Tuesday, December 16, 2008

ઇસ્‍લામ અને નારી સન્‍માન

        ઇસ્‍લામ અને નારી સન્‍માન

સ્‍ત્રી અને પુરુષ  માનવીય સમાજના બે સરખા ભાગો છે, સમાજ માટે બન્‍નેવનું સમતોલ સ્‍થાન બતાવતાં અલ્‍લાહ તઆલા ફરમાવે છે ,

હે લોકો અમે તમને એક પુરુષ અને એક સ્‍ત્રીથી પેદા કર્યા છે.( કુર્આન ૪૯- ૧૩)

ઈસ્‍લામના આગમન પૂર્વે દરેક સમાજ અને કોમમાં સ્‍ત્રીના અસ્તિત્‍વને પાપ અને પતીતની માન્‍યતા આધારિત અપશુકન સમજવામાં આવતું હતું, ઘણા સમાજોમાં તો સ્‍ત્રીનું સ્‍થાન એવું હતું કે તેઓ સ્‍ત્રીને માનવી પણ સમજતા હતાં, કે કેમ એમાં પણ શંકા થઇ આવે છે.  તે એક જાનવરની જેમ પુરુષના ઘરમાં રાખવામાં આવતી, મુહમ્‍મદ પયગમ્‍બર સાહેબે સંદેશો સંભળાવ્‍યો કે

આસમાન અને જમીન બધું અલ્‍લાહનું જ છે, તે જે ઇચ્‍છે છે તે પેદા કરે છે, જેને ઇચ્‍છે છે તેને માદા (છોકરી) અને જેને ઇચ્‍છે છે તેને નર (છોકરો) આપે છે. (કુર્આન ૪૨-૪૯)

સ્‍ત્રી અને પુરુષના સમતોલ અસ્તિત્‍વના કારણે જ અલ્‍લાહ તઆલાએ એના આદેશોમાં બન્‍નેને સમાન અને સરખી હેસિયત આપી છે, કુર્આનમાં એક જગાએ છે

‘ હે નબી મુસલમાન પુરુષોને કહી દો કે, નજરો નીચી રાખે, અને. શર્મગાહ (શરીરના ગૃપ્‍ત ભાગો)ની રક્ષા કરે અને હે નબી મુસલમાન સ્‍ત્રીઓને પણ કહી દો કે નજરો નીચી રાખે અને શર્મગાહો(શરીરના ગૃપ્‍ત ભાગો)ની રક્ષા કરે.‘ (કુર્આનઃ ૩૦-૩૧)

કોઇ પણ સમાજની સુખાકારી અને પ્રગતિ માટે આવશ્‍યક હોય છે કે તેના દરેક અંગોને, વ્‍યકિતને સમતોલ અને યોગ્‍ય સ્‍થાન મળે. માટે આવશ્‍યક છે કે સ્‍ત્રીને પણ ઘરમાં સમાજમાં, ગામમાં અને દેશમાં યોગ્‍ય સ્‍થાન આપવામાં આવે, આ જ બાબત ઇસ્‍લામ અને કુર્આનની નજરે પણ આવશ્‍યક અને અનિવાર્ય છે.

કુર્આન શરીફમાં એટલે જ ‍સ્‍ત્રીઓ સાથે સદવર્તન કરવાની વિશેષ તાકીદ કરવામાં આવી છે (કુર્આનઃ૪-૧૮)

મકકાની ફતેહ વખતે નબીએ કરીમ સલ્‍લલ્‍લાહુ અલયહિ વ સલ્‍લમ દ્વારા કરવામાં આવેલ મહત્‍વના નિવેદન –પ્રવચનમાં પણ લોકોને સ્‍ત્રીઓના અધિકાર અને સન્‍માન બાબત વિશેષ ધ્‍યાન રાખવાની તાકીદ કરવામાં આવી હતી

        નમુના રુપે અત્રે અમુક બાબતો રજૂ કરુ છુ, જેનાથી સ્‍પષ્‍ટ થાય છે કે ઇસ્‍લામમાં સ્‍ત્રીને એક નોખી, સ્‍વતંત્ર અને વિશેષ હેસિયત આપવામાં આવી છે.

        સ્‍વતંત્ર વ્‍યક્તિત્‍વ

ઇસ્‍લામે સ્‍ત્રીને એક નોખું અસ્તિત્‍વ અને તેના પતિથી અલગ મહત્‍વ આપ્‍યું છે, તેને માત્ર પતિની પૂંછડી નથી બનાવી કે પતિના અસ્તિત્‍વમાં તેનુ અસ્તિત્‍વ ખોવાય જાય. આ માટે તેણીને પણ તેના ધન-દોલતની માલિક સમજી તેમાં વહીવટ કરવાનો પૂરે પૂરો કાનૂની અને  ઇસ્‍લામી હક આપવામાં આવ્‍યો. (કુર્આનઃ નિશાઅ ૯૭)

        માનવીય સમાનતાઃ

માનવીય સમાનતાની દષ્ટિએ પણ પુરુષ અને સ્‍ત્રીમાં કોઇ ફરક નથી. અને આખિરતમાં પણ સવાબ - પુણ્‍યની દષ્ટિએ બેઉ સરખાં છે (નહલઃ ૯૭)

પતિની પસંદગીનો હકક

પુરુષની જેમ ‍સ્‍ત્રીને પણ તેના જીવનસાથીની પસંદગી બાબત સંપૂર્ણ અધિકાર આપીને એ માટે સ્‍ત્રીની મંજૂરીને આવશ્‍યક ઠરાવવામાં આવી છે, તેની મરજી વિરુદ્ધ કોઇને અધિકાર નથી કે તેના વૈવાહિક જીવન બાબત કોઇ પણ જાતનો ફેંસલો કરે.

વારસાઇ હક

એ જ પ્રમાણે પુરુષોની જેમ સ્‍ત્રીઓને પણ સગાઓ, એટલે કે માતા- પિતા અને ઔલાદ તરફથી વારસાઇમાં ભાગીદાર બનાવવામાં આવી છે.(સુરએ નિસાઅઃ ૭)

         આ અમુક તે બાબતો ગણાવી છે, જેના વિશે મુસલમાનો અને ગેરમુસ્લિમોમાં પણ ખોટી ગેરસમજ ફેલાયેલી છે, બાકી ઇસ્‍લામની દષ્ટિએ માનવસમાજના આ બન્‍ને પૈડાઓ વચ્‍ચે કોઇ ભેદભાવ નથી, હા જેમ બે પુરુષ વચ્‍ચે કે કોઇ સંઘ અથવા સંગઠનની જવાબદારીઓ બાબતે, તેના જિમ્‍મેદારોના અધિકારો અને જવાબદારીઓની વહેંચણી હોય છે, એ જ પ્રમાણે સંસાર, ઘરેલુ જીવન, બાળકોની કેળવણી, અને અન્‍ય બાબતો વિશે ઇસ્‍લામ દ્વારા પુરૂષ અને સ્‍ત્રી વચ્‍ચે સ્‍પષ્‍ટ જવાબદારીઓ અને અધિકારોની વહેંચણી કરી દેવામાં આવી છે. જેમ કે શારિરીક રીતે ગર્ભ ધારણ કરવાથી લઇને બાળકને જન્‍મ આપવાની  જવાબદારી કુદરતી રીતે જ સ્‍ત્રીને આપવામાં આવી છે.

આ જ પરિપેક્ષ્‍યમા જોઇએ તો સ્‍ત્રીને અનેક બાબતોમાં પુરુષથી ચઢિયાતા અધિકારો ઇસ્‍લામ  દ્વારા આપવામાં આવ્‍યા છે. જેમ કે

૦ પત્નિ અને ઔલાદની ભરણપોષણની સંપૂર્ણ જવાબદારી ફરજિયાત રૂપે પતિ ઉપર નાંખવામાં આવી છે .(સુરએ  બકરહ  ૩૨)

૦ શાદી માટે સ્‍ત્રીને મહેરની હકદાર બનાવ્‍વામાં આવી છે, અર્થાત સ્‍ત્રી તેના અને તેના ખાનદાનના મોભા અને સ્‍થાન અનુસાર યોગ્‍ય રકમ શાદીના બદલા રૂપે શોહર પાસેથી લેવાની હકદાર છે. આ એવો હક  છે કે જો સ્‍ત્રી - પુરુષ તેમની સંમંતિથી છોડી દેવા માંગે તો પણ ચાલશે નહી, અફસોસ લોકોએ આજે અવળી રસમ અપનાવી છે, અને ઉલટાના છોકરા પક્ષવાળાઓ સ્‍ત્રીપક્ષ પાસેથી દહેજની માંગણી કરે છે.

સ્‍ત્રી અધિકારો માટે લખતા વિચારતા કે કાર્ય કરતા માણસો માટે આ મહત્‍વનો પોઇન્‍ટ છે, ઇસ્‍લામ શાદીના અવેજમાં સ્‍ત્રીને માલની અધિકારી અને હકદાર ગણે છે, નહિં કે પતિને.

૦ કુદરતી વ્‍યવસ્‍થાને આધિન અમુક કમઝોરીઓ કે પરિસ્થિતિઓના કારણે સ્‍ત્રી માટે ઇઝઝત અને આબરૂ એટલે કે શીયળતા મોટી પૂંજી ગણવામાં આવી છે આ બાબતે પુરુષોની મેલી મથરાવટીને સામે રાખીને સ્‍ત્રીને કલંકિત કરવાની કોશિશ અને તેના પર ખોટા આક્ષેપો મુકનાર માણસ માટે કુર્આનમાં સ્‍પષ્‍ટ સઝાઓ નકકી કરવામાં આવી છે.

આખા કુર્આનમાં ફકત ચાર સઝાઓ સ્‍પષ્‍ટ રૂપે નકકી દર્શાવવામાં આવી છે, એક ચોરીની, એક હત્‍યાની , એક વ્‍યાભિચારની અને એક સ્‍ત્રી ઉપર વ્‍યાભિચારના ખોટા આરોપની.

1 comment:

  1. Khub sunder lekh chhe. aava lekh regular mukva.

    ReplyDelete