Saturday, May 04, 2013

સૃષ્ટિના વરરાજો માનવી એના સર્જનહારને ઓળખે...

રંગબેરંગી આ સૃષ્ટિના વરરાજા - દુલ્હો 'ઇન્સાન' સૃષ્ટિના સર્જનહારનું સૌથી શ્રેષ્ઠ અને અનુપમ સર્જન છે. પોતાના આ સર્જનને સૃષ્ટિમાં જીવવા, મહાલવા, રહેવા - ફરવાની જે મહેતલ આપી છે, એ મહેતલની મુદ્દત પૂરી કરવા જે કંઈ સરંજામ અને સવલતો અલ્લાહ તઆલાએ એની ચારે તરફ ફેલાવી છે, એ બધા ઉપર વિચાર કરીએ છીએ તો અલ્લાહ તઆલાના અસ્તિત્વ અને કુદરતનું યકીન થઈને જ રહે છે. અલ્લાહ તઆલા આ માટે જ ફરમાવે છે કે, અમે તમારા માંહે જ નિશાનીઓ મૂકી છે, તમને એ દેખાતી નથી ?
માણસ પોતાના અસ્તિત્વથી નજર હટાવીને આસપાસ દષ્ટિ કરે તો સૂર્ય, ચંદ્ર, હવા, પાણી, આકાશ અને તારા, જમીન અને જનાવર, કુદરતના આ બધા અદ્વિતીય સર્જનો એવી રીતે 'ઇન્સાન'ની સેવા ચાકરીમાં મંડયા રહે છે, જાણે બિચારા એ ગરજવાનોનું કોઈ મહત્વનું કામ 'ઇન્સાન' પાસે અટવાય પડયું હોય.
સળગતો સૂરજ, ઉજળો ચાંદ, ચમકતા તારા, ઉછળતા દરિયા, વહેતા પાણી, ફૂંકાતા પવન, લહેરાતી હવા, ખીલતા ફૂલ, પાકતા ફળો, અને હરતા ફરતા જનાવરો... બધું 'ઇન્સાન' માટે જ પેદા કરવામાં આવ્યું છે. જાણે આપણે ઇન્સાનો કોઈ રજવાડાના રાજા અને સલતનતના શહેનશાહ હોય અને આ બધા આપણા દાસ - દાસીઓ...
વાસ્તવમાં છે પણ આવું જ.
નબીએ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ ફરમાવે છે કે આ દુનિયા તમારા માટે જ પેદા કરવામાં આવી છે. અને તમે આખિરત માટે.
અલબત્ત આ બધી વસ્તુઓને પરવરદિગારે આપણી સેવામાં લગાવી દીધી છે. આપણો કોઈ અધિકાર એમના ઉપર નથી.
માટે વિચારવાની વાત એ છે ફકત પરવરદિગારના આદેશને આધીન થઈને આ બધા સર્જનો આપણી સેવા માટે મંડી પડયા હોય તો પછી આપણે પરવરદિગારના આદેશને કેટલો અનુસરીએ છીએ ?
એની સવલતોને આપણે ભોગવીએ પણ એના આદેશો ન માનીએ, એ કયાંનો ન્યાય કહેવાય ?
ઘોડાનો માલિક ઘોડાને ફકત ચારો જ ખવડાવે છે, પણ બદલામાં ઘોડો એના માટે એના પ્રાણ ખપાવી દે છે. પણ 'ઇન્સાન' છે કે ખુદાની વફાદારીને સૌથી છેલ્લી વસ્તુ સમજે છે. અને આ બધું ફકત માલની મહોબ્બત ખાતર જ...
દુનિયામાં કોઈ કંપની કે ઓફિસનો વડો ગુસ્સે થઈ જાય છે તો કર્મચારી હાથ બાંધીને એની સામે ઉભો થઈ જાય છે... પણ કુદરતનો હુકમ 'ઇન્સાન'ને અનેક વાર ગંભીર ચેતવણીઓ આપી ચુકયો છે, છતાં ઇન્સાનને એની કોઈ પરવા જ નથી.
અલ્લાહ તઆલા વારંવાર કહે છે કે હું તમારી પાસે માલ દોલત નથી માંગતો, એ તો હું તમને આપું છું, તમે ફકત મારી ઇબાદત કરો, મારા આદેશો માનો, મારા કહયા પ્રમાણે ચાલો....
ગાય 'ઇન્સાન'ને દૂધ આપે છે તો ઇન્સાને એને માતા બનાવીને પૂજા શરૂ કરી દીધી. વતનની માટી રહેવાની જગ્યા આપે છે તો માણસ એના માટે મરી ફીટે છે. પણ અલ્લાહ તઆલાને ઇન્સાનથી ફરિયાદ છે કે, અરે ઇન્સાન, ગાયના શરીરમાંથી છાણ અને લોહી વચ્ચેથી ધોળું, સ્વચ્છ, સ્વાદિષ્ટ દૂધ તો હું આપું છું, અને મને જ ભૂલી ગયો છે ?
બાળકને નવડાવીને, સારા કપડાં પહેરાવીને, ખવડાવીને, રમાડીને... માં પૂછે છે : બેટા તું કોનો છોકરો ? બાળક સહજ રીતે જ કહે છે : અમ્માનો.. બસ.. આટલું સાંભળતા તો માં એને ફરી પાછો પાસે ખેંચીને ચૂમીઓથી નવડાવી દે છે, ખાવા, પીવા, પાલન પોષણ વગેરેની જવાબદારીઓ ઉપરાંત બાળકની ગંદકી સાફ કરવાની જવાબદારી પણ માં નિભાવે છે.
કયાંથી આવ્યો આટલો બધો પ્યાર માંના દિલમાં ?
નબીએ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ કયાંક સફરમાં જઈ રહયા હતા. એવામાં એક સ્ત્રીનું બાળક ખોવાય ગયું ? બિચારી માં પાગલ બનીને આમથી તેમ એને શોધતી હતી, ઘણા સમય પછી જયારે મળી આવ્યું તો દોડીને બાળકને ભીંસમાં લીધું અને ચુમીઓનો વરસાદ વરસાવી દીધો. નબીએ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ આ બધું જોઈ રહયા હતા, ફરમાવ્યું કે, આ બધું તમે જુઓ છો ને, યાદ રાખો, તમારો રબ તમારી સાથે આથી પણ વધારે મહોબ્બત કરે છે..
લોકો કહે છે, અમે સ્વીકારીએ છીએ કે આ દુનિયા, એના સુંદર દશ્યો, એની આરામદાયી સવલતો, લાભ અને નફાના સઘળા સાધનો, એશ - આરામનો બધો સરંજામ અલ્લાહ તઆલાએ જ બનાવ્યું છે, એની કુદરતની કમાલ છે, કોઈ માણસ કયાંથી બનાવી શકે, અને અમને એમાં કયાં ઇન્કાર છે ?
પણ... આ સ્વીકાર પછી પણ શું 'ઇન્સાન' એના એ મહાન ઉપકારકનો આભાર માનવા તૈયાર છે ? શુક્ર અદા કરે છે ? એના એહસાનને સ્વીકારીને એની તાબેદારી કરે છે ? તો જવાબ 'ના' છે.
જરા વિચારો
ઘરે કોઈ મહેમાન આવે, તમારા ઘરના ફર્નીચરના વખાણ કરે, એની બનાવટ, ગોઠવણીની તારીફ કરે. ઘરના બાંધકામ, તમારા પકવાનો, અને તમારા અખ્લાક - સંસ્કારના પણ પેટભરીને વખાણ કરે... પણ દસ્તરખાનું ભરપેટ જમણ કરીને પછી આભાર ન માને, શુક્રિયદ અદા ન કરે, તો એનો સઘળો બકવાસ શા કામનો ? એણે જે કરવાનું હતું તે જ નથી કયુ્ં.
બસ આ છે, 'ઇન્સાન'...
દુનિયાની વસ્તુઓની ફિલોસોફી, એના રહસ્યો, હિકમતો વિશે ખૂબ ચર્ચા કરશે, છેલ્લે ઘણા અહોભાવથી અલ્લાહનું નામ પણ લેશે.. પણ એની ફરમાબરદારી નહીં.
અને આજે આ બાબત સર્વસામાન્ય છે. પોતાના નોલેજ, જ્ઞાન, અનુભવની છાપ પાડવા લોકો મજલિસમાં બોલવાનું શરૂ કરે છે તો એવુ્ં લાગે છે કુદરતને અને કુદરતના સર્જનહારને આ માણસે સારી રીતે ઓળખી લીધાં છે...
પણ અમલની વાત આવે છે તો આવા માણસો 'બેદીન' પુરવાર થાય છે, એના કરતાં તો એક જાહિલ માણસ સારો, જે રોજ મજૂરી કરીને દિવસની પાંચ નમાઝો પઢવાને પોતાની મેઅરાજ સમજે છે. અને પરવરદિગાર પાસે મગફિરતનું યકીન રાખે છે...

No comments:

Post a Comment