આવતી કાલે ૧ર મી રબીઉલ અવ્વલ છે. એટલે કે પયગંબર હજરત મુહંમદ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમનો જન્મ દિવસ પણ અને મરણ દિવસ પણ. લોકો આ દિવસે પયગંબર સાહેબના જન્મને સામે રાખી ખુશીઓ મનાવે છે અને ભૂલી જાય છે કે આ જ દિવસે એમનુ અવસાન પણ થયું હતું. ખુશી અને ગમ , બન્ને સરખા આ દિવસ સાથે જોડાયેલા છે. માટે યોગ્ય એ છે કે ખુશી કે ગમ મનાવવાના બદલે કંઇ સારી વાતો એમના જીવન વિશે જાણી એનું અનુસરણ કરવાનો પ્રયતન કરવામાં આવે. આ જ અનુસંધાનમાં ‘ સુવાસ ‘ નો આજનો અંક પ્રસ્તૃત છે.
પવિત્ર મૃખાવિંદ
આપ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ ઘણાં જ સોંદર્યવાન હતા. મધ્યમ કદ , રંગ ઘઉં વર્ણો, પહોળું ઊંચું કપાળ, મોટું માથું, ભવાં વાંકા - વાળથી ભરેલા , કાળી આંખો , મોટી પાપણો, ગાલ સફેદ , નાકમાં ચમક , પહોળું મોઢું , પાતળા હોઠ , ભરાવદાર દાઢી અને ભપકાદાર અવાજ ધરાવતા હતા. દોસ્તો એમના સોંદર્યથી ખૂબ પ્રભાવિત હતા. હઝરત અબ્દુલ્લાહ બિન સલામ (રદિ.) ઇસ્લામ પૂર્વે યહૂદીઓના મોટા વિદ્વાન હતા, એમણે જ્યારે પ્રથમવાર આપને જોયા તો તુરંત જ બોલી ઉઠયા કે ‘‘ ખુદાના સમ આ કોઇ જૂઠા માણસનો ચહેરો નથી. ‘‘
હઝરત જાબિર ( રદિ ) ફરમાવે છે કે પયગંબર સાહેબનું મુખડું ચાંદ સૂરજની જેમ ચમકદાર હતું , એમના એક અન્ય દોસ્ત વર્ણવે છે કે રાત્રે જ્યારે ચાંદ નીકળતો તો હું કદી ચાંદને જોતો અને કદી હઝરત મુહંમદ સાહેબના મુખને. પરંતુ મને પયગંબર સાહેબ ચાંદથી અધિક સોંદર્યવાન લાગતા હતા.
હઝ. આઇશહ (રદિ.) ફરમાવે છે કે એક વાર કોઇએ કાળી ચાદર આપ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમને ને ભેટ આપી,
પહેરી મને પૂછયું કે મને આ કેવી લાગે છે ?
મેં કહ્યું કે હે અલ્લાહના રસૂલ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ !
તમારો ઉજળો વાન અને ચાદરની કાળાશ સાથે
અને ચાદરની કાળાશ આપની ઉજ્જવળતા સાથે મળી ખીલી ઉઠ્યાં છે.
સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ
નિરાલી વાતો..
વધુ પડતા શાંત , જરૂરત વિના વાત નહિં, જ્યારે પણ બોલતા અટકી અટકી, વાક્યોને જુદા કરી સાંભળનારને યાદ રહી જાય અમે બોલતા.
ઘણીવાર એક જ વાત ત્રણવાર બોલતા.
શબ્દો જાણે માળામાં પરોવેલાં મોતી. સાંભળનારના હદય સોંસરવા ઉતરી જાય એવા. ઉપરાંત મીઠાશ તો ખરી જ.
પોતાના પર થયેલા અત્યાચારનો કદી બદલો નહીં , ઉલટાનું અત્યાચારી સાથે સદવર્તન દાખવતા.
સૌથી વધુ બુદ્ધિવાન અને માનસિક સજ્જતા ધરાવતા હતા. લડાઇઓમાં જીત , શત્રુના પ્રપંચથી બચી નીકળવું અને અન્ય વ્યવસ્થાકીય આદેશો-સુધારા એના સ્પષ્ટ પુરાવા છે.
આપનું કથન છે કે ચાર વાતો મારી જેમ અન્યોને પ્રાપ્ત નથી થઇ.
દાનવીરતા,
બહાદૂરી ,
પૌરૂષત્વ અને
શક્તિ.
કોઇ વિશે જ્યારે કોઇ અણગમાની વાત પહોંચતી તો એનું નામ લઇ એમ ન કહેતા કે ફલાણાને શું થઇ ગયું ?
બલકે એમ કહેતા કે લોકોને શું થઇ ગયું છે કે તેઓ આવું કરે છે ?
સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ
વિવેક
મેહફિલમાં કદી પગ પસારી બેસતા બેસતા નહિં. જે મળે તેને સલામ કરવામાં પહેલ કરતા. મુસાફહા ( હસ્તધનુન) માટે પ્રથમ હાથ લંબાવતા.
કદી કોઇની વાત કાપતા નહિં.
કદી રાત્રે ઘરમાં આવવાનું થતું તો એવી રીતે સલામ કરતા કે જાગૃત સાંભળી લે અને ઊંઘનારને ખલેલ ન પડે. પોતાના સેવક - ખાદિમથી પણ તેની જરૂરતો વિશે પૃચ્છા કરતા રહેતા. હઝરત જાબિર (રદિ.) ફરમાવે છે કે આપ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ હમેંશા સાથીઓની પાછળ ચાલતા. નફલ નમાઝ દરમિયાન કોઇ નજીક આવી બેસતું તો નમાઝ ટુંકાવી એની વાત સાંભળતા અને જરૂરત સંતોષતા.
હાસ્ય વિનોદ
કદી ખિલખિલાટ હસતા ન હતા. મુસ્કાન જ આપનું હાસ્ય હતું. તહજ્જુદની નમાજમાં ઘણી વાર રડી પડતા.
વફાદાર દોસ્તના અવસાન સમયે પણ આંખોમાં અશ્રુ તરસ આવતા.
આપના પુત્ર હઝરત ઇબ્રાહીમ (રદિ.) દૂધ પીવાની ઉમરે જ અવસાન પામ્યા, જ્યારે એમને કબરમાં ઉતાર્યા તો આંખો ભરાઇ આવી. ફરમાવ્યું , આંખોમાં અશ્રુ છે , દિલ મહી ગમ છે, પરંતુ પરવરદિગારને પસંદ હોય એવી વાત કહીશ, ઇબ્રાહીમ ! મને તમારા અવસાનથી રંજ થયો.
એક વાર હઝરત અબ્દુલ્લાહ બિન મસ્ઉદ (રદિ.) આપને કુર્આન સંભાળાવી રહ્યા હતા. પઢતાં પઢતાં તેઓ જયારે એક આયત પર પહોંચ્યા તો આપે ફરમાવ્યું , બસ , ઉભા રહો, તેમણે આંખ ઉઠાવી જોયું તો આપની આંખોમાંથી અશ્રુધારા વહી રહી હતી. સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ
ખોરાક
આપ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ સરકો , મધ , હલ્વો , ઝૈતુનનું તેલ અને દૂધ વિશષ પસંદ ફરમાવતા હતા. એક વાર આપના નવાસા હઝરત હસન અને પિત્રાઇ ભાઇ હઝરત અબ્દુલ્લાહ બિન અબ્બાસ (રદિ.) આપના પુનિત પત્નિ હઝરત ઉમ્મે સલ્મહ (રદિ.) પાસે ગયા અને અરજ કરી કે આજે અમને રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમને ગમતું ખાણું ખવડાવો. તેમણે કહ્યું કે ભલા લોકો તમને એ ખાણું કેવી રીતે ભાવશે ? છતાં એમના આગ્રહને વશ થઇ જુવાર દળી હાંડી ચૂલા પર મૂકી દીધી. ઉપરથી ઝૈતુનનું તેલ , જીરૂ , મરી નાંખ્યાં, રાંધીને લોકો સમક્ષ મૂક્યું અને કહ્યું કે આ ખાણું આપ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમને અતિપ્રિય હતું.
સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ
લિબાસ
ચાદર,ખમીસ, અને લુંગી આપનું સામાન્ય પહેરણ હતું, પાયજામાનો તે સમયે અરબસ્તાનમાં રિવાજ ન હતો , માટે આપે તે પહેર્યો નથી, પણ એક વાર જોવામાં આવ્યો તો તેની સરાહના કરી . યમની ચાદર આપને વિશેષ પસંદ હતી.
પાઘડી પહેરતા, વધુ પડતી કાળા રંગની. નીચે માથાને ચોંટી રહે એવી ટોપી પહેરતા.
પાથરણું ચામડાનું ગાદલું , જેમાં રૂના સ્થાને ખજૂરના પાંદડાઓ ભરવામાં આવતાં. સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ
સફાઇ
સફાઇ સ્વચ્છતા આપનો પ્રિય ગુણ હતો. કોઇને મેલા ગંદા કપડાંમાં જોતા તો એને સ્વચ્છતાની તાકીદ કરતા.
એકવાર જુમ્આના દિવસે આપ મસ્જિદમાં પધાર્યા , કામ કાજ કરનારા આપના અનુયાયીઓ ખેતરે વગેરેથી મેલાં કપડે જ મસ્જિદમાં આવ્યા હતા. ગરમીના દિવસો હતા. પસીનો થયો તો મસ્જિદમાં પસીનાની દુર્ગંધ પ્રસરવા લાગી. આપ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમે ફરમાવ્યું , ન્હાયને આવવું સારૂં છે. અને તે દિવસથી જ જુમ્અહના દિવસે નહાવું શરીઅતનો આદેશ બની ગયો.
મસ્જિદની ભીંત પર કે જમીન પર થુંકવું આપને પસંદ ન હતું. જો કોઇ એમ કરતું તો સ્વંય લાકડી વડે તેને સાફ કરી દેતા. એક વાર ભીત પર થૂંક જોયું તો ક્રોધથી રાતા પીળા થઇ ગયા , જ્યારે એક અન્સારી ઓરતે એને સાફ કરી ત્યાં ખુશ્બૂ લગાવી દીધી તો પછી ઘણાં જ પ્રસન્ન થયા.
એકવાર એક સહાબી (રદિ.) નમાઝ પઢાવી રહયા હતા. નમાઝમાં જ એમણે થૂંકયું , આપે જોયું તો ફરમાવ્યું કે આ માણસ હવેથી નમાઝ પઢાવશે નહિં.
દુર્ગંધ વાળી વસ્તુઓને આપ પસંદ કરતા ન હતા. કાચા પ્યાઝ ,લસણ , અને મૂળા ખાયને મસ્જિદમાં આવવાની મનાઇ હતી. આપનો આદેશ હતો કે ગાંડા માણસો પણ મસ્જિદમાં આવે નહિં.
અરબસ્તાનના ગામડિયા લોકો રસ્તામાં જ પેશાબ કરવા બેસી જતા. આપે એમને રોકયા . રસ્તા પર જ કે ઝાડ નીચે કે પાણી ભરેલા ખાડા ખાબોચિયા કે તલાવડીઓમાં પેશાબ કરવાથી પણ મનાઇ ફરમાવી.
No comments:
Post a Comment