Saturday, September 28, 2013

ગાયની કુરબાની અને જીવદયા

કુરબાની વિશે હિન્દુ લોકો, વિશેષ કરીને વર્તમાનમાં જીવદયાની વાત કરતા અમુક લોકો એક વિશેષ પ્રકારના અસમંજસમાં ફસાયેલા છે.
કારણ કે, જીવદયા, એક ભૂલભરેલી પરિભાષા છે. માનવજીવનમાં એનું અમલીકરણ અશક્ય છે. સૃષ્ટિની દરેક વસ્તુમાં જે તે વસ્તુ મુજબ જીવ હોવાનું વૈજ્ઞાનિક અને ધાર્મિક, બન્ને રીતે પૂરવાર થયેલ વસ્તુ છે. આ આધારે સબજી ખાવી, ઘાસ કાપવું, જમીન ખોદવી પણ જીવહત્યામાં શામેલ છે. જાનવરનું દૂધ પીવું પણ એમાં શામેલ છે અને વ્યાજ ખાયને ગરીબોની પસીનાની કમાણી ખેંચી લેવી પણ એમાં શામેલ છે. જીવદયામાં માનનારા આ બધું જ કરે છે.
હિન્દુઓમાં 'જીવદયા' ફક્તત જૈનોની ધાર્મિક માન્યતા છે. અન્યો તો આ બાબતે ફકત મુસ્લિમો પ્રત્યેના વેરભાવના કારણે એમાં જોડાયા છે. થોડા દિવસ પહેલાં શિવસેના - મુંબઈના એક નેતાએ મુંબઈમાં કહયું હતું કે મુંબઈમાંથી ગુજરાતીઓને કાઢવા પડશે, નહીંતર એમની વધતી વસતીના કારણે મુંબઈ શહેરના શાકાહારી બની જવાનો ભય છે.
જૈન સંપ્રદાય પોતે, અને એમના સાધુ - સાધ્વીઓ અને તપસ્વીઓ આ સિદ્ઘાંત ઉપર અમલ નથી કરતા, અને એક યા બીજા પ્રકારે જીવહત્યાને સ્વીકારે છે. ઉદાહરણ તરીકે... જૈનોમાં 'સંથારો' કરવાને બહુ મોટું સ્થાન અને પુણ્યનું કામ સમજવામાં આવે છે. કોઈ તપસ્વીને એવું લાગે કે હવે જીવનના છેલ્લા દિવસો છે, તો અન્ન, જળ વગેરે બધું જ તજીને મરણપથારી કરવાને 'સંથારો' કહેવામાં આવે છે. આમ માણસ અતિક્રુર બનીને પોતાને જ મારી નાખે છે. આમ કરવું સ્પષ્ટ રૂપે જીવદયા વિરુદ્ઘ છે. માનવીએ પોતાના પ્રતિ આટલા ક્રુર બનવાનો કોઈ આધાર નથી. છતાં એને એક સામન્ય બાબત સમજીને જૈનોએ સ્વીકારી છે.
હા, એક ચર્ચા રહી જાય છે : ગાય વિશે...
હિંદુઓ ગાયને પવિત્ર માનીને પૂજે છે અને ગાયની કુરબાની કરવાને પોતાની પૂજય ગાયનું અપમાન સમજે છે. અલબત્ત ગાયની કુરબાની, કે કોઈ બીજા જાનવરની કુરબાની મુસલમાન એના અપમાન કે તૃચ્છ હોવાના લીધે નથી કરતો. બલકે એના પવિત્ર હોવાના કારણે જ કુરબાની કરે છે. હિન્દુઓ આ બાબતે પોરસાયને કહી શકે છે ગાયની પવિત્રતાના કારણે જ મુસલમાનો પણ એને અલ્લાહના દરબારમાં કુરબાનીના લાયક અને પાત્ર સમજે છે. સાદી રીતે એમ પણ કહી શકાય કે કુરબાનીને હત્યાના બદલે બલિદાનના રૂપમાં જોવું જ ખરી દષ્ટિ છે. અને બલિદાનને કોઈ હત્યા કે અપમાનના અર્થમાં નથી સમજતું....
------------------

જૂઠી હદીસ....

જૂઠી હદીસ....
.મુખ્તાર ષકફીએ એક મુહદ્દિષને કહયું કે, મારા માટે કોઈ એવી બનાવટી હદીસ બનાવી કાઢો કે હું ખલીફા બની જઉં. બદલામાં તમને દસ હઝાર દિરહમ, તાજ, સવારી અને ખાદિમો આપીશ.
મુહદ્દિષે કહ્યું કે નબીએ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમના નામે તો કોઈ જૂઠી હદીસ બનાવવાની મારી હિંમ્મત નથી, પણ તમારી પરવાનગી હોય તો કોઈ સહાબીના નામે બનાવટી વાત ચલાવી દઉં. વળતર થોડું ઓછું આપજો. મુખ્તારે કહયું કે, નબીએ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમની વાત બનાવીને કહે તો વધારે સારું...
તો મુહદ્દિષે જવાબ આપ્યો કે, તો પછી અઝાબ પણ એવો જ મોટો ચાખવો પડશે.
---------------------------
.કુરઆન શરીફમાં નબીએ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમને ખુશખબરી આપવામાં આવી છે કે,
عسی أن یبعثک ربک مقاما محمودا
અર્થાત  : અલ્લાહ તઆલા તમને મકામે મહમૂદ (એક ઉચ્ચ મકામ) અર્પણ ફરમાવશે.
કોઈ જૂઠા વઅઝ કરનારે લોકોને ખુશ કરવા વઅઝમાં કહી દીધું કે, એનો મતલબ આ છે કે નબીએ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમને અલ્લાહ તઆલા સાથે અર્શ ઉપર સ્થાન આપવામાં આવશે. લોકોને આ વાત ઘણી સારી લાગી. ઇમામ મુહમ્મદ બિન જરીર તબરી રહ.ને આ વાતની ખબર પડી તો તેઓ ઘણા નારાજ થયા. આ ખોટી વાતનો ઘણો વિરોધ કર્યો અને પોતાના ઘરના દરવાઝા પર લખાણ લખ્યું કે, અલ્લાહ તઆલાની ઝાત પાક - પવિત્ર છે, એને કોઈ દોસ્ત - સાથીની જરૂરત નથી. એના અર્શ ઉપર કોઈ બીજું બેસનાર નથી.
લોકોમાં આ લખાણ ચર્ચાનો વિષય બની ગયું. અને આમ લખવાને ખોટું સમજીને ઇમામ તબરીનો વિરોધ કરવા લાગ્યા. અને ઇમામ તબરી રહ.ના ઘર ઉપર એટલા પથ્થરો ફેંકયા કે એમનો દરવાઝો ઢંકાય ગયો.

વ્યાજ મહાન ગુનો અને માનવસમાજનું દુષણ

વ્યાજ
મહાન ગુનો
અને
માનવસમાજનું દુષણ


વ્યાજની લેવડ-દેવડ કુર્આન અને હદીસના સ્પષ્ટ આદેશોની રૂએ હરામ અને સખ્ત ગુનાહિત કૃત્ય છે. નબીએ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમનો ઇરશાદ છે કે જાણી બુઝીને વ્યાજનો એક દિરહમ ખાવું છત્રીસવાર ઝિના કરવાથી વધારે ભયાનક છે. (મિશ્કાત પેજ-ર૪૬)
અન્ય એક ઇરશાદમાં નબીએ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે વ્યાજ લેનાર, વ્યાજ આપનાર અને વ્યાજનું લખાણ કરનાર અને વ્યાજના મામલામાં સાક્ષાી રહેનારાઓ ઉપર લઅનત ફરમાવી છે અને ફરમાવ્યું કે આ બધા જ લોકો વ્યાજના ગુનાહમાં બરાબરના શરીક છે. (મિશ્કાત પેજ-ર૪૪) માટે કોઈ પણ એવું કામ જે વ્યાજની લેવડ-દેવડમાં સહાયરૂપ બનતું હોય શરઈરૂએ ના-જાઈઝ અને ગુનાહિત છે.
કુર્આને પાકમાં સ્પષ્ટ અને સાફ-સાફ શબ્દોમાં વ્યાજનું હરામ હોવું બયાન કરવામાં આવ્યું છે. ઇરશાદે ખુદાવંદી છે حرم الربا(સૂરએ બકરહ ર૭પ) અર્થાત : અલ્લાહ તઆલાએ વ્યાજને હરામ ઠેરવ્યું છે. વ્યાજના હરામ હોવાનો હુકમ કુર્આનમાં નાઝિલ થયા પછી પહેલાંની વ્યાજની લેણી રકમની વસૂલીથી પણ મનાઈ ફરમાવવામાં આવી, બલકે તેને ઈમાનની શર્ત રૂપે ઠેરવવામાં આવી. સુરએ બકરહ આયત ર૭૮,માં ઈરશાદે ખુદાવંદી છે કે, વ્યાજની બાકી લેણી રકમ પણ છોડી આપો અગર તમે ઈમાનવાળા છો.
અને આમ ન કરનારાઓ માટે યુદ્ઘનું એલાન છે. સૂરએ બકરહ ર૭૮,ર૭૯,માં ઈરશાદે ખુદાવંદી છે : અગર તમે એવું નિહ કર્યું તો અલ્લાહ અને તેના રસુલ તરફથી લડાઈનું એલાન છે.
હઝરત અબૂ હુરૈરહ (રદિ.) રિવાયત ફરમાવે છે કે નબીએ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમે ફરમાવ્યું કે વ્યાજના સિત્તેર દરજજાઓ છે, જેમાં સૌથી ઓછો અને હલકો દરજજો પોતાની માં સાથે બદકારી કરવા સમાન છે. [મિશ્કાત -ર૪૬]
એ સિવાય બીજી ઘણી હદીસોમાં વ્યાજનું હરામ હોવું તેની ખરાબીઓ વર્ણવવામાં આવી છે.
હઝરાતે સહાબા (રદિ.)ને સંબોધન કરી વ્યાજના હરામ હોવાનો હુકમ આપવામાં આવ્યો હતો ત્યારે આર્થિક પરિસ્થિતિ ઘણી બદતર અને દુખદાયક હતી, તેઓ કાફિરોના કરજોમાં ડુબેલા હતા, કાફિરો તેઓનું લોહી પી રહયા હતા. તેઓ ભૂખને લઈ પેટ ઉપર પથ્થર બાંધતા હતા. લગાતાર ભૂખા રહેવાને લઈ બેહોશ થઈને પડી જતા હતા, બબ્બે - ત્રણ - ત્રણ મહિના સુધી ઘરમાં ચૂલો સળગતો ન હતો. શરીર ઢાંકવા માટે પુરૂં કપડું પણ ન હતું. નિકાહમાં મહેરરૂપે આપવા માટે લોઢાની અંગૂઠી પણ ન હતી. બાળકોને ભૂખ્યા રડતા જોઈને ત્રણ ચાર દાણા ખજૂર મેળવવા માટે યહુદીઓની મજૂરી કરવી પડતી હતી. ખૂદ નબીએ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમે એમની પવિત્ર પુનિત પત્નીઓના ભરણ-પોષ્ાણ માટે જેહાદમાં કામ આવતું પોતાનું બખ્તર યહુદી પાસે ગીરો રાખવું પડયું અને એ જ હાલતમાં આપ સલ્લલ્લાહ અલયહિ વ સલ્લમનો વિસાલ થયો. આ હાલત હોવા છતાં તેઓને કાફિરોના માલ અને દૌલત પ્રતિ આંખ ઉઠાવીને જોવાથી પણ મનાઈ ફરમાવવામાં આવી અને કહેવામાં આવ્યું.
આપ આંખ ઉઠાવીને પણ તે વસ્તુઓ પ્રતિ ન જુઓ જેનાથી અમે આ (દુન્યાદારો) ના વિવિધ જન સમુહોને તેઓની આજમાઈશ માટે વાપરવા માટે આપી છે. આ બધુ માત્ર દુન્યવી જીંદગીની રોનક છે.
વર્તમાન યુગની કરૂણાતિકા જ આ બની ગઈ છે, માણસ ફક્તત પૈસે ટકે આગળ આવવાને જ પોતાનું મુળ ધ્યેય સમજે છે. એ માટે જે કંઈ પણ કરવું પડે. અખ્લાક, સંસ્કાર, તાલીમ, દીનદારી વગેરે બાબતો સંપૂર્ણ રીતે લોકોના ધ્યેયમાંથી બાકાત થઈ રહી છે. લોકો બધી જ ખૂબીઓ અને સંસ્કારો એકતરફ મૂકીને માલ પાછળ દોડી રહયા છે, અને આ દોડમાં વ્યાજને પણ હરામ સમજવાનું છોડી રહયા છે, અથવા એના વગર ન ચાલે એમ માનીને હલાલની સાથે હરામને પણ ભેળવી રહયા છે.
કાશ ¦ માણસને આ દુનિયાની ઝિંદગીના ટુંકી હોવાનો અને આખિરતની ઝિંદગી લાંબી અને સાચી હોવાનો એહસાસ થઈ જાય. ......

હઝરત અબ્દુલ્લાહ બિન અમ્ર બિન આસ રદિ.ની ભેગી કરેલ હદીસો

હઝરત અબ્દુલ્લાહ બિન અમ્ર બિન આસ રદિ.ની ભેગી કરેલ હદીસો
હઝરત અબ્દુલ્લાહ બિન અમ્ર બિન આસ રદિ. ફરમાવે છે કે,
મેં એકવાર નબીએ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમને અરજ કરી કે હું તમારી હદીસો રિવાયત કરવા ચાહું છું. માટે જો તમે રજા આપો તો હું દિલથી યાદ કરવા ઉપરાંત હાથથી લખીને આ કાર્ય અંજામ આપું ? આપ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમે ફરમાવ્યું કે, મારી વાતો હોય તો તમે એના માટે દિલથી યાદ કરવા ઉપરાંત હાથની મદદ પણ લઈ શકો છો. (દારમી)
અબૂદાઉદ શરીફમાં રિવાયત છે, હઝરત અબ્દુલ્લાહ બિન અમ્ર બિન આસ રદિ. ફરમાવે છે કે હું નબીએ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમની જેટલી વાતો સાંભળતો એ બધી લખી લેતો હતો. મારો મકસદ એ વાતોને યાદ રાખવાનો હતો.
મને કુરૈશના લોકોએ રોકયો કે તમે નબીએ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમની બધી જ વાતો લખી લ્યો છો, (એ યોગ્ય નથી) નબીએ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ તો માણસ છે. અન્ય માણસોની જેમ એમને પણ ગુસ્સો આવે છે. (શકય છે કે ગુસ્સામાં કોઈ અયોગ્ય વાત પણ બોલતા હોય). મેં કુરૈશની આ વાત નબીએ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ સમક્ષા રજૂ કરી તો આપ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમે પોતાના હોંઠ તરફ ઇશારો કરીને ફરમાવ્યું કે, જેના કબ્જામાં મુહમ્મદના પ્રાણ છે, એ હસ્તી (અલ્લાહ તઆલા)ની કસમ ! આ બે હોંઠો વડે જે વાત પણ નીકળે છે એ હક હોય છે. તમે લખી લ્યો.
(અબુદાવૂદ, ઇબ્ને સઅદ)
હઝ. અબ્દુલ્લાહ બિન અમ્ર રદિ.એ ભેગી કરેલ હદીસોના સંગ્રહને 'સહીફએ સાદિકહ' નામ આપવામાં આવ્યું હતું.
આ સંગ્રહમાં કેટલી હદીસો હતી એ તો સ્પષ્ટ નથી, પણ હઝ. અબૂહુરયહ રદિ.ની એક હદીસથી અંદાઝો કરી શકાય છે કે એમાં કેટલી હદીસો હશે ?
હઝરત અબૂ હુરયરહ રદિ. ફરમાવે છે કે નબીએ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમની હદીસો મારાથી વધારે કોઈની પાસે નહી હોય. એક અબ્દુલ્લાહ બિન અમ્ર રદિ. સિવાય. કારણ કે તેઓ હદીસો લખી લેતા હતા અને હું લખતો ન હતો. બીજી તરફ હઝ. અબૂ હુરયરહ રદિ.એ રિવાયત કરેલ પ૩૬૪ હદીસો કિતાબોમાં છે. એનાથી કયાસ કરી શકાય કે હઝ. અબ્દુલ્લાહ રદિ.ની ભેગી કરેલી હદીસો એનાથી વધારે હશે.
હઝરત અબ્દુલ્લાહ બિન અમ્ર બિન આસ રદિ. ફરમાવે છે કે,
મેં નબીએ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમથી સાંભળીને એક હઝાર મિષાલો (ઉદાહરણથી સમજાવેલ વાતો) યાદ કરી છે. (ઉસ્દુલ ગાબહ)
આ કથનથી સમજાય છે કે એમના સંગ્રહ 'સહીફહ સાદિકહ'માં એક હઝાર તો ઉદાહરણો વાળી હદીસો હતી.
હઝરત અબ્દુલ્લાહ રદિ. આ સંગ્રહને ખુબ સાચવીને રાખતા હતા.
હઝરત મુજાહિદ રહ. ફરમાવે છે કે એકવાર હું એમની પાસે ગયો અને એમના ગાદલા નીચે મુકેલ આ સંગ્રહ મેં લીધો તો મને એમણે રોકી દીધો. મેં એમને કહયું કે તમે કોઈ વસ્તુ મારાથી બચાવતા નથી અને મને રોકતા નથી તો પછી આ વિશે કેમ રોકો છો ?
તો એમણે જવાબ આપ્યો કે,
આ સહીફહની વાતો મેં નબીએ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમથી એવી રીતે સાંભળી છે કે મારા અને રસૂલુલ્લાહ વચ્ચે કોઈ બીજું નથી. જયાં સુધી મારી પાસે અલ્લાહ તઆલાની કિતાબ, આ સંગ્રહ અને વહઝ (એમના વહીવટ હેઠળ વકફની એક જમીન) સલામત છે, મને દુનિયાની બીજી કોઈ વસ્તુની પરવા નથી.
આ સંગ્રહ એમની અવલાદમાં પેઢીઓ સુધી સચવાતો આવ્યો. અને એમના પપોત્ર હઝરત અમ્ર બિન શુઐબ એમાંથી હદીસો રિવાયત કરતા હતા.
મશ્હૂર મુહદ્દિષ યહયા બિન મઅીન અને અલી બિન મદીની રહ. ફરમાવે છે કે હદીસની કિતાબોમાં આ સનદથી જે રિવાયતો આવે છે એ બધી આ સંગ્રહની જ હોય છે. હદીસ શરીફની વર્તમાન પ્રચલિત કિતાબો અબૂદાવૂદ, તિરમિઝી, મુસ્નદે અહમદ, નસાઈ, બયહકી, મિશ્કાત વગેરે કિતાબોમાં આ રિવાયતો મોટી માત્રામાં મોજૂદ છે.

Monday, September 02, 2013

મિસરનો લશ્કરી બળવો અને રાજાઓની રાજરમત

મિસરનો લશ્કરી બળવો અને રાજાઓની રાજરમત
મિસરમાં હોસ્ની મુબારકના ઇમરજન્સી શાસનના અંત પછી લોકશાહી રીતે ચુંટાયેલ સરકારનું એક જ વરસ પુરું થયું હતું કે લશ્કરે એક બહાના હેઠળ લોકશાહી સરકારને ઉઠલાવીને ફરીથી લશ્કરી શાસન લાદી દીધું છે. રાષ્ટ્રપતિ મુહમ્મદ મુરસીને અજ્ઞાત સ્થળે કેદ કરીને અનેક નેતાઓને જેલમાં પૂરી દેવામાં આવ્યા છે. ચુંટાયેલ સરકાર મવાળવાદી મુસ્લિમ સંગઠન 'મુસ્લિમ બ્રધરહુડ'ની રાજકીય પાંખની બહુમતી વાળી હતી એટલે આ બળવાને મુસ્લિમ જગતમાં પ્રથમ દષ્ટિએ અમેરિકા, ઇઝરાયેલ અને યુરોપની ઇસ્લામ વિરોધી હરકતના સ્વરૂપે જોવામાં આવ્યો. અલબત્ત પાછળથી જે વાસ્તવિકતાઓ સામે આવી એ જોતાં લાગે છે કે ષડયંત્રના મુળ ઘણાં ઊંડાં છે.
બળવો થતાં જ લોકશાહી સમર્થકો વિરોધ કરવા લાગ્યા. રેલીઓ અને ધરણાઓનું આયોજન કરવામાં આવ્યું. આ રેલીઓ અને ધરણાઓનો વિસ્તાર વધવા લાગ્યો તો લશ્કર દ્વારા એને શકિત વડે ખતમ કરવામાં આવ્યાં અને ઇદ પછીના અઠવાડિયામાં લગભર હઝારથી વધારે સમર્થકોને સીધી ગોળીએ વીંધી નાંખવામાં આવ્યા અને મુસ્લિમ બ્રધરહુડના હઝારો સમર્થકોને જેલમાં ગોંધી દેવામાં આવ્યા.
લશ્કર દ્વારા સત્તા કબ્જે કરવાના તુરંત પછી સઉદી અરેબિયાના શાહ અબ્દુલ્લાહે નિવેદન આપ્યું કે લશ્કરે મિસરને બરબાદ થવાથી બચાવી લીધું. આરબ અમીરાતે પણ લશ્કરને ભરપૂર સમર્થન હોવાનું જાહેર કયું. આનાથી વિપરીત તુર્કીએ લશ્કરી બળવાનો ભરપૂર વિરોધ કર્યો.
આજે સ્થિતિ એ છે કે અમેરિકા અને યુરોપ મિસરની સહાય રોકવાની તૈયારી કરી રહયા છે તો સઉદી અરેબિયાએ જાહેરાત કરી છે કે એ બધી સહાયનો બદલો મિસરને અમે આપવા તૈયાર છીએ.
આ બધું જોતાં લાગે છે કે સઉદી એરેબિયાના રાજાને મિસરની લોકશાહી સરકારથી અથવા તો 'મુસ્લિમ બ્રધરહુડ'થી કોઈ ખતરો હતો, જેના લઈ સઉદી અરેબિયા અને અમીરાત દ્વારા આયોજન કરીને લશ્કર દ્વારા મુસ્લિમ બ્રધરહુડને ખતમ કરવાનો પ્લાન બનાવવામાં આવ્યો છે.
હરમૈન શરીફૈનની ખિદમતના નામે મુસલમાનોના નેતા બનેલા આ નેતાઓને વિશ્વમાં સાચી રીતે મુસલમાનો શકિતશાળી બને અને યુરોપ, યહૂદીઓ અને અમેરિકાના અત્યાચારો સામે અવાજ ઉઠાવે એમાં રસ નથી. એમને પોતાની સત્તા અને રાજગાદી છીનવાય જવાનો ખતરો છે. પાછલા દિવસોમાં ટયુનિશ, લિબીયા, મિસર, કુવૈત અને જોર્ડન વગેરે દેશોમાં કયાંક આંશિક રીતે તો કયાંક સંપૂર્ણ રીતે લોકશાહી રીતે શાહી ખાનદાનો પાસેથી રાજગાદી વિદાય લઈ રહી છે, એવામાં તેલની અઢળક દોલતની લાલચ આવા લોકોથી કેવી રીતે છુટે ?
ઉપરાંત તુર્કીની વર્તમાન સરકાર જે રીતે મક્કમ રીતે ઇસ્લામી પ્રણાલીને અપનાવીને આગળ વધી રહી છે એ જોતાં મુસ્લિમ વિશ્વનું નેતૃત્વ કરવા એ સક્ષામ નજર આવી રહી છે. મિસરની મુરસી સરકારે પણ તુર્કી સાથે મજબૂત સંબંધો શરૂ કરી દીધા હતા અને બંને સંયુકત રીતે ઇઝરાયેલને ઘેરવાના પ્રયત્નો કરી રહયા હતા. પેલેસ્ટાઈનની હમાસની સરકારને ગાઝહપટીમાં પૂર્ણ સમર્થન આપી રહયા હતા. ઇઝરાયેલના હુમલા વેળા મુરસી પોતે સહાય લઈને ગાઝહપટીમાં ગયા હતા. આવી સ્થિતિમાં તુર્કી અને મિસરના હાથમાં મુસ્લિમ વિશ્વનું નેતૃત્વ સરકતું જોઈને સઉદીયા બે ત્રણ વરસથી ધમપછાડા કરી રહયું છે. ભારત અને વિશ્વના મુસ્લિમ બહુલ દેશોમાં સઉદી ઉલમા, હરમૈનના ઇમામો મોકલીને મુસ્િલમ પ્રજાને હરમૈનના બહાને સઉદી રાજા સાથે અકીદત અને શ્રધ્ધા સાથે જોડી રાખવા મથી રહયું છે.
હજ ઉમરહની સેવા કરવામાં પણ કમાણી કરતા આ રાજાઓ પાસે ખાદિમુલ હરમૈનના ઇલ્કાબ સિવાય એવી કઈ વસ્તુ છે જેના લઈ તેઓ મુસ્લિમ વિશ્વના નેતા હોવાના ભરમમાં રાચે છે ? આ રાજાઓને ખબર હોવી જોઈએ કે આવા ધમપછાડાઓથી સત્તા સચવાતી નથી. સત્તા સાચવવા માટે સાચી સેવા કરવી પડે છે. હઝારોના લોહી વહાવીને મુસલમાનોના હમદદર્ોને ખતમ કરવાથી એમની ગાદી કદાચ થોડા સમય માટે સલામત રહી શકે છે, પણ કુદરતનું કાળચક્ર આવતી કાલે એમનાથી બદલો લેશે ત્યારે એમને ખબર પડશે.