Monday, April 21, 2014

અલ્લાહ, એટલે ...ઇસ્લામી માન્યતા અને અકીદો

અલ્લાહ તઆલા પોતાની ઝાત (વાસ્તવિક રીતે મોજૂદ હોવા) અને સિફાત (વિવિધ પ્રકારના ગુણો અને શકિતઓ) માં 'એક' (બેનમૂન) છે. એટલે કે આ બન્ને બાબતોમાં એના જેવું બીજુું કોઈ નથી. આ તવહીદનો અકીદહ છે. અલ્લાહ તઆલા જેવી ખૂબી અને શકિત કોઇ અન્ય વિશે સ્વીકારવાને શિર્ક કહે છે.
અલ્લાહ તઆલા શરીર, અંગ, અવયવ (હાથ, પગ, આંખ, આંગળી) વગેરે અથવા બીજો કોઈ પણ કાલ્પનિક કે અકાલ્પનિક આકાર ધરાવતા નથી.
આ જ પ્રમાણે શરીરને જરૂરી હોય એવી બાબતો જેમ કે ખાવા, પીવા, ચડવા, ઉતરવા, દોડવા, ચાલવા, જેવા કાર્યોથી પણ પવિત્ર છે. મતલબ કે અલ્લાહ તઆલા માણસો જેવા આ કાર્યો કરવાના મોહતાજ નથી અને આ બધું એની શાન - દરજ્જાના વિરુદ્ઘ છે.
કુરઆન અને હદીસમાં અલ્લાહ તઆલા માટે અમુક અવયવો અથવા લોકો જેવા અમુક કાર્યોનો ઉલ્લેખ છે. એનાથી અલ્લાહ તઆલાની વિવિધ સિફાત (ગુણો અને શકિતઓ) મુરાદ છે. માનવીની જેમ અલ્લાહ તઆલાના હાથ પગ હોવું મુરાદ હરગિઝ નથી.
અલ્લાહ તઆલાનું કલામ સાચું અને વાસ્તવિક છે. એમાં શંકાને પણ કોઈ સ્થાન નથી. અલ્લાહ તઆલાના કલામમાં જૂઠ કે અવાસ્તવિક હોવાની શંકા કે વહેમ કરવો પણ કુફ્ર છે.
અલ્લાહ તઆલાના ફેસલા અટલ હોય છે. હા અલ્લાહ તઆલા પોતે પોતાના ફેસલા બદલવા શકિતમાન છે, પણ બદલતા નથી.
દુનિયામાં જે કંઈ થાય છે એ બધું જ અલ્લાહ તઆલાના ઇલ્મ - જાણમાં છે. દરેક બાબત પહેલેથી જ અલ્લાહ તઆલાની જાણમાં છે અને અલ્લાહ તઆલા એ મુજબ જ દરેક વસ્તુ પેદા કરે છે.
અલ્લાહ તઆલા દરેક પ્રકારની ખૂબીઓ અને શકિતઓના માલિક છે. અલ્લાહ તઆલા સદાથી છે અને સદા માટે છે. એટલે કે એનો કોઈ આરંભ નથી, બલકે પહેલેથી જ છે અને એનો કોઈ અંત પણ નથી એટલે કે સદાને માટે રહેનાર છે. પહેલેથી જ મોજૂદ હોવાને ઉર્દૂમાં 'અઝલી' અને સદાએ રહેવાને ઉર્દૂમાં 'અબદી' કહેવામાં આવે છે.
અલ્લાહ તઆલા દરેક વસ્તુ અને દરેક બાબતે શકિતમાન છે. કુદરત ધરાવનાર (કાદિર) છે. તે આ દુનિયાને પેદા કરવા અને એનો નાશ કરવા ઉપર, બલકે અનેકવાર આમ કરવાની પણ કુદરત ધરાવે છે.
દરેક વસ્તુ અને બાબતની જાણકારી ધરાવે છે. નાની મોટી કોઈ પણ વસ્તુ એના ઇલ્મથી બહાર નથી.
તે સ્વતંત્ર ઇરાદો ધરાવે છે. જે ચાહે તે કરે અને જે ચાહે તે ન કરે. કોઈ બાબતે કરવા, ન કરવાને મજબૂર નથી.
કુરઆનમાં છે કે અલ્લાહ તઆલા દરેક વસ્તુ જુએ અને સાંભળે છે. આ બાબતે અલ્લાહ તઆલા પૂર્ણ શકિત અને ખૂબીના માલિક છે. નાની મોટી અને છૂપી - ખુલ્લી દરકે વસ્તુ એની નજરમાં છે અને મોટેથી કે ધીરેથી બોલવામાં આવતી દરેક વાત એ સાંભળે છે.
કુરઆન અલ્લાહ તઆલાનું કલામ છે. અને અલ્લાહ તઆલા ફરિશ્તાઓ - નબીઓ મારફત એની વાતો લોકો સુધી પહોંચાડે છે. અલબત્ત કલામ - વાણી માટે અલ્લાહ તઆલા શબ્દો, અવાજ, ઉચ્ચાર, જીભ વગેરેના મોહતાજ નથી. આ બધા વગર અલ્લાહ તઆલા કલામ કરે છે.
દરેક વસ્તુને અલ્લાહ તઆલા પેદા કરે છે. આ સઘળી સૃષ્ટિ પણ પહેલાં ન હતી, પછી અલ્લાહ તઆલાએ એને પેદા કરી.
તે જ જવાડનાર, મારનાર, રોઝી આપનાર અને રક્ષાા કરનાર છે.
તેના થકી જ સન્માન - ઇઝઝત છે અને તે ચાહે તેને અપમાનિત - ઝલીલ કરે છે. તોબા કબૂલ કરનાર અને માફ કરનાર છે. ચાહે તે ગુનેગારને સજા આપે છે, એને કોઈ પૂછનાર નથી.
એનું કોઈ કામ હિકમત અને આયોજન વગર નથી હોતું.
સૃષ્ટિ, બહ્માંડ અને બીજું જે કંઈ હોય, ન હોય, એ બધાની વ્યવસ્થાથી અલ્લાહ તઆલા થાકતા કે કંટાળતા નથી. ખાવા-પીવા, સૂવા, ઉંઘવા, થાકવા - હારવા જેવી કોઈ કમઝોરી અને ખામી અલ્લાહ તઆલામાં નથી.
અલ્લાહ તઆલાની કોઈ અવલાદ, પુત્ર, પુત્રી, બીવી કે દાસ - દાસીઓ અને સગાઈ નથી.
સ્થળ - જગ્યા, દિશા - દશા, લંબાઈ - પહોળાઈ, શરીર - શકલ, રંગ - રૂપ, વગેરે બાબતોથી અલ્લાહ તઆલા સંપૂર્ણ રીતે પવિત્ર છે. .....

No comments:

Post a Comment