Friday, April 14, 2006

નમાઝ , એક બહુ હેતુલક્ષી ઇબાદત.


નમાઝ ઇસ્‍લામ ધર્મમાં એક મહત્‍વની ઇબાદત ગણાય છે. સામાન્‍ય પણે ધાર્મિક ક્રિયા ગણાતી આ ઇબાદતને લોકો એક જાતની ઇબાદતથી વધુ કંઇ સમજતા નથી. નમાઝના સમયો , સંખ્‍યા , તેના અન્‍ય આદર્શો પ્રત્‍યે સજાગ ન હોવા અને તેનું જ્ઞાન ન હોવાથી એની સંપૂર્ણ મહત્‍વતા અને સર્વગ્રાહિતા લોકો સમક્ષ આવતી નથી.
દિવસભરમાં નમાઝ પાંચ સમયે પઢવામાં આવે છે. સવારથી લઇ રાત્રી સુધીનો સમય આ માટે નિયુકત છે. એટલે કે રાત્રીને માણસ આરામ અને સુવા માટે સમજે છે, અલ્‍લાહ તઆલાએ પણ માનવીના આરામનો ખ્‍યાલ રાખી રાત્રીમાં કોઇ નમાઝ નક્કી કરી નહીં.
સવારે પ્‍હો ફાટવાથી લઇ સુર્યોદય સુધી ફજરની પહેલી નમાઝનો સમય છે. એટલે આ સમયે ઊંઘ પૂરી કરી ઊઠી જવું જોઇએ , સર્વપ્રથમ અલ્‍લાહની ઇબાદત કરવા માટે નમાઝ પઢવાનું કહેવામાં આવ્‍યું. આમ દિવસનો આરંભ નમાઝથી કરવાનું કહી દરેક વસ્‍તુના પ્રારંભે અલ્‍લાહના અસ્તિત્‍વના એકરાર, તેની સ્‍તૃતિ અને તેનાથી જ સઘળું થવાની શ્રધ્ધા વ્‍યકત કરવાનું કહેવામાં આવ્‍યું.
એક બીજી રીતે એવું પણ દશાર્વવામાં આવ્‍યું કે હવેથી તમારા કામનો સમય શરૂ થાય છે. પયગંબર સાહેબે તાકીદ ફરમાવી છે કે સવારે વહેલા ઉઠો , અને કામે લાગો અલ્‍લાહ તઆલા રોઝીમાં બરકત આપશે.
આ જ પ્રમાણે દિવસભરમાં પાંચ નમાઝો નક્કી કરી આખા દિવસનું ટાઇમ ટેબલ બનાવી દેવામાં આવ્‍યું. રાત્રીની છેલ્‍લી નમાઝ ( ઇશા ) વિશે એટલે જ તાકીદ છે કે ત્‍યાર પછી વાતો કરવી, મહેફિલ યોજવાની મનાઇ છે.

પાંચ સમયની આ નમાઝો માટે જે પ્રણાલી અને રીત દર્શાવવામાં આવી છે તે પણ સમાજ અને સમુહ લક્ષી છે, એટલે કે વ્‍યક્તિગત ઇબાદત અને ધાર્મિક ક્રિયાને પણ સમાજ અને સમુહલક્ષી હેતુપૂર્ણ બનાવી દેવામાં આવી. આમ કરવાથી એક લાભ આ છે કે ઇબાદત માટે એક સુંદર માહોલ અને વાતાવરણ બને છે, અને દરેક માટે વ્‍યક્તિગત રીતે પણ તે કાર્યને અંજામ આપવું સરળ થઇ જાય છે. ઘણી વાર આવો માહોલ જ માણસને કોઇ કાર્ય કરવા પ્રેરે છે. જો નમાઝ એક વ્‍યક્તિગત ક્રિયા જ હોત અને દરેકે ઘરમાં જ પૂરી કરવી જરૂરી ઠેરવવામાંઆવત તો એની બજવણીમાં શકય છે ઘણા લોકો સુસ્‍તી કરત કે ઇચ્છિત તકેદારી ન બતાવત.
પાંચ સમયે આમ મહોલ્‍લાના સઘળા લોકોને ભેગા થવાની તક આપી એક સુગઠિત સમાજ માટે ઇસ્‍લામે સુંદર બુનિયાદ નાંખી છે. આમ ભેગા થઇ લોકો એક બીજાના ખબર અંતર પૂછી શકે છે. મદદરૂપ થઇ શકે છે. વાકેફ રહી શકે છે. જો નમાઝમાં કોઇ ગેર હાજર હોય તો એના વિશે પૃચ્‍છા કરી શકાય છે કે તે કોઇ મુસીબતમાં છે કે તકલીફમાં છે . ઇસ્‍લામની સર્વગ્રાહિતા વિશે એક અન્‍ય બાબત પણ વિશેષ ધ્‍યાન માંગી લે છે. એક સુંદર , તંદુરસ્‍ત અને દરેક રીતે સમતુલિત સમાજની રચના ઇસ્‍લામનો વિશેષ ધ્‍યેય છે. આ માટે દરેકને તેનું યોગ્‍ય સ્‍થાન, માન સન્‍માન , સમાન અધિકારો , ઉપરાંત દરેક પ્રકારની સલામતીની બાંહેધરી આપવામાં આવી છે. સુંદર અને સ્‍વસ્‍થ સમાજરચના માટે સમાજના સભ્‍યો માંહે ઊંચ-નીચ અને વ્‍યક્તિઓ માંહે આર્થિક તફાવત મોટો અવરોધ છે. ઇસ્‍લામમાં આ બાબતની વિશેષ તકેદારી રાખવામાં આવી છે. નમાઝની રીત એવી રાખવામાં આવી કે એ વડે દરેકને એકબીજા પ્રત્‍યે સમાનતાની લાગણી ઉત્‍પન્ન થાય. કોઇ પોતાને બીજાથી મોટો ન સમજે. નમાઝમાં દરેક માણસ અલ્‍લાહ સમક્ષ ઉભો રહે છે. અને અલ્‍લાહ સમક્ષ જ્યારે દરેક માણસ પોતાને બીજાથી સમાન ગણે તો સામાન્‍ય જીવનમાં એની અસર પડે એ સ્‍વાભાવિક છે.
આ જ પ્રમાણે નમાઝનું એક પાસું મુસ્લિમ સમાજના આર્થિક ઉધ્ધાર સાથે જોડવામાં આવ્‍યું છે. જો કોઇ માણસ બીમારીના કારણે મરણ પથારીએ હોય, અને હવે સારા થવાની આશા નહિવત હોય તો એના માટે આદેશ છે કે તે દરેક નમાઝના બદલામાં નિશ્ચિત માત્રામાં અનાજ કે રકમ ગરીબને આપી દે. ઝકાત , સદકહ ઉપરાંત આવા કેટલાયે અવસરો છે જયાં આદેશ છે કે ગરીબોને આટલું દાન કરવામાં આવે.
આનાથી ફલિત થાય છે કે નમાઝ એક બહુર્મુખી ઇબાદત છે. અને મુસલમાનના જીવનમાં તે અનેક રીતે મુખ્‍ય ભાગ ભજવતું પરિબળ છે.
આ આધારે સમજમાં આવે છે કે ઇસ્‍લામમાં નમાઝને અલ્‍લાહ રસૂલના એકરાર પછી મહત્‍વની ઇબાદત ગણાવવામાં આવી છે તે બિલ્‍કુલ ઉચિત અને યોગ્‍ય છે.

No comments:

Post a Comment