Saturday, May 06, 2006

ઇસ્‍લામનો આધાર, માનવીય સંસ્‍કારો ...( સુવાસ)

કુર્આનમાં અલ્‍લાહ તઆલાનો આદેશ છેઃ
ન્‍યાયથી વર્તો, ભલાઇ - ઉપકાર કરો. સગાવહાલાઓને એમનો હક આપો.
બુરી બાબતો , ગુનાહિત કામો ન કરો.
કુર્આનમાં અન્‍ય એક સ્‍‍થળે અલ્‍લાહ તઆલા તેના શ્રેષ્‍ઠ બંદાઓનું વર્ણન આ શબ્‍દોમાં કરે છે,
અલ્‍લાહના બંદા ધરતી પર હળવેથી હરે ફરે છે,
અજ્ઞાનીઓ એમનાથી બાખડવાનો પ્રયત્‍ન કરે છે તો શાંતિની વાત કરે છે.
રાત્રે અલ્‍લાહ સમક્ષ ઉભા રહે છે કે સજદો કરે છે, (એટલે કે રાત્રિ ઈબાદત આરાધનામાં પસાર કરે છે.)
તેઓ અલ્‍લાહથી દુઆ કરતા રહે છે કે અમને જહન્‍નમ – નર્કના અઝાબ - શિક્ષાથી રક્ષણ આપો.
તેઓ ખર્ચમાં મધ્‍યમ રાહ અપનાવે છે,
અલ્‍લાહ સાથે અન્‍ય કોઇને માબૂદ – પૂજ્ય નથી ગણતા.
અલ્‍લાહે મનાઇ ફરમાવેલ કોઇ પણ માણસને કતલ નથી કરતા, હા કોઇ ગુનાની સઝામાં જુદી વાત છે.
તેઓ વ્‍યાભિચાર નથી કરતા.
જેઓ આવા ( કતલ – વ્‍યાભિચાર વગેરે ગુનાના) કાર્યો કરે છે , તેમને ગુનો (અને તેની શિક્ષા) લાગુ પડશે.
તેઓ જુઠી ગવાહી નથી આપતા.
ગેરઉપયોગી બાબતો સજ્જનતાથી ટાળી દે છે.
તેઓ પ્રાથના – દુઆ કરે છે કે હે અલ્‍લાહ ! અમને અમારી પત્નિઓ અને બાળકોમાં આંખોની ટાઢક આપો, અને સજ્જન માણસોમાં ઉચું સ્‍થાન અર્પો.
આવા લોકોને અલ્‍લાહ તરફથી સ્‍વર્ગનું સુંદર સ્‍થાન આપવામાં આવશે.
સૂરએ ફુરકાન – ૬૩

------------------------------------

મક્કામાં જ્યારે મુહંમદ પયગંબર સાહેબનો જન્‍મ થયો તો ચોતરફ અંધાધૂંધી હતી, અત્‍યાચાર , બળાત્‍કાર અને કુકર્મોની બોલબાલા હતી, લુંટફાટ, ચોરી, ખૂનામરકી અને વ્‍યાભિચારનું ચલન હતું, લોકો એટલા નિલર્જ અને ક્રૂર – ઘાતકી હતા કે સગી પુત્રીને જીવતી દાટી દેતા હતા. પરંતુ પયગંબર સાહેબ સલ્‍લલ્‍લાહુ અલયહિ વ સલ્‍લમમાં આવો કોઇ દુર્ગુણ હતો નહિ, ઉલટાનું તેઓ આ બધાથી નફરત કરતા, લોકોને આમ ન કરવા કહેતા, આવા ખરાબ કૃત્‍યો કરનારાઓથી દૂર રહેતા. સદાયે ચિંતિત રહેતા કે કેમેય કરી લોકો સજ્જન બની જાય, અત્‍યાચારોનો અંત આવે, વગેરે...
એવામાં એક વાર એક ગુફાનમાં ઇબાદતમાં મગ્‍ન મુહંમદને અલ્‍લાહનો દિવ્‍ય સંદેશ પ્રા૫ત થાય છે અને લોકોની સુધારણા માટે નિયુકત કરવા ઉપરાંત તે માટે અલ્‍લાહ તરફથી સહાય અને સફળતાનું વચન આપવામાં આવે છે.
મુહંમદ પયગંબર સાહેબ સલ્‍લલ્‍લાહુ અલયહિ વ સલ્‍લમને પ્રારંભે જ્યારે અલ્‍લાહ તઆલા તરફથી દિવ્‍ય સંદેશ પ્રાપ્‍ત થયો કે આપને અલ્‍લાહનો સંદેશ લોકો સુધી પહોંચાડવા માટે નિયુક્ત કરવામાં આવ્‍યા છે, હવેથી તમારે લોકોની સુધારણા અને દિવ્‍યજ્ઞાનના પ્રસાર માટે અલ્‍લાહના આદેશ પ્રમાણે કામ કરવાનું છે. પ્રારંભે અચાનક જ અલ્‍લાહના એક મહાન ફરિશ્‍તા - દૂત મારફતે મળેલ આ સંદેશાથી પયગંબર સાહેબ કંઇક ગભરાય ગયા, તેઓ સીધા ઘરે આવ્‍યા, અને પત્નિ ખદીજાને આ બધી વાત કરી, આ નેક અને સજ્જન ખાતૂને પતિને શાંત્‍વન આપતાં કહ્યું કે ગભરાઓ નહિં, તમે તો નેક , સજ્જન , પ્રમાણિક અને અમાનતદાર વ્‍યકિત છો, ખુદા તમને કંઇ કષ્‍ટમાં નહિં નાંખે, તમે તો સગાંસ્‍નેહીઓથી સદવર્તન રાખો છો, પિડિતોની સહાય કરો છો, નિશાધારોને સધિયારો આપો છો, ગરીબોના બેલી છો, મહેમાનોની પરોણાગતિ કરો છો, અને સત્‍ય ખાતર દરેકને ઉપયોગી થાઓ છો.
પત્નિ ખદીજાના આ શબ્‍દો મુળે તો પયગંબર મુહમ્‍મદ સાહેબના સદાચાર અને સંસ્‍કારો દર્શાવે છે, પણ ઉપર દર્શાવવામાં આવેલા કુર્આનના આદેશને જોઇએ છીએ, તો સ્‍પષ્‍ટ થાય છે કે મુહંમદ પયગંબર સાહેબને ખુદા તઆલાએ પયગંબર બનાવ્‍યા પછી પણ તે જ સદકાર્યોનો આદેશ આપ્‍યો, જે તેઓ પહેલેથી તેમની સજ્જનતાથી કરતા જ હતા.
આનાથી ફલિત થાય છે કે માનવીય સંસ્‍કારો અને પ્રાકૃતિક સદાચારો જ મુળ ઈસ્‍લામ ધર્મના સિદ્ધાંતો છે, તેના ઉપર જ ઇસ્‍લામની ઇમારત ઊભી છે, જે કાર્યો અને સદકર્મો મુહંમદ એક સજ્જન અને સંસ્‍કારી હોવાના નાતે પોતે કરતા હતા તેના જ વિશે કહેવામાં આવ્‍યું કે તમે લોકોમાં એનો પ્રચાર – પ્રસાર કરો.
આ જ બાબત ઇસ્‍લામની ખૂબી છે, આધાર અને બુનિયાદ છે, મુસલમાનોએ અને અન્‍ય દરેકે આ બાબતને લક્ષમાં રાખી જ ઇસ્‍લામ વિશે વિચારવું જોઇએ, અત્‍યાચાર મુસલમાનોનો ધર્મ નથી, મુસલમાનોએ અપનાવવાની જરૂરત નથી, અને કોઇ કરે તો એનો સાથ પણ ન આપી શકાય.

No comments:

Post a Comment