Monday, June 23, 2014

તકદીર - નસીબ - ભાગ્ય, ઈસ્લામી માન્યતા અને અકીદો.

તકદીર - નસીબ

ઇસ્લામનો એક બુનિયાદી અકીદો અને ઈમાનનો મહત્વનો ભાગ 'તકદીર' ઉપર ઈમાન રાખવું છે.
તકદીર ઉપર ઇમાન ધરાવવાનો મતલબ શું છે ? 
અલ્લાહ તઆલાની કુદરત અને શકિત અપાર છે. આપણને દેખાતી આ દુનિયા અને નથી દેખાતી એવી અનેક દુનિયાઓ, ઉપરાંત ભૂતકાળ અને ભવિષ્યની અનેક વસ્તુઓ અલ્લાહ તઆલાએ એની શકિતથી પેદા કરી છે અને નષ્ટ કરી છે. પેદા કરશે અને નષ્ટ કરશે. આવી અપાર શકિતઓના માલિક અલ્લાહ તઆલાનું ઇલ્મ અને જ્ઞાન પણ અપાર છે. એટલે કે પહેલેથી જ આગળ પાછળનું બધું જ, સંપૂર્ણ, રજે રજ અલ્લાહ તઆલાની જાણકારી અને ઇલ્મમાં છે. ઝાડના પાંદડાના હલવું અને જમીનનો ધરતીકંપ, દુનિયાની ઉત્પત્તિ અને વિનાશ - કયામત... એ પહેલાં અને પછીની દરેક વસ્તુ અલ્લાહ તઆલાને ખબર છે.
સમય મુજબ અલ્લાહ તઆલાની જાણકારી પ્રમાણે જ અલ્લાહ તઆલા એની કુદરત અને શકિતથી દરેક વસ્તુનું સર્જન કરે છે, નષ્ટ કરે છે, સંજોગો સજર્ે છે અને પરિણામ આપે છે, પરિવર્તન કરે છે નવીનતા પેદા કરે છે. આમ બધું જ અલ્લાહ તઆલાના જ્ઞાન મુજબ એની જ શકિત અને કુદરતથી થવાને 'તકદીરે ઇલાહી' કહેવાય છે. કોઈનું નેકી કરવું અને કોઈનું બદી આચરવું પણ આ જ અકીદાને આધીન છે. દરેક મુસલમાને આ અકીદો રાખવો જરૂરી છે કે જે કંઈ થાય છે, ચાહે તે બંદાની દષ્િટએ સારી વાત હોય કે બુરી, લાભદાયી હોય કે નુકસાનકારક, નેકી હોય કે ગુનો.. બધું જ અલ્લાહ તઆલાના કરવાથી થાય છે.

આ અકીદાનો જાહેરી મતલબ આ છે કે, 
જો બંદાની નેકી અને ગુનાહ પણ અલ્લાહની તકદીર મુજબ જ થાય છે, અને માણસને એની મહેનતનાં ફળ પણ એની તકદીર મુજબ જ મળે છે, તો પછી કોઈ પણ કામ કે નેકી - બદી બાબતે બંદાને ગુનેગાર ઠેરવવો અને કામ્યાબ ઠેરવવો ખોટું છે. ગુના ઉપર અઝાબ અને નેકીનો સવાબ પણ બંદાને શા માટે મળે ? કારણ કે બધું જ તકદીર મુજબ છે. પરંતુ... તકદીરના અકીદાનો મતલબ આવો હરગિઝ નથી...

અલ્લાહ તઆલાનું ઇલ્મ અને તકદીર અલ્લાહ તઆલા સાથે છે. બંદાને એ વિશે કોઈ ખબર નથી. અને અલ્લાહ તઆલાએ માણસનું સર્જન કરીને એને પોતાના જ્ઞાન અને તકદીર મુજબ સારા - નરસાની સમજ અને કામ કરવા કે ન કરવાની સમજ, ઇરાદો અને શકિત પણ આપી છે. અને એ મુજબ કામ કરવાને માણસ ઉપર ફરજ ઠેરવ્યું છે. માણસ એ સમજ અને શકિત મુજબ દરેક કામ એને આપવામાં આવેલ ઇરાદા- અધિકાર, અને આવડત મુજબ કરે છે. અલ્લાહ તઆલાની તકદીરથી નાવાકેફ બંદો આ બધું પોતાની રીતે જ કરે છે અને પોતાના થકી જ થાય છે એમ સમજે છે. જયારે કે વાસ્તવિકતામાં આ બધું અલ્લાહ તઆલાના ઇલ્મ અને તકદીર મુજબ થતું હોય છે અને એ મુજબ જ પરિણામ આવતું હોય છે. માણસ આ આધારે જ પોતાના ઇરાદા અને શકિત મુજબ શરીઅત ઉપર અમલ કરવાને તાબેદાર છે અને નેકી - બદી કરીને સવાબ કે અઝાબનો હકદાર બને છે.
અલબત્ત એક મહત્વની વાત આ છે કે,
અલ્લાહ તઆલાના ઇલ્મ અને તકદીરથી નાવાકેફ બંદો એની સમજ મુબજ પોતાની રીતે જ બધું કરે છે અને એના આધારે જ પરિણામ ભોગવે છે તો પછી તકદીર ઉપર ઈમાન લાવવું શા માટે જરૂરી ઠેરવવામાં આવ્યું ? એ સમજવું જરૂરી છે.
મવ. તકી ઉસ્માની સાહેબ દા.બ. ફરમાવે છે કે આ માટે બે વસ્તુઓ સમજવી જરૂરી છે. એક આ કે, કોઈ કાર્ય કરવા પહેલાં જ તકદીરના અકીદાનું બહાનું બનાવીને અથવા એમ વિચારીને કે તકદીર મુજબ જે થવાનું હશે તે થશે, માણસ કામ કરવાથી અટકી ન જાય. બલકે નબીએ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમનું ફરમાન છે બંદાએ એના પ્રયત્નો કરવાના જ છે. તકદીરમાં શું છે એની એને ખબર નથી. અને પરિણામથી આવી અજાણતા માણસને કામ કરવાથી અટકાવવા માટે કાફી નથી.
બીજી વાત આ કે, તકદીરના અકીદા મુજબ માણસના અમલ અને વર્તનની શરૂઆત કોઈ કામ થયા પછી કે ઘટના બની ગયા પછી શરૂ થાય છે. કોઈ ઘટના થઈ ગયા પછી મુસલમાન બંદો વિચારે કે મારે જે અસબાબ અપનાવવાના હતા, જે પ્રયત્નો કરવાના હતા, તે બધું કરી લીધું. હવે પરિણામ મારા પ્રયાસો અને તદબીરથી વિપરિત આવ્યું છે તો ભલે, એ અલ્લાહનો ફેસલો અને તકદીર છે, અમે એના ઉપર રાજી છીએ. 
તકદીરનો ફેસલો આપણી સામે નથી આવી જતો, ત્યાં સુધી મહેનત કરવી અને તદબીર કરવી, અસબાબ અપનાવવા, સાવચેતી રાખવી, રક્ષાણ કરવું આપણી ફરજ છે. કારણ કે શકિત મુજબ પ્રયાસો કરવા આપણી ફરજ છે અને આપણને ખબર નથી કે તકદીરમાં શું થવાનું છે. આમ વિચારવાથી ફાયદો આ થશે કે નાકામી અને અસફળતા ઉપર માણસની માયૂસી અને તકલીફ ઓછી થાય છે. તેમજ માણસને આગળનું વિચારવાની અને બીજું કામ કરવાની હિમ્મત મળે છે. (તકદીર પર રાજી રહેના ચાહિયે)
અને જો માણસ એની મહેનતમાં સફળ થાય તો તકદીર ઉપરનું ઈમાન એને માર્ગદર્શન આપે છે કે આ સફળતામાં મારો કોઈ ફાળો નથી. એમાં મારી કોઈ ખૂબી નથી. એ તો અલ્લાહ તઆલાએ લખેલું જ હતું અને આમ થવાનું જ હતું, મેં જે મહેનત કરી એ અલ્લાહ તઆલાએ કબૂલ કરી એ એની મહેરબાની છે. આમ વિચારવાથી ફાયદો આ થશે કે માણસમાં અભિમાન, ઘમંડ, તકબ્બુર અને મોટાઈ નહી આવે. સફળતાથી અભિમાની બની જનારા માણસો વાસ્તવમાં તકદીરથી બેખબર હોય છે. તકદીર ઉપર એમનું ઈમાન કાચું હોય છે.

-------------

Friday, June 13, 2014

કુરઆન. સર્જનહારનો સાચો સંદેશ, સૌને માટે..

અરબી ભાષા મુજબ 'કુરઆન'નો અર્થ થાય છે, વારંવાર વંચાતી અને પઠન કરવામાં આવતી વાત. કુરઆનનું આ નામ એટલા માટે છે કે કુરઆનની વાતો એને સમજનારા માટે એટલી આકર્ષક અને અર્થસભર છે કે અન્ય પુસ્તકોથી વિપરીત એને વારંવાર વાંચવા છતાં માણસનો વાંચન શોખ અધૂરો રહે છે, અને કુરઆનના અર્થ અને મર્મ પણ ખૂટતા નથી.
કુરઆનનું બીજું નામ કુરઆનમાં જ દર્શાવ્યા મુજબ કિતાબ છે.
'કિતાબ' એટલે શું ? 
ટુંકમાં આપણે એટલું કહી શકીએ કે એકની વાત બીજા સુધી, બલકે આવતી પેઢીઓ સુધી, એવી રીતે પહોંચાડવી કે કહેનારનો આશય અને હેતુ સંપૂર્ણ રીતે બાકી રહેવાની સાથે વાત અન્યો સુધી પહોંચે, એવા ચુનંદા શબ્દો અને વાક્તયોને ભેગા કરીને એમાં રજૂ કરવામાં આવે અને વાંચનાર એના મતલબ અને મર્મ ઉપરાંત ફક્તત શબ્દો અને વાક્તયોમાં પણ કહેનારનું પ્રતિબિંબ જોઈ શકે, એવા શબ્દોના સંગ્રહનું નામ 'કિતાબ'. આ રીતે જોઈએ તો 'કિતાબ' કહેવાને લાયક 'ઇશવાણી' એટલે કે અલ્લાહ તઆલાની વાતો જ હોય શકે. આ આધારે જ આપણે કહી શકીએ કે વિશ્વામાં પ્રચલિત 'કિતાબ' અને પુસ્તકની પરંપરાનો મુળ સ્ત્રોત આ ખુદાઈ તરીકો જ છે.
કુરઆનમાં દર્શાવ્યા મુજબ જ કુરઆનના અન્ય નામો અને ઉપનામો પણ છે. અને લગભગ બધા જ નામોમાં બોધ, નસીહત, શિખામણ અને શિક્ષાણ - તાલીમનો અર્થ ભારોભાર ભરેલો છે. આ બાબત પૂરવાર કરે છે કે 'કુરઆન' એક અભ્યાસ કરવાને લાયક, વાંચન અને મનન કરવાને પાત્ર, અને અનુસરણ કરવાને યોગ્ય 'કિતાબ' છે.
કુરઆન વિશે બીજી બુનિયાદી વાત આ છે કે, તે ફક્તત મુસલમાનોનું ધર્મપુસ્તક નથી, જેમ કે સમજવામાં આવે છે. કુરઆન સ્વંય અને એના સર્જક અલ્લાહ તઆલા કુરઆનમાં જ કહે છે કે આ 'કિતાબ'નાં સંબોધનો દરેક તે માણસ માટે છે, જે એને સમજવાનો પ્રયત્ન કરે, ચાહે તે મુસલમાન હોય કે ન હોય. એટલે જ કુરઆનમાં અનેક સ્થળોએ ''હે લોકો ''નું સંબોધન છે. ઘણી જગ્યાએ કોઈ વિચારવાની વાત રજૂ કરીને પછી કહેવામાં આવે છે :
આ વાતમાં સમજદારો માટે શિખામણ છે.
તમે સમજતા કેમ નથી ? વગેરે..
કુરઆનની સઘળી વાતો અથવા બુનિયાદી વાતો અને સિદ્ઘાંતોને સ્વીકારીને અને અનુસરીને મુસલમાન કે મોમિન કહેવાતા લોકો માટે આગળના વિશેષ આદેશો અને આદર્શાે  પણ એમાં છે, અને તે વેળા કુરઆનમાં ''હે ઈમાનવાળાઓ ''નું સંબોધન પણ આવ્યું છે. પણ.. મુળભુત રીતે કુરઆનનું સંબોધન દરેક માણસ માટે છે.
ત્રીજી બુનિયાદી બાબત આ છે કે, કુરઆનના પઠન, વાંચન અને અભ્યાસ માટે બે વસ્તુઓ અતિઆવશ્યક છે :
(૧) તર્ક - બુદ્ઘિ અને
(ર) આસ્થા - શ્રદ્ઘા.
કુરઆનમાં જ્યાં જ્યાં કોઈ પાયાની વાત સમજાવવામાં આવી છે, ત્યાં વાતના અંતે તર્ક - બુદ્ઘિને અપીલ કરીને અથવા આસ્થા - શ્રદ્ઘાને જગાડીને વાત સમજવાની તાકીદ કરવામાં આવી છે. સામાન્ય પણે નાસ્તિકતાના બદલે આસ્તિકતા અથવા એકશ્વરવાદ (તવહીદ)ની વાત સમજાવીને તર્ક - બુદ્ઘિને અપીલ કરવામાં આવી છે. અને આસ્તિકતા (ધર્મ)ની આગળની વાતો એટલે કે જન્નત, જહન્નમ, પાપ, પુણ્ય, કર્મ, ફળ, ભાગ્ય, પરલોક વગેરેની વાતો દર્શાવ્યા પછી તર્ક અને બુદ્ઘિની સાથે આસ્થા તેમજ શ્રદ્ઘાને જગાડવાનો પણ પ્રયત્ન કરવામાં આવ્યો છે. બીજા શબ્દોમાં કહીએ તો કુરઆનનું સંબોધન બે પ્રકારના લોકો માટે છે.
(૧) કોઈ પણ ધર્મને ન માનનાર એટલે કે નાસ્તિક લોકો. અને
(ર) કુરઆન અને ઇસ્લામ, બલકે કમથી કમ કોઈ પણ આસમાની ધર્મ (ઈસાઈ, યહૂદી વગેરે)ને માનનાર લોકો.
પ્રથમ પંકિતના લોકોને તાર્કિક અને બુદ્ઘિગમ્ય દલીલો દ્વારા અને બીજા પ્રકારના લોકોને માટે તર્ક સાથે આસ્થા મારફતે પણ વાત સમજાવવામાં આવી છે.
ઉપરોક્તત ત્રણ બાબતોનો નિષ્કષ્ર્ા આ છે કે, કુરઆન એક વાંચવા અને સમજવાને પાત્ર 'કિતાબ' છે. એનું સંબોધન દરેક માણસ માટે છે અને ખુદા તઆલાએ પોતાની વાત એમાં તાર્કિક રીતે પણ દર્શાવી છે. આ જ બાબતને ટુંકમાં આમ કહી શકાય કે, '' કુરઆનનું પઠન ધર્મપરિવર્તન માટે નહી, બલકે ધર્મપરિચયના હેતુએ કરવામાં આવે તો એ પણ ઇચ્છનીય છે. ''
કુરઆનના એક સામાન્ય અભ્યાસુ હોવાથી આ બુનિયાદી વાતો હું જાણું અને સમજું છું. અને કુરઆનના અનેક વિવરણકારો (તફસીર કર્તાઓ) આ વાતોને સવિસ્તાર લખતા અને પૂરવાર કરતા આવ્યા છે.
દરેક માટે સંબોધન ધરાવતી, બુદ્ઘિગમ્ય અને તાર્કિક તેમજ આસ્થા અને શ્રદ્ઘાપૂર્ણ વાતો - દલીલો ધરાવતી, સમજવા અને વાંચવા પાત્ર 'કિતાબ'ને અને એની વાતોને અન્યો સુધી પહોંચાડવી દરેક તે માણસની ફરજ છે, જે પોતે કુરઆનથી પરિચિત હોય. વિશેષ કરીને મુસલમાનોની આ પ્રથમ ફરજ છે. કારણ કે પહેલા દિવસથી જ કુરઆન તેમની પાસે છે, અને એમના પૂર્વજો પરંપરાગત રીતે કુરઆનનું અનુસરણ કરવા ઉપરાંત એના સંદેશને અન્યો સુધી યોગ્ય રીતે પહોંચાડવાની પવિત્ર ફરજ બજાવતા આવ્યા છે. પરંતુ આજે સ્િથતિ આ છે કે, પોતાના વિશે કુરઆનના એકમાત્ર અનુયાયી અને રખેવાળ હોવા દાવો કરતા મુસલમાનો, અન્યોને કુરઆનનો પરિચય કરાવતા કે એની વાતો અન્યોને સમજાવતા નજરે પડતા નથી.
મુસલમાનો સિવાયના લોકો સામાન્ય પણે કુરઆનને ફક્તત ઇસ્લામના એક એવા ધર્મપુસ્તક તરીકે જાણે છે, જેમાં ફક્તત મુસલમાનોને જ સંબોધન કરવામાં આવ્યું હોય. જયારે કે વાસ્તવિકતા આ છે કે આખા કુરઆનમાં મુસલમાનોને સીધી રીતે શિખવાડવામાં આવેલ ઇસ્લામી આદેશો કરતાં મુસલમાન ન હોય એવા લોકોને ઇસ્લામની સમજણ માટે દર્શાવવામાં આવેલ નસીહતો, દલીલો, કિસ્સાઓ, અને ઉદાહરણો વધારે છે.
ખરી રીતે જોઈએ તો આ એક અંધકારમય માહોલ ગણાય. કારણ કે પરિચય ન હોવાનું મોટું નુકસાન આ થાય છે કે લોકો માંહે ગેરસમજ પ્રસરે છે. સમાનતા અને એકતાના વિવિધ મુદ્દાઓ ભુલાય જાય છે અને વિવાદ - વિરોધની વાતો એના સ્થાને લોકોમાં પ્રચલિત થઈ જાય છે. વર્તમાન માહોલમાં ભારતમાં હિંદુ - મુસ્લિમ વચ્ચે અને વિશ્વભરમાં અન્ય ધર્મીઓ અને મુસલમાનો વચ્ચે વધી રહેલા અંતર અને અવિશ્વાસનું બુનિયાદી કારણ આ જ છે.
સૃષ્ટિનો સર્જનહાર એક છે.
મૃત્યુ પછી પરલોક - આખિરતમાં પાપ અને પુણ્યનો હિસાબ થશે અને જન્નત - જહન્નમનો ફેસલો થશે.
ભાગ્ય (નસીબ, તકદીર) કર્મનાં ફળ, વગેરે ઘણી માન્યતાઓ, વિશ્વના અનેક ધર્મોમાં સમાન રીતે બુનિયાદી સ્થાન ધરાવે છે.
ઉપરાંત માનવીય સંસ્કારો અને અખ્લાક પણ બધા ધર્મોમાં એક સમાન જેવા હોય છે. આવી બાબતો એકતા અને સમાનતાના મુદ્દાઓ છે. આવી બાબતો વિવિધ ધર્મો અને સમાજો વચ્ચે પરસ્પરના સંબંધોની બુનિયાદ છે અને વિશ્વની સલામતી અને શાંતિનો આધાર પણ એકતા અને સહમતીના આ મુદ્દાઓ જ છે.
-------------
-------------------------------