Monday, April 24, 2006

મુહમ્‍મદ અને મક્કા

અજ્ઞાનતા, અત્‍યાચારમાં જીવતા અરબસ્‍તાનના નિરંકુશ કબીલાઓ માંહે એક કબીલા ‘કુરેશ‘માં પયગંબર મુહમ્‍મદ સાહેબનો જન્‍મ થાય છે.
મુસલમાનો સામાન્‍યતઃ પયગંબરના નામ સાથે ‘સલ્‍લલ્‍લાહુ અલયહિ વ સલ્‍લમ‘ લગાવે છે. જેનો અર્થ છે, એમના ઉપર અલ્‍લાહની કૃપા અને સલામતી રહે. ઇસ્‍લામી પરિભાષામાં મુહમ્‍મદ પયગંબર સાહેબ માટે કરવામાં આવતી આવી પ્રાથનાને દુરૂદ કહેવામાં આવે છે.
મક્કા શહેર અને તેની આસપસના વિસ્‍તારોના ખંડેરો આજે પણ ભવ્‍યભૂતકાળની સાક્ષી પૂરે છે. કુર્આનમાં પણ એ બધાંની ભવ્‍યતાનો ઉલ્‍લેખ છે. પણ પાપનો ઘડો જ્યારે છલકાય ત્‍યારે, એટલે કે ઇશ્વર-અલ્‍લાહે આપેલી ઢીલ પૂરી થાય ત્યારે અંતે તબાહી – વિનાશનો કાળ આવે છે.
ઇસ્‍વી સન ૫૭૧માં મુહમ્‍મદ પયગંબર સાહેબ (સલ્‍લલ્‍લાહુ અલયહિ વ સલ્‍લમ) નો જન્‍મ થયો. ચાળીસ વરસના થયા છતાં સમાજની રસમો, રીવાજો, (અત્‍યાચારો અને બદીઓ) સાથે મનમેળ ખાતો ન હતો. માટે બધાંથી અળગા જ રહેતા.
રપ વરસની ઉમરે જેની સાથે શાદી કરી એ ૪૦ વર્ષીય પત્નિ ખદીજા ઘણાં નેક, પવિત્ર અને સજ્જન ખાતૂન હતાં. પતિના સ્‍વભાવ, સમજ અને અંતરના દુઃખને સમજતા હતાં. સહભાગી પણ હતાં.
૪૦ વર્ષના થયા તો અલ્‍લાહ તરફથી ફરિશ્‍તા (ઇશદૂત) જીબ્રઇલ મારફત અલ્‍લાહનો સંદેશ આપવામાં આવ્‍યો કે
‘પઢો, ( પઠન કરો) તે અલ્‍લાહનું નામ લઇ જેણે સૃષ્ટિનું સર્જન કર્યું, .......
તમારો પાલનહાર અતિસન્‍માનનીય છે, જેણે કલમ વડે જ્ઞાનની ધારા વહાવી.

ઈતિહાસકારો લખે કે આ ટાણે આખા મક્કામાં બધા મળીને ૧ર માણસો લખવા વાંચવાનું જાણતા હતા. સ્‍વંય મુહમ્‍મદ પયગંબર સાહેબ સલ્‍લલ્‍લાહુ અલયહિ વ સલ્‍લમ પણ જાણતા હતા.
અલ્‍લાહ તરફથી આવેલ આ પ્રથમ સંદેશ દ્વારા પરોક્ષ રીતે કહેવામાં આવ્‍યું કે જ્ઞાન મેળવો, ઇલ્‍મ પ્રાપ્‍ત કરો, કલમનો ઉપયોગ કરો. એના વડે અલ્‍લાહ માણસને જ્ઞાન આપી સન્‍માન અર્પે છે. એના થકી લોકો બુરાઇઓ છોડશે, અથવા તો સારું નરસું વિચારવાની લાયકાત મેળવશે.
આમ અલ્‍લાહના આદેશથી મુહમ્‍મદ સલ્‍લલ્‍લાહુ અલયહિ વ સલ્‍લમની ચળવળ આરંભાય છે. પરંતુ અવરોધોનો પર નથી, મુહમ્‍મદ સલ્‍લલ્‍લાહુ અલયહિ વ સલ્‍લમનો એટલો વિરોધ કરવામાં આવે છે કે તેમણે મક્કા છોડવું પડયું . પહેલાં તો તેઓ તાઇફ નામી શહેર ગયા. પરંતુ ત્‍યાંના લોકોએ સહકાર ન આપ્‍યો, અપમાન કર્યું. એટલે મક્કા પરત આવી ગયા.
થોડા વરસો પછી મદીના શહેરમાં આશાનું કિરણ ઉગે છે, મદીનાવાસીઓ મુહમ્‍મદની સીધી સાદી સદકર્મોની શીખ આપતી વાતોને સમજે અને અપનાવે છે. અને અંતે મુહમ્‍મદ સલ્‍લલ્‍લાહુ અલયહિ વ સલ્‍લમ મક્કા છોડી મદીના ચાલ્‍યા જાય છે.
મદીનામાં યોગ્‍ય સહકાર મળવાથી અને સમજદાર સાથીઓના સથવારે ( જેમાંથી ઘણા બધા મક્કાથી સાથે આવેલા નિષ્‍ઠાવાન અનુયાયીઓ પણ હતા) પયગંબર એક સુંદર, સંસ્‍કારિત, સમાનતા અને ન્‍યાય આધારિત સમાજની રચના કરવામાં સફળ થાય છે.
વિરોધીઓ ઘણા ખરા તો સદકાર્યો અને સંસ્‍કારો થકી મુસલમાન બની જાય છે, અને જેમણે કષ્‍ટો અને સતામણી ચાલુ રાખી એમને કંઇ કડકાઇથી સમજાવવામાં આવ્‍યા.
મદીનામાં મુહમ્‍મદ સલ્‍લલ્‍લાહુ અલયહિ વ સલ્‍લમ કુલ ૧૧ વર્ષ રહ્યા.
આ મુદ્દતમાં મક્કાવાળાઓ જોડે સામસામેના યુદ્ધો પણ થયા;
એક વાર સુલેહ-શાતિના કરાર થયા, પણ મક્કા વાસીઓએ કરાર પાલન કર્યું નહી. અને કરાર વિરુદ્ધ અનેક કાર્યો કર્યા.
આ બધાનો અંત મદીના આવ્‍યાને ૧૦ મે વરસે આવે છે. જ્યારે મુહમ્‍મદ સલ્‍લલ્‍લાહુ અલયહિ વ સલ્‍લમ લાખો અનુયાયીઓને લઇ મક્કા જાય છે.



મુસલમાનોની આ મક્કા પર ફતેહ હતી. મક્કાવાસીઓ શત્રુ હતા. અત્‍યાર સુધીની સતામણીનો પાર ન હતો. અને ન્‍યાયી રીતે દરેકથી બદલો લઇ શકાય એમ હતું. પરંતુ પયગંબર સાહેબે દરેકને ક્ષમા આપી. મક્કાવાસીઓ મુસલમાનો પરના તેમના અત્‍યાચારો ના કારણે એટલા બધા અપરાધ ભાવમાં હતા કે ક્ષમા અને માફીનું જાહેરનામા પર તેમને શ્રદ્ધા ન બેસી, એટલે એલાન કરાવવામાં આવ્‍યુ કે જે કોઇ તેના ઘરનો દરવાજો બંધ કરી લેશે તેને માફી. જે કોઇ કાબાની પવિત્ર મસ્જિદમાં આવી જશે, તેને માફી. જે કોઇ મક્કાના સરદાર અબૂ સુફિયાનના ઘરમાં આવી જશે, તેને માફી.
આ ઘટના અને પયગંબર સાહેબ સલ્‍લલ્‍લાહુ અલયહિ વ સલ્‍લમ દ્વારા પુરૂં પાડવામાં આવેલ ક્ષમા અને માફીનું દષ્‍ટાંત ઘણું બધુ કહી જાય છે. માફીનું ઇસ્‍લામમાં ઘણું મહત્‍વ છે,
ન્‍યાય અને બદલા માટે અસલ તો ઇસ્‍લામનો કાયદો ઘણો સખત છે. તેમાં વિશેષ કરી અત્‍યાચાર, જુલમ અને ગુનાહને સામે રાખી પીડિતનો વિશેષ ખ્‍યાલ રાખવમાં આવ્‍યો છે , માટે જ અમુક નક્કી બાબતોમાં તો કુર્આનમાં પણ કહી દેવામાં આવ્‍યું કે આંખના બદલે આંખ, કાનના બદલે કાન, અને પ્રાણના બદલે પ્રાણ. પણ કુર્આનમાં સાથે જ કહેવામાં આવ્‍યું છે કે આમ બદલો લેવાના બદલે જો ‍પીડિત માફ કરી દે તો એ માફીનો એને અલ્‍લાહ તરફથી શ્રેષ્‍ઠ બદલો આપવામાં આવશે.
આજ કાલ પશ્ચિમના લેખકો અને કાયદાવિદો જેઓની નિતિ ગુનેગાર તરફી અને ઢીલ વાળી જ રહી છે, તેઓ આવા સખત કાયદાઓ પ્રત્‍યે અણગમો વ્‍યકત કરે છે. તેને માનવતા વિરુદ્ધ દર્શાવે છે, પરંતુ આવા કડક કાયદા સાથે ઇસ્‍લામે દર્શાવેલ માફી અને રહેમના પાસાને ફોક્સ નથી કરતા.
આપણે જોઇએ છીએ કે ઉપરની ઘટનામાં મુહમ્‍મદ પયગંબર સાહેબ પોતે તેમના શત્રુઓને ક્ષમા આપી આ જ માફી અને રહેમના સિદ્ધાંતને અનુસર્યા છે.
પયગંબર સાહેબનું કથન છે કે લોકોની તમારા પ્રત્‍યેની ભૂલોને માફ કરશો તો અલ્‍લાહ તમારી ભૂલોને માફ કરશે.
પયગંબર સાહેબનું જ કથન છે કે તમે ધરતીવાળાઓ પર રહેમ કરો, આસમાનવાળો તમારા પર રહેમ કરશે.

2 comments:

  1. Anonymous12:29 PM

    Excellent

    ReplyDelete
  2. Anonymous7:39 AM

    It is excellent work. I was thinking of creating same and found your blog. Don't stop it please keep posting.

    ReplyDelete