Sunday, September 09, 2007

ઈજિપ્‍તના રાજાઓ

અગાઉની પોસ્‍ટમાં ગુજરાત સમાચારની કોલમ નેટવર્કના જુઠાણા વિશે વાત લખી હતી,
અમે નીચે એક લિંક આપીએ છીએ જેમાં ઈજિપ્‍તના રાજાઓની યાદી સત્તાકાળ સહિત દર્શાવવામાં આવી છે. એમાં કોઇ રાજા નેટવર્કમાં જણાવવા પ્રમાણે નામ ઠામ ધરાવતો નથી.
આશા છે વાંચકો સત્‍યથી વાકેફ થશે
અને યોગ્‍ય પ્રતિભાવ આપશે.
http://www.touregypt.net/kings.htm

Thursday, September 06, 2007

ગુજરાત સમાચાર- નેટવર્ક નું જુઠાણું . . .

ગુજરાત સમાચારની નેટવર્ક કોલમ એના લેખકની ધારદાર કલમને કાણે જાણીતી છે, હમણા જ એમાં ક્ષત્રિયોની ગાથા ગાવામાં આવી હતી, તા. ૪ સપ્‍ટેમ્‍બરના રોજ લેખાંક બીજો છપાયો છે, પણ માણસ બડાઇ હાંકવામાં સત્‍યનો ખુરદો બોલાવી દે છે, કલમ લપસી જાય છે, જુઠ અને સત્‍યનો ભેદ ઉડી જાય છે,
અમે લેખને અત્રે બોકસમાં આપ્‍યો છે, એના છેલ્‍લા બે ફકરામાં પાયા વગરની બે બુનિયાદ વાતો લખવામાંઆવી છે,




તેમના કહેવા પ્રમાણે ઈજિપ્‍તમાં વિ.સ. ૬ર૮ થી ૬૮૩ સુધી યદુવંશી રાજા દેવેન્‍દ્રનું રાજ હતું,
આ સમયે નબી મુહંમદ જુલમથી ઈસ્‍લામનો ફેલાવો કરતા હતા,
દેવેન્‍દ્રના મોટા પુત્ર અસપતે નબી અહમદ સાથે સંધિ કરી
નબીએ બહેન ફરીદાબાનુના લગન અસપત સાથે કરાવ્‍યા.
એટલે અસપતે ઈસ્‍લામ અંગીકાર કર્યો.
દેવેન્‍દ્રના બીજા ત્રણ પુત્રો વેરાવળ આવી ગયા.
અત્રે ઇજિપ્‍તના ઇતિહાસની ચર્ચા ન કરીએ કે કયારે ત્‍યાં કોણ રાજ કરતું હતું , સમય મળ્યે એ શોધીશું
પણ ફકત રાજા દેવેન્‍દ્રના રાજની સંવંત જોઇએ,
૬ર૮ થી ૬૮૩ ,
ત્‍યાર પછી અસપત આવ્‍યો.
અને મુહંમદ પયગંબર સાહેબનું અવસાન થયું છે વિ.સં ૬૮૪ લગભગ.
હવે સવાલ એ છે કે અવસાન પછી નબી સાહેબ તેમની બહેનના લગન અસપત સાથે કેવી રીતે કરાવ્‍યા ?
ઈતિહાસમાં આજ સુધી કોઇએ આ વાત કહી નથી, અને કહેવાય પણ કેવી રીતે ?
મુહંમદ પયગંબર સાહેબ સલ્‍લલ્‍લાહુ અલયહિ વ સલ્‍લમને કોઇ ભાઇ કે બહેન હતાં જ નહીં
અને ‘ ફરીદા ‘ નામ સ્‍ત્રીનું તે સમયના અરબસ્‍તાનનના ઇ‍તિહાસમાં છે જ નહી, આ નામ તે સમયે પ્રચલિત હતું જ નહી,
અનેક જુઠાણા ભરી આ વાત સામે અમે વિરોધ નોંધાવી અનુરોધ કરીએ છીએ કે આવા જુઠાણા પછા લેવામાં આવે. અને તંત્રી શ્રી એ આવા લેખોને ચકાસીને છાપવા જોઇએ.

શું હિંદુત્‍વનો ભવ્‍ય ઈતિહાસ જુઠાણા પર આધારિત છે ?

શું હિંદુત્‍વને ભવ્‍ય ચીતરવા માટે મુસલમાનો કે ઇસ્‍લામને ભુંડો ચીતરવો આવશ્‍યક છે ?

શીદને આ જુઠાણાનો પાપ માથે લેવામાં આવે છે ?

Tuesday, August 21, 2007

પ્રાણીઓની બલિ

માંસાહાર અને પશુબલિના નામે વારેઘડીએ મુસલમાનો પર દોષનો ટોપલો ઢોળવામાં આવે છે. માનવી માટે શું યોગ્‍ય અને શું અયોગ્‍ય, એ ચર્ચા અત્રે કરવી નથી, ફકત એક સમાચાર પુરાવા રૂપે અત્રે મૂકીએ છીએ.



ધર્મ ઔર હમ...http://divyabhaskar.co.in/ તા. ર૧ ઓગસ્‍ટ, ર૦૦૭




ગુવાહાટીના કામખ્યા મંદિરમાં ચાલી રહેલા ત્રીદિવસીય તહેવાર દેવધાની માટે એક ભકત પોતાના ખભા પર બલી ચડાવાયેલી બકરીઓ લઇને જઇ રહ્યો છે. દેવધાની તહેવારમાં માતાજીના ભકતો બકરી કબૂતર જેવા પશુ-પક્ષીઓની બલી ચઢાવે છે અને થોડા શ્રઘ્ધાળુઓ તો કબૂતરનું લોહી પીવે પણ છે.

Wednesday, August 15, 2007

આઝાદી


Wednesday, August 08, 2007

ગુજરાતી ભાષામાં કુરઆનના ૮૦૦ શબ્‍દો

બરોડાના જનાબ મોહમંદ યાસીન એ શેખ. દ્વારા એક પુસ્તિકા બહાર પાડવામાં આવી છે, નામ છે ( ગુજરાતી ભાષામાં એકરૂપ થયેલા અરબી શબ્‍દો, કુરઆન શરીફના આધારે ) સંપાદક યાસીન ભાઇએ એમાં લગભગ ૮૦૦ એવા શબ્‍દો આપ્‍યા છે, જે અરબીના છે, એટલું જ નહી, બલકે પવિત્ર કુરઆન શરીફમાં પણ ઉપયોગાયા છે, અને ગુજરાતીમાં પણ વપરાય છે.
એમ તો ગુજરાતીમાં વપરાતા શબ્‍દો એનાથી પણ ઘણા વધારે છે, પણ યાસીન ભાઇએ ફકત અરબીના હોવા સાથે કુરઆનમાં વપરાયા હોય એવા શબ્‍દો જ આ પુસ્તિકામાં ભેગા કર્યા છે. પુસ્તિકાની આ બીજી આવૃતિ છે, અને એના આરંભે જે નિવેદન છે, એને અત્રે પ્રસ્‍તૃત કરીએ છીએ,
ફ‍રી કોઇ વાર યોગ્‍ય સમયે એ શબ્‍દોને પણ સુવાસ પર પ્રગટ કરીશું, ઇન્‍શાઅલ્‍લાહ


આજની ગુજરાતી ભાષા વિશે એટલું તો સ્‍‍વીકારવું વ રહ્યું કે તેમાં એનેક ભાષાઓના સારા સારા શબ્‍દો ખુલ્‍લા દિલે સમાવી લેવામાં આવ્‍યા છે,

યે હી તો ઇસકી ખૂબસૂરતી કા રાઝ હે

આઝાદી પૂર્વે ભારતમાં લગભગ ૧પ૦ વરસ અંગ્રેજોનું શાસન રહ્યું, જે દરમ્‍યાન અંગ્રેજી ભાષાના પ્રભુત્‍વને કારણે ગુજરાતી ભાષામાં સેંકડો અંગ્રેજી શબ્‍દો હવે કદાચ કાયમનું સ્‍થાન જમાવી ચૂકયા છે, દા.ત. પ્રોફેસર, ડોકટર, નર્સ, કંપાઉન્‍ડર, હોસ્પ્‍િાટલ, સ્‍ટેશન, પ્‍લેટફોર્મ, ટ્રેન, ટીકીટ, બસ, મોટર, કંડકટર, ટેક્ષી, પોસ્‍ટઓફિસ, મનીઓર્ડર, પોસ્‍ટકાર્ડ, પાસપોર્ટ, લાયસન્‍સ, એરોડ્રામ, પેન, પેન્સિલ, પેપર, નોટબુક, રબર, ઇન્‍સ્‍પેકટર, પોલીસ, સ્‍કૂલ, યુનિફોર્મ, મેચ, બોલ, બેટ, અમ્‍પાયર, વન ડે, સિનેમા, ટાઉનહોલ, શર્ટ, પેન્‍ટ, સુટ, ડાઇનીંગ ટેબલ, પાર્ટી, રેડીયો, ટી.વી, કેલ્‍કયુલેટર, કોમ્‍પ્‍યુટર, ટેલીફોન, ફેકસ. વગેરે.

અંગ્રેજો પહેલાં ગુજરાતમાં ઇ.સ. ૧ર૯૭ થી લગભગ ૬૦૦ વરસ મુસ્લિમ શાસન રહ્યું, જે દરમ્‍યાન ફારસી ભાષા દરબારી એટલે કે રાજભાષા રહી, તે પહેલાં ઇ.સ. ૭૧૬ માં પારસી લોકો ગુજરાતને કિનારે આવીને વસ્‍યા, જેમની માતૃભાષા ફારસી હતી, આ બધા કારણે ગુજરાતી ભાષામાં અનેક ફારસી શબ્‍દો પણ સ્‍વીકૃતી પામી ચૂકયા છે, દા.ત. આબોહવા, ગરમ, નરમ, રૂમાલ, રૂબરૂ, ખૂબસૂરત, બેવફા, બેખબર, બેમિસાલ, બેવકૂફ, બદી, બાગ-બગીચા, ઝમીનદાર, ઇમાનદાર, ફોજદાર, હવાલદાર, બારીક, બીમાર, હરકત, દરકાર, દરવાઝા, ગુમાન, દુશ્‍મન, અફસોસ, આફત, ફરીયાદ, ફાનસ, પુરશિસ, અંદાઝ, હાલત, ઇનામ, જવાબ, સફેદ, શહેર, વિ. વિ. આવી જ રીતે તે ,પહેલાં ગુજરાતી ભાષા પર અરબી ભાષાનો પણ ઘેરો પ્રભાવ પડેલો જણાય છે.
વડોદરા યુનિવર્સિટીના વિદ્વાન પ્રોફસર મર્હૂમ ડો. એમ.અે. કુરેશી સાહેબે એમના સંશોધનપૂર્ણ પુસ્‍તક Muslim Education and Learning in Gujarat માં જણાવ્‍યું છે કે ઇસ્‍વીસનના પ્રારંભના સૈકાઓમાં મુખ્‍યતવે આરબ લોકોએ જ ભારત અને યુરોપના દેશો સાથે દરિયાઇ સંબંધો જાળવી રાખ્‍યા હતા, અને સૂકો મેવો ગરમ મસાલા, કિંમતી પથ્‍થરો અને હાથી દાંત, વિગેરનો મોટો વેપાર સ્‍થાપ્‍યો હતો,
ઇસ્‍લામ ધર્મના ઉદય પહેલાં પણ અારબ નાવિકો ગુજરાતના કિનારાઓ પર લંગર નાખતા, ખંભાત એ જમાનામાં ભારતનું સૌથી મોટું બંદર અને પ્રવેશદ્વાર ગણાતું, અને ઘોઘા, ગંધાર, ભરૂચ, ભાડભૂત, સંજાણ, થાણા, દીવ, વિગેરે પણ અગત્‍યના નાના મોટા બંદરો હતા.
ઇ.સ. ૬૧૦માં અરબસ્‍તાનમાં ઇસ્‍લામના ઉદય થયા બાદ પણ મુસ્લિમ આરબોએ તેમના બિનમુસ્લિમ પૂર્વજો માફક ભારત સાથે વેપારી સંબંધો ચાલુ જ રાખ્‍યા, જેથી બન્‍ને દેશના લોકો એક બીજાની સંસ્‍કૃતી અને સંસ્‍કારથી ખૂબ પરિચિત થયા, એટલું જ નહી, પરંતુ ઘણા અગત્‍યના બંદરો જેવા કે ખંભાત, ભરૂચ, સજાણ, ચેમ્‍બૂર, અને મલ્‍બારના દરિયા કિનારે અને ગુજરાતના પાટણ, અમદાવાદ, વડોદરા જેવા અન્‍ય શહેરોમાં આરબોએ કાયમી વસવાટ કરવા પોતાની વસાહતો (Colonies ) ઉભી કરી હતી, આરબોની માતૃભાષા અરબી હતી, જેની આ લાંબા સહવાસને કારણે ગુજરાતના લોકો પર ખૂબ અસર પડી.
ત્‍યાર બાદ સૂફી સંતોના આગમન તેમજ મુસ્લિમ શાસન સાથે કુરઆન શરીફને પઢનારા સમજનારા અને સમજાવનારાના વધતા જતા વ્‍યાપને લીધે અરબીભાષાનો ગુજરાતી ભાષા પર ઘેરો પ્રભાવ પડયો.
આ સંદર્ભમાં એક સત્‍ય હકીકત સદા ધ્‍યાનમાં રાખવા જેવી છે કે કુરઆન મજીદ આજથી લગભગ ૧૪૦૦ વરસ પહેલાં નાઝિલ થયેલું આકાશી પુસ્‍તક છે, જેમાં આજ સુધી એક ટપકાં જેટલો પણ ફેરફાર થયો નથી, આ પુસ્તિકામાં આવરી લેવાયેલ તમામ શબ્‍દો તેથી ૧૪૦૦ વરસ પહેલાંના તો છે જ.
આ પુસ્તિકા માટે કુરઆન શરીફના માત્ર તે જ શબ્‍દો પસંદ કર્યા છે, જે લગભગ તેમના મૂળ સ્‍વરૂપે અથવા સાધારણ ફેરફાર સાથે ગુજરાતી ભાષામાં વપરાય છે, થોડાક શબ્‍દો નજર બહાર રહી ગયા હોવાની શકયતા છે.

Tuesday, July 10, 2007

પાકિસ્‍તાનની લાલ મસ્જિદ અને મદરેસો

પાકિસ્‍તાનની લાલ મસ્જિદ અને તેનાથી સંલગ્‍ન મદરેસો આજકાલ ચર્ચામાં છે, અમે પણ સમાચારો પર છ માસથી નજર રાખી રહ્યા છીએ,
‍વૈશ્વિક મીડીયા આ બાબતને કટ્ટર ઇસ્‍લામ અને મદરેસાઓના કટ્ટરપંથી વલણ અથવા ત્રાસવાદના અડ્ડા હોવાનો પુરાવા રૂપે જુવે છે, તે સ્‍પષ્‍ટ છે, પણ સમાચારો ઉપર ઊંડી અને લાંબી નજર રાખનારાઓ સામે પરિસ્થિ‍તિ સ્‍પષ્‍ટ છે.
યાદ રાખજો કે આ મદરેસો અને લાલ મસ્જિદ પાકિસ્‍તાનના કેપીટલ ઇસ્‍લામાબાદમાં છે.
જરા આરંભથી જોઇએ તો લગભગ છ માસ પહેલાંથી આ મદરેસાએ તેની ગતિવિધિઓ આરંભી હતી, મદરેસાના વિધાર્થીઓએ પોલીસ કે સેના કે અમુક પાશ્ચાતશિક્ષણ સ્‍કૂલોના ટીચરોને બંદી બનાવ્‍યા શરૂ કર્યા, મદરેસાની વિધાર્થીનીઓ દ્વારા એક લાયબ્રેરી પર કબ્‍જો કરવામાં આવ્‍યો, કુટણખાનુ ચલાવતી એક મહિલાને બાન પકડવામાં આવી, વગેરે..
સરકારે કોઇ પગલાં ન લીધાં, કહો કે આમ જાણી બુજીને થવા દીધું, વાત આગળ ચાલી અને મદરેસાવાળાઓએ જાહેર રીતે સરકાર અને તંત્રને ધમકીઓ અને ચેતવણી આપવાની શરૂ કરી, અમે ઇસ્‍લામી સત્તા સ્‍થાપીશુ, આ ગેર ઇસ્‍લામી અમેરિકા વિરોધી સરકારને ઉઠલાવી દેશું ! ! ! વગેરે....
આ દરરિમયાન પાકિસ્‍તાનના સઘળા મદરેસાઓના સંયુકત પ્‍લેટફોર્મ રૂપે કામ કરતી છ યુનિયનોએ એ સંયકુત રીતે દ્વારા આ મદરેસાના સંચાલકોથી મુલાકાત કરી એમને સમજાવ્યા કે તમારી આ રીત બરાબર નથી, ઇસ્‍લામની ‍હિમાયત અને સરકારના વિરોધની આ રીત આત્‍મઘાતી છે, પરંતુ આ સંચાલકો માન્‍યા નહી, તેમને તેમની વાત રજૂ કરવાની તક આપવામાં આવી, આ સંચાલકોના ઉસ્‍તાદો અને ગુરૂઓ સ્‍વંય તેમને સમજાવ્‍યા, તેમની એક એક વાત અને દલીલનો જવાબ આપી તેમની પ્રણાલીને ખોટી બતાવી છતાં તેઓ માન્‍યા નહી, બલકે ઉલટાનું આ યુનિયન અને તેમને સમજાવનારા દરેક ઉલેમા અને મોલવીઓને ભાંડયા, આખા પાકિસ્‍તાનના મદરેસાઓને પત્રો લખ્‍યા કે તમે સરકાર વિરુદ્ધ લડવા ઇસ્‍લામાબાદ અમારી પાસે આવી જાઓ વગેરે... અંતે તેઓએ પોતે જ આ યુનિયનથી અલગ થવાનું એલાન કર્યું, ઉલેમાઓ અને ‘વિફાક‘ના યુનિયન દ્વારા લાયબ્રેરીનો કબ્‍જો છોડવાનું કહેવામાં આવ્‍યું, તેમના મહત્‍વનો પ્રશ્નો એટલે કે કરાચી અને દેશની અન્‍ય મસ્જિદો તોડવાના સરકારી ‍આદેશને પાછો લેવડાવવામાં આવ્‍યો, ઉલેમાઓ આધારિત એક કમીટી ધાર્મિક બાબતોના મંત્રાલય દ્વારા ગઠન કરવામાં આવી, વગેરે.. પણ તેઓ માન્‍યા નહિ, અને તેમના અતાર્કિક મંતવ્‍ય પર અડી રહ્યા..
અંતે આ યુનિયન દ્વારા મદરેસાને જ તેમની સંસ્‍થાથી છુટો કરી દીધો, એટલે કે પાકિસ્‍તાનના સઘળા મદરેસાઓ અને તેના સંચાલકોએ લાલ મસ્જિદ, મદરેસા અને તેના સંચાલકોનો વિરોધ કર્યો,
બીજા શબ્‍દોમાં કહીએ તો એમણે મદરેસાની આ રીતને બિનઇસ્‍લામી ગણાવી.
જુઓ આ માટે યુનિયનનું નિવેદન (ઉર્દૂમાં)
http://www.deeneislam.com/ur/main.php?CID=92
(મદરેસાઓનું આ યુનિયન પાકિસ્‍તાન ખાતે અત્‍યંત મજબૂત ગણાય છે, આ યુનિયનના મદરેસાઓ સરકારથી સ્‍વતંત્ર છે, સરકારી પગાર કે સહાય લેતા નથી, લોકોના ફંડફાળા પર ચાલે છે, તેના દ્વારા આખા પાકિસ્‍તાનમાં સરકારની જેમ મદરેસાઓની બોર્ડ આધારિત પરીક્ષા લેવાય છે, પરિણામો દૈનિક પેપરોમાં પ્રકાશિત કરાય છે, અને પરિણામો આધારિત મદરેસામાં વિધાર્થીઓ તાલીમ લેવા આવે છે, તો એ જ આધારે લોકોનો ફંડફાળો તેમને મળે છે, તેના વિવિધ શૈક્ષણિક અને વ્‍યવસ્‍થાકીય નિયમો છે, તેના આધારે જ કોઇ પણ મદરેસાને તેનું પ્રમાણપત્ર મળે છે અને યુનિયનમાં શામેલ કરવામાં આવે છે.)
લાલ મસ્જિદ અને તેનાથી સંલગ્‍ન મદરેસાના સંચાલકોએ એમની કાર્યવાહી ચાલુ રાખી, ઉશ્‍કેરણીજનક પ્રવચનો, સરકારવિરુદ્ધ પ્રવૃતિઓ છતાં એમને કંઇ કરવામાં –કહેવામાં આવ્‍યું નહી, જયારે તેઓ લાઠીઓથી પ્રદર્શન કરતા હતા ત્‍યારે એમને કંઇ કહેવામા આવ્‍યું નહી,
આજના બી.બી.સીના એક રેડિયો પ્રોગામમાં એક પત્રકારે સાચું જ કહયું કે
‘‘ એક મસ્જિદમાં પાંચ સમયે નમાઝ થાય છે, દરેક માણસને ત્‍યાં આવવા જવાની ખુલી છુટ છે, ફોન થાય છે, સંપર્કો કરવામાં આવે છે, મસ્જિદ અને તેનાથી સંલગ્‍ન મદરેસામાં સરકાર વિરોધી ઉશ્‍કેરણીજનક ભાષણો થાય છે, અને ઈન્‍ટલીજન્‍સ એજન્‍સીઓ સુચના મેળવવામાં કે પરિસ્થિતિનો તાગ મેળવવામાં નિષ્‍ફળ જાય એ લોકોના મનમાં શંકા ઉપજાવનારી બાબત છે. ‘‘
આ જ ઇનટરવ્‍યુમાં જયારે પ્રશ્ન પૂછવામાં આવ્‍યો કે,
‘‘ હવે લોકો તેમની અવલાદને મદરેસાઓમાં મોકલતા પહેલાં વિચાર કરશે ‘‘
તો એક પત્રકારનો જવાબ હતો,
‘‘એક ‍મંતવ્‍ય તો આ જ છે, પણ બીજી રીતે જોઇએ તો સ્‍પષ્‍ટ થાય છે કે આખા પાકિસ્‍તાનના દરેક મદરેસાએ લાલ મસ્જિદની ચળવળની તરફેણ ન કરતાં ઉલટાનો વિરોધ કર્યો, જે બતાવે છે કે મદરેસાઓ વિશે એમ કહેવું કે મદરેસાઓ થકી ધર્મ અને સત્‍તા ભેગી કરી સરકાર પર કે દેશ પર કબ્‍જો મેળવવાના પ્રયત્‍ન કરવામાં આવે છે તે ખોટું છે, ‘‘

હવે અમારી વાત .....
છેલ્‍લા બે વરસથી લગભગ જનરલ પરવેઝ મુશર્રફની પરિસ્થિ‍તિ પાકિસ્‍તાનમાં અને મુશર્રફના સત્તાસમર્થક અમેરિકાની નજરમાં કમઝોર પડી રહી છે, સત્તાનું લોહી ચાખી ગયેલા આ વરૂને આવી પરિસ્થિતિમાં એવું કંઇક કરી બતાવવું જરૂરી હતું કે અમેરિકાને ભાન થાય કે મારા જાતભાઇયોને મારવા તમને હજુ મારી જરૂરત છે, એટલે મુશરર્ફ સાહેબ કોઇ બહાનાની શોધમાં હતા, પાકિસ્‍તાન અને અફઘાનિસ્‍તાનની સરહદે કબાઇલીયો અને વિદેશી જેહાદીઓ વિરુદ્ધ ઓપરેશન અને અન્‍ય બાબતો આ સિલસિલાની કડી છે, એમરિકાએ જયાં લાલ આંખ બતાવી છે, એ કાશ્‍મીર બાબતે તેઓ અને તેમની આઇ.એસ.આઇ ધીરે ધીરે શાંત પડી રહ્યા છે, એવા સમાચાર આપણે વાંચીએ જ છીએ, પણ આ તો તેમના અસ્તિત્‍વની લડાઇ છે ને ! એટલે અમારા મતે પાકિસ્‍તાની સરકાર દ્વારા જાણી જોઇને આ મદરેસા અને તેના સંચાલકોને ખુલી છુટ આપવામાં આવી કે જે ચાહે તે કરે, પાટનગરમાં કોઇ જગ્‍યાએ એક માસ સુધી મુકાબલો કરી શકાય એટલા નાના – મોટા હથિયારોનો જથ્‍થો ભેગો કરવામાં આવે એ કંઇ ભેગો કરનારની કમાલ નથી, બલકે સરકારી તંત્ર અને જાસુસી એજન્‍સીઓનું પીઠબળ કહેવાય.. જયારે મુશર્રફ સાહેબને જશ મળે એટલી તૈયારી થઇ ગઇ તો હવે સરકારી એકશન લેવાનો નિર્ણય કરવામાં આવ્‍યો અને પછીની ઘટનાઓ છેલ્‍લા બે ત્રણ ચાર દિવસથી સમાચારોમાં છે......

Monday, July 09, 2007

બીમારની ઇયાદત કરવા (ખબર અંતર પૂછવા) જાય ત્‍યારે પઢવાની દુઆ
જયારે કોઇ બીમારની ઇયાદત કરવા જાય ત્‍યારે પ્રથમ ત્રણવાર દુરૂદ શરીફ પઢે, ત્‍યાર પછી નીચેની દુઆ સાત વાર પઢે, અને દુઆ પછી ત્રણવાર દુરૂદ શરીફ પઢે અને બીમારના પૂરા બદન પર દમ કરવામાં આવે.
أَذْهِبْ البَاسَ رَبَّ النَّاسِ، واشفِ أنتَ الشَّافي
لا شفاءَ إلاّ شفاؤكَ شفاءً لا يُغادِرُ سقمَاً
અઝહિબિ લ બઅસ, રબ્‍બન્‍નાસિ. વશ્‍ફિ અન્‍ત શ્‍શાફી,
લા શિફાઅ ઇલ્‍લા શિફાઉક, શિફાઅન લા યુગાદિરુ સક્મા.

Friday, July 06, 2007

કાયદો અને કુર્આન

કુર્આન શરીફ ઇસ્‍લામ અને ઇસ્‍લામી શરીઅતનું મૂળ અને પાયો છે, ઇસ્‍લામી આદેશો અને અને નિષેધોના આધારો અને દલીલોમાં તેનું સ્‍થાન પ્રથમ છે, એટલે ઇસ્‍લામી કાયદાઓમાં કુર્આને દર્શાવેલ નિયમ, આદેશ કે નિષેધના ઉલ્‍લંઘન કેમેય માફ નથી, અને કુર્આનનું સ્‍થાન અટલ, અફર, અચલ એટલે કે ફેરફારપાત્ર ન હોવાથી એના આદેશોની પણ એ જ હેસિયત છે. જેમ કે દારૂ પીવા વિષે કુર્આનમાં સાફ શબ્‍દોમાં નિષેધાત્‍મક આદેશ ઉપરાંત તેની ખરાબીઓનું વર્ણન છે, માટે મઘપાન સદાને માટે હરામ છે. કોઇનું ખૂન કરવા, જુગાર સટ્ટો, જુગાર ખેલવા અને પાંસા ફેકી પૈસાની શરત મારવા કે શુભ – અશુભના શુકન લેવા વિશે પણ સ્‍પષ્‍ટ મનાઇ કુર્આનમાં છે. કોઇનો માલ ખોટી રીતે હડપ કરવા, વ્‍યાજ ખાવા વિષે પણ કુર્આનમાં મનાઇ છે.
આ જ પ્રમાણે અનેક સદકાર્યો, ઇબાદતો, ફરજોના અમલ કરવાનો સ્‍પષ્‍ટ આદેશ કુર્આનમાં છે, જે સદાને માટે કરવા જ રહ્યા, કદી એને નકારી ન શકાય, જેમ કે નમાઝ પઢવી, રોઝા રાખવા, એક નક્કી માત્રામાં માલ હોય તો ચાલીસમો ભાગ ઝકાત રૂપે ગરીબોને આપવો, સગાઓ ને હકદારોને અને પાડોશીઓને એમનો હક આપવો, યતીમો, નિરાધારો અને માંગનારાઓને મદદ આપવી, બાળકો અને પત્નિ સાથે સદવર્તન કરવું અને તેમનું ભરણ પોષણ કરવું, વગેરે કુર્આનના સ્‍પષ્‍ટ આદેશો છે.
પવિત્ર, પાક ઇશ્વરીય આદેશોનો આ ગ્રંથ અલ્‍લાહ તઆલાએ લોકોને સીધી રીતે નથી આપ્‍યો, કે લ્‍યો વાંચો, સમજો અને સમજીને અમલ કરો, બલકે પ્રથમ એક માનવ સંસ્‍કારોથી સંપૂર્ણ, સદાચારી, સજ્જન અને નિર્મળ માણસને અલ્‍લાહના નબી તરીકે સ્‍થાપવામાં આવે છે, લોકો સમક્ષ એને અલ્‍લાહના નબી, પયગંબર અને અલ્‍લાહના આદેશો, કુર્આનના સાચા અર્થ અને આદેશોના અમલીકરણનો નમૂનો હોવાનું લોકોને મનાવવામાં આવે છે. પછી આ નબી-રસૂલ અલ્‍લાહના કે કુર્આનના આદેશો અલ્‍લાહના હુકમ અનુસાર લોકોને સંભળાવે છે, સમજાવે છે, અને નમૂનો પૂરો પાડે છે, આમ થવાથી લોકોને એ પણ સમજમાં આવે છે કે અલ્‍લાહના આદેશો પર અમલ કરવો માનવીઓ માટે શકય છે.
વર્તમાન સમયની બલિહારી આ છે કે કાનૂન બનાવનાર મંડળો, પાર્લામેન્‍ટો, ગૃહો, બેન્‍ચો, અને અન્‍ય બધા.... કાનૂન બનાવી પોતે તેનો અમલી નમૂનો રજૂ નથી કરી શકતા, માટે લોકોના મનમાં એ કાનૂનનું મહત્‍વ બેસતું નથી, તેઓ જુએ છે કે કાનૂન બનાવાના સ્‍વંય એના ઉપર અમલ નથી કરતો એનો મતલબ એ છે કે આ કાયદો કંઇ અમારા ભલા માટે નહી, બલકે કાયદો બનાવનારે એના સ્‍વાર્થ માટે જ બનાવ્‍યો છે.

Monday, June 18, 2007

સદગુણોનો રોકડો નફો

એક માણસ પયગંબર હઝરત મુહંમદ સલ્‍લલ્‍લાહુ અલયહિ વ સલ્‍લમની સેવામાં હાજર થયો અને કહેવા લાગ્‍યો કે હે અલ્‍લાહના રસૂલ ! સલ્‍લલ્‍લાહુ અલયહિ વ સલ્‍લમ, મારામાં ચાર કુટેવો છે,
(૧) પાપાચાર,
(ર) ચોરી
(૩) નશાનું સેવન
(૪) અસત્‍યોચ્‍ચાર-જુઠ બોલવું
તમારી નસીહતને અનુસરીને હું કોઇ એક છોડી શકું છું, બાકી કટેવો માટે હું લાચાર છું,
પયગંબર સલ્‍લલ્‍લાહુ અલયહિ વ સલ્‍લમે એને કહ્યું કે તમે જુઠ બોલવાની છોડી દયો.
તે માણસે વચન આપ્‍યું કે હવેથી હું કદાપિ જુઠ બોલીશ નહી,
રાત પડી તો તેને દારૂ પીવા અને પાપાચાર (આજના પરિભાષામાં કહીએ તો સેક્સ માણવાનો ) શોખ થયો,પણ સાથે જ તેને વિચાર આવ્‍યો કે સવારે જો પયગંબર સાહેબે મને રાત વિશે પૃચ્‍છા ફરમાવી તો હું શું જવાબ આપીશ ? સત્‍ય બોલીશ તો દારૂ પીવા અને બળાત્‍કારની સજા મળશે, અને જુઠ બોલીશ તો વચનભંગ થશે, આમ સત્‍યના બંધને તે માણસ આ બન્‍નેવ મહાપાપોથી બચી ગયો.
મોડી રાત્રે અંધકાર જોઇને એને ચોરી કરવાનું મન થઇ આવ્‍યું, પણ સાથે જ વિચાર આવ્‍યો કે સવારે જો પયગંબર સાહેબ મને પૂછશે તો હું જવાબ આપીશ ? સાચું બોલીશ તો ચોરીની સજામાં હાથ કાપવામાં આવશે, અને જુઠ બોલીશ તો વચનભંગ થશે ! આમ સત્‍યના બંધનથી તે ચોરીના મહાપાપ્‍થી બચી ગયો.
જે કુટેવો છોડવી તે અશક્ય સમજતો હતો, તે ચારેવ મહાપાપોથી આટલી સરળતાથી બચી જવા પર સવાર પડ્યે તે ઘણો જ પ્રસન્‍ન હતો, દોડતો દોડતો પયગંબર સાહેબ સલ્‍લલ્‍લાહુ અલયહિ વ સલ્‍લમ પાસે આવ્‍યો અને આભાર વ્‍યકત કરી કહેવા લાગ્‍યો કે હે અલ્‍લાહના રસૂલ સલ્‍લલ્‍લાહુ અલયહિ વ સલ્‍લમ, જુઠ ન બોલવાના વચનથી હું ચારેવ મહાપાપોથી બધી ગયો.

Friday, May 18, 2007

એમ. એફ. હુસેનના ચિત્રો અને મુસલમાનો

આજકાલ વડોદરાની મ.સ. યુનિવર્સિટીના ફાઇન આર્ટસ વિભાગના કલાકારો દ્વારા હિંદુઓના ધાર્મિક ચિહ્નો, ભગવાન - માતા અને મૂર્તિઓને વિકૃત રીતે ચીતરીને તેને કલામાં ખપાવવના હીન કૃત્‍ય બાબતે હોબાળો મચી રહયો છે, એક ચંદ્રમોહન નામના વિર્ધાથી દ્વારા આ કૃતિઓ રચવામાં આવી હતી, અને પછી વિહીપ, ભાજપ્‍, તેમજ અન્‍ય સંસ્‍થાઓ દ્વારા એનો વિરોધ કરવામાં આવી રહયો છે. સત્‍ય આ બાબતે એ છે કે અભિવ્‍યકિતની સ્‍વતંત્રતાના નામે કે કલાના નામે આવી વિકૃત માનસિકતાને છાવરી ન શકાય, એનું સમર્થન ન કરી શકાય...
ચિત્રો બાબતે આવા જ વિવાદો બલકે વિરોધના શિકાર ચિત્રકાર એમ.એફ. હુસેન પણ છે, અને એમના આવા ચિત્રોને પણ આપણે વખોડવા જ રહયા....
પરંતુ અમુક લોકો આ બાબતને ચિત્રકાર એમ.એફ.હુસેનના વિવાદિત ચિત્રો સાથે જોડી આખી ઘટનાને અત્‍યંત ભૂંડી દષ્ટિએ મુલવવાની કોશિશ કરે છે, એટલે કે એમ.એફ. હુસેનના ચિત્રોને બહાનું બનાવી ઈસ્‍લામ કે મુસલમાનો સાથે આ વિકૃતી જોડી એમના ધા‍ર્મિક ચિહ્નો કે પયગંબર કે અન્‍ય બાબતે આવા ચિત્રો બનાવવાની માંગણી કરે છે, હમણાં જ વડોદરાની ઉપરોકત ઘટના પછી કોઇકે પયગંબર સાહેબ સલ્‍લલ્‍લાહુ અલયહિ વ સલ્‍લમના નગ્‍ન ચિત્ર બનાવાનારને એક લાખ ઇનામ આપવાની જાહેરાત કરી......
જયાં સુધી ઇસ્‍લામ કે મુસલમાનોને લાગે વળગે છે, તો પ્રાણીઓ (ચાહે તે માનવી હોય કે જનાવર ) ના ચિત્રો બનાવવા ઇસ્‍લામમાં પ્રતિબંધિત છે, એ ગુનાહિત કૃત્‍ય છે, એટલે કોઇની પણ ચિત્રકળાને ઈસ્‍લામ કે મુસલમાનોથી જોડીને જોવું ખોટું છે. માટે જ એમ. એફ. હુસેન ના કૃત્‍યો અને ચિત્રોને ઇસ્‍લામ કે મુસલમાનોથી કોઇ સંબંધ નથી એ નક્કી વાત છે. આજના ગુજરાત સમાચાર દૈનિકના તંત્રીલેખમાં વિશુદ્ધ કલાના નામે કેટલે છૂટ લઇ શકાય ? ના મથાળા હેઠળ આ જ બાબતે ચર્ચા છે,
ઉપરોક ચર્ચા વાંચીને અમને અત્‍યંત ખેદ, આઘાત ઉપરાંત અચંબો પણ થયો, કે આવડા મોટા સમાચાર પત્રનો તંત્રી લેખ આવો ઉતરતી કક્ષાનો, અને અતા‍ર્કિક અને દ્રેષભર્યો હોય શકે ! ! !
તંત્રી શ્રીના કહેવા પ્રમાણે હુસેને આવા ચિત્રો ઈસ્‍લામની ઐતિહાસિક ઘટનાઓ સંબંધે કેમ નથી બનાવ્‍યા ? વગેરે....
આમાં કોઇના સહિષ્‍ણુ કે અસહિષ્‍ણુ હોવાની કોઇ બાબત નથી. કોણ કેટલું સહિષ્‍ણુ છે એ રોજ રોજની ઘટનાઓથી સ્‍પષ્‍ટ જ છે.
પયગંબર સાહેબ કે ઇસ્‍લામને વિકૃત રીતે રજૂ કરતા અનેક ચિત્રો-કાર્ટૂનો-લેખો ગુજરાતમાં પણ છાસવારે છપાતા જ રહે છે, પરંતુ મુસલમાનો પાસે એવી સત્તા કે સમય છે જ નહી આવા ઝઘડાઓમાં પડી પોતે જ નુકસાન ઉઠાવે !
પોલીસ કે સરકાર અંતે તો મુસલમાનોનો જ વાંક શોધી એમને દંડશે એ નક્કી છે.
મુળ વાત એ છે કે ઇસ્‍લામમાં તસવીર સમુળગી જ નાજાયેઝ અને અપરાધ છે. એટલે મુસલમાનોના ધાર્મિક ચિહ્નો, પયગંબરો કે અન્‍ય બાબતોની તસવીર પહેલી થી જ નથી, અને ધામિર્ક રીતે વર્જિત હોવાથી સામાન્‍ય મુસલમાનને એનાથી કોઇ દિલચસ્‍પી પણ નથી, એટલે આવી તસવીરોથી એમ. એફ હુસેન કે કોઇને કંઇ મળવાનું નથી એ નકકી છે. આ બાબતને ઇસ્‍લામ ધર્મની પૂર્ણતા અને સલામતીની દલીલ ગણવી જોઇએ કે તસવીર પર પાબંદી હોવાથી આવી વિકૃતિઓ દરવાજો પહેલેથી જ બંધ થઇ ગયો છે, આ બધી બલા શ્રદ્ધા અને સન્‍માનના નામે તસવીર કે મૂરત બનાવવાની પ્રથા ચાલી ત્‍યારે ઉભી થઇને ! ! ! અને ઇશ્વર નિરાકાર છે એમ હિંદુઓ પણ કહે છે.

Saturday, May 12, 2007

લોકોથી પ્રેમ અને મહોબ્‍બત કરો

હઝરત અબૂ હુરૈરહ (રદિ.) ફરમાવે છે કે નબીએ કરીમ સલ્‍લલ્‍લાહુ અલયહિ વ સલ્‍લમે ફરમાવ્‍યું ,
તમે જયાં સુધી ઇમાનવાળા (મોમિન) ન બની જાઓ, જન્‍નતમાં પ્રવેશી શકતા નથી, અને જયાં સુધી તમે પરસ્‍પર મહોબ્‍બત ન રાખો તમે ઇમાનવાળા (મોમિન) નથી બની શકતા.
શું હું તમને એક એવી વાત ન બતાવું જેના પર કાર્યબદ્ધ થવાથી તમે પરસ્‍પર મહોબ્‍બત કરનાર અને હિતેચ્‍છુ બની જશો ? તે વાત આ છે કે પરસ્‍પર સલામ કરવાની પ્રથાને લોકો માંહે પ્રચલિત કરો.

હઝરત મઆઝ બિન જબલ (રદિ.) ફરમાવે છે કે,
મેં નબીએ કરીમ સલ્‍લલ્‍લાહુ અલયહિ વ સલ્‍લમને સૌથી શ્રેષ્‍ઠ ઇમાન વિશે પૃચ્‍છા કરી ( કે એવા કાર્યો અને સંસ્‍કારો કયા છે જેના પર કાર્યબદ્ધ થવાથી પાકા મોમિન બની શકાય ?) તો નબીએ કરીમ સલ્‍લલ્‍‍લાહુ અલયહિ વ સલ્‍લમે ફરમાવ્‍યું કે
(૧) તમે ફકત અલ્‍લાહ ખાતર મહોબ્‍બત કરો, (જેનાથી પણ કરો ) અને ફકત અલ્‍લાહ ખાતર
અદાવત રાખો (જેનાથી પણ રાખો ).
(ર) તમારી જીભ અલ્‍લાહની યાદ અને સ્‍તૃતિમાં તલ્‍લીન રહે.
(૩) તમે અન્‍યો માટે પણ તે વાત પસંદ કરો જે તમારા માટે પસંદ કરો છો અને જે બાબત તમે તમારા વિશે નથી ઇચ્‍છતા તે અન્‍યો માટે પણ ન ઇચ્‍છો.

Wednesday, May 09, 2007

મુસલમાનોની વસતી વધારાનો હાઉ

આવો જ બીજો હાઉ વસતી વધારા અંગે ઉભો કરવામાં આવે છે, મુસ્લિમોની ચાર પત્નિની અને એમના પાંચના પચ્‍ચીસની વાતને બહુ ચગાછી ચગાવીને કહેવામાં આવે છે, પરંતુ આ પણ જુઠાણું છે, ચોકકસ આંકડા આનાથી સાવ જુદું કહી જાય છે, મુસ્લિમ બહુજનસમાજ જયાં ગરીબીમાં સબડે છે ત્‍યાં ચાર ચાર પત્નિ કરવાની ત્રેવડ કોને છે ? અને આંકડા તો એમ કહી જાય છે કે બહુપત્નિત્‍વનું પ્રમાણ મુસ્લિમોમાં વધારે નહી, બલકે એકાદ આંકડો ઓછું છે, હિંદુઓમાં તે પ .૮૦ ટકા છે, જયારે મુસ્લિમોમાં તે પ . ૭૦ ટકા છે. પ્રજનનદરની ટકાવારી સવર્ણ હિંદુઓ કરતાં મુસ્લિમોમાં એક ટકો વધારે છે, પણ હિંદુ સમાજના દલિતો અને આદિવાસી જેવા ગરીબ નબળા વર્ગોની સરખામણીમાં મુસ્લિમોમાં એકાદ આંકડો ઓછી પણ છે. એટલે કે આમાં ધાર્મિક નહી, પણ આર્થિક શૈક્ષણિક સ્થિતિનું કારણ મુખ્‍ય છે. અને કુલ વસતીનું પ્રમાણ જોઇએ તો ૧૯૭૧ માં હિંદુઓ ૮ર . ૭ર ટકા અને મુસ્લિમો ૧૧ . ર૦ ટકા હતા. તે ૧૯૯૧ માં ૮ર . ૬૪ અને ૧૧ . ૩પ થયા. એટલે કે મુસ્લિમોની વસતી એકદમ વધતી જાય છે વધતી જાય છે અરે જતે દહાડે હિંદુઓ લધુમતિમાં મુકાય જશે એવો ગોકીરો કરી મુકવો તે બિલકુલ વાજબી વાત નથી. કુટુંબનિયોજનની જરૂરિયાત ભારપૂર્વક સમજાવવી એક વાત છે, પરંતુ આવી રીતે એક કોમને કસૂરવાર ઠેરવી દઇને તેના વિશે નફરત ને દુર્ભાવ પેદા કરવાનો શો અર્થ છે ? એક ધરતીના બાશિન્‍દાની ભાવનામાં આનાથી ભારે મોટો અંતરાય ઉભો થાય છે.

( કાન્‍તિ શાહ , હિંદુત્‍વ એક અધ્‍યયન, પૃષ્‍ઠ ૯૪ )

Monday, April 16, 2007

નમાઝ પૂર્વે વુઝૂ કરવું

હે ઇમાન વાળાઓ ! જયારે તમે નમાઝ પઢવા ઇચ્‍છો ત્‍યારે
તમારું મોઢું
અને હાથ કોણીઓ સુધી ધોઇ લો.
અને માથા પર મસહ કરો, (ભીનો હાથ ફેરવો)
અને પગ ઘુટીઓ સુધી ધોઇ લો.
જો તમે નાપાક હોવ (૧) તો સારી રીતે પાક થઇ જાઓ ( નાહી ધોઇ લો )
જો તમે બીમાર હોવ અથવા મુસાફરીમાં હોવ અથવા તમારામાંથી કોઇ મળ-મુત્ર કરીને આવ્‍યું કે સ્‍ત્રીસંગ (સંભોગ) કર્યો, અને (નમાઝ માટે આવશ્‍યક પાક થવા - નાહવા ધોવા) માટે પાણી ન મળે તો પાક માટીથી તયમ્‍મુમ કરો. એટલે (માટી પર હાથ મારી) હાથ તમારા ચહેરાઓ અને હાથો પર ફેરવો .
(સૂરએ માઈદહ , ૬ )

(૧) સ્‍ત્રીસંગ (સંભોગ) કરવાથી અથવા સ્‍વપ્‍નદોષ થવાથી પછી માણસે ગુસલ કરવું એટલે નહાવું આવશ્‍યક છે. આવી પરિસ્થિતિને નાપાક હોવું કહેવાય છે.
કુર્આનના ઉપરોકત આદેશમાં પ્રથમ વુઝૂનો આદેશ છે. વુઝૂ સામાન્‍ય પરિસ્થિતિમાં એટલે કે માણસને ઉપર પ્રમાણે ગુસલ કરવા (નહાવા)ની આવશ્‍યકતા ન હોય ત્‍યારે કરવાનું હોય છે. અને જો માણસને નહાવાની આવશ્‍યકતા હોય તો પછી આગળ નહાવાનો આદેશ છે.