Saturday, January 30, 2016

લાલચ વગરની ઇબાદત



લાલચ વગરની ઇબાદત
લખનઉના બજારમાં એક ગરીબ દરજીની દુકાન હતી. 
દરજીની આદત હતી કે દરેક મુસલમાનના જનાઝહ વેળા દુકાન બંધ કરીને નમાઝ માટે જતો હતો. લોકોએ એને કહયું કે આમ કરવાથી તારા ધંધાને નુકસાન નથી થતું ? એણે કહયું કે, ઉલમાના મોંઢે સાંભળ્યું છે કે બીજાઓની જનાઝહની નમાઝ પઢશું તો આપણા જનાઝહમાં મોટી ભીડ અલ્લાહ તઆલા ભેગી કરશે. પણ હું તો ગરીબ છું. મને કોણ ઓળખે છે ? અને કોણ મારા જનાઝહમાં આવશે ? બસ એટલી ઉમ્મીદ છે કે આ નમાઝોની બરકતથી જ મારી મગફિરત થઈ જાય.
અલ્લાહનું કરવું કે ૧૯૦રમાં હઝ. મવ. અ. હય લખનવી રહ.નો ઇન્તેકાલ થયો. મહાન આલિમ અને વિદ્વાન હતા. રેડિયો ઉપર એમની વફાતના સમાચાર અને જનાઝહની નમાઝના સમયનું એલાન થયું. લાખો લોકો દૂર દૂરથી જનાઝહની નમાઝ માટે આવ્યા. અને હજુ આવવાનું ચાલુ જ હતું. નમાઝ થઈ થઈ છતાં ઘણા લોકો રહી ગયા.
એમની જનાઝહની નમાજ પૂરી થઈ કે તુરંત એક બીજા જનાઝો આવ્યો અને એલાન થયું કે એક ગરીબ મુસલમાનનો જનાઝો છે. એની નમાઝ પણ પઢવા બધા ઉભા રહે. હઝારો બુઝુર્ગો, ઉલમા અને અલ્લાહવાળાઓ અને લાખો લોકો બધા જ આ જનાઝહમાં શરીક થયા. અને જે લોકો પહેલા જનાઝહમાં શરીક થઈ શકયા ન હતા એ બધા પણ આ જનાઝહમાં શરીક થયા. એમ આ જનાઝાની નમાઝમાં મવ. અ. હય રહ. કરતાં પણ વધારે લોકો શરીક થયા.
આ જનાઝો પેલા ગરીબ દરજીનો હતો.
સાચે જ ઇખ્લાસ અને નિખાલસતા મોટી દોલત છે. આ ગરીબના ઇખ્લાસમાં કોઈ શંકા જ નથી. જનાઝહમાં શરીક થવાની ફઝીલત સાંભળ્યા પછી પણ એની નિય્યતમાં એવું ન હતું કે મારા જનાઝહમાં લોકો ભેગા થાય એટલું હું જનાઝહમાં જાઉં છું. બસ એક મગફિરતની આશા હતી.
કોઈ પણ પ્રકારની લાલચ વગરની ઇબાદત તે આનું નામ.

No comments:

Post a Comment