વિવિધ કાળે અલ્લાહ તઆલા તરફથી મોકલવામાં આવેલ નબીઓને અલ્લાહ તઆલા તરફથી કિતાબો આપવામાં હતી. સામાન્ય પણે એને 'આસમાની કિતાબો' કહેવામાં આવે છે. આ કિતાબો એટલે કે લોકો માટે અલ્લાહ તઆલાના આદેશો, હુકમો, માર્ગદર્શનો વગેરેનો સંગ્રહ. આવી કિતાબો કોઈ નબીને એક સામટી આદેશોના સંગ્રહ સ્વરૂપે આપવામાં આવી તો કોઈ નબીને જરૂરત મુજબ સમયાંતરે કિતાબના આદેશોથી વાકેફ કરવામાં આવ્યા. અને એ બધા આદેશોને 'કિતાબ' સ્વરૂપે રક્ષિાત રાખવાનો આદેશ આપવામાં આવ્યો. અલબત્ત અલ્લાહ તઆલાના દરબારમાં એ બધી જ કિતાબો પહેલેથી જ પૂર્ણ સ્વરૂપે મોજૂદ હતી અને છે.
આવી કેટલી કિતાબો, કયા કયા નબીઓને આપવામાં આવી, એની પૂર્ણ વિગત કોઈને ખબર નથી. પણ ચાર કિતાબો મશ્હૂર છે. જે અલગ અલગ નબીઓને આપવામાં આવી હતી.
(૧) તવરાત. હઝરત મૂસા અલૈ. ઉપર નાઝિલ થઈ હતી. એની ભાષા ઇબરાની હતી.
(ર) ઝબૂર. હઝરત દાઉદ અલૈ. ઉપર નાઝિલ થઈ હતી. ભાષા સુરયાની હતી.
(૩) ઇન્જીલ હઝરત ઈસા અલૈ. ઉપર નાઝિલ થઈ હતી. ભાષા ઇબરાની હતી.
(૪) કુરઆન મજીદ. સય્યિદના નબીએ કરીમ હઝરત મુહમ્મદ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ ઉપર અરબી ભાષામાં ઉતારવામાં આવ્યું.
આ કિતાબો ઉપરાંત અન્ય અમુક નબીઓને નાના મોટી કિતાબો આપવામાં આવી. જેનું વર્ણન કુરઆનમાં છે. હઝરત ઇબ્રાહીમ અલૈ. અને હઝરત મૂસા અલૈ.ને 'સહીફહ' આપવામાં આવ્યા હોવાનું વર્ણન કુરઆનમાં છે. પણ આ બધાની વધુ વિગત કુર્આન - હદીસમાં દશર્ાવવામાં આવી નથી. કુરઆનથી જ આ પણ પુરવાર છે કે યહૂદીઓ અને ઈસાઈઓ પાસે મોજૂદ વર્તમાન તવરાત, ઇન્Òલ અને ઝબૂર (જેને આજકાલ તેઓ બાઇબલ Old testament & New testament કહે છે, તે અસલી સ્વરૂપમાં નથી. એમાં લોકોએ ફેરફાર કરી દીધો છે.
આજના યહૂદીઓ અને ઈસાઈઓ પણ આ વાત સ્વીકારે છે કે વર્તમાન બાઇબલમાં વાસ્તવમાં હઝરત મૂસા અલૈ. અને હઝરત ઈસા અલૈ.ને આપવામાં આવેલ અલ્લાહ તઆલાના હુકમો અને હિદાયતોને એમના અનુયાયીઓએ ભેગી કરી છે. અને એમાં અત્યાર સુધી અનેક સુધારા વધારા થયા છે. આવી સ્થિતિમાં આ કિતાબો વિશે એના 'આસમાની કિતાબ' હોવાના અકીદો રાખવો ખોટો છે. બલકે મુસલમાને એમ અકીદો રાખવો જરૂરી છે કે આવા (તવરાત, ઇન્જીલ, ઝબૂર) નામોની કિતાબો આગલા અંબિયા અલૈ. ઉપર નાઝિલ થઈ હતી.
કુરઆન શરીફના નાઝિલ થવાથી આગલી આવી કિતાબોના આદેશો અને શરીઅતો કેન્સલ કરાર દેવામાં આવી છે અને એના સ્થાને કુરઆની આદેશો અને શરીઅત જ અલ્લાહ તઆલાના ખરો હુકમ ગણવામાં આવશે.
કુરઆન શરીફ મુજબ હવે શરીઅતે મુહમ્મદી કયામત સુધી બાકી રહેશે, એ રદબાતલ કે કેન્સલ થશે નહી. કુરઆન શરીફ અલ્લાહ તઆલાનું કલામ છે, માટે એ અલ્લાહ તઆલાની જેમ સદા રહેનારી વસ્તુ છે. કુરઆન અને હદીસથી જન્નતીઓનું જન્નતમાં કુરઆનની તિલાવત કરવાની વાત પણ સાબિત છે. અલબત્ત કયામત પૂર્વે છેલ્લી ઘડીઓમાં જયારે દુનિયામાં કોઈ મોમિન હશે નહી, અને ત્યારે કુરઆન દુનિયામાંથી ઉઠાવી લેવામાં આવશે, એટલે કે કુરઆન શરીફ લેખિત સ્વરૂપે, કે કોઈને કંઠસ્થ - હિફજ હોવાના સ્વરૂપે, અથવા જે કોઈ સ્વરૂપે હશે તે ખતમ થઈ જશે. હદીસ શરીફમાં છે કે એક રાત એવી આવશે કે સવારે કુરઆનના બધા અક્ષારો ખતમ, અને લોકોના દિમાગમાંથી બધું કુરઆન ભુલાઈ જશે અને કયામત કાયમ થશે - શરૂ થશે. (તબરાની, દારમી)
ઉલમા ઉપરોકત હદીસનો મતલબ દર્શાવતાં લખે છે કે આ વેળા દુનિયામાં કોઈ મોમિન હશે નહી, માટે કુરઆન ઉપર કોઈ અમલ કરનારંુ પણ ન હશે, અને અલ્લાહ તઆલાને આ વાત પસંદ ન હશે કે કુરઆન શરીફ આવી રીતે અમલના લાભ વગર બેકાર દુનિયામાં રહે, માટે ઉઠાવી લેવામાં આવશે.
કુરઆન શરીફની હિફાઝતની જવાબદારી અલ્લાહ તઆલાએ લીધી છે, માટે એમાં કોઈ ફેરફાર આજ સુધી થઈ શકયો નથી, અને થશે પણ નહી.
કુરઆન શરીફ અલ્લાહ તઆલાની કિતાબ અને 'કલામ' હોવાનો મતલબ આ છે કે એના શબ્દો પણ અલ્લાહ તઆલાના જ છે અને જે કંઈ એના દ્વારા કહેવામાં આવ્યું છે, એ અર્થ અને વાતો પણ અલ્લાહ તઆલાની છે. એવું નથી કે અલ્લાહ તઆલાની વાતો, આદેશો, માર્ગદર્શન, વગેરે અલ્લાહ તઆલા પાસેથી લઈને પછી હઝરત જિબ્રઈલ અલૈ. એ અથવા નબીએ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમે પોતાના શબ્દોમાં લોકો સમક્ષા રજૂ કરી હોય.
સઘળી આસમાની કિતાબોમાં કુરઆન સૌથી વધારે ફઝીલત ધરાવે છે.
પૂરું કુરઆન 'સૂરએ ફાતિહા'થી લઈને 'સૂરએ વન્નાસ' સુધી સંપુર્ણ પણે રક્ષિાત છે, રહેશે, અને એવો જ અકીદો રાખવો જરૂરી છે. એમાં ફેરફાર થવા કે કોઈ શબ્દ અથવા અક્ષારના ઓછા વધતા હોવાની વાત કુફ્ર છે.
કુરઆન શરીફ ઇસ્લામના સાચા હોવા અને નબીએ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમની નબુવ્વતની સૌથી મોટી દલીલ પણ છે. તે એવી રીતે કે કુરઆનના સાચા હોવા અને નબીએ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમની નુબુવ્વત બાબત જયારે લોકોએ કોઈ પુરાવો અને દલીલ માંગી તો અલ્લાહ તઆલા તરફથી કુરઆનને ચેલેન્જ સ્વરૂપે રજૂ કરીને કહેવામાં આવ્યું કે, જો આ કુરઆન અલ્લાહ તઆલાનું 'કલામ' ન હોય, અને મુહમ્મદ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમની 'વાતો' હોય તો તમારામાંથી કોઈ માણસ આવું કલામ બનાવી લાવે. અને પછી કુરઆનમાં જ અલ્લાહ તઆલાએ એમ પણ ફરમાવી દીધું કે એક સુરત શું, એક આયત પણ કોઈનાથી એના જેવી બનાવી શકાશે નહી. માટે કુરઆનના 'કલામે ઇલાહી' અને 'બેનમૂન' હોવાનો અકીદો રાખવો પણ જરૂરી છે.
કુરઆન મજીદની વર્તમાન તરતીબ અને ક્રમ એ આસમાની છે, એટલે કે અલ્લાહ તઆલાએ નક્કી ફરમાવેલ છે. અલ્લાહ તઆલા પાસે લવ્હે મહફૂઝમાં કુરઆન સંપૂર્ણ પણે મહફૂઝ છે. એમાંથી જરૂરત મુજબની આયતો અને આદેશો જે તે સમયે નબીએ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ ઉપર ઉતારવામાં આવી. જયારે કોઈ સૂરત કે આયત ઉતરતી તો નબીએ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ હઝરત જિબ્રઇલ અલૈ.ના માર્ગદર્શન મુજબ સહાબાને એ સૂરત અને આયતનું સ્થાન અને ક્રમ બતાવી દેતા હતા.
ખુલાસો એ કે કુરઆન શરીફ નાઝિલ થતી વેળા આ તરતીબ ન હતી, અલબત્ત એ પહેલાં લવ્હે મહફૂઝની અને વર્તમાનની તરતીબ પહેલેથી જ આ મુજબ હતી.
----------------------