Saturday, April 22, 2006

મદરેસાઓ અંગેના તથાતથ્‍યની તપાસ થાય.

હિંદુત્‍વ એક અધ્‍યયન, લેખક કાન્તિ શાહ ,
અત્રે અમે આ પુસ્‍તકના અમુક અંશ આપીએ છીએ,
મદરેસાઓ અને તેમાં અપાતા ધાર્મિક શિક્ષણનો સવાલ વારે વારે ઊભો થઇ રહયો છે. જે દૂર થવો જોઇએ. એટલે આ બાબતમાં ઊંડા ઉતરી તથાતથ્‍ય જાણી લઇ કાયમનો આ સવાલનો નિકાલ લાવી દેવો જોઇએ. અને આ અંતરાય દૂર કરી નાંખવો જોઇએ. તે માટે તપાસ સમિતિ નીમી શકાય, કમિશન બેસાડી શકાય.
એટલું તો સ્‍પષ્‍ટ છે કે આપણા જેવા નાનાવિધ ધર્મો વાળા રાષ્‍ટ્રમાં ધર્માંધતાનું સાંપ્રદાયિક શિક્ષણ આપી શકાય નહીં એટલું જ નહી, ધાર્મિક શિક્ષણ આપતી પણ વખતે સર્વધર્મ સમભાવની ભાવના ખીલે એવું વલણ હોવું જોઇએ. વળી વિધાર્થીઓને માત્ર ધાર્મિક શિક્ષણ જ મળે અને અન્‍ય જ્ઞાન અને વિધાથી તેઓ વંચિત રહી જાય એ પણ ઇષ્‍ટ નહી ગણાય. તેથી જેમ મીશનરી શાળાઓ છે, અને હિંદુ ગુરુકુળો અને પાઠશાળાઓ છે, તેમ મદ્રેસાઓ પણ માત્ર ધાર્મિક શિક્ષણ આપતી સંસથાને બદલે બૃહદ વિધાધામો બની રહે એ ઇષ્‍ટ છે. તેમાં અન્‍યધર્મી માટે પ્રવેશ નિષિ‍દ્ધ ન હોય તો વળી વધુ સારુ.
આવા એક વ્‍યાપક દષ્ટિકોણ સાથે આપણે એ પણ જાણવું જોઇએ કે આજે જે મદ્રેસાઓ ચાલે છે તે કોઇ ભુગર્ભ પ્રવૃતિ સ્‍વરૂપે અથવા બિનકાયદેસર ચાલતા નથી. આ બધા મદ્રેસાઓ બંધારણ માન્‍ય છે. અને કાયદેસર રજિસ્‍ટર્ડ થયેલા છે. તથા અન્‍ય સંસ્‍થાઓની માફક સરકારના ધારાધોરણ અનુસાર ચાલી રહ્યા છે. એટલે સરકાર દ્વારા એમનું જરૂરી નિયમન નિયંત્રણ સહેલાઇથી કરી શકાય. એમની સામે કોઇ ફરીયાદ હોય તો જરૂર કોઇ કાયદેસર પગલાં લઇ શકાય. પરંતુ આવી વારંવાર બહુ ફરિયાદો કરનારા પોતે આજે સરકારમાં હોવા છતાં અત્‍યાર સુધી એમણે આવું કશું જ કર્યું નથી, અરે આવી ગેરરીતી આચરનારા મદ્રેસાઓની યાદી સરખી પણ, તેની વિગતે માહિતી સરખી પણ એમણે જાહેરમાં મૂકી નથી.
ત્‍યારે શું એમ માનવું કે આ લોકોના હાથમાં હિંદુઓમાં મુસ્લિમ વિરોધી લાગણી ઉશ્‍કેરવા માટેનો આ પણ એક સસ્‍તો મુદ્દો માત્ર છે ? એમને આ સવાલ ઉકેલવામાં રસ નથી. માત્ર તેને સળગતો રાખીને રાજકયી લાભ ખાટતા રહેવામાં જ રસ છે ? આ પણ એક ભારે બેજવાબદાર, વિઘાતક અને અંતરાયરૂપ ભૂમિકા છે.
અહીં એટલું ઉમેરવું જોઇએ કે બધા મુસ્લિમો મદ્રેસામાં ભણે છે એવી છાપ પણ ખોટી છે. વાસ્‍તવિકતા તો એ છે કે મદ્રેસામાં જનારા બાળકોમાંથી મોટા ભાગના ગરીબ હોય છે. ...............ઉપરાંત ઘણા મદ્રેસાઓમાં ધામિર્ક શિક્ષણની સાથે અન્‍ય શિક્ષણ પણ આપવાનું શરૂ થયું છે. એમના અભ્‍યાસક્રમને આધુનિક બનાવાયા છે. થોડા વખત પહેલાં ભરૂચ બાજુના એક સંચાલકે તો જાહેરમાં નિમંત્રણ આપ્‍યું હતું કે અમારે ત્‍યાં આવીને જોઇ જાવ કે અમારા મદ્રેસામાં અમે કેવું એક અઘતન વિધાધામ જેવું શિક્ષણ આપી રહ્યા છીએ.
એટલે હવે મદ્રસાના મુદ્દાની લાકડી બનાવીને બધા મુસ્લિમોને એક સાથે ફટકારતા રહેવાનું બંધ થવું જોઇએ. અહીં એવું પણ યાદ આવે છે કે દસ પંદર વરસ પહેલાં સુરેન્‍દ્રનગરનો એક તેજસ્‍વી મુસ્લિમ વિધાર્થી એસ.એસ.સી.માં સંસ્‍કૃત વિષયમાં ગુજરાતભરમાં પ્રથમ નંબરે ઉત્તીર્ણ થયો હતો. ખોટી માહિતી આપીને મુસ્લિમો પ્રત્‍યે દ્વેષભાવ વધારતા રહેવાના બદલે આવી સાચી પણ ઉપેક્ષિ‍ત માહિતીને વધુ ને વધુ ઉજાગર કરતા રહેવાથી દૂરીભાવ ઓવો થશે અને હિંદુત્‍વની વધુ સેવા થશે.
( કાન્તિ શાહ, ‘‘ હિંદુત્‍વ એક અધ્‍યયન ‘‘ પેજ ૯૫ – ૯૬ )
છાસવારે આપણા સમાચાર પત્રો અને લેખકો મદ્રેસાઓ વિશે નકારાત્‍મક લખાણો લખતા રહે છે, જેનો વાસ્‍તવિકતાથી કોઇ સંબંધ નથી હોતો, આવા રિપોર્ટરો અને લેખકોએ કોઇ મદ્રેસાની કદી મુલાકાત પણ લીધી નથી હોતી, બલકે સીધું જ પશ્ચિમી મીડીયાનું અનુસરણ કે અનુવાદ એમના લખાણોથી છલકતું હોય છે. આજના માહોલમાં જરૂરી છે કે આ બાબતે સ્‍પ્‍ષ્‍ટતા થાય. હું પોતે મદ્રેસાનો મોલ્‍વી હોવા ઉપરાંત હાલ એક મદ્રેસામાં જ કાર્યરત છું માટે મને આવા રીપોર્ટો અને નકારાત્‍મક સમાચારોનો ખાસો કડવો અનુભવ છે, સ્‍પ્‍ષ્‍ટ છે કે માણસ વિશે કોઇ વાસ્‍તવિકતાથી દૂર સદંતર ખોટું લખે તો એને તકલીફ પહોંચે, અને જો પાછો સામે વાળો તમારી ચોખવટ અને નિર્દોષતા સાંભળવા તૈયાર ન હોય તો પછી મનની વેદના મન જ જાણે.
સુવાસના હિંદુ વાચકોને જો આ બાબતે કોઇ સાચી અને સ્‍પષ્‍ટ માહિતી જોઇતી હોય, અથવા કંઇ શંકા કુશંકા હોય તો અમારાથી સંપર્ક કરે.

3 comments:

  1. સારા વિચારોનું સિંચન કરવું અને ખરાબ વિચારોનું નિકંદન કરવું દરેક માનવી માટે જરૂરી છે. ફરીદભાઇ આપે મદ્રસાઓ અંગેના વિષય પર ચર્ચા કરી તે ઘણું સારૂ કર્યુ, તેનાથી જે લોકો મીડીયાના ખોટા પ્રચારોથી વિચલિત થયા છે, તેઓ સાચી વિગત જાણશે એવી આશા, આપને અભિનંદન,
    મારો પણ એક બ્‍લોગ છે, પધારશો.
    સલીમ.
    www.ujaas.blogspot.com

    ReplyDelete
  2. સલીમ ભાઇ કોમેન્‍ટ બદલ આભાર,
    આપને મારા વિચારોથી સહમત જોઇ ખેશી થઇ,
    તમારો બ્‍લોગ વાંચ્‍યો, ખુશી થઇ. પ્રગતિ કરો. દુઆ કરું છું ,સલામ

    ReplyDelete
  3. Anonymous7:40 AM

    really nice blog but how many muslim knows it and follows the rules given in first article

    ReplyDelete