Saturday, September 28, 2013

હઝરત અબ્દુલ્લાહ બિન અમ્ર બિન આસ રદિ.ની ભેગી કરેલ હદીસો

હઝરત અબ્દુલ્લાહ બિન અમ્ર બિન આસ રદિ.ની ભેગી કરેલ હદીસો
હઝરત અબ્દુલ્લાહ બિન અમ્ર બિન આસ રદિ. ફરમાવે છે કે,
મેં એકવાર નબીએ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમને અરજ કરી કે હું તમારી હદીસો રિવાયત કરવા ચાહું છું. માટે જો તમે રજા આપો તો હું દિલથી યાદ કરવા ઉપરાંત હાથથી લખીને આ કાર્ય અંજામ આપું ? આપ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમે ફરમાવ્યું કે, મારી વાતો હોય તો તમે એના માટે દિલથી યાદ કરવા ઉપરાંત હાથની મદદ પણ લઈ શકો છો. (દારમી)
અબૂદાઉદ શરીફમાં રિવાયત છે, હઝરત અબ્દુલ્લાહ બિન અમ્ર બિન આસ રદિ. ફરમાવે છે કે હું નબીએ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમની જેટલી વાતો સાંભળતો એ બધી લખી લેતો હતો. મારો મકસદ એ વાતોને યાદ રાખવાનો હતો.
મને કુરૈશના લોકોએ રોકયો કે તમે નબીએ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમની બધી જ વાતો લખી લ્યો છો, (એ યોગ્ય નથી) નબીએ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ તો માણસ છે. અન્ય માણસોની જેમ એમને પણ ગુસ્સો આવે છે. (શકય છે કે ગુસ્સામાં કોઈ અયોગ્ય વાત પણ બોલતા હોય). મેં કુરૈશની આ વાત નબીએ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ સમક્ષા રજૂ કરી તો આપ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમે પોતાના હોંઠ તરફ ઇશારો કરીને ફરમાવ્યું કે, જેના કબ્જામાં મુહમ્મદના પ્રાણ છે, એ હસ્તી (અલ્લાહ તઆલા)ની કસમ ! આ બે હોંઠો વડે જે વાત પણ નીકળે છે એ હક હોય છે. તમે લખી લ્યો.
(અબુદાવૂદ, ઇબ્ને સઅદ)
હઝ. અબ્દુલ્લાહ બિન અમ્ર રદિ.એ ભેગી કરેલ હદીસોના સંગ્રહને 'સહીફએ સાદિકહ' નામ આપવામાં આવ્યું હતું.
આ સંગ્રહમાં કેટલી હદીસો હતી એ તો સ્પષ્ટ નથી, પણ હઝ. અબૂહુરયહ રદિ.ની એક હદીસથી અંદાઝો કરી શકાય છે કે એમાં કેટલી હદીસો હશે ?
હઝરત અબૂ હુરયરહ રદિ. ફરમાવે છે કે નબીએ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમની હદીસો મારાથી વધારે કોઈની પાસે નહી હોય. એક અબ્દુલ્લાહ બિન અમ્ર રદિ. સિવાય. કારણ કે તેઓ હદીસો લખી લેતા હતા અને હું લખતો ન હતો. બીજી તરફ હઝ. અબૂ હુરયરહ રદિ.એ રિવાયત કરેલ પ૩૬૪ હદીસો કિતાબોમાં છે. એનાથી કયાસ કરી શકાય કે હઝ. અબ્દુલ્લાહ રદિ.ની ભેગી કરેલી હદીસો એનાથી વધારે હશે.
હઝરત અબ્દુલ્લાહ બિન અમ્ર બિન આસ રદિ. ફરમાવે છે કે,
મેં નબીએ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમથી સાંભળીને એક હઝાર મિષાલો (ઉદાહરણથી સમજાવેલ વાતો) યાદ કરી છે. (ઉસ્દુલ ગાબહ)
આ કથનથી સમજાય છે કે એમના સંગ્રહ 'સહીફહ સાદિકહ'માં એક હઝાર તો ઉદાહરણો વાળી હદીસો હતી.
હઝરત અબ્દુલ્લાહ રદિ. આ સંગ્રહને ખુબ સાચવીને રાખતા હતા.
હઝરત મુજાહિદ રહ. ફરમાવે છે કે એકવાર હું એમની પાસે ગયો અને એમના ગાદલા નીચે મુકેલ આ સંગ્રહ મેં લીધો તો મને એમણે રોકી દીધો. મેં એમને કહયું કે તમે કોઈ વસ્તુ મારાથી બચાવતા નથી અને મને રોકતા નથી તો પછી આ વિશે કેમ રોકો છો ?
તો એમણે જવાબ આપ્યો કે,
આ સહીફહની વાતો મેં નબીએ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમથી એવી રીતે સાંભળી છે કે મારા અને રસૂલુલ્લાહ વચ્ચે કોઈ બીજું નથી. જયાં સુધી મારી પાસે અલ્લાહ તઆલાની કિતાબ, આ સંગ્રહ અને વહઝ (એમના વહીવટ હેઠળ વકફની એક જમીન) સલામત છે, મને દુનિયાની બીજી કોઈ વસ્તુની પરવા નથી.
આ સંગ્રહ એમની અવલાદમાં પેઢીઓ સુધી સચવાતો આવ્યો. અને એમના પપોત્ર હઝરત અમ્ર બિન શુઐબ એમાંથી હદીસો રિવાયત કરતા હતા.
મશ્હૂર મુહદ્દિષ યહયા બિન મઅીન અને અલી બિન મદીની રહ. ફરમાવે છે કે હદીસની કિતાબોમાં આ સનદથી જે રિવાયતો આવે છે એ બધી આ સંગ્રહની જ હોય છે. હદીસ શરીફની વર્તમાન પ્રચલિત કિતાબો અબૂદાવૂદ, તિરમિઝી, મુસ્નદે અહમદ, નસાઈ, બયહકી, મિશ્કાત વગેરે કિતાબોમાં આ રિવાયતો મોટી માત્રામાં મોજૂદ છે.

No comments:

Post a Comment