Tuesday, October 29, 2013

રસૂલ અને નબી...... ઇસ્લામી અકીદો અને માન્યતા

અલ્લાહ તઆલા તરફથી હઝરત આદમ અલૈ.થી લઈને હઝરત મુહમ્મદ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ સુધી સમયાંતરે, લોકોની હિદાયત અને માર્ગદર્શન માટે સમયાંતરે લોકોમાંથી જ વિશેષ સ્વરૂપે પસંદ કરીને એના વિશેષ બંદાઓને લોકો વચ્ચે મોકલવામાં આવ્યા. આવા લોકોને નબી અને રસૂલ કહેવામાં આવે છે.
અલ્લાહના જે બંદાને એમની કોમ માટે વિશેષ શરીઅત અને કિતાબ આપવામાં આવી હોય એને 'રસૂલ' અને 'નબી' બન્ને કહેવામાં આવે છે. અને જે વિશેષ બંદાને લોકોની હિદાયત માટે નક્કી કરવાની સાથે વિશેષ શરીઅત અને કિતાબ ન આપવામાં આવી હોય, અને તેઓ એમના પૂર્વેના રસૂલની શરીઅતના તાબેદાર અને એ મુજબ લોકોની હિદાયત માટે મોકલવામાં આવ્યા હોય, એમને ફક્તત 'નબી' કહેવામાં આવે છે.
નબી એટલે કે, અલ્લાહ તરફથી લોકો તરફ મોકલવામાં આવેલ એવા માણસ, જેની ફરમાબરદારી દરેક માણસ માટે જરૂરી હોય છે. નબીને અલ્લાહ તઆલા પોતાના વિશેષ્ા બંદા અને પયગંબર - સંદેશવાહક બનાવીને અન્ય લોકો કરતાં ઉચ્ચ સ્થાન અને બુલંદ મરતબાથી નવાઝે છે.
નબી દરેક પ્રકારના ગુનાહોથી પવિત્ર હોય છે. એટલે કે તેઓ નાના મોટા (સગીરહ - કબીરહ) કોઈ પણ પ્રકારના ગુના કરતા નથી.
અલ્લાહ તઆલા તરફથી જે મુજબ હુકમ કરવામાં આવે છે, અને જે વાત લોકો સુધી પહોંચાડવાનો આદેશ કરવામાં આવે છે, તેઓ પૂર્ણ રીતે એ જવાબદારી પૂરી કરે છે. તેઓ કોઈ વાત રહેવા દે કે ભૂલી જાય કે છુપાવી રાખે એ શકય નથી.
અલ્લાહના નબીઓ હમેંશા પુરૂષ્ા જ હોય છે, સ્ત્રી નહિ. અને જે માણસ માનવજાતિ માટે નબી હોય છે એ જ વ્યકિત જિન્નાતો માટે પણ નબી હોય છે.
નબી હોવું, અલ્લાહ તઆલાનું વિશેષ ઇનામ અને પસંદગી છે. કોઈ માણસ ઇબાદત, બંદગી કે નેકીઓમાં મહેનત કરીને આ સ્થાન મેળવી શકતો નથી. અલ્લાહ તઆલા જેને ઇચ્છે છે એને જ નુબુવ્વત અર્પણ ફરમાવે છે.
હઝરત આદમ અલૈ. સૌથી પહેલા નબી છે અને હઝરત રસૂલે કરીમ મુહમ્મદ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ છેલ્લા નબી છે. અલ્લાહ તઆલા દુનિયામાં વિવિધ સમયે લોકોના માર્ગદર્શન અને હિદાયત માટે કેટલાયે નબીઓ મોકલ્યા. અલબત્ત એ બધાની કુલ સંખ્યા કોઈને ખબર નથી. અમુક રિવાયતોમાં એક લાખ ચોવીસ હઝાર, અમુક રિવાયતોમાં એક લાખ ચોંસઠ હઝાર અને અમુક રિવાયતોમાં બે લાખ ચોવીસ હઝારની સંખ્યાનો ઉલ્લેખ આવ્યો છે. સ્પષ્ટ છે કે આ બાબતે કોઈ સંખ્યા નક્કી નથી.
જેમના નબી હોવાનું વર્ણન કુર્આન અને હદીસમાં સ્પષ્ટ રૂપે આવ્યું છે, એ બધાને નબી માનવું મુસલમાન માટે જરૂરી છે. એટલે કે,
જે કોઈને, આગલા ગમે તે ઝમાનામાં અલ્લાહ તઆલા તરફથી નબી બનાવામાં આવ્યા હોય, એ છેલ્લે સુધી, એમના મૃત્યુ પછી પણ નબી જ ગણાશે. માટે એમના નબી હોવાનો ઇન્કાર ન કરવામાં આવે. હા, છેલ્લા નબી, રસૂલે કરીમ હઝરત મુહમ્મદ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમના આગમન પછી આગલા નબીઓની શરીઅતના સ્થાને નબીએ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમે બતાવેલ આદેશો અને શરીઅતને માનવી અને એના ઉપર અમલ કરવો જરૂરી છે.
મુસલમાન માટે જરૂરી છે કે હઝરત મુહમ્મદ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમને અલ્લાહના અંતિમ નબી માનવાની સાથોસાથ અન્ય તમામ નબીઓને પણ નબી માને. જે નબીઓ - રસૂલો વિશે નામ સહિત નબી - રસૂલ હોવાનું વર્ણન કુરઆન - હદીસમાં છે એમને પણ અને જેમના નામોની ખબર નથી એમના વિશે પણ અકીદો રાખે કે તેઓ નબી અને રસૂલ છે. કોઈના વિશે એવું માનવું કે તે અલ્લાહના નબી - રસૂલ નથી, એ કુફ્ર છે.
આ જ પ્રમાણે જેમના નબી - રસૂલ હોવાનું નામ સાથે વર્ણન છે, એમના સિવાય કોઈ બીજા માણસને, કોઈ શરઈ દલીલ વગર, નબી કે રસૂલ માનવું પણ ખોટું છે. અન્ય ધર્મના આગલા મહાપુરૂષ્ાોને નક્કી સ્વરૂપે નબી માનવા ખોટું છે. અને એમના નબીહોવાનો સ્પષ્ટ ઇન્કાર પણ ખોટો છે. એવું માની શકાય કે, જો એમની તાલીમ, એમના આદર્શ જીવનચરિત્ર વગેરે આપણી સામે મોજૂદ અન્ય આસમાની ધમર્ોના વિરુદ્ઘ નથી, અને એમના મારફત લોકોને મોટી સંખ્યામાં હિદાયતની રાહ મળી છે, તો શક્તય છે કે તેઓ નબી હોય.
અને હઝરત મુહમ્મદ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ સઘળા નબીઓના સરદાર છે. અલ્લાહ તઆલાના દરબારમાં દરેક નબી અને રસૂલનું એના મરતબા મુજબ ઉચ્ચ સ્થાન છે. પરંતુ કોઈ નબીની મહાનતા અને બુલંદ મરતબાનું એવી રીતે વર્ણવવું કે સમજવું, જેનાથી બીજા નબીઓ અને રસૂલોની શાનમાં ગુસ્તાખી થાય, અથવા નબીઓને સામ - સામે મૂકીને એકની કોતાહી અને બીજાની ફઝીલત વર્ણવવી ખોટું છે. કુરઆનમાં એની મનાઈ આવેલી છે.

છેલ્લી ક્રુસેડ

ઉર્દૂમાં સલીબી જંગ, અંગ્રેજીમાં ક્રુસેડ (Crusades)નો અર્થ ગુજરાતીમાં ઘણીવાર ધર્મયુદ્ઘ કરવામાં આવે છે. વાસ્તવિક રીતે આ અર્થ ઘણો ખોટો અને (ક્રુસેડ) શબ્દ દ્વારા વ્યકત કરવામાં આવતા અર્થને ફેરવીને બીજી તરફ વાળી દે છે. સલીબી જંગ કે ક્રુસેડ એવી લડાઈને કહેવામાં આવે છે જે ધર્મના નામે ઇસાઈ પાદરીઓ દ્વારા શરૂ કરવામાં આવી હોય. વધુ પડતી આવી લડાઈઓ ઇસાઈઓ દ્વારા મુસલમાનો વિરુદ્ઘ જ લડવામાં આવી છે. વર્તમાન ઇતિહાસમાં ઇસ્વીસન ૧૦૯પ થી ૧ર૯૧ સુધી લડવામાં આવેલ મુસ્લિમ વિરોધી લડાઈઓને ક્રુસેડ કહેવામાં આવે છે. ઈસાઈ પાદરીઓ અને એમના સમર્થક રાજાઓ દ્વારા બયતુલમુકદ્દસ (જેરૂસલમ)ને મુસલમાનોના કબ્જામાંથી પાછું લેવાના નામે આ લડાઈઓ શરૂ કરવામાં આવી હતી.
બયતુલ મુકદ્દસ અથવા જેરૂસલમના નામે લડાયેલ આ લડાઈઓ ઉપરાંત પણ બીજું અમુક યુદ્ઘો આ શ્રેણીમાં આવે છે. ચાહે ઇતિહાસકારો એને પારિભાષિક રીતે ક્રુસેડનું નામ ન આપતા હોય.
અલબત્ત આ નામે ઘણા રાજાઓએ મુળ આશય છોડીને અન્ય હીન પ્રવૃતિઓ પણ આચરી હતી. યુરોપમાંથી યુવાનો, સ્ત્રીઓ, બાળકો વગેરેને ભરીને બીજા દેશોમાં ગુલામ તરીકે વેચી દેવામાં આવતા હતા. કોઈ શત્રુને વેર વાળવા કે એને દૂર કરી દેવા યુદ્ઘમાં મોકલી દેવામાં આવતો હતો. લશ્કરના કુચ દરમિયાન વચ્ચે આવતા યહૂદીઓની સરેઆમ કતલ કરવી અને લૂટમાર ઈસાઈઓ માટે સામાન્ય બાબત હતી. આવી રીતે યહૂદી શત્રુનો ખાતમો પણ ઈસાઈઓ કરી લીધો.
આ શ્રેણીનું છેલ્લું યુદ્ઘ ૧૩૯૬ ઇ.સ. રપ સપ્ટેમ્બરના રોજ બલ્ગારીયામાં લડાયું. એકતરફ ફ્રાંન્સ, જર્મની, હંગરી, બલ્ગારીયા, વીનસ, રોમન એમ્પાયર સહિત મોટાભાગના યુરોપીય દેશોની સેના હતી, જેમનો મકસદ યુરોપ ખંડમાં તુર્કો - ઉસ્માની સલતનતના આગળ વધતા પ્રભાવને રોકવો હતો. સામે બાજુ ઉસ્માની ખિલાફત એટલે કે તુર્કો હતા.
પોપ બેનીફેસ-૯ (Pope Boniface IX) દ્વારા ઇસ્લામી ખિલાફતના બાદશાહો એટલે કે તુર્કો વિરુદ્ઘ જાહેર કરવામાં આવેલ આ લડાઈ બલ્ગારીયાના નિકોલસ (Nicopolis) સ્થળે લડાયી હતી.
ઇતિહાસમાં આ લડાઈનું ઘણું મહત્વ છે. એટલા માટે કે એના થકી ધર્મના નામે યુદ્ઘ ભડકાવનારા ઈસાઈ પાદરીઓ અને રાજાઓને કારમી હારનો એવો બોધપાઠ મળ્યો હતો કે ત્યાર પછી ક્રુસેડનો સિલસિલો જ બંધ થઈ ગયો. ઉસ્માની ખિલાફત અથવા તુર્કીના મુસ્લિમ રાજાઓનો દબદબો યુરોપ ઉપર છવાય ગયો, અને તુર્ક મુસ્લિમ રાજાઓ - ખલીફાઓને શાંતિથી એમની કલ્યાણકારી યોજનાઓ પાર પાડવાનો અવસર સાંપડયો.
આ લડાઈમાં તુર્ક અને મુસલમાનોની સેનાની કમાન સુલતાન બાયઝીદના હાથમાં હતી. સુલતાન ઘણો બહાદૂર હોવા ઉપરાંત તીવ્ર ગતિથી દુશ્મનના માથે પહોંચી જવામાં પ્રખ્યાત હતો. આ જ કારણે તુર્ક ભાષામાં એમને 'યલદરમ' એટલે કે 'વીજળીની ચમક'નો ઇલ્કાબ આપવામાં આવ્યો હતો. આરંભે બાયઝીદ શરાબી હતો. એની પૂર્વર્ના ઉસ્માની અને તુર્ક રાજાઓ નેક અને દીનદાર હતા. અલબત્ત જયારે એણે યુરોપની મુસ્લિમ શત્રુતા જોયી તો તોબા કરી લીધી અને મન્નત માની કે અલ્લાહ તઆલા આ લડાઈમાં ફતેહ આપશે તો પોતાના તાબાના પ્રદેશમાં અનેક મસ્જિદો પણ બનાવશે.
લડાઈના મેદાનમાં તુર્ક મુસલમાન સેનાની સંખ્યા ૬૦ હઝાર હતી અને યુરોપની ઈસાઈઓ પાસે એકલાખ ત્રીસ હઝાર સૈનિકોનું સૈન્યબળ હતું. પરંતુ બાયઝીદે કંઈક એવો પેંતરો રચ્યો કે ફ્રેંન્ચ સેના ઉતાવળ કરી બેઠી અને તેઓ બાયઝીદના ઘેરામાં આવી ગયા. પરિણામે એટલું મોટું નુકસાન ઉઠાવવું પડયું કે ફરી પાછા હોશ સંભાળીને લડાઈના મેદાનમાં આવી શકયા જ નહી.
આ ફતેહના કારણે બાયઝીદ અને તુકર્ોનો ડંકો વાગી ગયો. આ ફતેહના કારણે જ બાયઝીદને 'સુલતાન'નો ઇલ્કાબ આપવામાં આવ્યો અને ત્યાર પછીથી ઉસ્માની રાજાઓ સુલતાન કહેવાયા.
લડાઈ પૂરી થયા પછી સુલતાન બાયઝીદે વાયદા મુજબ રાજધાની 'બુરસા'માં એક આલીશાન મસ્જિદ બનાવી. ઓલો જામેઅ મસ્જિદના નામે ઓળખાતી આ મસ્જિદ ઉસ્માની સ્થાપત્ય કળાનો સુંદર નમૂનો છે. આજે પણ આ મસ્જિદ એ જ સુંદરતા અને આકર્ષણ સાથે મોજૂદ છે. ર૦ ગુંબદ, બે ઊંચા મિનારાઓ અને અંદરની દીવારો ઉપર આયતો અને ફૂલોનું સુંદર કોતરણી કામ આ મસ્જિદની વિશેષતા અને આકર્ષણનું કેન્દ્ર છે.
આ લડાઈમાં ઈસાઈઓની સંયુક્તત સેનાની હાર ઘણી જ કારમી અને નુકસાદાયક હતી. ત્યાર પછી કેટલાયે વરસો સુધી ફરી પાછા તેઓ તુર્કો સામે આંખ ઉઠાવવાની હિંમત કરી શકયા નહી. આ લડાઈના થોડા વરસો પછી તૈમુરલંગ સામે બાયઝીદની હાર થઈ, છતાં એમની હિંમત ન હતી કે ફરી પાછા તૈયારી કરીને તુર્કો  સામે આવે અને આગળ વધે. ઈસાઈઓ શત્રુની આવી પીછેહઠ અને માનસિક રીતે ભાંગી પડવાનો લાભ ઉઠાવીને તુકર્ોએ તૈમૂરલંગ સામે હારીને પણ પોતાની તૈયારી ચાલુ રાખી અને થોડા વરસો પછી બાયઝીદના પુત્ર મુહમ્મદ પહેલાએ ફરી પાછી આગેકુચ કરી અને ઉસ્માનીઓનો પ્રભાવ આખા પ્રદેશ ઉપર પાછો સ્થાપિત કરી દીધો.