Thursday, February 25, 2016

સ્ત્રી અને પુરૂષ, ઇસ્લામની નજરે


સ્ત્રી અને પુરૂષ, ઇસ્લામની નજરે
ઇસ્લામિક ફિકહ (ઇસ્લામિક લો)ના વિષય ઉપર લખવામાં આવેલ કોઈ સંપૂર્ણ પુસ્તક ઉપર એક નજર કરવામાં આવે તો તેમાં કમથી કમ નીચે દર્શાવવામાં આવેલ દરેક મથાળાના અલગ- અલગ પ્રકરણો હશે, ઈમાન, પાકી - સ્વચ્છતા, નમાઝ, રોઝા, ઝકાત, સદકહ, હજ, નિકાહ, તલાક, બાળકોને દૂધ પિવડાવવું, પત્નિ, બાળકો અને નિકટના સગાંઓનું ભરણ પોષણ, કસમ અને મન્નત, વકફ-ધર્માદાદાન, ભાગીદારી, વકાલત- એજન્ટનું કામ, વેપાર, કારોબાર, ભાડેથી લેન-દેન, બખ્શિશ, પડેલી-ખોવાયેલી મળેલ વસ્તુઓ, શત્રુ સાથે લડાઈ-જિહાદ, ખેતી કરવી, કરાવવી, શિકાર કરવો, ઝબહ કરવું, કુરબાની, વસીય્યત, વારસા વહેંચણી અને જાઈઝ, નાજાઈઝ અન્ય કામો જેમકે લિબાસ, પરદો, જાઈઝ નાજાઈઝ ખાણું-પીણું, દોસ્તો સગાઓ સહધર્મી  કે વિધર્મી  સાથે સંબંધો, ઈલ્મ - જ્ઞાનપ્રાપ્તિ, હુન્નરો શીખવું વગેરે.
આ બધા ઉપરાંત સત્તા કે સત્તાધીશો માટેના આદર્શો, આદેશો, નિર્દેશ અને માર્ગદર્શનો પણ સ્પષ્ટ પણે દર્શાવવામાં આવ્યા હોય છે, જેમ કે ગરીબોના ભરણ પોષણની જવાબદારી, સરકારી પૈસા કયાં વાપરવા, શિક્ષણની વ્યવસ્થા કરવી....
ઉપરોકત દરેક વિષયનું અલગ પ્રકરણ, અને દરેક હેઠળ પેટા પ્રકરણો.. એમ ઇસ્લામી કાનૂનનો વિસ્તાર જોઈએ તો માનવીના જીવનનો એક અંશ કે એક પળ એવી નહિ મળે, જે બાબત ઇસ્લામે કોઈ માર્ગદર્શન ન આપ્યું હોય અથવા કહો કે એમાં માનવીને છૂટ હોય કે તેની ઇચ્છા પ્રમાણે કરે.
ઉદાહરણ રૂપે વેપારને લગતા કાયદાઓ જોઈએ તો વેપાર કેવા માણસો કરી શકે ?
કેવી વસ્તુનો વેપાર કરી શકે ?
કેવી રીતે કરવામાં આવે ?
રોકડેથી/ ઉધાર કે વાયદાથી, વેપાર કરવા માટે શું શરતો છે ?
પૈસાથી વસ્તુ ખરીદવી,
વસ્તુથી વસ્તુ ખરીદવી, 
પૈસાથી પૈસા ખરીદવા વગેરે
પૂર્ણ થયેલ સોદો રદ બાતલ કયારે-કોણ કરી શકે ? 
વગેરે અનેક બાબતોનું સચોટ અને સંપૂર્ણ માર્ગદર્શન ઇસ્લામમાં આપવામાં આવ્યું છે. 
નમાઝનું ઉદાહરણ લઈએ તો નમાઝના પ્રકારો; ફર્જ, વાજિબ, સુન્નત, નફલ તેમજ જનાઝાની નમાઝ, જુમ્આની નમાઝ, ઈદની નમાઝ, રોજની પાંચ ટાઈમની નમાઝ, વરસાદ માંગવાની નમાઝ...
એ જ પ્રમાણે નમાઝ એકલાં પઢવી, ભેગા મળીને પઢવી, ઈમામ કોણ બની શકે ? નમાઝ કયારે પઢાય, કયારે નહિં, કયાં પઢાય, કયાં નહીં, કપડાં-શરીર કેવાં હોવા જોઈએ ? મોઢું કઈ તરફ કરવું ? નમાઝના દરેક કાયદો, કયામ, રૂકૂઅ, સજદહ, કાઈદહ, કવમહ, જલ્સહ, વગેરે કેવી રીતે કરવાં દરેક કાર્યમાં શું પઢવું, શું નહીં, કેટલું પઢવું, વગેરે દરેક બાબતો પરત્વે પૂરતંુ માર્ગદર્શન આપવામાં આવ્યું હોય  છે. 
એક બીજી વિશેષતા આ છે કે ઇસ્લામી જીવન માળખાની દરેક બાબત એક એક બીજાથી સંકલિત પરસ્પર સહયોગી અને પૂરક હોય છે. માટે કોઈ પણ એક બાબતને બીજાથી નોખી કરીને જોઈ શકાય નહીં, અહિંયા ફોજદારી કે દીવાની કે અન્ય કોઈ અદાલત અને કાયદા કાનૂનનો વિભાગ અલગ નથી હોતો. બધાં જ એક બીજાથી સંકલિત હોય છે. આ રીતે જોઈએ તો ઇસ્લામી માળખાની સર્વગ્રાહિતા અને ઇસ્લામી કાનૂનની ઉપયોગિતા અને વિસ્તાર ઓર વધી જાય છે. એક ઉદાહરણ દ્વારા સમજીએ...
નમાઝ એક ઇબાદત છે. સામાન્ય પણે લોકો એને ફકત વ્યકિતગત કાર્યસમજે છે, ઇસ્લામી સમાજ રચનામાં એના સાચા મહત્વને સમજતા નથી. પાંચ સમયની નમાઝ ઇસ્લામી સમાજરચનામાં કેટલો ભાગ ભજવે છે એ માટે સઘળી બાબતો અત્રે દર્શાવવી શકય નથી, છતાં આટલું જાણીએ કે પાંચ સમયની નમાઝ દ્ઘારા દિવસભરનું એવું સમયપત્રક બનાવી દેવામાં આવ્યું, જે કદી બદલાય નહી. સવારે ફજર પઢી કામે લાગો અને રાત્રે ઇશા બાદ તુરંત સુઈ જાઓ, વાતોની મહેફિલ ન લગાવો એવો આદેશ પણ આપવામાં આવ્યો. પાંચ સમયે ભેગા મળવાથી એક બીજાના ખબર અંતર મેળવી શકાય, વગરે અનેક ફાયદાઓ છે. એક બીજી બાબત જ અત્રે ખાસ દર્શાવવા માંગુ છું તે આ છે કે નમાઝ (અને રોઝા પણ) ગરીબોની સહાય સાથે પણ જોડવામાં આવ્યા છે. અમુક પરિસ્થિતિઓમાં નમાઝ પઢી ન શકાય અથવા રોઝા રાખી ન શકાય તો બદલામાં ગરીબોને ફિદયો આપવાનો આદેશ છે. જો ઝકાત, ફિત્રા, સદકહ, કુરબાની, બખ્શિશ, વગેરે સાથે નમાઝ રોઝા અને અન્ય ઇબાદતોના બદલે (વિશેષ પરિસ્થિતિમાં) ફિદયો આપવાના આદેશને જોઈએ તો સમજી શકાય કે ઇસ્લામ કેવી રીતે સદ્ઘર મુસ્લિમ સમાજ રચવા માંગે છે, જેમાં કોઈ ગરીબ ન હોય, કે ગરીબોની પરિસ્થિતિથી બેખબર ન હોય.
અન્ય એક ઉદાહરણ લઈએ :
એક વર્તમાનપત્રમાં થોડા દિવસ પૂર્વે એક લેખકે તેમની કોલમમાં સ્ત્રીઓને વારસાઈ હક આપવા બદલ ઇસ્લામની પ્રસંશા કરી, પરંતુ સાથે જ પુરૂષને બમણો ભાગ આપવા બદલ ટીકા પણ કરી, તેમના શબ્દોમાં 
''ઇસ્લામિક કાનૂનમાં બીજા ધર્મોથી ઘણો વહેલો સ્ત્રીને વારસા હક્ક મળેલો છે, એ બાબત બિરદાવવા લાયક છે, સ્ત્રીની મિલકત ઉપર શાદી પછી પણ ઓરતનો જ સંપૂર્ણ અધિકાર છે, ફાઈન, પણ ભાગ પાડતી વખતે પુરૂષનો હાથ ઉપર રહે છે, પુરૂષનો હિસ્સો બે સ્ત્રીઓના હિસ્સા બરાબર ગણાય છે. પુરૂષની આર્થિક જવાબદારીઓ વધુ હોય વાળી દલીલ આપણા સમાજમાં ચાલે નહીં, આંખ કાન બંદ કરીને ચલાવવી જ હોય તો વાત અલગ છે.''
એટલે કે તેઓ સ્ત્રીના વારસા અધિકારને આખી ઇસ્લામી જીવન વ્યવસ્થાથી છૂટો પાડીને જુએ છે, સાચી રીત એ છે કે તેમની સમજમાં આવેલ આ એક ખુબી પર શ્રદ્ઘા રાખી તેઓ વધુ આગળ વધે, અને અન્ય બાબતોને પણ આ જ પ્રમાણે હકારાત્મક રીતે વિચારે, સામાજિક આર્થિક અને અન્ય જવાબદારીઓ બાબત ઇસ્લામ એક સુવ્યવસ્થિત માળખું રચવા માંગે છે અને એ આધારે જ જે તે વ્યકિત કે બાબતનું સ્થાન નક્કી થાય છે.
ઇસ્લામી માળખામાં સ્ત્રીનું સ્થાન અને તેની જવાબદારી સેવા કે કુશળતા જે કહો તે દેખાડવાનું સ્થાન 'ઘર' છે. અર્થાત સ્ત્રીના પતિ, પુત્રો, પિતા, માતા વગેરેથી સલગ્ન ઘરેલું બાબતો સ્ત્રીએ સંભાળવાની છે. જવાબદારીઓનું સ્થાન ઘર હોવાનો અર્થ એ નથી કે તેને ઘરમાં કેદ કરી દેવામાં આવી છે, અલબત્ત એ માટે તેણીએ વધુ સમય ઘરમાં ફાળવવો જરૂરી બને અને તે માટે એને ઘરમાં રહેવાનું કહેવામાં આવે તો શું ખોટું છે ? કોઈ દેશનો ગૃહપ્રધાન જો વિદેશ પ્રધાન કરતાં પણ વધારે વિદેશ પ્રવાસ કરતો હોય તો તેને એનાથી રોકવો જ રહ્રાો. આ ઇસ્લામની નિતી છે અને એ આધારે જયારે સ્ત્રીના વધુ પડતા ખર્ચાઓ પુરૂષે પૂરા કરવાના છે તો પુરૂષને બમણો હિસ્સો આપવામાં આવે તો શું ખોટું છે ?
આપણે વાત કરી રહ્રાા હતા ઇસ્લામે દર્શાવેલ જીવનના સર્વગ્રાહી માળખાની.
જો કોઈ માણસ માર્ગદર્શનના આ સર્વગ્રાહી માળખામાંથી કોઈ એક જ બાબતનો અભ્યાસ કરે, એના લાભ-નુકસાનને મુલવવા ચાહે તો તે સીધી રીત નથી.
વિદેશી કંપનીઓની અમૂક લકઝુરીયસ પ્રોડકટસ ઉપર સરકાર દ્વારા આકરો ટેકસ લગાડવામાં આવે છે. સરકારનો આશય હોય છે કે આપણા જેવા ગરીબ કે વિકાશશીલ દેશોને આવી વસ્તુઓ પરવડે નહીં, અથવા એવો આશય હોય કે અહીંયા બનતી એવી વસ્તુઓનું માર્કેટ ખરાબ ન થાય, અથવા એવો આશય હોય કે આપણી સમાજ રચના અને જીવન પદ્ઘતિ જોતાં હજુ આ વસ્તુ વધારે પડતી છે.
હવે જો કોઈ માણસ આ ટેકસને અને આયાતના કડક નિયમોને જ જુએ તો નિ:શંક એને આ નિયમો અન્યાયી લાગે, એક તરફી માલૂમ પડે, પરંતુ જો તેને એ આખા ભારત દેશ અને ભારતીય સમાજ, ભારતીય ગૃહઉદ્યોગના પરિપેક્ષયમાં જુએ તો સમજી શકાય કે આ નિયમો યોગ્ય છે. આમ છતાં જો કોઈ ભારતને એમ કહે કે તમારે તમારી સમાજ રચના કે ઉદ્યોગની ફિકર છોડી અમારી વાત માની લેવી જોઈએ અને અમારી પ્રોડકટસને લાયસન્સ આપી દેવું જોઈએ. ટેકસ ઓછો કરી નાંખવો જોઈએ, વગેરે... તો સરકાર એને કહી શકે કે અમારા દેશમાં, અમને લગતી બાબતોમાં આ અમારો સ્વતંત્ર નિર્ણય છે.
કંઈક આવું જ થઈ રહ્યું છે આજે ઇસ્લામી સિદ્ઘાંતોની બાબતમાં. 
ઇન્ટરનેશનલ અને નેશનલ કે લોકલ પ્રચાર-પ્રસાર માધ્યમોમાં ગોઠવાયેલા એવા લોકો જે ઇસ્લામી પ્રણાલીમાં શ્રદ્ઘા નથી ધરાવતા, તેઓ નાની મોટી ઘટનાઓને આડ બનાવી ઇસ્લામ વિશે ઘસાતું લખવા કે બોલવાની કોઈ તક હાથથી જવા દેતા નથી. જયારે પણ કોઈ નાની અમથી ઘટના ઘટે છે, તુરંત એના અનુસંધાનમાં પ્રચાર - પ્રસાર માધ્યમો (મીડીયા)નું આવું જ વલણ અપનાવે છે.
વિશેષ કરી સ્ત્રી અને તલાક સંબંધી બાબતે ખાસ હોબાળો મચાવવામાં આવે છે.
થોડા સમય પહેલાં ન્યુયોર્કના એક ચર્ચમાં એક સ્ત્રીએ નમાઝની આગેવાની લઈને સ્ત્રી- પુરૂષોને  જુમઅહની નમાઝ પઢાવી, ઇસ્લામી સિદ્ઘાંત પ્રમાણે આ બાબત જાઈઝ કે નાજાઈઝ એ મુસલમાનોનો જ વિષય હતો, છતાં આ બાબતને નારી સ્વતંત્રતા માટે આવશ્યક અને તેના વિરોધ કરવાને નારી પ્રત્યે અન્યાય તરીકે જોવામાં આવ્યો, ધાર્મિક રીતે કોઈ કામ જાઈઝ કે નાજાઈઝ હોય એમાં નારી સ્વતંત્રતા કે નારીને ગુલામ બનાવવાની વાત કયાંથી આવી  ?
ભારતના લોકો કેમ કરી આ બાબતે વાંધો ઉઠાવે છે તે બિલ્કુલ સમજમાં આવનારી વાત નથી. આજે પણ ઘણા મંદિરોના દરવાજે સુચના લખેલી હોય છે કે 'બહેનો - સ્ત્રીઓએ મંદિરમાં આવવું નહી'. મંદિરોના પંડિતો અને પૂજારી તરીકે કોઈ સ્ત્રીની કલ્પના કરી શકાય છે ? 
આ તો સ્ત્રીઓ બાબતનો ભેદભાવ છે, ભારતના સવર્ણો તરફથી આખી માનવ જાતિ તરફે સુગ રાખવામાં આવે છે. સ્ત્રીઓ અને પુરૂષો બન્ને પ્રત્યે..
થોડા સમય પહેલાં સમાચાર હતા કે દાતણ તોડવાના બદલામાં એક દલિત યુવકને મારવામાં આવ્યો, ઉપરાંત સમગ્ર દલિતોનો બોયકોટ કરવામાં આવ્યો. 
હરિયાણાના એક ગામમાં દલિતોના પ૦ ઘરો સળગાવી દેવામાં આવ્યા અને તે પણ ૪૮ કલાક પહેલાં અલ્ટીમેટમ આપીને. પોલીસને અલ્ટીમેટમની ખબર હતી, પણ તેણે નકકી સમય પહેલાં આવીને દલિતોને કહયું કે ગામ ખાલી કરી દો, કંઈ પણ બની શકે છે અને જે બનવાનું હતું તે બન્યું અને પોલીસ જોતી રહી.
ઇસ્લામ ધર્મમાં સ્ત્રીને ઈમામ બનવાની ઇજાઝત ન હોવાને દલીલ બનાવી પુરવાર કરવામાં આવે છે કે ઇસ્લામમાં સ્ત્રીને પૂરતા અધિકાર નથી આપવામાં આવ્યા ¦ શું સ્ત્રી સ્વતંત્રતા માટે ફકત નમાઝની ઈમામત જ માપદંડ છે ?
સ્ત્રી પુરૂષ સંબંધી બીજા અનેક આદેશો અને આદર્શો છે, જેના આધારે ઇસ્લામમાં સ્ત્રીના વાસ્તવિક સ્થાન અને મહત્વને સમજી શકાય છે. અલબત્ત આ બધું સમજવા ખાતર પહેલાં કોઈ પણ માણસે નિષ્પક્ષા અને તટસ્થ બનવું આવશ્યક છે.
નિષ્પક્ષા હોવા કે તટસ્થ હોવાનો અર્થ અત્રે એ નથી કે તમે હિંદુ, મુસ્લિમ, ઈસાઈ, યહૂદી કે અન્ય ધાર્મિર્ક વિચારોથી સ્વતંત્ર થઈ વિચારો, બલકે નિષ્પક્ષા હોવાનો મતલબ એ છે કે સ્ત્રી અને તેના સંબંધિત કાર્યો, અને ઇસ્લામી આદેશો વગેરેને સ્વતંત્ર રીતે જોવામાં આવે, સ્ત્રી પણ એક માનવી છે. પુરૂષ પણ એક માનવી છે અને બન્નેવ વિવિધ રીતે એક બીજાથી નોખા છે, માટે બન્ને એક બીજાથી સ્વતંત્ર અને વિશિષ્ટ છે, માટે સ્ત્રી સંબંધી આદેશોને પુરૂષની તુલનામાં જોવા કરતાં સ્વતંત્ર રીતે જોવામાં આવે, કુદરતે કંઈક વિશેષતાઓ સ્ત્રીને આપી છે, કંઈક પુરૂષને. એ જ પ્રમાણે બન્નેવમાં એક બીજાથી ભિન્ન કંઈક કમઝોરીઓ પણ છે.
ઉદાહરણ તરીકે,
ઇસ્લામે પુરૂષને આદેશ આપ્યો છે કે પત્નિના ભરણ પોષણ, ખાવા પીવા, રહેવા સહેવા વગેરેનો પુરો ખર્ચ, સ્ત્રી અને પુરૂષ બન્નેવના આર્થિક મોભો સામે રાખી નિભાવવામાં આવે, પુરૂષ જો આ આદેશ સંબંધી એમ વિચારે કે આ મારા તરફે અન્યાય છે, એટલા માટે કે સ્ત્રી પણ મારા જેમ માણસ છે અને સ્વતંત્ર છે, તો પછી હું શા માટે એનો બોજ ઉઠાવું ? દરેક પોતાનો ખર્ચો ઉઠાવે તો પુરૂષનું આમ વિચારવું ખોટુું છે. એ જ પ્રમાણે ખાવા પીવા પહેરવા રહેવાના ખર્ચાઅો પતિના ઝિમ્મે નાંખી સ્ત્રીને બાળકોની દેખભાળ, પતિના ઘરની સંભાળ અને જરૂરત ન હોવા છતાં ફકત વધુ માલ કમાવાની લાલચે બહાર નહી નીકળવાની શીખને સ્ત્રી એમ સમજે કે એ મારા તરફે અન્યાય છે અને મને ઘરમાં કેદ કરવા સમાન છે, કારણ કે પુરૂષની જેમ જ મને પણ કમાવાની છૂટ હોવી જોઈએ, તો સ્ત્રીનું એ વિચારવું ખોટું છે, અત્રે બંનેનું વિચારવું એટલા માટે ખોટું છે કે બન્નેવ પોતાની સ્થિતિને બીજાને જોઈ મુલવે છે.
સ્ત્રી પુરૂષને બહાર હરતો ફરતો કમાતો જોઈ પોતે પણ હરવા ફરવા કમાવાની માંગ કરે, એ ખોટું અનુકરણ અને વાદ કહેવાય, હા જો સાચે જ સ્ત્રીને તેના ગુજરાન માટે કમાવાની આવશ્યકતા હોય અને કોઈ તેનું ભરણ પોષણ કરનારૂ ન હોય, તો સ્ત્રીને કમાવાનો અધિકાર છે. એ જ પ્રમાણે પુરૂષને કોઈ એવી સ્ત્રીનો ભાર વઢેરવાનું કહેવામાં આવતું હોય, જેનાથી એનો કોઈ સંબંધ નથી અને જે પુરૂષની કોઈ સેવા ચાકરી નથી કરતી તો તેનું વિચારવું યોગ્ય છે. નહીં તો એનું વિચારવું ખોટું છે.


Post your comments below    

1 comment: