Saturday, June 24, 2006

નમાઝ પઢવાની રીત

(1) નમાઝ વેળા માણસનું પૂરું શરીર કિબ્‍લા તરફ હોય એ આવશ્‍યક છે. પગોના પંજા અને આંગળીઓ પણ કિબ્‍લા તરફ હોય.

(2) હવે નિય્‍યત કરે.
નિય્‍યત દિલમાં કરવાની હોય છે. મોઢેથી બોલવું જરૂરી નથી, નમાઝ વેળા એટલું વિચારે કે હું ફલાણી (ફજર કે ઝોહર....) નમાઝ પઢું છું, તો આ નિય્‍યત થઇ ગઇ. નમાઝ ફરજ કે સુન્‍નત કે વાજિબ હોય તો એ પ્રમાણે નિય્‍યત કરે.
(3) હવે તકબીરે તહરીમા ( અલ્‍લાહુ અકબર ) કહેવાની સાથે હાથ કાનો સુધી ઉઠાવે. હથેળી કિબ્‍લા તરફ હોય, હાથ એટલા ઉંચા કરે કે અંગુઠા કાનો સુધી આવી જાય.

(4) ત્‍યાર પછી હાથ નીચે લાવી ડૂંટી નીચે બાંધી દે. જેની રીત આ છે કે જમણા હાથના અંગૂઠો અને છેલ્‍લી આંગળી એના વચ્‍ચે ડાબા હાથને પકડે અને વચ્‍ચેની ત્રણેવ આંગળીઓ ડાબા હાથની કાંડા પર મૂકી દે.

હવે બિલ્કુલ સીધા ઊભા રહે, આમ ઊભા રહેવાને ‘કિયામ‘ કહે છે. આ દરમિયાન આંખો સજદહની જગા સમક્ષ ઢાળેલી રાખવામાં આવે. બંધ ન કરવામાં આવે. અને બને ત્‍યાં સુધી હલન ચલન વગર શાંત ઊભા રહેવું આવશ્‍યક છે. યાદ રાખો તમે સર્વશક્તિમાન અલ્‍લાહ તઆલાના દરબારમાં ઊભા છો, અને તેના સમક્ષ ઊભા રહેવા માટે સંપૂર્ણ રીતે અદબ અને સ્‍વસ્‍થતા હોવી જરૂરી છે, કિયામમાં સૌપ્રથમ ‘ષના‘ દુઆ પઢે. ત્‍યાર પછી સૂરએ ફાતિહા ( અલ્‍હમ્‍દુલિલ્‍લાહિ... ) અને પછી કોઇ અન્‍ય સુરત અથવા કુર્આન શરીફની કોઇ પણ ત્રણ આયતો પઢે..
(5) કિયામ પછી હવે રુકૂઅ ..

કમરે થી વાંકા વળી
પીઠ બિલ્‍કૂલ સીધી,
આંખો અને મોઢું નીચું,
પગ ટટ્ટાર રાખી હાથના પંજા વડે ઘુંટણોને પકડી
અલ્‍લાહ સામે ઝૂકવાને રુકૂઅ કહે છે.

Tuesday, June 06, 2006

જિહાદ કે મહાભારત

ધર્મના નામે લડાઇ વિશ્વ માટે નવી વાત નથી, ધર્મ સ્‍વંય એક આદર્શ જીવન વ્‍યવસ્‍થાનું નામ છે, અને વિશ્વમાં બનતું આવ્‍યું છે કે ન્‍યાય અને ધર્મના મુકાબલામાં અન્‍યાય અને અત્‍યાચાર સામે આવ્‍યાં હોય, આવા સમયે ના છુટકે અધર્મ કે અધર્મીઓને નષ્‍ટ કરવા માટે લડાઇ કરવી પડે છે. આ જ લડાઇને આપણે ધર્મયુદ્ધ કહીએ કે જિહાદ ; એનો આશય તો નેક અને ન્‍યાય જ છે. ભારતવર્ષના ઇતિહાસમાં મહાભારતની અમર કથા આનું જ ઉદાહરણ છે અને એના દ્વારા આપણને અધર્મીઓ કે આસૂરી – શયતાની શકિતઓ સામે લડવાની પ્રેરણા મળે છે એ પણ સ્‍પષ્‍ટ છે.
ઉપરોક્ત વિષયના અનુસંધાનમાં અત્રે એક લેખ ‘ જિહાદ ‘ વિશે પ્રસ્‍તુત છે, મુળ આ લેખ મારી એક નાનકડી પુસ્તિકા ‘ કુર્આનની ૨૪ આયતો ‘ નો એક ભાગ છે. થોડા સમય પહેલાં અમુક લોકો તરફથી કુર્આનની ૨૪ આયતોને ટાંકીને એનો વિકૃત અર્થ ( અનર્થ) રજૂ કરી કુર્આન વિશે અઘટિત માંગણીઓ કરવામાં આવી હતી, તેના અનુસંધાનમાં કુર્આનની તે ૨૪ આયતોનો સાચો અર્થ અને વ્‍યાખ્‍યા સમજાવવા ખાતર એ પુસ્તિકા સંપાદન કરી લોકોમાં વહેંચવામાં આવી હતી.
જો કોઇ માણસ ઇચ્‍છે તો નીચેના સરનામેથી ફ્રી મંગાવી શકે છે, અત્રે સ્‍ટોક હશે તો મોકલવામાં આવશે, અથવા તમારી માંગણીને જમા રાખી જયારે પુસ્તિકા ફરીથી છપાશે ત્‍યારે મોકલવામાં આવશે , પાછલા ત્રણ વર્ષોમાં ત્રણ એડિશન ( પાંચ હઝાર પ્રત ) છપાય ચૂકયાં છે.

JAMIAH ULOOMUL QURAN , JAMBUSAR
AT & PO. JAMBUSAR. DIST BHARUCH
GUJARAT , 392150
INDIA, TEL : 91 2644 220786
E MAIL : jamia@satyam.net.im

આ પુસ્તિકા pdf ફાઇલ સ્‍વરૂપે સુવાસ ડાઉનલોડ સેન્‍ટર ઉપર પણ ઉપલબ્‍ધ છે. ત્‍યાંથી ડાઉનલોડ કરી શકાય છે.
જિહાદ કે મહાભારત

આજ કાલ જિહાદ શબ્‍દને ખૂબ વગોવવામાં આવી રહ્યો છે. અને ફકત શબ્‍દ જ નહી , ઇસ્‍લામી શરીઅતમાં જિહાદના આદેશ અને સ્‍થાનને પણ ખોટી રીતે જોવામાં આવી રહ્યાં છે. એટલો કાદવ કીચડ ઉછાડવામાં આવ્‍યો છે કે આ શબ્‍દ ગાળનો બીજો પર્યાય બની ગયો છે. અને ૧૧ સપ્‍ટેમ્‍બરના હુમલાઓ બાદ તો આંતકવાદ અને જિહાદને સમાનાર્થી શબ્‍દો સમજી લેવામાં આવ્‍યા છે. આંતર રાષ્‍ટ્રીય પ્રચાર માધ્‍યમો આજકાલ ઇસ્‍લામના જન્‍મજાત શત્રુઓ ( ઈસાઈઓ-યહૂદીઓ)ના પ્રભુત્‍વ હેઠળ છે , જેમનો પ્રથમ અને છેલ્‍લો પ્રયાસ એ જ રહે છે કે કોઇ પણ રીતે ઇસ્‍લામની નિર્મળ અને પવિત્ર માન્‍યતાઓ , જીવનમંત્રો , માર્ગદર્શનો , અને આચાર વિચાર સંબંધી સ્‍પષ્‍ટ નિર્દેશનોને વિશ્વ સમક્ષ આવતા રોકવામાં આવે . ઉપરાંત આ ઇસ્‍લામ વિશે ભ્રામકતાઓ પ્રસરાવા માટે પણ બનતા બધા જ પ્રયત્‍નો કરવામાં આવે છે. આજકાલ ગ્‍લોબલ વિશ્વમાં તો લગાતાર ઇસ્‍લામ અને મુસલમાનોને ભૂંડા ચીતરતી ફિલ્‍મો , નવલકથાઓ અને નેતાઓના જોરદાર ભાષણો દ્વારા આ કાર્ય અંજામ આપવામાં આવી રહ્યું છે.
જિહાદ શબ્‍દ અરબીના ‘જ-હ-દ‘ પરથી બન્યો છે. જેનો શાબ્દિક અર્થ છે , મહેનત , પ્રયાસ અને કોશિશ . અને ઇસ્‍લામી પરિભાષામાં જિહાદ (જેહાદ) નો અર્થ છે , અલ્‍લાહ ખાતર , ધર્મની સ્‍થાપના અને દઢ્તા ખાતર વ્‍યક્તિગત મર્યાદામાં રહી કે એથી આગળ વધી સમાજ કે પ્રદેશ સુધી કે એનાથી પણ વિસ્‍તરી વધુ આગળ સુધી પ્રયાસ કરવો. તેમજ જરૂર પડે તો શક્તિ , સામર્થ્‍ય અને બળનો પ્રયોગ કરવો. માટે જ મનને કેળવવા અને તેના પર કાબૂ મેળવવાને ‘ જિહાદે અકબર ‘ (શ્રેષ્‍ઠ ‍િજહાદ) કહેવામાં આવ્‍યું છે. (હદીસ)
વધુ સ્પષ્ટ રીતે કહીએ તો જિહાદ મુસલમાનોની એક સામુહિક ફરજ અને ઇબાદત છે, અને ઇબાદત સ્‍વરૂપે એને બજાવવામાં ધર્મ, કોમ અને સમાજહિતના બધા જ કાર્યો ચાહે તે બહુ લક્ષી હોય કે ધ્‍યેય આધારિત હોય જેમ કે શત્રુ હત્‍યા વગેરે જે હોય તે , એમાં શામેલ છે.
એટલે કે જિહાદ ફકત લડાઇ કે યુદ્ધનું જ નામ નથી. બલકે સમાજ, કોમ, મિલ્‍લતના વિકાસ અને રક્ષા કાજે કરવામાં આવતા દરેક પ્રયાસો જિહાદ કહેવાય. શિક્ષણ મેળવવું , સાર્વજનિક સેવાના કાર્યો કરવા, ધર્મ કાજ સંપત્તિ ખર્ચ કરવી, અત્‍યાચારી સત્તાધીશ સામે છાતી ઠોકી સત્‍યોચ્‍ચાર કરવો, અને જરૂર પડયે લડાઇ કરવી ; આ બધું જ જિહાદ કહેવાશે.
ઉપરોક વિગત દર્શાવે છે કે ધર્મકાજેની મહેનતનું નામ જિહાદ છે અને લડાઇ એનો એક ભાગ છે.

જિહાદ એટલે લડાઇ યુદ્ધ

યાદ રાખવું જોઇએ કે ઇસ્‍લામી પરિભાષામાં જ્યારે ‍િજહાદ શબ્‍દ પ્રયોજવામાં આવે અને તેના આગળ પાછળ અન્‍ય કોઇ અર્થ નકકી કરતી ચર્ચા ન હોય તો આ શબ્‍દ ફક્ત અને ફક્ત લડાઇ અને યુદ્ધ માટે જ વપરાય છે. (જસ્‍ટીસ તકી ઉસ્‍માની , તકમિલહ ફત્‍હુલ મુલ્હિમ ૩/૪)
આ જ લડાઇના અર્થમાં જિહાદ રક્ષણાત્‍મક અને આક્રમક બન્‍ને પ્રકારના યુદ્ધ માટે વપરાય છે. ઇસ્‍લામી દ્રષ્ટિએ બન્‍ને પ્રકારે યુદ્ધ અવસર પ્રમાણે ધાર્મિક ફરજ છે. જેમ વતનની રક્ષા કાજે અવસર પ્રમાણે રક્ષણાત્‍મક અને આક્રમક બન્‍ને પ્રકારની લડાઇ વતનવાસીઓની ફરજ છે.
જિહાદ સંબંધી બીજી એક સ્‍પષ્‍ટતા એ કરવાની છે કે ઇસ્‍લામમાં જિહાદનો મુખ્‍ય ધ્‍યેય સત્‍ય સ્‍થાપના, અત્‍યાચારનો ખાતમો અને અલ્‍લાહના આદેશોને સર્વોપરી બનાવવાનો છે , ફક્ત પ્રદેશો જીતવા , માલ સંપત્તિ મેળવવા , શોર્ય પ્રદર્શન અને નામના મેળવવા કે જૂથવાદ ખાતર લડવાનું નામ જિહાદ નથી. તેનો અર્થ એવો પણ નથી કે સત્‍ય સ્‍થાપનાના નામ પર, અલ્‍લાહના આદેશોને સર્વોપરિ બનાવવાના બહાને લોકોની ધાર્મિક સ્‍વતંત્રતા છીનવી લેવામાં આવે . બલકે ઇસ્‍લામી શાસનની ધૂરા સંભાળતા સત્તાધીશો પર જરૂરી છે કે દરેકને તેની મરજી પ્રમાણે ધર્મ પાળવાની છૂટ આપે.

અન્‍ય ધર્મીઓ મુસલમાનની નજરે એકેશ્વરવાદ ( તવહીદ) અને મહઝરત મુહંમદ સાહેબ ( સલ્‍લલ્‍લાહુ અલયહિ વ સલ્‍લમ)ને પયગંબર માની એમનું અનુસરણ ન કરવાના કારણે મુસલમાન નથી, આવા લોકો જો અલ્‍લાહ સિવાય અન્‍ય માબૂદોને પૂજતા હોય તો એમને કાફિર – મુશરિક કહેવાય છે. અને એમના અલ્‍લાહ સિવાય અન્‍યોને પૂજવાને શિર્ક કહેવામાં આવે છે.
શિર્ક એટલે કે અલ્‍લાહ સિવાય અન્‍યોને અલ્‍લાહના સમકક્ષ ( સંપૂર્ણ કે આશિંક રીતે ) ગણી એની ઇબાદત કરવી , પૂજા કરવી , એ ઇસ્‍લામી દ્રષ્ટિએ ભયંકર ગુનો અને અક્ષમ્‍ય અપરાધ છે. આ અપરાધ માણસનો વ્‍યક્તિગત હોય ઇસ્‍લામી સત્તા કે કે મુસલમાન હાકેમ કોઇ માનવીને એ છોડવા ઉપર મજબૂર કરી શકશે નહિં. બીજું કે આ અપરાધ ધર્મ સંબંધી હોય એની શિક્ષા અલ્‍લાહ તઆલા પોતે જ આખિરતમાં આપશે, દુનિયામાં મુસલમાને એ માટે અલ્‍લાહ તઆલાએ કંઇ કરવાનો અધિકાર નથી આપ્‍યો.
પરંતુ અત્‍યાચાર, અન્‍યાય ભેદભાવ , અસલામતી , ખૂનામરકી, સામાજિક દુષણો, કુરિવાજો, અને બહુ નુકસાનકારક પ્રણાલીકાઓ જે ઇસ્‍લામના વિચારબિંદુ સાથે મેળ ન ખાતી હોય ,તે જરૂર અક્ષમ્‍ય અને અસ્‍વીકાર્ય છે, અને શકિત પ્રાપ્‍ત થતાં તેને નષ્‍ટ કરવાના પ્રયત્‍નો કરવા આવશ્‍યક છે.
આ જ વાત કુર્આનમાં અલ્‍લાહ ફરમાવે છે ,
આ તો લોકો છે, જેમને અમે ધરતી પર સામથ્‍ય આપીએ છીએ તો નમાઝ (ની પ્રથા ) સ્‍થાપે છે, ઝકાત આપે છે, તેમજ લોકોને સત્‍કર્મોનો આદેશ આપે છે, અને કુકર્મોથી રોકે છે.

હઝરત મવલાના ઇદરીસ કાંધલવી (રહ.) લખે છે ,
‘‘ઇસ્‍લામ તેના શત્રુઓના અસ્તિત્‍વ માત્રનો વિરોધી કદાપિ નથી, બલકે શત્રુની એવી શકિતનો વિરોધી છે, જે ઇસ્‍લામ કે મુસલમાનો માટે જોખમરૂપ હોય.

આધુનિક વિશ્વના બધા જ દેશો સ્‍વીકારે છે કે પ્રાણ સંપત્તિ , આબરૂ અને સ્‍વબચાવ ખાતર લડવું માનવીનો બુનિયાદી અધિકાર છે, પરંતુ કોણ જાણે કેમ મુસલમાનો માટે આ અધિકાર સ્‍વીકારવામાં કંજુસાઇ કરવામાં આવે છે. ..... ઇસ્‍લામી જિહાદનો આશય એ છે કે સચ્‍ચાઇ, ન્‍યાય અને સમાનતા વિશ્વમાં સર્વોપરી રહે, સ્‍વાર્થી નેતાઓ કે પક્ષો વિશ્વશાંતિને ખલેલ ન પહોંચાડે.‘‘ ( સીરતે મુસ્‍તફા , ર/ ર૬-ર૭ )

જિહાદ કેવી પરિસ્થિતિમાં ?

હઝરત મુહંમદ પયગંબર સાહેબ સલ્‍લલ્‍લાહુ અલયહિ વ સલ્‍લમના જીવનમાંથી બોધ ગ્રહણ કરી મુસ્લિમ વિદ્વાનોએ ચાર વિવિધ સંજોગો દર્શાવ્‍યા છે, જે શકયતઃ માનવીના જીવનમાં ઉદભવી શકે છે.
(૧) કોઇ સ્‍થાને મુસલમાનો અત્‍યંત નિર્બળ હોય, શત્રુના અત્‍યાચારથી બચવાની શકિત અને પ્રતિકાર માટે સમર્થ ન હોય, સર્વ સત્તા અને આધિપત્‍ય અન્‍યોના હાથમાં હોય, તો આવી પરિસ્થિતિમાં સબર કરી ત્‍યાં જ રહેવા અથવા ત્‍યાંથી હિજરત કરી અન્‍ય સ્‍થળે ચાલ્‍યા જવું જોઇએ. આવી સ્થિતિમાં જિહાદ- લડાઇનો આદેશ નથી, પયગંબર મુહંમદ સલ્‍લલ્‍લાહુ અલયહિ વ સલ્‍લમ જયાં સુધી મક્કામાં હતા, આપને જિહાદનો આદેશ ન આપતાં સબર અને ક્ષમાની શીખ આપવામાં આવી છે.
(ર) જયાં મુસલમાનો કંઇક શક્તિ ધરાવતા હોય, અને એવી સ્થિતિમાં હોય કે શત્રુનો પ્રતિકાર કરી એના અત્‍યાચારનો બદલો લઇ શકે , અથવા પૂર્વ તૈયારી રૂપે એના જોખમથી રક્ષણ મેળવી શકતા હોય તો સમય અને પરિસ્થિતિ પ્રમાણે અત્‍યાચારીઓ – શત્રુઓની ઘેરાબંદી અને એમને ક્ષતિ-હાનિ પહોંચાડવાની છૂટ છે. પરંતુ આવું કરવું આવશ્‍યક કે જરૂરી નહિ, બલકે જાઇઝ એટલે કરી શકાય છે.
જેમ કે મકકા થી હિજરત કર્યા બાદ મદીનામાં સ્‍થાયી થઇ આપ સલ્‍લલ્‍લાહુ અલયહિ વ સલ્‍લમે કાફિરોથી લડવાનું શરૂ કર્યું, જિહાદનો આ પ્રા‍રભિક દોર કહી શકાય.
(૩) મુસલમાનો એક શકિતનું કેન્‍દ્ર બની જાય અને જો કોઇ એમના પર અત્‍યાચાર કરે, અન્‍યાયથી વર્તે, તો મુસલમાનોએ શકિત મુજબ શત્રુનો પ્રતિકાર અને અત્‍યાચારને ખતમ-નષ્‍ટ કરવા મેદાનમાં આવવું ફરજ છે. આને જ આપણે રક્ષણાત્‍મક જિહાદ કહીશું.
(૪) જયાં મુસલમાનોને સ્‍પષ્‍ટ સત્તા – શાસન પ્રાપ્‍ત હોય, ત્‍યાં ઇસ્‍લામી સત્તાને દઢ બનાવવા અને કાફિરો – અધર્મીઓની અત્‍યાચારયુક્ત વ્‍યવસ્‍થા તોડવાના ભરપૂર પ્રયાસ કરવામાં આવશે. આવી પરિસ્થિતિમાં શત્રુ તેના ધર્મ પર અડગ રહીને જ ઇસ્લામી શાસન હેઠળ વ્યક્તિગત રીતે અથવા સંધિ કરી સરકારી રાહે જજિયાવેરો આપે, અથવા સમાનતાના ધોરણે ના યુદ્ધના કરાર કરવામાં આવશે.
પરંતુ યાદ રાખવું જોઇએ કે આ પ્રકારના જિહાદનો આદેશ લોકોને બળાત્‍કારે મુસલમાન બનાવવા માટે નથી, બલકે તેનો આશય અલ્‍લાહની જમીન પર અલ્‍લાહના આદશો અને વ્‍યવસ્‍થાની સ્‍થાપના કરવી છે.
હદીસ શરીફમાં છે , જો કોઇ મુસલમાન ઇસ્‍લામી દેશમાં રહેતા કાફિરની વાંક ગુના વગર હત્‍યા કરશે તો ચાલીસ વરસના અંતરથી આવતી સ્‍વર્ગની સુગંધથી પણ તે વંચિત રહેશે. (મિશ્‍કાત , ૨૯૯) ઉપરાંત આવા હત્‍યારાને પણ બદલામાં કતલ કરી દેવામાં આવશે.
એક સ્‍પષ્‍ટતા
જિહાદના આશય , ધ્‍યેય અને ઉદ્દેશ સંબધી ઉપરની વિગત ઇસ્‍લામના આરંભેથી જ મુસ્લિમ વિદ્વાનોમાં સર્વસ્‍વીકાર્ય ચાલતી આવી છે, પરંતુ હવે આ છેલ્‍લી ચૌદમી સદીમાં ઘણા લોકો પશ્ચિમની વિચારધારાથી પ્રભાવિત થઇ જિહાદ વિશેના તેમના અપ્રચાર અને પ્રોપેગન્‍ડાથી અંજાયને કહે છે કે જિહાદ ફકત રક્ષણાત્‍મક ‍લડાઇનું જ નામ છે. જે સદતર ખોટું, અવાસ્‍તવિક અને ઇસ્‍લામી માન્‍યતાઓથી વિપરીત છે. યુરોપ અને પશ્ચિમના જે દશોના માનવાધિકારો સંબંધી હોબાળાથી અંજાયને લોકો આ પ્રમાણે કહેતા હતા અથવા હજુ કહે છે તેમને ધીરે ધીરે સમજાવા માંડયું છે કે માનવાધિકાર, પ્રથમ આક્રમણ ન કરવાની પ્રતિજ્ઞા, ફકત સ્‍વબચાવ, વગેરે વાતો સગવડિયા નિયમોનું નામ છે. આજે એ જ યુરોપ અને પ‍શ્ચિમના રાષ્‍ટ્રો ફક્ત માલ, સંપત્તિ, વેપાર અને આર્થિક લાભો સામે રાખી ગરીબ દેશોને કરજમાં ડુબાડે છે, અથવા અંદરો અંદર લડાવે છે, કાં સ્વયં આક્રમણ કરી પોતાનો ઉલ્‍લુ સીધો કરે છે, આજની વૈશ્વિક પરિસ્થિતિ જોતાં કોઇને હવે શંકા ન રહેવી જોઇએ કે સ્‍વબચાવ ખાતર રક્ષણાત્‍મક કે આક્રમક જે રીતે પણ થઇ શકે , લડવું એ કોઇ પણ દેશ, સમાજ, વ્‍યકિતનો બુનિયાદી અધિકાર છે.

જિહાદનો આશય લોકોને પરાણે મુસલમાન બનાવવું નથી,

જિહાદ લોકોને પરાણે મુસલમાન બનાવવા માટે નથી, બલકે ઇસ્‍લામની પ્રતિષ્‍ઠા અને સન્‍માનની સ્‍થાપના માટે છે. પરાણે કે બળાત્‍કારે સ્‍વીકારેલો ઇસ્‍લામ સ્‍વીકાર્ય પણ નથી. બાહ્ય રીતે ઇસ્‍લામ દર્શાવનાર અને અંતરથી નહિ સ્‍વીકારનારને મુસલમાન નહિ, મુનાફિક કહેવામાં આવે છે. માટે લોકો પર પરાણે ઇસ્‍લામી ઠોકી બેસાડવાનો કોઇ અર્થ નથી, ઇસ્‍લામમાં અન્‍ય ધર્મીઓથી જજિયાવેરો વસૂલ કરવો અને એમના સાથે સુલેહ સંધિ કરવાના આદેશો અન નિતી નિયમો પણ સ્‍પષ્‍ટ કરે છે કે ઇસ્‍લામ અન્‍યધર્મીઓના સહઅસ્તિત્‍વને સ્‍વીકારે છે.
કર્આનમાં અલ્‍લાહ તઆલા ફરમાવે છે,

જો અલ્‍લાહ ઈચ્‍છત તો ધરતી પર બધા જ ઇમાન લઇ આવત. ( મુસલમાન બની જાત.) શું તમે લોકો પર દબાણ કરશો કે તેઓ મોમિન-મુસલમાન બની જવાય ? ( સૂરએ યૂનુસ ૯૯)

જે ઇચ્‍છે તે ઇમાન લાવે અને જે ચાહે તે કુફ્ર કરે . ( સૂરએ કહફ ૨૯)
દીન ( ધર્મ )ના વિશે બળજબરી નથી, કારણ કે હિદાયત પોતે જ ગુમરાહીથી નોખી તરી આવે છે. (સૂરએ બકરહ ર૫૬)