવા કે એક બયઅત પછીથી મરતાં સુધી નેક, પાબંદ મુસલમાન બની ગયા. એ બધામાં મુફતી સાહેબના વાલિદ અને દાદા પણ હતા. એક પેઢી પછી આ નેકીનો ફાલ ઉતયર્ો તો ઉપરોકત ઉલમા અને બુઝુર્ગો સામે આવ્યા, અને અને એમની કેળવણી અને તાલીમ પણ બીજી પેઢીના ઘડતરમાં લાગી તો 'મુફતી ઇસ્માઈલ' જેવા અનેક મુફતીઓ, મોલાનાઓ, બુઝુર્ગો અને મુબલ્લિગો આપણને મળ્યા. અત્રે એ બધા ઉલમા અને ઓલિયાનું વર્ણન મકસદ નથી..
            મુફતી ઇસ્માઈલ સાહેબ રહ.ના વાલિદ ઇબ્રાહીમ, દાદા હસન અને આપનું જમીનદાર કુટુંબ.. બધા દીનદાર, ખેર અને ભલાઈના કામોમાં આગળ, સાચી સમજ, ખરી કથની, અને નેક કરણી ધરાવતા લોકો હતા.
            ઇબ્રાહીમ ભાઈ ઉઘરાતદારને એમના પુત્રોને દુન્યવી શિક્ષાણમાં આગળ વધારતા જોઈને પુત્ર 'ઇસ્માઈલ'ના ઉસ્તાદ મવલાના મૂસા સાહેબને થયું કે આ એક પુત્ર તો ઇલ્મે દીન ખાતર આપણને મળવો જોઈએ. એમણે ઇબ્રાહીમ ભાઈને આ વિશે પ્રોત્સાહન આપ્યું, તેઓ રાજી થયા અને બસ... પાણીનું એક અનમોલ ટીપું સીપમાં બંધ થયું, જે પાછળથી 'મોતી' થઈને નીકળવાનું હતું.
            મકતબની તાલીમ પૂરી કરીને દારૂલ ઉલૂમ આણંદમાં દાખલો લીધો. દારૂલ ઉલૂમ આણંદનો તે સુવર્ણકાળ હતો. અત્રે આપ રહ.એ હઝરત મવલાના મુહમ્મદ ઇસ્માઈલ સંભલી સા. રહ., હઝ. મવ. ઇસ્માઈલ મજાદરી રહ., હઝ. મવ. મુહમ્મદ અકરમ બુખારી રહ. હઝ. મવ. ખયરુર્રહમાન સા. રહ., હઝ. મવ. અહમદ જુજારા રહ., હઝ.મવ. અ. મજીદ ગોધરવી રહ. હઝ. મવ. મઆઝુલ ઇસ્લામ સંભલી દા.બ. હઝ. મવ. ઇબ્રાહીમ ઇન્દોરી સા. હઝ. મવ. મુહમ્મદ મુહયુદ્દીન બળોદવી સા. દા.બ. જેવા મહાન ઉસ્તાદો પાસે વિવિધ કિતાબો પઢીને આપ રહ.એ હિજરી સન ૧૩૯૦

જ્૧૯૭૦માં 'આલિમ'ની સનદ પ્રાપ્ત કરી. 'પુત્રના લક્ષાણ પારણામાંથી' મુજબ અત્રે વિદ્યાર્થીકાળથી જ આપ રહ. મહેનતુ, હોશિયાર, સમજદાર અને વિનમ્ર હતા, તકવા - તહારત વાળું સુંદર ચરિત્ર અને સાદગી ભયુઁ જીવન આપની વિશેષતા હતી. પરિણામે તાલીમમાં સહુથી આગળ અને લાગણીમાં ઉસ્તાદોના માનીતા હતા.
            અહિંયાથી ફારિગ થઈ દારૂલ ઉલૂમ દેવબંદ પહોંચ્યા. એટલે કે સીપનું મોતી સુંદર ઘાટ મેળવવા કલાકારના હાથોમાં પહોંચ્યું.
            શવ્વાલ ૧૩૯૦માં અત્રે દાખલ થયા, પ્રથમ વરસે 'મોકૂફ અલયહિ' કિતાબો પઢીને બીજા વરસે દવરએ હદીસમાં દાખલો લીધો. અને દવરએ હદીસમાં પ્રથમ વર્ગની સફળતા મેળવી ત્રીજા વરસે (૧૩૯ર-૧૩૯૩) માં મુફતી કલાસમાં દાખલો લીધો. આ વરસોમાં અત્રે પણ આપ રહ.ને આણંદની જેમ ઉચ્ચ કોટીના ઉસ્તાદો અને કેળવણીકારો પાસે જ્ઞાન પ્રાપ્તિનું સદભાગ્ય મળ્યું. વિશેષ કરીને હઝ. મવ. કારી મુહમ્મદ તય્યિબ સા. રહ., હઝ.મવ. સય્યિદ ફખરુદ્દીન અહમદ રહ., હઝ. મવ. મુફતી મહમૂદ હસન ગંગોહી રહ. હઝ. મવ. નસીર અહમદ ખાન સાહબ દા.બ., હઝ. મવ. મિઅરાજુલ હક સા. રહ. હઝ. મવ. મુહમ્મદ હસૈન મુલ્લા બિહારી રહ., હઝ. મવ. શરીફ હસન સા. રહ., હઝ. મવ. અબ્દુલ અહદ સા. રહ., હઝ. મવ. ફખ્રુલ હસન સા. રહ. હઝ. મવ. મુહમ્મદ અન્ઝર શાહ સા. રહ., હઝ. મવ. મુહમ્મદ સાલિમ સા. દા.બ. વગેરે ઉસ્તાદો અને કેળવણીકારો પાસેથી આપ રહ.એ વિદ્યા, વિનય, વિવેક, વિચાર, વાણી અને વહેવારના પાઠો ભણ્યા.
            મુફતી કલાસના કોર્સમાં પઢવાની કિતાબ 'અલ અશ્બાહ વન્નઝાઇર' તે સમયે છપાયેલી મળતી ન હશે, એટલે મુફતી સાહેબ રહ.એ આખી કિતાબ (૧ ફૂટ લાંબી, ૭ ઇંચ પહોળી, એક પેજ પર ૧૭-૧૮ લીટીઓ, ર૩૮ પેજ) પોતાના હાથે લખી હતી. સાથે જ ઉસ્તાદના સબકની કીમતી વાતો હાંસિયા ઉપર અરબીમાં નોંધ સ્વરૂપે લખતા હતા. આ હસ્તપ્રત મુફતી સાહેબ રહ.ની કિતાબોમાં આજે પણ મોજૂદ છે.
            ત્રણ વરસની દેવબંદની તાલીમ પૂરી થાય એ પહેલાં જ દારૂલ ઉલૂમ આણંદના પારખુ મોહતમિમ હઝ. મવ. ગુલામ મુહમ્મદ સાહેબ રહ. એ તાલીમ પૂરી થયે આણંદમાં નિયુકિત નક્કી કરી દીધી. એટલે મુરબ્બીની આજ્ઞા માથે ચડાવી આપ રહ. આણંદ આવી ગયા. આ જ દિવસોમાં દારૂલ ઉલૂમમાંથી મુફતી સાહેબ રહ.ના એક વિશેષ્ા ઉસ્તાદ મવ. ઇસ્માઈલ મજાદરી રહ. દા.ઉ. આણંદ છોડીને વડાલી જઈ રહયા હતા, એમણે મુફતી સાહેબને લખ્યું કે, દા.ઉ. આણંદમાં તમારી નિયુકતી થઈ છે, હું વડાલી જઈ રહયો છું, જો તમને વડાલી આવવાનું ગમે તો પ્રથમથી જ તમને હદીસની કિતાબો પઢાવવની મળશે. આ હતો લાગણીનો લગાવ અને વફાનો વિશ્વાસ અને એ બધાને નથી મળતો.
            આણંદમાં નિયુકિત પછી આપ રહ.ને તુરંતમાં જ મોટું સ્થાન આપવામાં આવ્યું અને 'હિદાયા' જેવી કિતાબનો સબક આપને સોંપવામાં આવ્યો. અલબત્ત અત્રે તબિયત સારી રહેતી ન હતી. અને મુફતી સાહેબ રહ. પરેશાન હતા.
            કુદરતની કરામત કે હઝરત મવલાના અલીભાઈ કાવી રહ.એ આપના ખબરઅંતર પૂછયા અને બીમારીના કારણે જગ્યા બદલવાની ઇચ્છા જાણી તો તુરંત તક ઝડપી લીધી. અને ૧૩૯૯ હિ. ૧૯૭૯ ઇ. માં મુફતી સાહેબ દારૂલ ઉલૂમમાં તશરીફ લઈ આવ્યા.
            અહિંયા બીજા જ વરસે નાયબ મુફતી અને ત્રીજા વરસે હિ. ૧૪૦૧માં આપને સદર મુફતીની જવાબદારી સોંપવામાં આવી. આપની ઉમર હતી ૩૧ વરસ. તે દિ અને આજની ઘડી. આદરેલું કામ મુફતી સાહેબે કદી પડતું મુકયું નહી, અને બખૂબી અંજામ આપ્યું.
            દારૂલ ઉલૂમમાં આપ રહ.એ મુફતી તરીકેની સેવાઓ ઉપરાંત સહીહ મુસ્િલમ શરીફ, સુનને તિરમિઝી શરીફ અને બુખારી શરીફનો બીજો ભાગ પઢાવ્યો. નિશંક હઝારો તલબએ કિરામને આપ રહ.એ રસૂલે ખુદા સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમના ફરમાનો સમજાવ્યા. 'દર્સે હદીસ' કેટલો મહાન છે, અને એના થકી ઇસ્લામની શું સમજ આપવામાં આવે છે, એને વિસ્તારથી વર્ણવવું અત્રે શક્તય નથી, ટુંકમાં એટલું ખરું કે જીવનના દરેક ક્ષોત્રને આવરી લેતા ખુદાઈ ફરમાનો અને ઇસ્લામી સિદ્ઘાંતોની ખરી તાલીમ હદીસ શરીફ થકી જ મળે છે.
            દારૂલ ઉલૂમ કંથારીઆ ખાતે હદીસ શરીફની ઉચ્ચ દરજાની કિતાબોના દર્સનો અનુભવનો લાભ જેમ દારૂલ ઉલૂમ કંથારીઆને મળ્યો, એમ જ એનો લાભ જામિઅહ ઉલૂમુલ કુર્આન જંબુસરને પણ મળ્યો. હિ. ૧૪૧૯ માં જામિઅહ જંબુસર ખાતે 'શયખુલ હદીસ' સ્વરૂપે જામિઅહ જંબુસરના ટ્રસ્ટી મંડળની દરખાસ્તને હઝ. મવ. ઇસ્માઈલ મનુબરી સા. દા.બ.એ મંજૂર રાખી તો મુફતી સાહેબ રહ.ને જામિઅહ જંબુસરમાં 'શયખુલ હદીસ'ના સન્માનજનક પદે બિરાજમાન કરવામાં આવ્યા. અત્યાર સુધી ફતાવામાં મુફતી સાહેબ રહ.ઉપર વિશ્વાસ વ્યકત કરતા ગુજરાતભરના ઉલમાએ કિરામે 'શયખુલ હદીસ' તરીકે આપની નિયુકિતને પણ અત્યંત યથાયોગ્ય ગણાવી અને મુફતી સાહેબના બુખારી શરીફના પ્રથમ દર્સમાં પધારીને એનું સમર્થન ફરમાવ્યું.
            આપ રહ.ની વફાતથી જામિઅહ જંબુસરનું તે ઉચ્ચ સ્થાન ખાલી થયું છે, અને દા.ઉ. કંથારીઆની મસ્નદે ઇફતા પણ...ઘણું બધું ગુમાવી દીધાનું લાગી આવ્યું છે.
અમારી જિંદગીમાં એક તમારી ખોટ લાગે છે - ન રુઝાય તેવી આ ચોટ લાગે છે.
            જામિઅહ જંબુસરના તો તેઓ સ્થાપક ટ્રસ્ટી પણ હતા, અને છેવટ સુધી જામિઅહની હર તરહની પ્રગતિ, ઉન્નતિ અને તાલીમ - તરબિયતની ઉચ્ચતા માટે પ્રયાસરત રહેવા ઉપરાંત ફિકરમંદ પણ રહયા. અને હવે એમના અવસાનથી... ટ્રસ્ટી મંડળનો એક આધાર ગુમાવીને જામિઅહ જંબુસર જે નુકસાનનો અનુભવ કરી રહયું છે, એની માત્ર કલ્પના જ કરવી રહી.
કમળ જેવું કશુંક વાવી દીધું છે નર્યા રણને છલકાવી દીધું છે.
તમારી ખોટ સાલે છે તિમિરને - સમયનું વહેણ થંભાવી દીધું છે.
            જામિઅહ ઉલૂમુલ કુર્આન, જંબુસરમાં બુખારી શરીફનો દર્સ શરૂ ફરમાવ્યા પછી ત્રણ દિવસ જંબુસર અને ત્રણ દિવસ કંથારીઆ રહેવાનો ક્રમ હતો. જે પાછળથી એક એક સાપ્તાહિક કરી દેવામાં આવ્યો હતો. આ માટે જામિઅહ જંબુસર તરફથી નક્કી કયર્ા મુજબ કંથારીઆ - જંબુસર વચ્ચેની આપની સફર માટે મદરસાની ગાડી ઉપયોગમાં લેતા હતા. જંબુસર આવીને લગભગ દરેક જુમ્મા ભડકોદ્રા જઈને પઢતા હતા, એટલે જંબુસર અને ભડકોદ્રા વચ્ચેની સફર સરકારી બસમાં કરતા હતા. અને જયારે પણ મદરસાની ગાડી આ માટે ઉપયોગમાં લેતા - અને છેલ્લે બીમારીના ઝમાનામાં તો એવું જ કરતા હતા - તો એના ભાડાના પૈસા ચોક્કસ મદરસામાં જમા કરાવતા હતા.
            લગભગ બે વરસ પૂર્વે જયારે 'કીડની ફેઈલ'નું નિદાન થયું, તો મુફતી સાહેબ તકવા - તહારત, એહતિયાત  - અઝીમત ઉપરાંત અનેક કારણોસર ડાયાલિસિસથી દૂર રહેવા માંગતા હતા. નડિયાદની મશ્હૂર આયૂર્વેદીક કીડની હોસ્પિટલમાં દાખલ થયા, પણ... છેલ્લે ડાયાલિસિસ અપનાવવું પડયું. અને એમાંયે બહારથી નવું લોહી આપવાની વાત આવી તો એ ડાયાલિસિસ કરતાં પણ મોટી સાવચેતીની વાત હતી, મુફતી સાહેબ કેમેય સહમત નહી.. બધા ફિકરમંદ હતા, છેલ્લે આપ રહ.ના મોટા ભાઈ 'અલીભાઈ' સા.ની વાત માનીને નવું લોહી સ્વીકાયુઁ. લગભગ એક વરસ સુધી આ માટે સપ્તાહમાં એક વખત વડોદરા જવાનું રહયું, પછી જંબુસરમાં જ જામિઅહ સંચાલિત 'અલમહમૂદ હોસ્િપટલ'માં આ માટેની વ્યવસ્થા થઈ ગઈ તો વડોદરાની સફરનો કષ્ટ ઓછો થયો.
            કીડની ફેઇલ, અને ડાયાલિસિસ... મુફતી સાહેબ શારીરિક - માનસિક બન્ને રીતે પરેશાન હતા, એવામાં અચાનક રમઝાનુલ મુબારક (ર૧, રમઝાન ૧૪૩૩, ૧૧ સપ્ટેમ્બર ર૦૧ર)માં આપના અહલિયહ મોહતરમહ હાર્ટએટેકમાં અવસાન પામ્યાં. આપ રહ.ને અવલાદ ન હતી, એટલે જીવનભર અહલિયહ એકમાત્ર સુખ દુખના સંપૂર્ણ સાથી હતાં. કીડની ફેઇલ પછી મુફતી સાહેબ પોતાના દિવસો ગણીને અહલિયહ માટે અગમચેતીની તૈયારી કરતા હતા, પણ તકદીરની કિતાબનું નવું પાનું ઉઘડયું તો અહલિયહનું નામ આગળ હતું, ર૦ રમઝાનના રોજ મુફતી સાહેબ પોતે એમને લઈને વડોદરા હોસ્િપટલ પહોંચ્યા. સારવારના બધા જ પ્રયત્નો કરવામાં આવ્યા, પણ નિરર્થક... એ દર્દનાક ઘટના અને દશ્યનું વર્ણન લાંબું છે. હજુ એક મહીના પહેલાં અહલિયહના ઈસાલે સવાબ માટે ગામમાં આપ રહ.એ પાણીનું બોર કરાવ્યું હતું, પાણીની સફાઈ થઈ રહી છે... મુફતી સાહેબ જુમ્અહના દિવસે જઈને એની તપાસ પણ કરી આવ્યા હતા.

            નિકટના માણસોના કહેવામ મુજબ મુફતી સાહેબ રહ. અહલિયના ઇન્તેકાલ પછી અંદરથી ભાંગી પડયા હતા, બલકે જીવનમાં પાછા ફયર્ા જ નહી, અને એમનો પણ નિયત સમય આવી પહોંચ્યો.
            અહલિયહની વફાત પછી અશકિત પણ ઘણી વધી ગઈ હતી, તબિયત લથડી રહી હતી. એટલી બધી કે અમુક મહીના પહેલાંનો મુલાકાતી તો ઓળખી પણ ન શકે. તા. ર૦ જાન્યુ. ર૦૧૩ના રોજ જામિઅહ જંબુસરમાં મવ. ખાલિદ સયફુલ્લાહ રહમાની દા.બ. સીરતે રસૂલના જલ્સામાં આવ્યા હતા. વિદાય વેળા મુફતી સાહેબ રહ. વિશે વાત નીકળી તો ફરમાવ્યું કે, મુફતી સાહેબ સાથે તો મારી જૂની ઓળખાણ છે, ફિકહ એકેડમીના સેમીનારો ઉપરાંત અનેક મુલાકાતો અને મજલિસોમાં સાથે બેસ્યા છે, પણ આજે જલ્સામાં તેઓ મારી સાથે જ સ્ટેજ ઉપર બિરાજમાન હતા, પણ મેં એમને ઓળખ્યા પણ નહી. આટલા બધા કમઝોર થઈ ગયા... એટલામાં જ મુફતી સાહેબ રહ. એમને વિદાય કરવા આવી પહોંચ્યા.
            ક્રમ મુજબ શનિવારે ડાયાલિસિસ કરાવીને તા. ૧૪ રબીઉલ અવ્વલ ૧૪૩૪ હી.મુતાબિક ર૭ જાન્યુઆરી ર૦૧૩ રવિવારના દિવસે જંબુસરથી કંથારીઆ તશ્રીફ લઈ ગયા. સોમવારે પણ નિયમ મુજબ મદરસામાં હાજર રહયા, દારૂલ ઇફતામાં ગયા, સબક પઢાવ્યો અને ફતવા પણ લખ્યા. સોમવારે બપોર પછીના સમયે પણ કલાસમાં ગયા, સબક પઢાવ્યો, વારસા વહેંચણીના એક સવાલનો જવાબ (ફતવો) પણ લખ્યો. પગોમાં અસહય દર્દના કારણે થોડા વહેલા કલાસમાંથી ઘરે આવવા નીકળ્યા. બે વિદ્યાર્થીઓ સાથે હતા. અસરની નમાઝ પઢવા એમને રવાના કર્યા પોતે અસરની નમાઝ ઘરે જ પઢી. કિતાબના વાંચનમાં મશ્ગૂલ હતાખુલ્લી કિતાબ પર ચશ્મો મૂકીને મગરિબની નમાઝની તૈયારી માટે ઉઠયા..... પછી.....
            છેવટ સુધી આપ રહ.નો મામૂલ મસ્જિદમાં જ નમાઝ પઢવાનો હતો, અસર અને મગરિબમાં આપ રહ.ને મસ્િજદમાં ન જોયા, ઘર ખુલ્લું, લાઇટ ચાલુ,.. આપના પાડોશીઓ અને ખિદમતગારોને ધ્રાસ્કો પડયો. મવ. શફીક સા. મવ. યૂસુફ સા. અને મવ. અહમદ સાહેબ ભેગા થયા, વારંવાર સલામ કરી, પણ જવાબ નહી... એટલે ધીરે રહીને અંદર ગયા...
            ગુસલ ખાનામાં ટેબલ ઉપર બેસેલા, વુઝૂ માટે બાંયો ચડાવેલી, પીઠ દીવાર સાથે... બેહોશ હતા, છેલ્લા શ્વાસ હતા...
            ઊંચકીને બિસ્તર પર સુવાડયા અને આપ રહ.એ છેલ્લો શ્વાસ લીધો.
            વાત વાયુવેગે બધે પ્રસરી ગઈ, પ્રથમ કંથારીઆમાં જ રાત્રે ૧૦-૩૦ વાગ્યે મદરસાના તલબા અને ઉસ્તાદોએ મો. અનવર સા. કાવી દા.બ.ની ઇમામતમાં નમાઝ પઢી, આજુબાજુના ગામડાંઓમાંથી પણ મોટી સંખ્યામાં લોકો આવી ગયા હતા. નમાઝ પછી મય્િયત ભડકોદ્રા લઈ જવામાં આવી. અને સવારે ૧૦ વાગ્યે અત્રે જનાઝહની બીÒ નમાઝ માટેનો સમય નક્કી કરવામાં આવ્યો.
            સવારથી જ દૂર-દૂરથી આપ રહ.ના શાગર્િદો, અકીદતમંદો અને ઉલમાએ કિરામ ભડકોદ્રા પહોંચવા માંડયા. ગામમાં માણસોનું કીડીયારું ઉભરાયું હોય એવો માહોલ હતો. લોકો ઘરે જઈને આપ રહ.ના છેલ્લા દીદાર કરતા, અફસોસ, મહરૂમી, માયૂસી... લોકોના ચહેરા પર અને આપ રહ. પરવરદિગારના દરબારમાં... શાંત સૂતા હતા..
            આંખની સામે તો આંખ મળશે જરૂર - પણ નજર તમે ટકાવી નહીં શકો
            લોકોના ધસારાને જોઈને સ્કૂલના મેદાનમાં જનાઝહની નમાઝની વ્યવસ્થા કરવામાં આવી હતી. આ નાનકડા ગામે કદાચ જ આવો કોઈ સપૂત પેદા કર્યો હશે અને કદાચ જ આવી મેદની કોઈ વાર જોઈ હશે.
            હઝ. મવ. મુફતી અહમદ દેવલ્વી સા. દા.બ.એ અત્રે જનાઝહની નમાઝ પઢાવી, દફન કરવામાં આવ્યા, અને મોલાના મુહમ્મદ મદની સા.ની દુઆ ઉપર આ એક ગમનાક ઘટના અને દર્દનાક દશ્યનો અંત આવ્યો. નિશંક આ ઘટના લાંબી અસર અને મોટી ખોટ છોડી ગઈ છે.
            જામિઅહ ઉલૂમુલ કુરઆન, જંબુસર સાથે આપ રહ.ને ઘરનો ઘરોબો અને પોતીકો સંબંધ હતો. એના સ્થાપક ટ્રસ્ટી હતા. જામિઅહથી સંલગ્ન અલમહમૂદ ચેરીટેબલ ટ્રસ્ટના ઉપપ્રમુખ હતા. અત્રે 'શૈખુલ હદીસ'નો માનનીય હોદ્દો અને ઉચ્ચ ઇલ્મી પદ પણ શોભાવતા હતા. જામિઅહની મજલિસે શૂરાની કાર્યવાહીની મીનીટસ પણ આપ રહ. નોંધતા હતા. જામિઅહ થકી અંજામ આપવામાં આવતી અન્ય દીની - ઇલ્મી સેવાઓના પણ સમર્થક હતા. રાબેતએ અદબે આલમી - ઇસ્લામી અને મજલિસે તહફફુજે મદારિસે ગુજરાતના જલ્સાઓમાં પણ શરીક થતા હતા.
            - આપ રહ.નું જીવન મુખ્યતવે બે બાબતો ઉપર કેન્િદ્રત હતું, તાલીમ અને ફતાવા એટલે કે દીની સવાલોના જવાબો લખવા. બન્ને બાબતોમાં આપ રહ.નું સ્થાન ઉચ્ચ હતું. ફતવાના વિષ્ાયમાં તો આપ રહ. ગુજરાત અને ભારતભરમાં, બલકે ગુજરાતીઓ થકી વિશ્વભરમાં અજોડ હતા. દરેક પાસાની છણાવટ, પૂરતી માહિતી, અને સમસ્યા - સવાલના મુળ જાણીને એનો જવાબ લખવો અને શરઈ હુકમ દશર્ાવવો આપની વિશેષ્ાતા હતી. આધુનિક વિશ્વમાં ઉપસ્થિત થતા કંપની, શેર, વીમો, વ્યાજ, અને જૂના ઝમાનાથી ચાલતા આવતા રિવાજોના પ્રશ્નો વિશે અત્યંત આધારભુત, દલીલબદ્ઘ અને સંતોષકારક ફતાવા આપ રહ.એ લખ્યા છે. કુલ '૩ર' રજિસ્ટરોમાં આપના આ ફતાવા મહફૂજ છે.
            પાછલા અમુક વરસોથી આપ રહ.ના ફતાવા આપ રહ. પુસ્તક સ્વરૂપે સંપાદિત થઈને પ્રકાશન વિભાગ દા.ઉ. કંથારીઆ તરફથી છપાય રહયા છે. ઝુબ્દતુલ ફતાવા - ગુજરાતીના પાંચ ભાગો પ્રકાશિત થઈ ચૂકયા છે. અને આગળનું કામ ચાલુ છે. આ જ નામથી ઉર્દૂ ફતાવા પણ પ્રકાશિત થઈ રહયા છે. અને પહેલો ભાગ પ્રકાશિત થઈ ગયો છે. બીજા ભાગનું કામ જારી છે.
            આપની સેવાઓના કેન્દ્રબિંદુ સમાન આ વિષ્ાય ઉપર કોઈક વિગતવાર પ્રકાશ પાડશે, એવી દુઆ અને આશા...
            - તદરીસ અને ફતાવા ઉપરાંત જાહેર જીવનમાં આપ રહ. સક્રિય હતા. જમીઅતે ઉલમા, સૂબા ગુજરાતના આપ રહ. ઘણા વરસો પહેલાંથી જ મજલિસે મુન્તઝિમહના સભ્ય હતા. અને વચ્ચે એક ઝમાનામાં કારોબારીના સભ્ય પણ અને જમીઅતે ઉલમા જિલ્લા ભરૂચના નાયબ પ્રમુખ પણ રહયા હતા. જમીઅતે ઉલમાના માધ્યમથી હઝ. મવ.મુફતી અહમદ દેવલા સા. સાથે મળીને આપ રહ.એ અનમોલ સેવાઓ બજાવી છે. આ સેવાઓનું વર્ણન પણ એક વિશેષ સમય અને જગ્યા માંગે છે. કોઇક એને પણ વિસ્તારથી વર્ણન કરે તો સારું...
            - ઇસ્લામિક ફિકહ એકેડમી ઇન્ડીયાના સેમીનારોમાં ભાગ લેતા હતા, અને ફિકહના વિષ્ાય ઉપર તહકીકી - સંશોધનપૂર્ણ લેખો પણ રજૂ કરતા હતા. કાજી મુજાહિદુલ ઇસ્લામ સા. રહ. ના અવસાન પછી જવાનું ઓછું કરી દીધું હતું. અલબત્ત સવાલોના જવાબો જરૂર લખી મોકલાવતા હતા. ફિકહ એકેડમી તરફથી 'ફિકહી એન્સાઈકલોપીડીયા' (મોસૂઅહ ફિકહીય્યાહ કુવેતિય્યહ - અરબી, ૪પ, ભાગો)નો ઉર્દૂ અનુવાદ પ્રકાશિત કરવાનું કામ શરૂ કરવામાં આવ્યું તો એક ભાગના અનુવાદની જવાબદારી પણ આપને આપવામાં આવી હતી.
            - આ જ પ્રમાણે ઇદારતુલ મબાહિષિલ ફિકહીય્યહ (જમીઅત)ના સેમીનારોમાં પણ ભાગ લેતા હતા અને એમાં નક્કી વિષય ઉપર સંશોધનાત્મક અને તહકીકી લેખો રજૂ કરતા હતા.
            - ઉપરોકત બન્ને સંસ્થાઓ જેવી સંસ્થા ગુજરાત સ્તરે સ્થાપવાની વાત આવી તો હઝ. મવ. અબ્દુલ્લાહ કાપોદ્રવી સા. દા.બ. ના અધ્યક્ષાપદે એક મીટીંગ એમના ઘરે યોજાઈ, અત્રે જયારે 'અલમજલિસુલ ફિકહી લ ઇસ્લામી - ગુજરાત'ની સ્થાપનાનો ફેસલો કરવામાં આવ્યો તો સર્વાનુમતે આપ રહ.ને એના જનરલ સેક્રેટરી બનાવવામાં આવ્યા. આ સંસ્થા થકી પણ ઘણું કાર્ય આપ રહ. એ અંજામ આપ્યું છે અને આપ રહ.ની મહાન સેવાઓનું આ પણ એક સોનેરી પાનું છે.
            - આચાર - વિચારમાં સંપૂર્ણ સિદ્ઘાંતવાદી હતા. અલબત્ત પૂરતી સમજદારી સાથે. તલબા સાથે જરૂરત મુજબ કડકાઈ વર્તતા તો યોગ્ય સ્થળે શફકત, હેત અને પ્રેમનો વતર્ાવ પણ કરતા હતા. એમનાથી જોડાયેલ, વિશેષ્ા કેળવણી પામેલ, અને ખિદમતનો સંબંધ ધરાવતા નવા - જૂના અનેક તલબા ઉપરાંત આપની સાથે ઉઠતા - બેસતા લોકોનું કહેવું છે કે આપ રહ.નો વાસ્તવમાં સ્વભાવે મિલનસાર, નરમ અને હેત - પ્રેમ ધરાવનાર હતા. કદાચ આ જ બાબત હશે કે વફાતના સમાચાર સાંભળી ગુજરાતભરમાં પથરાયેલ, અને જિલ્લાના ગામે ગામથી આપ રહ.ના તલબા ગમગીન થઈને, આઘાત અનુભવીને આસુંભરી વિદાય આપવા કંથારીઆ અને ભડકોદ્રા આવી પહોંચ્યા હતા.
તમે વાઢયો મૂળેથી એ પાક છું હું -ઉપાડો ગમે ત્યાંથી, જયાં ફાવે ખડકો.
ડરો નહી બુઝાયેલો અંગાર છું હું -ખભા ચાર તો લાવો આગળ ને અડકો
            - ભાઈઓમાં આપ રહ. ત્રીજા નંબરે હતા. મોટાભાઈ 'મુહમ્મદ' ઘણા વરસો પહેલાં ઇન્તેકાલ ફરમાવી ગયા હતા. બીજાભાઈ  'અલી' હજુ હયાત છે. ત્યાર પછી અબ્દુલ્લાહ અને અહમદ..
            મુફતી સાહેબ રહ. વિચારી - સમજીને જ કંઈક કરતા કે કહેતા, એટલે એમનાથી આગળ કે વિપરીત વાત ઘરમાં કોઈ કરતું નહી. અલબત્ત અલીભાઈ મોટા હતા, એટલે મુફતી સાહેબ એમને 'બાપ' સમાજ દરજો આપીને એમનું પુરતું સન્માન જાળવતા હતા. અને સામાજિક બાબતોમાં શરીઅતના આદેશ મુજબ એમની વાતને સ્વીકારી લેતા હતા. 'કીડની ફેઇલ'ના નિદાન પછી નવું લોહી લેવા આપ રહ. સહમત ન હતા, ત્યારે જ. અલીભાઈના કહેવાથી જ રાજી થયા હતા. જ. અલીભાઈએ એમને કહયું કે તમારી પાસેનું ઇલ્મ અલ્લાહની અમાનત છે, જેના થકી કોમની અને તલબાની સેવા આપની ફરજ છે, આ અમાનતની બજવણી માટે તમારે તમારી તબિયતની ચિંતા કરવી જોઈએ, અને ઇલાજ માટે શરીઅતે આપેલ છુટ તમારે સ્વીકારવી જોઈએ.
            - છેલ્લા અમુક મહીનાઓમાં વધારે અશક્તત થઈ જવાના કારણે અલીભાઈએ કંથારીઆ કે જંબુસર, બેમાંથી એક સ્થાને રહેવાની સલાહ આપી તો 'અમાનતની બજવણી' વાળી એમની જ દલીલ આપીને મુફતી સાહેબે ઇન્કાર કરી દીધો અને ફરમાવ્યું કે ભરૂચ જંબુસર વચ્ચે રસ્તામાં પણ મારા પ્રાણ જાય તો તમને વાંધો ન હોવો જોઈએ.
જગત ખેંચી રહયું છે એક તરફ, બીજી તરફ જન્નત,
ફસ્યો છે જીવ કે એને અહી તો બેય તાણે છે.
કદર 'બેફામ' શું માંગુ જીવનની જગત પાસે
કે જયાં લોક સૌ કેવળ મરેલાને વખાણે છે.
            - એમ તો ૬૬ પછી પણ ગણતરી ચાલુ જ રહે છે, પણ મુફતી સાહેબની સફર અહીં પૂરી થાય છે, અને કોઈ બીજાની શરૂ...
આગામી કોઈ પઢીને દેતા હશે જીવન -       બાકી તમારા શ્વાસ નકામા તો જાય ના.
સારા કે નરસા કોઈને દેજે ન ઓ ખુદા - સન્નાટા ઘરમાં આમ કદી સંભળાય ના.
                                                ---- ફરીદ અહમદ કાવી.