Saturday, July 17, 2010

ઇસ્લામ પ્રત્યે પૂર્વગ્રહ ટાળવા કુરાન વાંચવું - Islam prejudice read kuran - www.divyabhaskar.co.in

ઇસ્લામ પ્રત્યે પૂર્વગ્રહ ટાળવા કુરાન વાંચવું - Islam prejudice read kuran - www.divyabhaskar.co.in
૧૭૨થી વધુ દેશોમાં ઇસ્લામ ફેલાયેલો છે : ઇન્ડોનેશિયા, પાક, બાંગ્લા પછી ભારત છે

સ્વામી વિવેકાનંદે ૧૦૨ વર્ષ પહેલાં ૧૦-૬-૧૮૯૮ના રોજ એક પત્રમાં મોહમ્મદ સરફરાઝ હુસૈનને લખેલું કે ‘અદ્વૈતવાદ એ માનવજાતનો ભવિષ્યનો ધર્મ થશે. આપણી માતૃભૂમિ તો બે મહાન ધર્મોનું મિલન સ્થાન છે. હિન્દુ ધર્મ અને ઇસ્લામ. જગત માટે એક જ આશા છે કે વેદાંતનું મગજ અને ઇસ્લામનું સંપૂર્ણ શરીર સાબૂત છે.’ એક જમાનામાં પરાણે ધર્મપરિવર્તન થતું. ખ્રિસ્તી પાદરીઓ ભારતની ગરીબીનો લાભ લઈ ધમાઁતર કરાવતા. ઇસ્લામમાં પણ આવું ધર્મપરિવર્તન થતું, પણ હવે માત્ર પાકિસ્તાનમાં જ દર વર્ષે ૧૦૦૦ હિન્દુ કે ખ્રિસ્તીઓ ઇસ્લામી બને છે.

ઇંગ્લેંડમાં દર સપ્તાહે ૧૦૦૦ લોકો એક ધર્મમાંથી બીજા ધર્મનો અંગીકાર કરે છે. તેમાં સૌથી વધુ બૌદ્ધ ધર્મમાં પરિવર્તન થાય છે. ચુસ્ત યહૂદીઓ પણ બુદ્ધધર્મી બનવા લાગ્યા છે. જોનાથન પીટર નામના પત્રકારના કહેવા મુજબ બ્રિટનમાં કેથોલિકમાંથી સ્વેચ્છાથી ઇસ્લામ સ્વીકારનારા ૫૦૦૦થી ૧૦,૦૦૦ ગોરાઓ છે (આ વાતને ડૉ.. અહમદ એન્ડ´સ-ડર્બી યુનિવર્સિટીવાળા સમર્થન આપે છે). ૫-૭-૨૦૦૮માં બ્રિટિશ મહિલા પત્રકાર યોવની રિડલે અફઘાનિસ્તાનમાં ગયેલી. ત્યાં ફંડામેન્ટલિસ્ટ ઇસ્લામીનો ત્રાસ જોવા છતાં તેણે સ્વેચ્છાથી ઇસ્લામ ધર્મ અંગીકાર કરેલો.

આજે એ થી ઝેડ સુધીના લગભગ ૧૭૨થી વધુ દેશોમાં ઇસ્લામ ફેલાયેલો છે. તેમાં સૌથી વધુ ઇસ્લામ પામનારો ઈન્ડોનેશિયા છે, પછી પાકિસ્તાન, પછી બાંગ્લાદેશ અને પછી ભારત છે. ‘ફ્રી પબ્લિક’ નામના પ્રકાશનને હિસાબે જગતની વસતિ ૬ અબજ અને પોણાચાર કરોડ હતી તેમાં મુસ્લિમોની સંખ્યા ૧.૪૮ અબજ હતી. ત્યારે માત્ર હેઈટી, હોન્ડુરાસ, બોલિવિયા અને કેપવર્દીમાં મુસ્લિમો નહોતા. તમને નવાઈ લાગશે કે કોમોરોસ નામના પ્રશાંત સાગરના ટાપુમાં ૯૮ ટકા મુસ્લિમો છે. અમેરિકામાં ૯૮ લાખ મુસ્લિમો છે જ્યારે કેનેડામાં માત્ર વસતિના દોઢ ટકા એટલે પોણાપાંચ લાખ મુસ્લિમો છે.

મલેશિયામાં બાવન ટકા એટલે લગભગ ૧ કરોડ મુસ્લિમો છે. ત્યાં ચીના અને હિન્દુ પ્રત્યે મુસ્લિમો સહિષ્ણુ છે. બૌદ્ધ મંદિરો છે. હિન્દુ મંદિરો છે. ચીનાનાં મંદિરો છે. કેટલાક અતિચુસ્ત મલેશિયન મુસ્લિમ છે. ચુસ્ત એટલે ઝનૂની નહીં. ચુસ્ત એ દ્રષ્ટિએ કે મલેશિયન નેશનલ સ્પેસ એજન્સી છે તેનો મુસ્લિમ અવકાશયાત્રી અવકાશમાં સ્પેસ સ્ટેશનમાં તાલીમ લેવા ગયો ત્યારે તેણે અવકાશમાં મક્કા તરફ કઈ રીતે નજર રાખીને નમાજ પઢવી તે વાત એથેન્સની જ્યોર્જિયા યુનિવર્સિટીના ઇસ્લામ ધર્મના નિષ્ણાત ડૉ. અલાન ગોડલાસ પાસેથી જાણી લીધેલું.

ઇસ્લામ ધર્મ પ્રત્યે પૂરા માન સાથે આ લખું છું. તેમાં ઘણાં પુસ્તકો અને ઈંગ્લિશ લેખક સિરિલ ગ્લાસીના ઇસ્લામ વિશેના દળદાર સંદર્ભગ્રંથનો સહારો લીધો છે. ભારત બંધમાં ગરીબ લોકો જે રોજ કમાઈ રોજ ખાય છે તેણે જે સહન કર્યું છે તેની કરુણ કથની સાંભળી સૂઈ ગયો અને બે વાગ્યે ઊંઘ ઊડી અને ૮૦ની ઉંમર ૧૫ જુલાઈએ થઇ છે ત્યારે હવે સાવ એકલો રહું છું તેની ચિંતા થવા માંડી. એકલતા અસહ્ય લાગી. વળી જો લખી નહીં શકું તો જીવીશ કઈ રીતે?

તે વખતે આત્મસ્ફુરણાથી ‘ધ ગ્રેટ અમેરિકન બાથરૂમ બુક’ લઈ ઉઘાડી તો કુઆgનનો તલસ્પર્શી લેખ મળ્યો! તેમાં વાંચ્યું કે : ‘ધોઝ હુ બિલિવ ઈન અલ્લાહ એન્ડ એસેપ્ટ મોહમ્મદ એઝ પ્રોફેટ, આર કોલ્ડ મુસ્લિમ્સ’ એટલે કે -મેન હુ સબમીટ ટુ ગોડ. કુરાનનો સાર છે કે જે સાચો મુસ્લિમ છે તે બધું જ અલ્લાહની મરજી ઉપર છોડી દે છે. મારી ચિંતા ટળી ગઈ.ભવિષ્યની ચિંતા છોડી ઈશ્વર-અલ્લાહ ઉપર બધું છોડીને સૂઈ ગયો. આમ કુરાન વિશે લખતાં પહેલાં જ મને એક પ્રકાશ મળ્યો.

મારા હાથમાં આવેલા ઇસ્લામી સંદર્ભગ્રંથમાં કુરાનનો સુંદર સાર છે. સાદા શબ્દોમાં તેમાં લખેલું રત્નકણિકા જેવું છે. ‘અલ્લાહ ન્યાયી છે, દયાળુ છે. માનવીને સારાં કર્મો કરવાનું કહે છે અને ખરાબ કર્મ કર્યા હોય તેનો પસ્તાવો કરવાનું ફરમાન છે. જે માત્ર અલ્લાહમાં જ શ્રદ્ધા રાખે છે તેને જ સેલ્વેશન-મુક્તિ મળે છે. જે શ્રદ્ધાળુ છે તે પૃથ્વીની તમામ ઘટનામાં અલ્લાહનો જ હાથ જુએ છે. મોંઘવારી આવે, હુલ્લડો થાય, શાંતિ થાય, ગરીબી આવે, સમૃદ્ધિ આવે, મનવાંચ્છિત પતિ કે પત્ની મળે પછી તલ્લાક થાય તે તમામમાં અલ્લાહની મરજી જોવાની છે.નાની નાની ઘણી વાતો આ ધર્મગ્રંથમાં છે તે મુજબ તમારાં મા-બાપને માન આપો.

આ આદેશ પ્રમાણે આજે આપણે વિભક્ત કુટુંબવાળા થવા માંડ્યા છીએ ત્યારે સાચા મુસ્લિમોનો કુટુંબકબીલો હજી એવો ને એવો વિશાળ છે. અરે મારા જુના મુસ્લિમ મિત્રો પણ અવારનવાર મારી ખબર પૂછે છે. મુસ્લિમને ફરમાન છે કે જે મા-બાપ વગરના હોય તેનું ધ્યાન રાખે. કુરાનમાં ચોરવાની, જૂઠું બોલવાની, આડાસંબંધની અને ખૂનની બંધી છે. કદાચ તમારી ભૂલથી કોઈનું મરણ થયું હોય તો તેના આશ્રિતોને બ્લડ-મની આપવા જોઈએ. રોજ પાંચ વખત નમાજની વાત જાણીતી છે. તમે ઉપર જાણ્યું કે મુસ્લિમ-અવકાશયાત્રી અવકાશયાનમાં પણ નમાજ ચૂકતો નથી. તમારાં દરેક સારાં-નરસાં કૃત્યોની નોંધ લેવાય છે તેનો ખ્યાલ રાખજો.

કુરાનના ઉપદેશમાં વ્યવહારુ દ્રષ્ટિએ મને એક સાદી વાત ચોટદાર લાગી. ‘ધ કુરાન પ્લેસીઝ ગ્રેટ એમ્ફેસીસ ઓન પ્યોરિટી ઈન બોથ ધ ફિઝિકલ એન્ડ સ્પિરિચ્યુઅલ સેન્સ. અલ્લાહ લવ્ઝ ધોઝ હુ પ્યોરિફાય ધેમ સેલ્વઝ. બ્લેસડ ઈઝ ધ મેન. હુ હેઝ કેપ્ટ (હિઝ સોઉલ) પ્યોર...’ તેમાં માનવીની પ્યોરિટી-પવિત્રતાને ખૂબ મહત્વ આપ્યું છે. પ્યોરિટી એટલે સારાં કર્મો, ધર્મનાં કર્મો, દયાળુતા ને હંમેશાં મધુર ભાષી બનવાની વાત આવે છે. મેં જોયું છે કે મોટા ભાગના મુસ્લિમ મિત્રો સાથેની વાતમાં માયાળુતા અને પ્રેમ ઊભરતો હોય છે. કટુતા દેખાતી નથી.

કુરાનનું અર્થઘટન કરનારા થોમસ પેટ્રિક હ્યુજીસ અને બીજા અંગ્રેજ લેખકો કહે છે કે પશ્ચિમના લોકોને અને (હવે) પછીથી એશિયાના લોકોને ત્રાસવાદની વાતો સાંભળી (જે ત્રાસવાદ માત્ર ૦.૦૦૧ ટકા મુસ્લિમો જ આચરે છે) ઇસ્લામ પ્રત્યે પૂર્વગ્રહ થયો છે. પશ્ચિમના લોકોનો આ પૂર્વગ્રહ ટાળવાનો એક માત્ર ઈલાજ છે કે કુરાનને શ્રદ્ધાપૂર્વક વાંચે. તેમાંથી તેમને ઘણું આધ્યાત્મિક માર્ગદર્શન મળશે

No comments:

Post a Comment