Saturday, April 05, 2014

મુસલમાનોની ફિરકાબંદી

મુસલમાનોએ દુનિયાના વિવિધ પ્રદેશો ઉપર સદીઓ સુધી રાજ કર્યું, કોઈ એક પ્રદેશમાં તેઓ પાસેથી હકૂમત છીનવાય જતી તો બીજા પ્રદેશમાં તેઓ એક નવી શકિત તરીકે ઉભરીને હુકૂમત ભોગવતા હતા. અલબત્ત છેલ્લી બે સદીમાં બિ્રટીશ સામ્રાજ્યવાદના શાસન દરમિયાન લગભગ સમગ્ર વિશ્વમાંથી મુસલમાનો પાસેથી સત્તા છીનવાય ગઈ, ઉપરાંત આ સામ્રાજ્યવાદ એની વિશેષ વિચારધારા પણ એના તાબાના પ્રદેશમાં ફેલાવતો રહયો. પરિણામે વિશ્વભરમાં મુસલમાનો રાજકીય અને વૈચારિક બન્ને ક્ષેત્રે પરવશ બની ગયા.
આવા મુસલમાનો જયારે એમનો પાછલો ઇતિહાસ વાંચે ત્યારે વર્તમાન ગુલામી અને પરાધીનતા જોઈને એમનું અકળાઈ જવું સ્વભાવિક છે. અને કોઈ પણ ભવ્ય ઇતિહાસ અને ભૂતકાળ ધરાવતી કોમ એના ભવ્ય વારસાને પાછો મેળવવાની ઇચ્છા રાખે એ પણ સ્વભાવિક છે.
અલબત્ત પોતાના ખોવાયેલ વારસાને મેળવવાના પ્રયત્નો કરતી વેળા સામાજ્યવાદ દ્વારા છીનવી લેવામાં આવેલ શાસન અને સત્તાને જ પોતાની ખોવાયેલ મતા સમજવામાં આવે છે. બાહયશકિતઓ અને આક્રમણકારીઓ દ્વારા અનેક રીતે બરબાદ કરવામાં આવેલ વૈચારિક, શૈક્ષાણિક, સંસ્કારિક વારસાને પોતાની ખોવાયેલ પ્રથમ દરજાની 'દોલત' ગણવામાં નથી આવતી. બસ.. આ જ તે કેન્દ્રબિન્દુ છે, જેના લઈ મુસલમાનો પોતાનો ભુતકાળ પણ પાછો નથી મેળવી શકતા અને જાગૃતિની દરેક ચળવળ એમના માંહે એક નવો ફિરકો ઉભો કરી દે છે.
આ જ બાબતને સરળ શબ્દોમાં એવી રીતે કહી શકાય કે ભુતકાળ પાછો મેળવવા ચલાવવામાં આવતી વધુ પડતી ચળવળોના કેન્દ્રમાં લગભગ સત્તા પ્રાપ્તિ જ મુખ્ય ધ્યેય હોય છે, ઇસ્લામના નામે ઇસ્લામી હુકૂમતને જ લક્ષયમાં રાખીને આખી ચળવળ ચલાવવામાં આવે છે. આમ થવાથી મોટી ખોટ એ સર્જાય છે કે નક્કી કરવામાં આવેલ આ 'ધ્યેય' સામે બીજું બધું ગૌણ સમજવામાં આવે છે.
વિવિધ ચળવળો, એમની ગતિવિધિઓ, નીતિઓ, સિદ્ઘાંતોની ચર્ચા કરવી અત્રે અમારો આશય નથી, અલબત્ત ઇસ્લામના નામે નવા પેદા થતા ફિરકાઓ અને જમાતોના ઇતિહાસથી વાકેફ લોકો ઉપરોકત બાબત સારી રીતે સમજે છે. 
આ લખવામાં આવેલ ઉપરોકત બાબતને સાચી સમજવામાં માટે આવા ચળવળકારીઓ અને એમના આગેવાનોને એમણે દર્શાવેલ ધ્યેયમાં સાચા અને નિખાલસ સમજવા પણ જરૂરી છે.
બાકી બિટ્રીશ સામ્રાજ્યવાદ દ્વારા એના શાસનને ટકાવી રાખવા માટે જે પ્રપંચો આદરવામાં આવ્યા, અને મુસલમાનોને કમઝોર કરવાના આશયે અથવા ફરીથી તેઓ આગળ ન આવી શકે એ હેતુએ જે સાજિશો રચવામાં આવી, ગદ્દારો ઉભા કરવામાં આવ્યા, તકસાધુઓ તેમજ માલ અને સત્તાના લાલસુઓને પ્રોત્સાહન આપીને એમના થકી જે કામ લેવામાં આવ્યું છે એ બધાને સામે રાખીએ તો આ વાસ્તવિકતા પણ સામે આવે છે કે..
મુસલમાનોમાં જાગૃતિ અને અને પુનરોત્થાનના નામે ચાલેલી ઘણી ચળવળો પાછળ શત્રુઓનો હાથ હતો. પીઠબળ, સમર્થન અને રાજકીય - નાણાકીય સહાય આપવા ઉપરાંત ઉપરાંત જે તે સમયમાં પ્રચલિત મીડીયા દ્વારા આવી ચળવળો અને એના આગેવાનોને મુસ્લિમ સમાજના સુધારક, કાંતિકારી, વિદ્વાન વગેરે બતાવીને પ્રમોટ કરવામાં આવતા હતા. આજે પણ આ સિલસિલો જારી છે. અને વિશ્વ પ્રવાહોને સમજતા લોકો એનાથી અજાણ નથી.
વર્તમાન મુસ્લિમ સમાજમાં સુધારણાના કે જાગૃતિના નામે સામે આવેલા ઘણા ફિરકાઓની પૃષ્ટભૂમિ અને નિમિત્ત ઉપરોક્તત બે બાબતોમાંથી કોઈ એક અથવા બન્ને હોવું સમજદારો જાણે જ છે.
આવા ફિરકાઓનો મુળ આશય જે તે સમાજને સંપૂર્ણ રીતે સુધારવાનો હોતો જ નથી, એટલે જ તેઓ સમાજમાં રહીને એમની 'સુધારણા'ની ચળવળ ચલાવવાના બદલે, અને સમાજને નબવી રીત પ્રમાણે કરણી અને કથની દ્વારા પોતાની વાત સમજાવવાને બદલે સમાજની બુરાઈ કરીને, એને ભાંડી - ભાંગીને પોતાનો અલગ ફિરકો રચે છે, અને પછી દુહાઈ દે છે કે અમે ફિરકાબંદીથી સમાજને છોડાવવા માંગીએ છીએ. ફિરકાબંદીથી છોડાવવાના નામે નવા બનેલા ફિરકાઓ ગણવામાં આવે તો સમજ પડે કે કંઈક નવું કરવાના શોખમાં આવા લોકોએ ઇસ્લામને કેટલું નુકસાન પહોંચાડયું છે. ¦ આ એવું જ છે જેમ અમેરિકા કહે છે કે અમે વિશ્વમાંથી આતંકીઓ અને હત્યારાઓને ખતમ કરવા લડી રહયા છીએ, અને આમ કહીને તેઓ જ સહુથી વધુ હત્યા અને આતંક ફેલાવી રહયા છે. .......

No comments:

Post a Comment