Sunday, April 17, 2016

નવી પેઢીને ધર્મનું જ્ઞાન આપો.

મવ. અ.માજિદ દરિયાબાદ (મૃ.૧૯૬૭) અનેક ઉર્દૂ - અંગ્રેજી પુસ્તકોના લેખક છે. ઉર્દૂ અને અંગ્રેજીમાં કુરઆનની તફસીર પણ લખી છે. એમની પોતાની એક 'આપવીતી' એટલે કે આત્મકથા પણ છે. એમાં તેઓ એક સ્થળે લખે છે કે, મારો જન્મ એક ધાર્મિક કુટુંબમાં થયો હતો અને કેળવણી પણ દીની માહોલમાં જ મને આપવામાં આવી હતી. વાલિદહ અને મોટી બહેન પહેલેથી જ તહજ્જુદ ગુઝાર હતાં. વાલિદ સાહેબ પણ નમાઝ - રોઝાના પાબંદ અને ઘણા જ દીનદાર હતા. દીનદારી ઉપરાંત દીની ઇલ્મ અને જાણકારી પણ ધરાવતા હતા. આ માહોલમાં મેટ્રિક પાસ કરતાં સુધીમાં ઇસ્લામ વિશે ઘણું બધું વાંચન એમણે કરી લીધું હતું. પછી શું થયું એ પણ એમણે લખ્યું છે :
કોલેજ જવાનું શરૂ થયું તો વાંચનનો શોખ એમને વિવિધ લાયબ્રેરીઓમાં લઈ ગયો. અને ફિરંગી ફિલોસોફરોના પુસ્તકોના વાંચતા વાંચતા તેઓ નાસ્તિક બનવા લાગ્યા. અને છેવટે તેઓ કટ્ટર નાસ્તિક બની ગયા. લગભગ ૧૦ વરસ આમ નાસ્તિક બનીને રહયા. પછી અન્ય ધર્મો અને પુસ્તકોનો અભ્યાસ કરતાં કરતાં અલ્લામહ શિબ્લી રહ.ની સીરતુન્નબીના વાચન થકી, ધીરે ધીરે ઇસ્લામ તરફ પાછા આવવા લાગ્યા. અને છેવટે એટલા પાકા મુસલમાન બની ગયા કે નાસ્તિકતાથી તોબા કરીને હકીમુલ ઉમ્મત મવલાના અશરફ અલી થાનવી રહ.ના મુરીદ બની ગયા અને મરતાં સુધી એવી રીતે ઇસ્લામની સેવામાં પ્રવૃત રહયા કે આજે મહાન ઉલમાએ કિરામમાં એમની ગણના કરવામાં આવે છે. આ આખી લાંબી અને દિલચસ્પ દાસ્તાન એમણે એમની આત્મકથામાં લખી છે. જે 'આપબીતી'ના નામે છપાય ચુકી છે.
નાસ્તિકોની કઈ વાતો અને દલીલોથી તેઓ પ્રભાવિત થયા હતા, એની ચર્ચા હમણા બાજુ પર મુકી દઈએ, પણ કયા અસબાબ અને સંજોગોના કારણે નાસ્તિકતાના રસ્તે તેઓ પડી ગયા એનું વર્ણન મવલાના જ શબ્દોમાં જોઈએ, એનાથી આપણને અંદાઝો આવશે કે વધુ ભણેલા અને ઉચ્ચ શિક્ષાણ મેળવેલા મુસલમાન યુવાનો શા માટે ઇસ્લામથી દૂર થઈ જાય છે. ઘણા નાસ્તિક બની જાય છે તો ઘણા મને કમને ઇસ્લામમાં પડયા રહયા હોય એમ વર્તે છે. મવલાના રહ. ફરમાવે છે કે, ''ધાર્મિક વાંચન અને જાણકારી એ સમયે કંઈ કમ ન હતી. પરંતુ ફિરંગી નાસ્તિકતાના પૂર સામે એ વાંચન અને જાણકારીનું ભાથું ઓછું હતું.''
અહિંયા મવલાના દરિયાબાદીની દાસ્તાન અટકાવીને આપણે વર્તમાન મુસ્લિમ સમાજ અને વિશેષ કરીને શિક્ષિાત યુવાનો વિશે વિચારીએ તો સમજમાં આવી શકે છે તેઓ શા માટે દીનથી દૂર થઈ જાય છે. આજે સામાન્ય પણે મુસલમાન ઘરોમાં ઇસ્લામી આદર્શો, ફિલોસોફી, ખૂબીઓ અને કુરઆન હદીસની જાણકારીની કોઈ વ્યવસ્થા નથી.  બાળકોને બાળપણથી જ દુન્યવી શિક્ષાણ પાછળ ગાંડા કરી દેવામાં આવે છે. એમને ફુરસદ જ નથી આપવામાં આવતી કે તેઓ કુરઆન હદીસનો અભ્યાસ કરી શકે કે વાંચન કરી શકે. આ બાળકો જયારે પરિપકવ બને છે અને વધુ જાણકારી કે વાંચનનો શોખ થાય છે તો એવા પુસ્તકો વાંચવાનું શરૂ કરે છે જેમાં ઠાંસી ઠાંસને ધર્મ વિરુદ્ઘ ઝેર ઓકવામાં આવ્યું હોય છે. વાંચનાર યુવાનને વાસ્તવિકતાનું ભાન હોતું નથી. એકતરફી વાંચન જ ચાલ્યા કરે છે જે એના માનસ અને દિલને લગાતાર પ્રભાવિત કરીને ધર્મથી દૂર કરવાનું કામ કરે છે. અને માણસ ધીરે ધીરે તર્ક અને અક્કલના રસ્તે ચાલવાના ભમ્રમાં રાચે છે, પછી ત્યાંથી નાસ્તિક બને છે અને છેવટે ધર્મનો જ વિરોધી બની જાય છે. 
આપણી આસપાસ આવા અનેક શિક્ષિત લોકો વસે છે, અને જયારે પણ એમને મોકો મળે છે ત્યારે ફિલોસોફર બનીને ઇસ્લામ કે મુસલમાનોની ખામીઓ વર્ણવવા મંડી પડે છે. અનેકાનેક વિદ્યાઓના જાણકાર હોવાનો દાવો કરે છે પણ એમને કલિમએ શહાદતનો અર્થ અને મતલબ પણ ખબર નથી હતો.
ચિંતાની બીજી બાબત આ છે કે, મુસલમાનો સામાન્ય પણે એમના ભુતકાળથી બેખબર છે. ૧૦૦ - ર૦૦ વરસ પહેલાં કે ભુતકાળના પાછલી સદીઓમાં તેઓ કયારે આગળ હતા, કયારે પાછળ પડી ગયા હતા ? કયારે વિજેતા હતા અને કયારે પરાજિત થયા હતા, અને હાર - જીત અને આગળ પાછળ થવાના કયા કારણો હતા એ બધાની લગીરેય જાણકારી નથી રાખતા. એમ નથી કે આ બાબતે કંઈ સાહિત્ય અને માહિતી ઉપલબ્ધ નથી. પણ એના વાંચનનો શોખ નથી, રૂચિ નથી. કારણે કે પહેલેથી જ ધર્મ વિરોધી અભ્યાસ, વાંચન અને વિચારો થકી માણસમાં ધામર્િક સાહિત્ય અને ઇતિહાસ બાબત અરૂચિ પેદા થઈ ગઈ હોય છે.
ચિંતાની ત્રીજી બાબત આ છે કે, સમાન્ય મુસલમાનોને ઘણી જ સિફતપૂર્વક ઉલમાએ કિરામ, મુસલમાન વિદ્વાનો, બુઝુર્ગો, દીન અને ઇસ્લામના ખાદિમોથી દૂર કરવાના પ્રયત્નો કરવામાં આવે છે. કયાંક કોઈ બહાનું બનાવીને ઉલમાને બેવકૂફ અથવા સમયના પ્રવાહોથી અજાણ કહેવામાં આવે છે. કયાંક અન્ય  દીનદારો અને દીનની મહેનત કરનારા મુખ્લિસ લોકોને જૂનવાણી, કટ્ટરવાદી અથવા રૂઢિચુસ્ત કહીને સામાન્ય પ્રવાહોથી અળગા હોવાનું ઠસાવવામાં આવે છે. આ જ કારણે આપણે જોઈએ છીએ કે ઘણા ખરા નમાઝી અને દીનદાર દેખાતા લોકો સમય આવ્યે દીનની દાવત અને ઉલમાએ દર્શાવેલ શરીઅત ઉપર અમલ પણ કરતા નથી. તેઓ દેખાવ પૂરતી દીનદારી જાળવી રાખે છે. બસ.
ચોથી વિટંબણા આ છે કે, મસ્જિદના ઇમામો સામાન્યપણે ઘણી જ ઓછી કાબેલિયત વાળા હોય છે. ઘણાને તો નમાઝના ફરજો અને સુન્નતોનું પણ ભાન નથી હોતું. માટે આવશ્યક છે મસ્જિદના ઇમામો ઇસ્લામી તાલીમ, ઇસ્લામી ઇતિહાસ, ઇસ્લામી વિદ્યાઓ વિશે એમનું વાંચન અને જ્ઞાન વધારે. જેથી લોકોને યોગ્ય માર્ગદર્શન આપી શકાય. તબ્લીગી જમાતના સાથીઓ આજે દીનની મોટી સેવા બજાવે છે. નવયુવાનો અને શિક્ષિાત મુસલમાનો સારી સંખ્યામાં એમની સાથે જોડાયેલ હોય છે. આવા સાથીઓ અને જિમ્મેદારો પણ ઇસ્લામી ઇતિહાસ અને ઇસ્લામી ફિલોસોફી, કુરઆન અને હદીસનું વધારે ઇલ્મ - જ્ઞાન મેળવવા ઉપર ધ્યાન આપે તો ઉમ્મતની વધુ સારી રીતે કેળવણી કરી શકાય છે.
આજના સંજોગોમાં મુસલમાનોની આવતી પેઢીના દીન અને ઈમાનની હિફાજતની મોટી જવાબદારી આપણા ઉપર આવી પડી છે. સંજોગોને વશ થઈને દુન્યવી શિક્ષાણ પાછળ એટલું બધું ધ્યાન આપવામાં આવે છે કે બાળકનું ઇસ્લામી ઘડતર બાજુ પર રહી જાય છે. એક બે પેઢીઓ પછી આવા ઘરોમાંથી દીનનું નામ પણ નીકળી જાય છે. એના અનેક ઉદાહરણો આપણી સામે અને આસપાસ છે. માટે બાળકોના દીન અને ઈમાનની ફિકર કરવાની સામુહિક જવાબદારી ઉમ્મતના દરેક વ્યકિત ઉપર છે અને વાલીઓ ઉપર તો એ શરીઅતની એક નક્કી જવાબદારી છે. જેમ કયામતના દિવસે નમાઝ રોઝાની પૂછપરછ થશે એ જ પ્રમાણે અવલાદની ઇસ્લામી કેળવણી વિશે પણ પૂછપરછ થશે.


Monday, April 11, 2016

યુરોપમાં ફેલાય રહેલ ઇસ્લામોફોબિયા

ઘણા માણસોને અમુક તમુક વસ્તુઓનો ડર સતાવતો હોય છે. આ ડર હદથી વધી જાય અને અવાસ્તવિક હોય તો એ 'ફોબિયા' બની જાય છે. ફોબિયા એક પ્રકારની માનસિક બીમારી છે. યુરોપ અને અમેરિકાવાસીઓ લાંબા સમયથી આવી જ એક માનસિક બીમારી એટલે કે 'ઇસ્લામોફોબિયા'માં સપડાયેલા છે. યુરોપમાં ઇસ્લામોફોબિયાનો મતલબ એવો થાય છે કે યુરોપવાસીઓને છેલ્લી હદ સુધીનો ઇસ્લામનો ખતરનાક ડર સતાવી રહયો છે. 
કોઈ અતિશકિતશાળી વસ્તુનો જ ખોફ અને ડર માણસને સતાવે એ સ્પષ્ટ છે. જેમ કે ઘણા માણસોને જિન્નાત કે ભૂતનો ડર સતાવતો હોય છે. માણસ ભૂતને પોતાના કરતાં વધારે શકિતશાળી સમજતો હોય છે એટલે જ એનો ડર એને સતાવતો હોય છે. આવું જ કંઈ ઇસ્લામ અને યુરોપ - અમેરિકા બાબતે પણ છે. યુરોપના લોકો ઇસ્લામને અત્યંત શકિતશાળી, આકર્ષક અને મેઘાવી ધર્મ સમજે છે. એટલે જ સદાએ ઇસ્લામના પ્રસાર વિશે ભયભીત રહે છે અને વિવિધ રીતે પોતાનો આ ડર પ્રગટ કરે છે અને ડરનો માર્યો માણસ બચાવના ઉપાય કરે એમ તેઓ ઇસ્લામને રોકવાના ઉપાયો પણ કરે છે. આવા જ ઇસ્લામોફોબિયાના કારણે આજકાલ જર્મનીની એક સંસ્થા (Pegida) પેગીડા નામે જર્મની, ફીનલેન્ડ, પોલેન્ડ, સ્લોવાકિયા, સ્વીટઝરલેન્ડ, ચેક, ઇસ્ટોનિયા વગેરે ૧૪ દેશોમાં ઇસ્લામ વિરોધી દેખાવો કરી રહી છે. એમના કહેવા મુજબ યુરોપના ઇસ્લામીકરણનો તેઓ વિરોધ કરી રહયા છે. યુરોપની બીજી અનેક ઇસ્લામ વિરોધી ચળવળોનો એમને સહકાર પણ છે.
આ એક નક્કર વાસ્તવિકતા છે કે ઇસ્લામથી પ્રભાવી થઈને, ઇસ્લામનો અભ્યાસ કરીને એના સિદ્ઘાંતો અને નિતિ નિયમોને ન્યાયી અને યોગ્ય માનીને ઇસ્લામ સ્વીકાર કરનારાઓની સંખ્યા દિવસે દિવસે વધી રહી છે. એનાથી ચિંતિત થઈને યુરોપવાસીઓ ઘણા સમયથી ઇસ્લામનો વિરોધ કરવા ઉપરાંત વિવિધ રીતે ઇસ્લામને ટીકાનું નિશાન બનાવી રહયા છે. અલબત્ત એમાં તેઓ કદી સફળ નથી થયા અને ઉલટાનું ઇસ્લામ વધારે સ્વીકાર્ય બની રહયો છે. ઇસ્લામનો જેટલો વિરોધ કરવામાં આવે છે એનો એટલો જ લાભ ઇસ્લામનો મળી રહયો છે. ઇસ્લામ વિરોધી પ્રોપેગન્ડાના કારણે ઇસ્લામી નિતિ નિયમો અને જીવન પ્રણાલી બાબતે ચર્ચાઓ થાય છે, પરિણામે લોકો ઇસ્લામનો અભ્યાસ કરે છે અને પછી વાસ્તવિકતાથી પરિચિત થઈને ઇસ્લામ સ્વીકારે છે. ૯ - ૧૧ ની ઘટના પછી પણ આમ જ થયું હતું.  પશ્ચિમના લોકોએ આક્રમક રીતે ઇસ્લામ વિરોધ પ્રચાર કર્યો, જેનું પરિણામ એ આવ્યું કે આખા વિશ્વમાં ઇસ્લામ વિશે ચર્ચાઓ થવા લાગી અને અમેરિકા - યુરોપમાં તો ઇસ્લામની જાણકારી મેળવવી લોકોનો મુખ્ય શોખ બની ગયો. ઇતિહાસમાં પહેલીવાર ઘણી મોટી માત્રામાં કુરઆન અને ઇસ્લામી કિતાબો યુરોપના બજારોમાં વેચાયી. યુનિવર્સિર્ટીઓમાં ઇસ્લામ વિશે પી.એચ.ડી. કરનારાઓની લાઇન લાગી ગઈ. અનેક શૈક્ષાણિક સંસ્થાઓમાં ઇસ્લામિક સ્ટડીઝ સેન્ટર શરૂ કરવામાં આવ્યાં. અભ્યાસ અને સંશોધન પછી વિવિધ ક્ષોત્રોમાં કાબેલ ગણાતા અનેક વિદ્વાનોએ ઇસ્લામ સ્વીકાર કર્યો. આજે પણ સ્થિતિ એ છે કે ઇસ્લામ વિરોધી પ્રોપેગન્ડાના કારણે જ ઇસ્લામ અને મુહમ્મદ શબ્દ લોકો દ્વારા સૌથી વધુ સર્ચ કરવામાં આવે છે.
ઇસ્લામ એના પ્રથમ દિવસથી માનવતાને સન્માર્ગે ચાલવાની પ્રેરણા આપે છે. યુરોપ જ નહી, વિશ્વના દરેક પ્રદેશોમાં જ ઇસ્લામ આગવું આકર્ષણ ધરાવે છે. પરંતુ યુરોપના ઇસ્લામ દુશ્મનો દ્વારા ઇસ્લામ વિરોધી પ્રચારના કારણે યુરોપમાં ઇસ્લામ માટે વધારે યોગ્ય અને હકારાત્મક વાતાવરણ સર્જાય રહયું છે.
Office for National Statistics Non- ministerial government department U.K. ની રિપોર્ટ મુજબ બિ્રટનમાં મુસલમાનોની વસતી ૩૦ લાખથી વધારે છે. અને આવતા દસ વરસમાં બિ્રટનના અમુક વિસ્તારોમાં મુસ્લિમ બહુમતિવાળા બની જશે. ગત માસે પ્રકાશિત થયેલ એક રિપોર્ટ મુજબ આવતા વીસ વરસોમાં ઇસ્લામ યુરોપનો સૌથી મોટો ધર્મ હશે અને મસ્જિદોની સંખ્યા ચર્ચ કરતાં વધારે હશે. કુલ મળીને યુરોપમાં પર મીલીયન મુસલમાનો રહે છે અને અતિઝડપથી આ સંખ્યા વધી રહી છે. આ સંખ્યા ૧૦૪ મીલીયન સુધી પહોંચી શકે છે.
યુરોપમાં મુસલમાનોની વધતી સંખ્યાથી ડરીને યુરોપવાસીઓએ મુસલમાનો વિરુદ્ઘ સાંસ્કૃતિક યુદ્ઘ છેડી રાખ્યું છે. મુસલમાનો વિરુદ્ઘ નફરત ફેલાવવાની કોઈ તક તેઓ હાથમાંથી જવા દેવા માંગતા નથી. કદી કુરઆન વિરુદ્ઘ ચળવળ ચલાવવામાં આવે છેે. કદી મસ્જિદો ઉપર પાબંદી લગાવવાની માંગણી કરવામાં આવે છે. દાઢી અને પરદા વિશે કાયદા બનાવવામાં આવે છેે. અઝાન બંધ કરવાની માંગણી કરવામાં આવે છે. અમેરિકાની રાષ્ટ્રપતિની ચુંટણીમાં ઉમેદવારી નોંધાવનાર એક ઉમેદવાર તો અમેરિકામાં મુસલમાનોના પ્રવેશ ઉપર પ્રતિબંધ લગાવવાની માંગણી કરી રહયો છે. આમ છતાં ઇસ્લામના ફેલાવામાં કોઈ અવરોધ નથી આવ્યો. નબીએ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમના જન્મ મુબારક પહેલાં યમનના હાકેમ અબરહાએ કાબા બરબાદ કરવા માટે હાથીઓનું લશ્કર લઈને ચઢાઈ કરી હતી. અને અલ્લાહ તઆલાએ નાનકડા પક્ષાીઓ વડે એના ઘરનું રક્ષાણ કયુઁ હતું. આજે પણ શત્રુઓના અનેક પ્રયાસો છતાં ઇસ્લામ ફેલાય રહયો છે એ અલ્લાહ તઆલાનો જ એક ચમત્કાર છે.