Friday, May 15, 2009

अपना तो खून पानी ! जीना मरना बे मानी !

http://www.divyabhaskar.co.in/gujarat/rajkot/
Jagdish Acharya, Rajkot
Friday, May 15, 2009
સોમવારે વાંકાનેર પંથકમાં એક ધૃણાસ્પદ બનાવ બન્યો। વડોદરાના આદિવાસી વિસ્તારમાંથી પેટિયું રળવા માટે કામની શોધમાં આવી રહેલી પંદર-પંદર વર્ષની બે આદિવાસી બાળાઓ ઉપર બે શખ્સોએ બબ્બે વખત બળાત્કાર કર્યા। એ સમાચાર અખબારોમાં છપાયા। લોકોએ રસભર વાચી લીધા અને એ પછી મોટાભાગના લોકો ભૂલી પણ ગયા।

આ સમાચાર વાચીને સમાજમાં ખળભળાટ ન થયો. કોઈનું હૈયું રડયું નહીં. કોઈએ પોતાના હૃદયમાં પીડા ન અનુભવી. પંદર વર્ષની ગરીબ બાળાઓના શિયળ લૂંટાય એ ઘટના કદાચ શરમજનક નહીં ગણાતી હોય. એવું લાગે છે કે, આપણે સાવ લાગણીહિન, જડ, સંવેદનો વગરના અને આત્મા વગરની હાલતી ચાલતી લાશો જેવા બની ગયા છીએ.
જરા કલ્પના કરો. બન્નો બાળાઓની ઉમર માત્ર પંદર વર્ષની હતી. આપણી પંદર વર્ષની પુત્રી કે નાની બહેન હોય એવી જ એ નિર્દોષ હતી. આપણે આપણી પુત્રીઓને કરતા હોઈએ એટલું જ વહાલ એ બન્નો બાળાઓને પણ એમના મા-બાપ કરતા હશે. એ બાળાઓની ઉમર પણ હતી માતા-પિતા અને પરિવારના હેતભર્યા માળામાં પુષ્પની માફક ઉછરવાની. એ બાળાઓની ઉમર પણ હતી મમ્મી-પપ્પા પાસે લાડકોડ કરવાની, બાર્બીડોલની માગણી કરવાની.
એ બાળાઓની ઉમર પણ હતી લાડકા ભાઈઓ સાથે ધીંગામસ્તી કરવાની. એ બાળાઓની ઉમર પણ હતી સારું શિક્ષણ મેળવીને પોતાના ભવિષ્યને ઉજજવળ બનાવવાની, મુગ્ધ આંખો વડે સુખમય ભાવિના સ્વપ્નો નિહાળવાની. આપણી પુત્રીઓ જેવી જ એ બાળાઓ પણ માસૂમ હતી, નિર્દોષ હતી, ગભરુ હતી.
પણ, કમનસીબી એ હતી કે, એમના જન્મ ગરીબ પરિવારોમાં થયા હતા. એવા પરિવારોમાં જયાં પેટનો ખાડો કેમ પૂરવો એની દરરોજ સમસ્યા સર્જાતી. એ એવા પરિવારોમાં જન્મી હતી જેના નસીબમાં વિધાતાએ સમાજના શોષણનું ભોગ બનવાના લેખ લખ્યા હતા.
આ પરિવારોની ગરીબીનો કોઈને અંદાજ નથી. આદિવાસી વિસ્તારોમાં કાચા ઝૂંપડા બાંધીને જિંદગી ગબડાવ્યે જતાં આ લોકોની દરિદ્રતા, લાચારી અને મજબૂરીના એક અંશની કલ્પના પણ આંખો ભીની કરી જાય એવી છે અને આ મજબૂરી એ પરિવારના અબાલ-વૃઘ્ધો સહુને મજૂરી કરવા મજબૂર કરે છે.
આવી જ મજબૂરીને વશ થઈને આ બે આદિવાસી બાળાઓ આપણા સૌરાષ્ટ્રમાં કામની શોધમાં આવી રહી હતી. પેટનો ખાડો પૂરાય એટલું બે ટંકનું ભોજન મેળવવા એ પોતાના પરિવારજનોને છોડીને જામનગર જઈ રહી હતી ત્યારે ટ્રેનમાં બે હરામખોર વાસનાંધો એમને મળી ગયા. કૂદરતને ખોળે ઉછરેલી અને દુનિયાદારીથી અજાણ એવી આ નિર્દોષ બાળાઓ એ પાપીઓની આંખોમાં ઉછળતા વાસનાના સાપોલિયાઓને પીછાણી ન શકી. ભોળવાઈ ગઈ. ‘‘જામનગર આવી ગયું..’’ એમ જણાવી બન્નો નરાધમોએ એ બાળાઓને વાંકાનેર ઊતારી દીધી. બાળાઓ સાથે એમનો ૧૫ વર્ષનો ભાઈ પણ હતો.
એ પછીનો ઘટનાક્રમ સમગ્ર માનવજાતિ માટે કલંક સમાન ગણાય એવો છે. બન્નો નરાધમો રાત્રિના ગાઢ અંધકારમાં બન્નો અબૂધ બાળાઓ અને એના ભાઈને સીમમાં લઈ ગયા.
ત્યાં જઈ બાળાઓના ભાઈને માર મારીને ભગાડી દીધો. એ ક્ષણની કલ્પના કરો. એ તરુણની સ્થિતિ કેવી થઈ હશે ? પોતાની બહેનોના વાસનાંધ પિશાચો શું હાલ કરશે એ વિચાર સાથે એ કેવો કંપ્યો હશે ? એણે કેટલી વેદના અનુભવી હશે ? એને કેટલીચિંતા થઈ હશે ? અજાણી સીમના કાજળધેરા અંધકારમાં અથડાતાં, કૂટાતા એણે ‘‘બચાવો... મારી બહેનોને કોઈ બચાવો, ભગવાનને ખાતર કો’ક મદદ કરો...’’ એવા પોકાર પાડયા હશે અને જયારે કયાંયથી કોઈ જવાબ નહીં મળ્યો હોય ત્યારે થાકીને, હારીને એણે કેવા આંસું સાર્યા હશે ?
નરાધમોના હાથમાં સપડાયેલી બાળાઓની હાલત કેવી હશે ? જેને મદદગાર માન્યા હતા એ રાક્ષસોનું સ્વરૂપ અને મલિન ઈરાદો, પારખ્યા પછી બન્નો બાળાઓ કબૂતરની જેમ ફફડી હશે કે નહીં ? વાસનાંધ હરામખોરોએ સીમમાં બન્નોને પછાડીને બળાત્કાર ગુજાર્યો હશે ત્યારે પંદર-પંદર વર્ષની આ બન્નો બાળાઓએ કેવી પીડા અનુભવી હશે ? કેવું દર્દ થયું હશે ? બન્નોએ સહાય માટે ઈશ્વરને પ્રાર્થના કરી હશે. ‘જો મા, તારી ફૂલ સમી લાડલીઓને આ પિશાચો કચડી રહ્યા છે...’ એવો મૂક આર્તનાદ કર્યોહશે.
પંદર વર્ષની બાળાઓના શરીર ચૂંથનારાઓની કેવી વિકતિ હશે ? કઈ હદે એમણે વિકત્તિ ઠાલવી હશે એની આછેરી કલ્પના પણ હૈયું કંપાવી દે તેવી છે. વાત માત્ર આટલેથી જ નથી અટકતી. આ નરાધમોએ બાળાઓને બે દિવસ સધી પોતાના કબજામાં રાખી. બે દિવસમાં ૧૨૫ કિ.મી. ચલાવી. ભૂખી, તરસી, પાશવી અત્યાચારનો ભોગ બનેલી બાળાઓના શરીર કામ નહોતા કરતા.
દર્દ અને પીડા સહન નહોતી થતી. પગ લથડિયા ખાતા હતા. ચાલતા ચાલતા પણ આંખોના પોંપચા ઢળી જતા હતા. પણ આ રાક્ષસોમાં દયાનો છાંટો પણ નહોતો. ઘોદા મારી મારીને બાળાઓને ચલાવ્યે રાખી અને ત્યારબાદ થાકીને ઢળી પડેલી, લાચાર, ભયથી ધ્રુજતી બાળાઓ પર બન્નોએ બીજી વખત બળાત્કાર ગુજાર્યો.
આ બાળાઓ ઉપર કેવી વીતિ હશે ? એ બાળાઓના માતા-પિતા અને પરિવારજનો ઉપર કેવી વીતિ હશે ? આપણા સંતાનોને શાળા-કોલેજેથી ઘરે આવતા પંદર મિનિટ પણ મોડું થાય તો આપણા હૈયા થડકવા લાગે છે. ત્યારે, બે ઘડી આ બાળાઓના વાલીની જગ્યાએ દરેક મનુષ્ય પોતાને મૂકી જૂએ તો એ ગરીબોની વેદના સમજાશે.
તો આંખમાં ખુન્નાસ ઊતરી આવશે. તો નરાધમોને જીવતા સળગાવી દેવાનું ખુન્નાસ ઊભરાઈ આવશે.
વાત માત્ર આ એક કિસ્સાની નથી. ભરૂચ, ડાંગ, આહવા અને વડોદરાના આદિવાસી વિસ્તારોમાંથી ખેતમજૂરી તથા રસ્તાનો કામો કરવા મોટીસંખ્યામાં દિવાસી પરિવારો આવે છે. બે કોળિયા ભોજન માટે અહીં આશરો શોધનારા આ ગરીબ પરિવારોની તરુણીઓ અને યુવતીઓના અહીં આપણા સૌરાષ્ટ્રમાં શિયળો લૂંટાય છે.
અમરેલી જિલ્લાના એક ગામડામાં વાડીએકામ કરતી એવી જ એક યુવતી ઉપર થોડા સમય પહેલાં પાંચ-પાંચ લંપટોએ સામૂહિક બળાત્કાર કર્યોહતો. રાજકોટની હોસ્પિટલમાં એ યુવતીને લાવવામાં આવી ત્યારે એ બાપડી ઊભી પણ નહોતી રહી શકતી. અંતે એ યુવતી અગાસી ઉપરથી પડી ગઈ છે એવી નોંધ સાથે મામલો સમેટી લેવાયો.
આવા કિસ્સાઓ તો હિમશીલાના ટોચ સમાન છે. આદિવાસી યુવતીઓના શરીરો બળજબરીથી ચૂંથવા માટે જ સર્જાયેલા હોય એ હદે એમનું શારીરિક શોષણ થાય છે. આ આદિવાસી કન્યાઓ ખડતલ હોય છે. શારીરિક શ્રમને કારણે એમના દેહો ચૂસ્ત અને સ્નાયૂબઘ્ધ હોય છે. પણ, કઠણાઈ એ છે કે, એમની આખી છાતી ઢાંકી શકે એટલા વસ્ત્રો એમની પાસે નથી હોતા. એમની પાસેથી પસાર થતો દરેક પુરુષ એ ગરીબ શરીરો ઉપર વાસનાના લોલુપ તીરો ફેંકતો જાય છે.
શું આ આપણી સંસ્કતિ છે ? આપણે ધાર્મિક હોવાનો દંભ તો આબેહુબ કરતા રહીએ છીએ. જગતજનની અને મા ભગવતી જેવા શબ્દો ઊચ્ચારતા રહીએ છીએ. સ્ત્રી સન્માનની શાણી શાણી વાતો કરતા રહીએ છીએ. નારી ઉત્થાન માટેના સંમેલનો ભરતા રહીએ છીએ. બેટીઓને બચાવવા માટે રેલીઓ કાઢતા રહીએ છીએ અને બીજી તરફ, જેને પૂરતું ખાવાનું પણ નથી મળતું એવા લાચાર-ગરીબ મા-બાપોની લાડકવાયી બેટીઓના શિયળોને ભૂખ્યા વરુઓ ચૂંથતા રહે છે.
આ કઈ જાતની સભ્યતા છે ? આ કઈ જાતની સંસ્કતિ છે ? આ કઈ જાતનું પૌરુષત્ત્વ છે ? સાચું પૌરુષત્ત્વ તો અબળઆઓના શિયળોનું રક્ષણ કરવામાં છે. અનેક નરબંકાઓએ અબળાઓના શિયળો બચાવવા માટે મહામૂલા બલિદાનો આપ્યા છે. પણ, અફસોસ, સંત અને શૂરાની ભૂમિ ગણાતા સૌરાષ્ટ્રને આવા નપાવટો અભડાવી રહ્યા છે. આવા કત્યો નિહાળીને કદાચ ઈશ્વર પણ આંસું સારતા હશે. આ નરાધમોને ઈશ્વરના સંતાન કહેવાય ? ના, આ તો અધમમાં અધમ પાપની પેદાશો હશે. આ નરાધમોને પશુ કહેવાય ? ના, પશુઓ પણકદી બળાત્કાર નથી કરતા.
સૌરાષ્ટ્રમાં છાશવારે બનતી આવી ઘટનાઓ સમાજ માટે શરમજનક છે. બળાત્કારો કરનારા જાણે છે કે, આ આદિવાસીઓ ગરીબ છે. એમની કોઈ વગ નથી, એમનુ કોઈ મદદ કરવાનું નથી. જરૂર પડશે તો પાંચ-દસ હજાર રૂપિયા દઈને, શામ, દામ, દંડ, ભેદ અપનાવીને મામલો શાંત કરી દેશું. ગરીબોની હેસયિત શું ? ગરીબોને ન્યાય અને અન્યાય શું ?
આદિવાસી યુવતીઓ ઉપર બળાત્કારો ગુજારનારા કોઈને ઉદાહરણરૂપ સજા થઈ હોય એવું આજ સુધી સાંભળ્યું નથી. આ ગરીબોના નિ:સાસા કોઈને સંભળાતા નથી. સમાજમાં કોઈના પેટનું પાણી હલતું નથી. સૌરાષ્ટ્રની ભૂમિ ઉપર આવા જઘન્ય કત્ય ન થવા જોઈએ. જે ભૂમિ ઉપર આવા ઘોર પાપકર્મ થાય એ ભૂમિનું સત હણાય જાય.
એવા બળાત્કારીઓને તો તાલિબાની પઘ્ધતિથી સદા માટે શાંત કરી દેવા જોઈએ. ન રહે બાંસ ન બજે બાસંૂરી. આવા બનાવોને જે સમાજ હળવાશથી જોયે રાખે એને માનવસમાજ ન કહેવાય, એને નપૂંસકોનો મેળો કહેવાય. એવા સમાજને મા ભગવતીના આરાધક ન કહેવાય, એને તો માતાજીના ‘ભગત’ કહેવાય.
>>>>
ગોવાના દરિયાકિનારે નશીલા દ્રવ્યો સુંઘી સુંઘીને મદહોશ બનેલી કોઈ વિદેશી મહિલા પયર્ટક ઉપર બળાત્કાર થાય છે ત્યારે ટીવી ઉપર ન્યૂઝ ચેનલો કાગારોળ કરી મૂકે છે. કણાર્ટકમાં દારૂના એક પબમાં નાચતી આધુનિક યુવતીઓને ‘રામસેના’ના કાર્યકરોએ ઢીકાપાટુ માર્યા ત્યારે આખો સમાજ ખળભળી ઊઠયો હતો. કેન્દ્રીય મંત્રી રેણુકા ચૌધરી કણાર્ટક દોડી ગયા હતા.શાળાની કોઈ વિધાર્થિની સાથે કોઈ લંપટ શિક્ષક અડપલાં કરે ત્યારે વિધાર્થી સંગઠનો શાળામાં જઈને તોડફોડ કરે છે.
પણ, બે કોળિયા ભોજન માટે આવતી ગરીબ આદિવાસી બાળાઓના શિયળો છાશવારે લૂંટાતા રહે છે એમાં કોઈનો આત્મા ઊકળતો નથી. એ બનાવોમાં નારી સંસ્થાઓને આંદોલન કરવા જેવું જણાતું નથી. એ બાળાઓની મદદે કોઈ દોડી જતું નથી. એ બાળાઓ અને એમના પરિવારજનોના મૂંગા હિબકાં, લાચારી, હાયકારા અને એમની આંખોના ખૂણે ઊભરાતાં આંસુઓનું દર્દ સમજી ન શકે એ સમાજને માનવસમાજ ન કહેવાય, એને નપુસંકોનો મેળો કહેવાય.
ગરીબોના શિયળ લૂંટાય એને કદાચ બળાત્કાર નહીં ગણવામાં આવતો હોય. સમાજના આ બેવડા ધોરણ, આપણે કેટલા દંભી, પાખંડી, સ્વાર્થી અને સંવેદનહિન છીએ એનું પ્રતિબિંબ પાડે છે.

No comments:

Post a Comment