Tuesday, December 14, 2010

શાકાહારી વ્યક્તિઓમાં માનસિક અસંતુલન સર્જાવાનું જોખમ વધુ

માત્ર શાકાહારી ભોજન આરોગતા લોકો ચેતી જજો. ડોક્ટરોના જણાવ્યા પ્રમાણે આવી વ્યક્તિઓમાં માનસિક અસંતુલન સર્જાવાનું જોખમ વધારે હોય છે. કારણ કે જેઓ માત્ર શાકાહારી ખોરાક આરોગે છે તેમનામાં dementia (ચિત્તભ્રંશ, ગાંડપણ) અને અલ્ઝાઇમર થવાનું જોખમ વધી જાય છે, કારણ કે આવી વ્યક્તિઓમાં સમયાંતરે વિટામિન B-12ની ઉણપ સર્જાવા લાગે છે. આવા લોકો શેલફિશ, માંસ, ઇંડા, દૂધ કે દૂધની બનાવટોમાંથી વિટામિન B-12 મેળવી શકે છે.

કન્સલ્ટન્ટ ન્યુરોલોજિસ્ટ પ્રવીણ ગુપ્તા આ વિશે માહિતી આપતા જણાવે છે, "વિટામિન B-12ની ઉણપ વ્યક્તિની કાર્ય કરવાની ક્ષમતામાં ઘટાડો સર્જે છે અને વિકાસાત્મક યાદશક્તિમાં થતો ઘટાડો તેના રોજબરોજના કાર્યો પર અસર પહોંચાડે છે." તેમના જણાવ્યા પ્રમાણે, "ભારતની મોટાભાગની વસતી શાકાહારી હોવાથી તેમજ અહીં દૂધનો વપરાશ નોંધપાત્ર રીતે ઘટી રહ્યો હોવાથી તેમનામાં dementia (ચિત્તભ્રંશ, ગાંડપણ) થવાનું વલણ વધુ જોવા મળે છે."

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન(WHO)ની માહિતી પ્રમાણે વર્ષ 2000માં ભારતમાં અંદાજે 3.5 મિલિયન લોકો અલ્ઝાઇમર અને ડિમેન્શિઆથી પીડાતા હતા.

ડોક્ટર ગુપ્તા જણાવે છે, "વિટામીન B-12ની ઉણપને કારણે યાદશક્તિ ગુમાવનારા અને અન્ય નજરે પડતાં લક્ષણો ધરાવતા દર્દીઓમાં દર મહિને અમે 40ની ઉંમરના લગભગ 30 દર્દીઓ જોઇએ છીએ."

પરિવારના સભ્યોના નામ ભૂલી જવા, જે-તે કાર્યનો દિવસ ભૂલી જવો, વારંવાર ગુસ્સે થઇ જવું, માનસિક તણાવમાં રહેવું વગેરે મેન્ટલ ડિસઓર્ડરના સામાન્ય લક્ષણો છે. આ રોગનું નિદાન સામાન્ય બ્લડ ટેસ્ટથી થઇ શકે છે.

WHOની ગણતરી પ્રમાણે વિશ્વભરમાં અંદાજે 18 મિલિયન લોકો અલ્ઝાઇમરથી પીડાય છે અને વર્ષ 2025 સુધીમાં આ સંખ્યા લગભગ બમણી થઇ શકવાની સંભાવના છે

http://sandesh.com/sandesh_article.aspx?newsid=245946