Saturday, January 30, 2016

આતંકવાદ, ઇસ્લામ, વિશ્વસત્તાઅો અને મીડીયા

પાછલા દિવસોમાં ફ્રાંન્સમાં આઈ.એસ.આઈ.એસ. દ્વારા કરવામાં આવેલ હુમલા પછી વિશ્વભરમાં એકદમ એવો માહોલ બની ગયો હતો જેમ ટવીન ટાવર એટેક પછી થયું હતું. અલબત્ત અમુક દિવસો વિત્યા પછી સ્થિતિ બદલાય રહી છે. આ હુમલો સાચે જ આઈ.એસ.આઈ.એસ. દ્વારા કરવામાં આવ્યો હતો, કે પછી કયાંક બીજી કોઈ શકયતા પણ રહેલી છે ? એ કદી સામે નહી આવે. આજે તો ફકત એક જ વાત છે. અને તે આ કે આ આઈ. એસ.આઈ.એસ.નું જ કામ છે. 
વિશ્વભરમાં એકદમ એવો હાઉ ઉભો થયો હતો જાણે આખા વિશ્વ અને સમગ્ર માનવ બિરાદરી ઉપર અસ્તિત્વનો ખતરો આવી પડયો હોય. આ જ ફ્રાંન્સ વિશ્વભરમાં અનેક સ્થળોએ માનવખુવારી થાય છે ત્યારે ચુપ રહે છે. ચાહે મુસલમાનોની હોય કે અન્યોની હોય. અમેરિકા અને ફ્રાંન્સ સહિત આખું યુરોપ વિશ્વમાં પોતાની નેતાગીરી માટે હુમલાઓ કરે છે, હત્યાઓ કરે છે, પોતે જાહેર કરે છે કે અમે ફલાણા ફલાણા ત્રાસવાદી સંગઠન સાથે યુદ્ઘ સ્થિતિમાં છે, પોતે જ શરૂઆત કરે છે, પછી જવાબ આવે છે તો છંછેડાય છે. એમને કહો કે પોતાના કર્મોના ફળ માટે માટે કોઈ બીજા દેશ કે ધર્મને બદનામ કરવાની કોઈ જરૂરત નથી.
વિશ્વને આખાને જાણે અમુક તમુક ઘટનાઓ ઉપર જ પોતાની લાગણીઓ વ્યકત કરવા માટેનું કહેવામાં આવતું હોય એમ અચાનક અમુક નાનકડી ઘટનાઓ ઉપર પણ મોટી ચર્ચાઓ અને ભયાનક વાતાવરણ ખડું કરવામાં આવે છે અને બીજી ઘટનાઓને એકદમ બ્લેકઆઉટ કરી દેવામાં આવે છે. આવા ટાણે મીડીયાથી પ્રભાવિત થઈને અનેક માણસોની વિચારવાની દિશા બદલાય જાય છે કે બદલવાની કોશિશ કરવામાં આવે છે. ભારતીય મીડીયાને ઇસ્લામ કે મુસ્લિમ વિરોધી કોઈ બાબતને ચગાવીને રજૂ કરવામાં વિશેષ મજા પડે છે. પાછલા દિવસોમાં આરબ દેશ કતર દ્વારા એક અરબ ડોલર.... એક અરબ ડોલર...નો દંડ ભારતીય સરકાર તરફે જતો કરવામાં આવ્યો. અરબો - ખરબો ડોલર લઈને કોઈ દેશ ભારતને યુદ્ઘ સામગ્રી આપે છે અથવા કોઈ ટેકનોલોજી આપે છે તો મીડીયા એની સાથે ભારતની દોસ્તીના ગીતો ગાય છે, પણ આ એક આરબ મુસ્લિમ દેશ હતો એટલે....
મીડીયાના આવા પ્રભાવ હેઠળ આવીને ઘણા સામાન્ય મુસલમાનો બચાવની પોઝીશનમાં આવી જાય છે. તેઓ સમજે છે કે કયાંક આપણે અથવા આપણા ધરમમાં જ કોઈ એવી ખામી છે જેના કારણે ધરમનું નામ લઈને લોકો આવું કૃત્ય કરે છે અને આપણો ધરમ બદનામ થાય છે. આવા લોકોને ધરમનું નામ લેવાથી રોકવા જોઈએ... પણ વાસ્તવમાં એવી કોઈ જરૂરત નથી હોતી. અગર કોઈ ધરમનું નામ લે છે તો અમેરિકા અને યુરોપ જે સ્વતંત્રતાનું નામ લે છે તે પણ એક પ્રકારનો ધરમ જ છે ને. એનું નામ લઈને જ તેઓ વિશ્વભરમાં લોકોને મારે છે ને. એક ધરમનો કાયદો બીજાને ગોશ્ત ખાવા ઉપર ફાંસી સજા આપવાની માંગ કરે છે.  કોઈ કાયદો ચોરી કરનારના હાથ કાપવા કે વ્યાભિચારીને મારી નાખવાની સજા કરે છે... બીજો કાયદો લોકોને બુરકો પહેરવા ઉપર હજારો કે લાખો રૂપિયાનો દંડ કરે છે. વિશ્વની સૌથી વધુ ભયંકર ત્રાસદાયક જેલોના નિયમો એક પ્રકારનો આધુનિક ત્રાસવાદી ધરમ જ છે ને. ? આધુનિક દેશો કાયદા કે કાનૂન નામે જે ધરમને અનુસરી રહયા છે એ કેટલો ન્યાયી છે ? પછી શીદને કોઈ ધર્મને બદનામ કરો છો ? એક દેશનો કાયદો દારૂ ઉપર પાબંદી લગાવે છે, બીજા દેશમાં છૂટ છે, છતાં કોઈ દેશ જૂનવાણી કે કટ્ટર નથી. તો ફકત ઇસ્લામના નામે અમુક કાયદાઓનું નામ લઈને શીદને કોઈને બદનામ કરવામાં આવે છે ? જુગાર અને સટ્ટાની અનેક સ્કીમો કેટલાયે દેશોમાં માન્ય અને સ્વીકાર્ય છે, અને ઘણા દેશોમાં ગુનો છે. એમાં કોઈને કશું ખોટું દેખાતું નથી. પણ ઇસ્લામે વ્યાજને હરામ કહયું એટલે એ બધાને ખુંચે છે. આવું જ કંઈ કહેવાતા આંતકવાદ અને ત્રાસવાદ બાબતે છે.
રશિયા યુક્રેનમાં કરે તે, અમેરિકા અશ્વેતો સાથે કરે તે, સવર્ણો દલિતો સાથે કરે તે, મ્યાનમારના બોદ્ઘો રોહિંગ્યા મુસલમાનો સાથે કરે તે, તમિલો અને સિંહલો એકબીજા સાથે કરે તે...બધી નાનકડી ઘટનાઓ...અને પેરિસમાં માથાફરેલ વ્યકિત જે કરે તે આખા વિશ્વને હચમચાવી મુકનારી ઘટના કહેવાય. દેશ અને સત્તાના નામે શાસકો ગમે તે કરે તે ન્યાય અને કોઈ સંગઠન જે કરે તે આતંકવાદ ¦ અમેરિકા એના શત્રુ કોરિયા સાથે વાટાઘાટ કરી શકે છે.. જરૂરત પડે તો અલકાયદા કે દાએશ સાથે પણ કેદીઓ છોડાવવા વાટાઘાટો કરે છે, તો પછી શાંતિ માટે કેમ વાટાઘાટો કરવામાં નથી આવતી, એને ખતમ કરવું જ છેલ્લો ઉપાય છે ? એને એક અલગ પ્રદેશ-દેશ તરીકે સ્વીકારીને મુખ્યધારામાં ન લાવી શકાય ? કદાચ એવું તો નથી કે બધાનું હિત એમાં છે જ કે વિશ્વ સળગતું રહે... શાસકોની નેતાગીરી અને એમના સ્પોન્સર કોર્પોરેટ ગૃહોનો હથિયારોનો વેપાર પણ ચાલતો રહે . અમે એટલું જ કહીશું કે આવી નાનકડી ઘટનાઓને મોટી બતાવીને હાઉ ઉભો કરવો ખોટો છે અને કોઈ કરે તો આપણે એના પ્રભાવમાં આવવું જોઈએ નહી. .

No comments:

Post a Comment