Sunday, November 19, 2006

વિચારોના વૃદાવનમાં

ગુણવંતશાહના આજના લેખની છેલ્‍લી લીટીઓ છે આ પ્રમાણે છે,
‘‘ધાર્મિક સુધારા માટે મહંત-મુલ્‍લા-પાદરી પર આધાર રાખવામાં શાણપણ નથી, એ તો બ્‍લડ સુગર ઘટાડવા માટે કંદોઇની દુકાને જવા બરાબર છે.‘‘
રવિપૂર્તિ, દિવ્‍યભાસ્‍કર દૈનિક, તા. ૧૯ નવેમ્‍બર, ર૦૦૬.

તો પછી શિક્ષણમાં સુધારા માટે શિક્ષકો-પ્રોફેસરો-વિદ્વાનો અને શિક્ષિ‍તો પાસે જવામાં શાણપણ નથી, એ તો ............
રાજવ્‍યવસ્‍થામાં સુધારા માટે શાસકો-અધિકારીઓ-સમાજસેવકો પાસે જવામાં શાણપણ નથી, એ તો......
ધર્મમાં સુધારા માટે અધર્મીઓ પાસે જવું,
શિક્ષણમાં સુધારા માટે જહાલો પાસે જવું,
વ્‍યવસ્‍થાતંત્રમાં સુધારા માટે વનવાસીઓ પાસે જવું ..

ગુણવંતશાહ આ કયાંનું ગણિત ભણાવી રહયા છે ?

Sunday, September 10, 2006

રાષ્‍ટ્રગીત અને રાષ્‍ટ્રપ્રેમ બન્‍ને જુદી બાબતો છે.

રાષ્‍ટ્રગીત અને રાષ્‍ટ્રપ્રેમ બન્‍ને જુદી બાબતો છે.
માદરે વતન એટલે વતન રૂપી માતા. ધરતીના ખોળે રમતો માણસ એટલે જાણે માતાના ખોળામાં રમતું બાળક. એટલે જ ફારસીમાં માદરે વતન, ગુજરાતીમાં ધરતીમાતા, અને અરબીમાં પણ મોટા શહેરને કે કેન્‍દ્રને ‘‘ ઉમ્‍મ ‘‘ (માતા) કહે છે. આ આધારે વતનની માટીને , દેશની ધરતીને એટલો જ પ્રેમ કરવો જોઇએ, જેટલો જનેતાથી. અરબીમાં ‘‘ હુબ્‍બુલ વતનિ મિન લ ઇમાન ‘‘ નો મતલબ જ એ છે કે વતનથી પ્રેમ એ મુસલમાનના ઇસ્‍લામનો એક ભાગ છે.
પયગંબર મુહમ્‍મદ સલ્‍લલ્‍લાહુ અલયહિ વ સલ્‍લમ જયારે તેમનું વતન મક્કા છોડી મદીના હિજરત કરી રહયા હતા, ત્‍યારે મક્કાથી બહાર નીકળી અફસોસ સહિત જે ઉદગારો તેમના મુખેથી નીકળ્યા તે આ હતા, હે મક્કા તારો વિરહ મને કદાપિ સ્‍વીકાર્ય ન હોત, જો તારા રહેવાસીઓ મારી સાથે અપમાનજનક વર્તાવ ન કરતા હોત.
પયગંબર મુહમ્‍મદ સલ્‍લલ્‍લાહુ અલયહિ વ સલ્‍લમના અનુયાયીઓ અન દેશપ્રેમને ધર્મનો જ અંશ માનનારા મુસલમાનોને જો કોઇ એમ કહે કે તમારામાં દેશ પ્રેમ નથી તો સો વારના પ્રયાસો પછી પણ તેના કથનને તે પૂરવાર ન કરી શકે.
અત્રે યાદ રાખવું ઘટે કે દેશપ્રેમ કે રાષ્‍ટ્રપ્રેમ એ કોઇ કપડાંનો યુનિફોર્મ નથી, યુનિવર્સિટીની ડીગ્રી નથી, કોઇ પરવાનો કે લાયસન્‍સ નથી કે તમે એ ધારણ કરી લો, ખભે લગાવી દો, ગળે લટકાવી દો કે દીવારે કોતરાવી નાંખો એટલે પત્‍યું. પ્રેમ તો દિલમાં હોય છે, અને જાહેર રૂપે એના વ્‍યકત થવાના અનેક સાધનો છે. દેશપ્રેમના ગીતો ગાવા પણ એક સાધન છે. પણ જો કોઇ માણસ દેશપ્રેમના બદલે ભગવાનના ભજનને દેશપ્રેમમાં ખપાવવા માંડે તો પછી એ ભજન તો પૂજારીએ જ ગાવું રહ્યું.
આવું જ કંઇક ‘ વંદે માતરમ ‘ ગીત બાબતે છે. એમાં દશેની અને વતનની ધરતી પ્રત્‍યે પ્રેમ વ્‍યકત કરવામાં આવ્‍યો છે, એ બરાબર. પણ એમાં એથી આગળ વધીને ધરતીને માતા કે દેવી ગણી એની વંદના-ઇબાદત કરવાનો એકરાર છે. માટે આ ગીત રાષ્‍ટ્રપ્રેમનું ન હોય રાષ્‍ટ્રપૂજનનું છે, હિંદુઓ ચાહે તો ધરતીમાતાનું અલગ મંદિર બનાવી એમાં ધરતીના ગોળાને દેવી રૂપે સ્‍થાપી વંદે માતરમનું ભજન ગાય, પણ અલ્‍લાહ સિવાય અન્‍ય કોઇને પણ નહીં પૂજનાર મુસલમાનોથી આવી માંગણી ન કરી શકાય.
એમ જોવા જઇએ તો આ ગીત બાબતે અનેક સળગતા પ્રશ્નો છે,
વંદે માતરમ ગીતની કેટલી પંકતિઓ રાષ્‍ટ્રગીત તરીકે સ્‍વીકારાયેલ છે ?
શું કાનૂની રીતે રાષ્‍ટ્રગીત ગાવું ફરજિયાત છે ?
રાષ્‍ટ્રગીત ગાનાર રાષ્‍ટ્રપ્રેમી છે જ અને નહીં ગાનાર રાષ્‍ટ્રવિરોધી જ છે, એ કેટલો પ્રમાણિત નિર્ણય છે ?
લોકો જાણે જ છે કે પહેલાં ફિલમના આરંભે અને અંતમાં વંદે માતરમ વગાતું હતું, પણ કોઇ ઉભું થતું ન હતું એટલે કોર્ટે બંધ કરાવ્‍યું ! આજે પણ સંસદમાં આરંભે અને અંતે આ ીત ગવાય છે, પણ એનાથી જે રાષ્‍ટ્રપ્રેમનો જુસ્‍સો ઉભરાય છે તેનાથી સંસદનું કીંમતી ફર્નિચર રોજ તૂટે છે. અધિકારીઓ, સાહેબો, વેપારીઓ વારે – તહેવારે આ ગીત ગાય છે, અને પછી ખુરશી પર બેસી ભ્રષ્‍ટાચાર કરે છે. રાજકરણીઓ આ ગીત બાબતે જુસ્‍સાદાર નિવેદનો કરે છે, પછી નાગરિકોની લાશો પર ગીધોની મિઝબાની ઉડાવે છે.
મુળ વાત એ છે કે પૂર્વાગ્રહથી ભરેલ, ગંદુ માનસ ધરાવતા અમુક વિશેષ તત્‍વો ફકત અને ફકત મુસલમાનોના વિરોધ ખાતર આ મુદ્દાને ચગાવે છે. આજકાલ આ મુદ્દો ગરમ છે એટલે લેખકોને પણ ટોપિ‍ક મળી ગયો છે, અનેક નામી અનામી મુસલમાન નેતાઓના નામ લઇ એમની સાથે વંદેમાતરમનું ગાન જોડી દેવાનો પ્રયાસ કરવામાં આવે છે. મોલાના આઝાદ , હસરત મોહાની કે અન્‍ય જે કોઇ હોય, એ બધા કંઇ મુસલમાનોના ધાર્મિક ગુરૂઓ નથી, રાજકીય નેતાઓ છે, તેઓ વંદે માતરમને આપત્તિજનક ન સમજતા હોય તો એ એમનો મત છે, અન્‍ય મુસલમાનો એનાથી સંમત હોત તો આજ સુધી એનો વિરોધ બાકી ન રહેત. મોલાના આઝાદનું નામ લેનારા કેમ ભૂલી જાય છે કે એમણે તો ભાગલાનો પણ વિરોધ કર્યો હતો, ગાંધીજી અને સરદાર શા માટે માની ગયા ? ભારતના માથે કેટલું દેવું છે ? એ કોના તાગડધિન્‍ના કરવાથી ચડયું છે ? હે રાષ્‍ટ્રપ્રેમીઓ એનો ઉકેલ લાવો, પરિષદ અને સંઘ એની સંપત્તિ દેશને બખ્‍શી દે . પ્રજાનો કરોડોનો ટેકસ કયાં જાય છે ? કંપનીઓનો અરબોનો નફો કયા માલેતુજારો સમેટી જાય છે? સરકારી ગ્રાન્‍ટો, ફંડો, અને લોનો કોણ ઓહિયા કરી જાય છે ? મુસલમાનો જ કે પછી રાજકરણીઓ ? વંદેમાતરમ ગાનારા કે બીજા કોઇ ?
વિચારવા લાયક બાબત આ પણ છે કે દેશની એક ચતુર્થાંશ વસતીને જેના પ્રત્‍યે અણગમો છે તે ગીતને શા માટે આપણે રાષ્‍ટ્રગીતનો દરજો આપી રાખ્‍યો છે ? આતો એવું થયું કે રાષ્‍ટ્રપ્રેમ વ્‍યકત કરવાનું માધ્‍યમ જ રાષ્‍ટ્રવાસીઓના અણગમા અને જુથવાદ માટે કારણભૂત બની રહયું છે.
હિંદુ ધર્મમાં તો પતિ , આગ, નાગ, પથ્‍થર પાણી, ગાય અને ગરૂડ બધાં જ દેવ – દેવીઓ છે, રાષ્‍ટના આ બધા જ અવયવો પૂજવા-ભજવા પર કોઇ અન્‍ય ધર્મીને કેવી રીતે બાધ્‍ય કરી શકાય ?
ખૂબ ચગેલા પ્રકરણ વિશે ગત દિવસોમાં આ લેખ અનેક સમાચાર પત્રોમાં મોકલવામાં આવ્‍યો, પણ તોગડિયા કે સિંઘલની ધમકીઓ છાપતા આ સમાચાર પત્રોએ આ લેખ ન છાપ્‍યો !

Thursday, August 10, 2006

સુરતને સહાય.

સુરત, ઇન્‍ડીયામાં ભયંકર પુરના કારણે ભારે તબાહી છે, લાખો લોકો બે ઘર અને બે સહારા બની ગયા છે, સામાન, ઘરવખરી, દુકાન, કામ ધંધો ; બધું જ ખતમ, હજુ તો સુરત-રાંદેરમાં પાણી છે, આજે ઉતરી રહયાં છે, અને હવે ખરી પરેશાનીનો સમય છે, નિસહાય લોકોને સહાય પહોંચાડવા માટેની એક તાકીદની મીટીંગ આજે અત્ર જંબુસરમાં જામિઅહ ઉલુમુલ કુરઆનમાં મળી રહી છે. જો કોઇ ભાઇ મદદ મોકલવા ચાહે તો સંસ્‍થાના ફોન નંબર ઉપર સંપર્ક કરે. 91 2644 220786 fax 91 2644 222677 ......

Tuesday, August 08, 2006

નમાઝની રીત - ૨

નમાઝની રીત - ૨
રૂકુઅમાંથી સીધા ઉભા થઇ સજદહમાં જવાનું હોય છે,
સજદહ એટલે અલ્‍લાહ સમક્ષ માથું જમીન પર ટેકવી અલ્‍લાહ સામે તેની મોટાઇ અને આપણી તુચ્‍છતા-અલ્‍પતાનો એકરાર કરવો.
સજદહમાં દુઆ પઢવાની હોય છે, ‘ સુબ્‍હાન રબ્બિયલ અઅલાપવિત્ર છે, સૌથી મહાન પરવરદિગાર . રુકૂઅમાંથી સીધા જ કે વાંકા વાંકા સજદહમાં જવું ખોટી રીત છે,
સજદહમાં જવાની સહીહ રીત

સજદહમાં જવાની ખોટી રીત.

સજદહમાં જઇ પીઠ થોડી એટલી લાંબી કરો, કે સીધી થઇ જાય, માથાની બન્‍ને બાજુ કાનોની નીચે આવે એવી રીતે હાથ મૂકો.
પાછળ પગોના પંજા ઉભા અને આંગળીઓ જમીન પર લાગેલી રહે, અધ્‍ધર ન રહે, એ યાદ રાખો.
સજદહની સહીહ રીત

ખોટી રીત.

સજદહ પછી આવે છે, ‘ કાએદહ
કાએદહ એટલે બેસવું, અલ્‍લાહ સામે જ બેઠા હોઇએ એ ધ્‍યાનમાં રાખી અદબથી બેસવું જરૂરી છે, એટલે કે હાથ સીધા પગ ઉપર ગુંથણ પાસે મુકો, આંખો ખોળામાં ઢાળેલી રાખો. અને પાછળ ડાબા પગનો પજો આડો પાડી એના પર બેસો. અને જમણા પગનો પંજો ઉભો રાખો.
કાએદહમાં બેસવાની સહીહ રીત.

ખોટી રીત

Monday, July 24, 2006

prayer times

દુનિયાભરના લાખો સ્‍થળોનો નમાઝનો સમય, ટાઇમ ટેબલ,
ભારતના ૪૬ હઝારથી વધુ ,
દરેક સ્‍થળના અક્ષાંશ રેખાંશ સાથે,
દરેક મુસલમાને વિઝિટ કરવા જેવી સાઇટ...
www.islamicfinder.org.

Saturday, June 24, 2006

નમાઝ પઢવાની રીત

(1) નમાઝ વેળા માણસનું પૂરું શરીર કિબ્‍લા તરફ હોય એ આવશ્‍યક છે. પગોના પંજા અને આંગળીઓ પણ કિબ્‍લા તરફ હોય.

(2) હવે નિય્‍યત કરે.
નિય્‍યત દિલમાં કરવાની હોય છે. મોઢેથી બોલવું જરૂરી નથી, નમાઝ વેળા એટલું વિચારે કે હું ફલાણી (ફજર કે ઝોહર....) નમાઝ પઢું છું, તો આ નિય્‍યત થઇ ગઇ. નમાઝ ફરજ કે સુન્‍નત કે વાજિબ હોય તો એ પ્રમાણે નિય્‍યત કરે.
(3) હવે તકબીરે તહરીમા ( અલ્‍લાહુ અકબર ) કહેવાની સાથે હાથ કાનો સુધી ઉઠાવે. હથેળી કિબ્‍લા તરફ હોય, હાથ એટલા ઉંચા કરે કે અંગુઠા કાનો સુધી આવી જાય.

(4) ત્‍યાર પછી હાથ નીચે લાવી ડૂંટી નીચે બાંધી દે. જેની રીત આ છે કે જમણા હાથના અંગૂઠો અને છેલ્‍લી આંગળી એના વચ્‍ચે ડાબા હાથને પકડે અને વચ્‍ચેની ત્રણેવ આંગળીઓ ડાબા હાથની કાંડા પર મૂકી દે.

હવે બિલ્કુલ સીધા ઊભા રહે, આમ ઊભા રહેવાને ‘કિયામ‘ કહે છે. આ દરમિયાન આંખો સજદહની જગા સમક્ષ ઢાળેલી રાખવામાં આવે. બંધ ન કરવામાં આવે. અને બને ત્‍યાં સુધી હલન ચલન વગર શાંત ઊભા રહેવું આવશ્‍યક છે. યાદ રાખો તમે સર્વશક્તિમાન અલ્‍લાહ તઆલાના દરબારમાં ઊભા છો, અને તેના સમક્ષ ઊભા રહેવા માટે સંપૂર્ણ રીતે અદબ અને સ્‍વસ્‍થતા હોવી જરૂરી છે, કિયામમાં સૌપ્રથમ ‘ષના‘ દુઆ પઢે. ત્‍યાર પછી સૂરએ ફાતિહા ( અલ્‍હમ્‍દુલિલ્‍લાહિ... ) અને પછી કોઇ અન્‍ય સુરત અથવા કુર્આન શરીફની કોઇ પણ ત્રણ આયતો પઢે..
(5) કિયામ પછી હવે રુકૂઅ ..

કમરે થી વાંકા વળી
પીઠ બિલ્‍કૂલ સીધી,
આંખો અને મોઢું નીચું,
પગ ટટ્ટાર રાખી હાથના પંજા વડે ઘુંટણોને પકડી
અલ્‍લાહ સામે ઝૂકવાને રુકૂઅ કહે છે.

Tuesday, June 06, 2006

જિહાદ કે મહાભારત

ધર્મના નામે લડાઇ વિશ્વ માટે નવી વાત નથી, ધર્મ સ્‍વંય એક આદર્શ જીવન વ્‍યવસ્‍થાનું નામ છે, અને વિશ્વમાં બનતું આવ્‍યું છે કે ન્‍યાય અને ધર્મના મુકાબલામાં અન્‍યાય અને અત્‍યાચાર સામે આવ્‍યાં હોય, આવા સમયે ના છુટકે અધર્મ કે અધર્મીઓને નષ્‍ટ કરવા માટે લડાઇ કરવી પડે છે. આ જ લડાઇને આપણે ધર્મયુદ્ધ કહીએ કે જિહાદ ; એનો આશય તો નેક અને ન્‍યાય જ છે. ભારતવર્ષના ઇતિહાસમાં મહાભારતની અમર કથા આનું જ ઉદાહરણ છે અને એના દ્વારા આપણને અધર્મીઓ કે આસૂરી – શયતાની શકિતઓ સામે લડવાની પ્રેરણા મળે છે એ પણ સ્‍પષ્‍ટ છે.
ઉપરોક્ત વિષયના અનુસંધાનમાં અત્રે એક લેખ ‘ જિહાદ ‘ વિશે પ્રસ્‍તુત છે, મુળ આ લેખ મારી એક નાનકડી પુસ્તિકા ‘ કુર્આનની ૨૪ આયતો ‘ નો એક ભાગ છે. થોડા સમય પહેલાં અમુક લોકો તરફથી કુર્આનની ૨૪ આયતોને ટાંકીને એનો વિકૃત અર્થ ( અનર્થ) રજૂ કરી કુર્આન વિશે અઘટિત માંગણીઓ કરવામાં આવી હતી, તેના અનુસંધાનમાં કુર્આનની તે ૨૪ આયતોનો સાચો અર્થ અને વ્‍યાખ્‍યા સમજાવવા ખાતર એ પુસ્તિકા સંપાદન કરી લોકોમાં વહેંચવામાં આવી હતી.
જો કોઇ માણસ ઇચ્‍છે તો નીચેના સરનામેથી ફ્રી મંગાવી શકે છે, અત્રે સ્‍ટોક હશે તો મોકલવામાં આવશે, અથવા તમારી માંગણીને જમા રાખી જયારે પુસ્તિકા ફરીથી છપાશે ત્‍યારે મોકલવામાં આવશે , પાછલા ત્રણ વર્ષોમાં ત્રણ એડિશન ( પાંચ હઝાર પ્રત ) છપાય ચૂકયાં છે.

JAMIAH ULOOMUL QURAN , JAMBUSAR
AT & PO. JAMBUSAR. DIST BHARUCH
GUJARAT , 392150
INDIA, TEL : 91 2644 220786
E MAIL : jamia@satyam.net.im

આ પુસ્તિકા pdf ફાઇલ સ્‍વરૂપે સુવાસ ડાઉનલોડ સેન્‍ટર ઉપર પણ ઉપલબ્‍ધ છે. ત્‍યાંથી ડાઉનલોડ કરી શકાય છે.
જિહાદ કે મહાભારત

આજ કાલ જિહાદ શબ્‍દને ખૂબ વગોવવામાં આવી રહ્યો છે. અને ફકત શબ્‍દ જ નહી , ઇસ્‍લામી શરીઅતમાં જિહાદના આદેશ અને સ્‍થાનને પણ ખોટી રીતે જોવામાં આવી રહ્યાં છે. એટલો કાદવ કીચડ ઉછાડવામાં આવ્‍યો છે કે આ શબ્‍દ ગાળનો બીજો પર્યાય બની ગયો છે. અને ૧૧ સપ્‍ટેમ્‍બરના હુમલાઓ બાદ તો આંતકવાદ અને જિહાદને સમાનાર્થી શબ્‍દો સમજી લેવામાં આવ્‍યા છે. આંતર રાષ્‍ટ્રીય પ્રચાર માધ્‍યમો આજકાલ ઇસ્‍લામના જન્‍મજાત શત્રુઓ ( ઈસાઈઓ-યહૂદીઓ)ના પ્રભુત્‍વ હેઠળ છે , જેમનો પ્રથમ અને છેલ્‍લો પ્રયાસ એ જ રહે છે કે કોઇ પણ રીતે ઇસ્‍લામની નિર્મળ અને પવિત્ર માન્‍યતાઓ , જીવનમંત્રો , માર્ગદર્શનો , અને આચાર વિચાર સંબંધી સ્‍પષ્‍ટ નિર્દેશનોને વિશ્વ સમક્ષ આવતા રોકવામાં આવે . ઉપરાંત આ ઇસ્‍લામ વિશે ભ્રામકતાઓ પ્રસરાવા માટે પણ બનતા બધા જ પ્રયત્‍નો કરવામાં આવે છે. આજકાલ ગ્‍લોબલ વિશ્વમાં તો લગાતાર ઇસ્‍લામ અને મુસલમાનોને ભૂંડા ચીતરતી ફિલ્‍મો , નવલકથાઓ અને નેતાઓના જોરદાર ભાષણો દ્વારા આ કાર્ય અંજામ આપવામાં આવી રહ્યું છે.
જિહાદ શબ્‍દ અરબીના ‘જ-હ-દ‘ પરથી બન્યો છે. જેનો શાબ્દિક અર્થ છે , મહેનત , પ્રયાસ અને કોશિશ . અને ઇસ્‍લામી પરિભાષામાં જિહાદ (જેહાદ) નો અર્થ છે , અલ્‍લાહ ખાતર , ધર્મની સ્‍થાપના અને દઢ્તા ખાતર વ્‍યક્તિગત મર્યાદામાં રહી કે એથી આગળ વધી સમાજ કે પ્રદેશ સુધી કે એનાથી પણ વિસ્‍તરી વધુ આગળ સુધી પ્રયાસ કરવો. તેમજ જરૂર પડે તો શક્તિ , સામર્થ્‍ય અને બળનો પ્રયોગ કરવો. માટે જ મનને કેળવવા અને તેના પર કાબૂ મેળવવાને ‘ જિહાદે અકબર ‘ (શ્રેષ્‍ઠ ‍િજહાદ) કહેવામાં આવ્‍યું છે. (હદીસ)
વધુ સ્પષ્ટ રીતે કહીએ તો જિહાદ મુસલમાનોની એક સામુહિક ફરજ અને ઇબાદત છે, અને ઇબાદત સ્‍વરૂપે એને બજાવવામાં ધર્મ, કોમ અને સમાજહિતના બધા જ કાર્યો ચાહે તે બહુ લક્ષી હોય કે ધ્‍યેય આધારિત હોય જેમ કે શત્રુ હત્‍યા વગેરે જે હોય તે , એમાં શામેલ છે.
એટલે કે જિહાદ ફકત લડાઇ કે યુદ્ધનું જ નામ નથી. બલકે સમાજ, કોમ, મિલ્‍લતના વિકાસ અને રક્ષા કાજે કરવામાં આવતા દરેક પ્રયાસો જિહાદ કહેવાય. શિક્ષણ મેળવવું , સાર્વજનિક સેવાના કાર્યો કરવા, ધર્મ કાજ સંપત્તિ ખર્ચ કરવી, અત્‍યાચારી સત્તાધીશ સામે છાતી ઠોકી સત્‍યોચ્‍ચાર કરવો, અને જરૂર પડયે લડાઇ કરવી ; આ બધું જ જિહાદ કહેવાશે.
ઉપરોક વિગત દર્શાવે છે કે ધર્મકાજેની મહેનતનું નામ જિહાદ છે અને લડાઇ એનો એક ભાગ છે.

જિહાદ એટલે લડાઇ યુદ્ધ

યાદ રાખવું જોઇએ કે ઇસ્‍લામી પરિભાષામાં જ્યારે ‍િજહાદ શબ્‍દ પ્રયોજવામાં આવે અને તેના આગળ પાછળ અન્‍ય કોઇ અર્થ નકકી કરતી ચર્ચા ન હોય તો આ શબ્‍દ ફક્ત અને ફક્ત લડાઇ અને યુદ્ધ માટે જ વપરાય છે. (જસ્‍ટીસ તકી ઉસ્‍માની , તકમિલહ ફત્‍હુલ મુલ્હિમ ૩/૪)
આ જ લડાઇના અર્થમાં જિહાદ રક્ષણાત્‍મક અને આક્રમક બન્‍ને પ્રકારના યુદ્ધ માટે વપરાય છે. ઇસ્‍લામી દ્રષ્ટિએ બન્‍ને પ્રકારે યુદ્ધ અવસર પ્રમાણે ધાર્મિક ફરજ છે. જેમ વતનની રક્ષા કાજે અવસર પ્રમાણે રક્ષણાત્‍મક અને આક્રમક બન્‍ને પ્રકારની લડાઇ વતનવાસીઓની ફરજ છે.
જિહાદ સંબંધી બીજી એક સ્‍પષ્‍ટતા એ કરવાની છે કે ઇસ્‍લામમાં જિહાદનો મુખ્‍ય ધ્‍યેય સત્‍ય સ્‍થાપના, અત્‍યાચારનો ખાતમો અને અલ્‍લાહના આદેશોને સર્વોપરી બનાવવાનો છે , ફક્ત પ્રદેશો જીતવા , માલ સંપત્તિ મેળવવા , શોર્ય પ્રદર્શન અને નામના મેળવવા કે જૂથવાદ ખાતર લડવાનું નામ જિહાદ નથી. તેનો અર્થ એવો પણ નથી કે સત્‍ય સ્‍થાપનાના નામ પર, અલ્‍લાહના આદેશોને સર્વોપરિ બનાવવાના બહાને લોકોની ધાર્મિક સ્‍વતંત્રતા છીનવી લેવામાં આવે . બલકે ઇસ્‍લામી શાસનની ધૂરા સંભાળતા સત્તાધીશો પર જરૂરી છે કે દરેકને તેની મરજી પ્રમાણે ધર્મ પાળવાની છૂટ આપે.

અન્‍ય ધર્મીઓ મુસલમાનની નજરે એકેશ્વરવાદ ( તવહીદ) અને મહઝરત મુહંમદ સાહેબ ( સલ્‍લલ્‍લાહુ અલયહિ વ સલ્‍લમ)ને પયગંબર માની એમનું અનુસરણ ન કરવાના કારણે મુસલમાન નથી, આવા લોકો જો અલ્‍લાહ સિવાય અન્‍ય માબૂદોને પૂજતા હોય તો એમને કાફિર – મુશરિક કહેવાય છે. અને એમના અલ્‍લાહ સિવાય અન્‍યોને પૂજવાને શિર્ક કહેવામાં આવે છે.
શિર્ક એટલે કે અલ્‍લાહ સિવાય અન્‍યોને અલ્‍લાહના સમકક્ષ ( સંપૂર્ણ કે આશિંક રીતે ) ગણી એની ઇબાદત કરવી , પૂજા કરવી , એ ઇસ્‍લામી દ્રષ્ટિએ ભયંકર ગુનો અને અક્ષમ્‍ય અપરાધ છે. આ અપરાધ માણસનો વ્‍યક્તિગત હોય ઇસ્‍લામી સત્તા કે કે મુસલમાન હાકેમ કોઇ માનવીને એ છોડવા ઉપર મજબૂર કરી શકશે નહિં. બીજું કે આ અપરાધ ધર્મ સંબંધી હોય એની શિક્ષા અલ્‍લાહ તઆલા પોતે જ આખિરતમાં આપશે, દુનિયામાં મુસલમાને એ માટે અલ્‍લાહ તઆલાએ કંઇ કરવાનો અધિકાર નથી આપ્‍યો.
પરંતુ અત્‍યાચાર, અન્‍યાય ભેદભાવ , અસલામતી , ખૂનામરકી, સામાજિક દુષણો, કુરિવાજો, અને બહુ નુકસાનકારક પ્રણાલીકાઓ જે ઇસ્‍લામના વિચારબિંદુ સાથે મેળ ન ખાતી હોય ,તે જરૂર અક્ષમ્‍ય અને અસ્‍વીકાર્ય છે, અને શકિત પ્રાપ્‍ત થતાં તેને નષ્‍ટ કરવાના પ્રયત્‍નો કરવા આવશ્‍યક છે.
આ જ વાત કુર્આનમાં અલ્‍લાહ ફરમાવે છે ,
આ તો લોકો છે, જેમને અમે ધરતી પર સામથ્‍ય આપીએ છીએ તો નમાઝ (ની પ્રથા ) સ્‍થાપે છે, ઝકાત આપે છે, તેમજ લોકોને સત્‍કર્મોનો આદેશ આપે છે, અને કુકર્મોથી રોકે છે.

હઝરત મવલાના ઇદરીસ કાંધલવી (રહ.) લખે છે ,
‘‘ઇસ્‍લામ તેના શત્રુઓના અસ્તિત્‍વ માત્રનો વિરોધી કદાપિ નથી, બલકે શત્રુની એવી શકિતનો વિરોધી છે, જે ઇસ્‍લામ કે મુસલમાનો માટે જોખમરૂપ હોય.

આધુનિક વિશ્વના બધા જ દેશો સ્‍વીકારે છે કે પ્રાણ સંપત્તિ , આબરૂ અને સ્‍વબચાવ ખાતર લડવું માનવીનો બુનિયાદી અધિકાર છે, પરંતુ કોણ જાણે કેમ મુસલમાનો માટે આ અધિકાર સ્‍વીકારવામાં કંજુસાઇ કરવામાં આવે છે. ..... ઇસ્‍લામી જિહાદનો આશય એ છે કે સચ્‍ચાઇ, ન્‍યાય અને સમાનતા વિશ્વમાં સર્વોપરી રહે, સ્‍વાર્થી નેતાઓ કે પક્ષો વિશ્વશાંતિને ખલેલ ન પહોંચાડે.‘‘ ( સીરતે મુસ્‍તફા , ર/ ર૬-ર૭ )

જિહાદ કેવી પરિસ્થિતિમાં ?

હઝરત મુહંમદ પયગંબર સાહેબ સલ્‍લલ્‍લાહુ અલયહિ વ સલ્‍લમના જીવનમાંથી બોધ ગ્રહણ કરી મુસ્લિમ વિદ્વાનોએ ચાર વિવિધ સંજોગો દર્શાવ્‍યા છે, જે શકયતઃ માનવીના જીવનમાં ઉદભવી શકે છે.
(૧) કોઇ સ્‍થાને મુસલમાનો અત્‍યંત નિર્બળ હોય, શત્રુના અત્‍યાચારથી બચવાની શકિત અને પ્રતિકાર માટે સમર્થ ન હોય, સર્વ સત્તા અને આધિપત્‍ય અન્‍યોના હાથમાં હોય, તો આવી પરિસ્થિતિમાં સબર કરી ત્‍યાં જ રહેવા અથવા ત્‍યાંથી હિજરત કરી અન્‍ય સ્‍થળે ચાલ્‍યા જવું જોઇએ. આવી સ્થિતિમાં જિહાદ- લડાઇનો આદેશ નથી, પયગંબર મુહંમદ સલ્‍લલ્‍લાહુ અલયહિ વ સલ્‍લમ જયાં સુધી મક્કામાં હતા, આપને જિહાદનો આદેશ ન આપતાં સબર અને ક્ષમાની શીખ આપવામાં આવી છે.
(ર) જયાં મુસલમાનો કંઇક શક્તિ ધરાવતા હોય, અને એવી સ્થિતિમાં હોય કે શત્રુનો પ્રતિકાર કરી એના અત્‍યાચારનો બદલો લઇ શકે , અથવા પૂર્વ તૈયારી રૂપે એના જોખમથી રક્ષણ મેળવી શકતા હોય તો સમય અને પરિસ્થિતિ પ્રમાણે અત્‍યાચારીઓ – શત્રુઓની ઘેરાબંદી અને એમને ક્ષતિ-હાનિ પહોંચાડવાની છૂટ છે. પરંતુ આવું કરવું આવશ્‍યક કે જરૂરી નહિ, બલકે જાઇઝ એટલે કરી શકાય છે.
જેમ કે મકકા થી હિજરત કર્યા બાદ મદીનામાં સ્‍થાયી થઇ આપ સલ્‍લલ્‍લાહુ અલયહિ વ સલ્‍લમે કાફિરોથી લડવાનું શરૂ કર્યું, જિહાદનો આ પ્રા‍રભિક દોર કહી શકાય.
(૩) મુસલમાનો એક શકિતનું કેન્‍દ્ર બની જાય અને જો કોઇ એમના પર અત્‍યાચાર કરે, અન્‍યાયથી વર્તે, તો મુસલમાનોએ શકિત મુજબ શત્રુનો પ્રતિકાર અને અત્‍યાચારને ખતમ-નષ્‍ટ કરવા મેદાનમાં આવવું ફરજ છે. આને જ આપણે રક્ષણાત્‍મક જિહાદ કહીશું.
(૪) જયાં મુસલમાનોને સ્‍પષ્‍ટ સત્તા – શાસન પ્રાપ્‍ત હોય, ત્‍યાં ઇસ્‍લામી સત્તાને દઢ બનાવવા અને કાફિરો – અધર્મીઓની અત્‍યાચારયુક્ત વ્‍યવસ્‍થા તોડવાના ભરપૂર પ્રયાસ કરવામાં આવશે. આવી પરિસ્થિતિમાં શત્રુ તેના ધર્મ પર અડગ રહીને જ ઇસ્લામી શાસન હેઠળ વ્યક્તિગત રીતે અથવા સંધિ કરી સરકારી રાહે જજિયાવેરો આપે, અથવા સમાનતાના ધોરણે ના યુદ્ધના કરાર કરવામાં આવશે.
પરંતુ યાદ રાખવું જોઇએ કે આ પ્રકારના જિહાદનો આદેશ લોકોને બળાત્‍કારે મુસલમાન બનાવવા માટે નથી, બલકે તેનો આશય અલ્‍લાહની જમીન પર અલ્‍લાહના આદશો અને વ્‍યવસ્‍થાની સ્‍થાપના કરવી છે.
હદીસ શરીફમાં છે , જો કોઇ મુસલમાન ઇસ્‍લામી દેશમાં રહેતા કાફિરની વાંક ગુના વગર હત્‍યા કરશે તો ચાલીસ વરસના અંતરથી આવતી સ્‍વર્ગની સુગંધથી પણ તે વંચિત રહેશે. (મિશ્‍કાત , ૨૯૯) ઉપરાંત આવા હત્‍યારાને પણ બદલામાં કતલ કરી દેવામાં આવશે.
એક સ્‍પષ્‍ટતા
જિહાદના આશય , ધ્‍યેય અને ઉદ્દેશ સંબધી ઉપરની વિગત ઇસ્‍લામના આરંભેથી જ મુસ્લિમ વિદ્વાનોમાં સર્વસ્‍વીકાર્ય ચાલતી આવી છે, પરંતુ હવે આ છેલ્‍લી ચૌદમી સદીમાં ઘણા લોકો પશ્ચિમની વિચારધારાથી પ્રભાવિત થઇ જિહાદ વિશેના તેમના અપ્રચાર અને પ્રોપેગન્‍ડાથી અંજાયને કહે છે કે જિહાદ ફકત રક્ષણાત્‍મક ‍લડાઇનું જ નામ છે. જે સદતર ખોટું, અવાસ્‍તવિક અને ઇસ્‍લામી માન્‍યતાઓથી વિપરીત છે. યુરોપ અને પશ્ચિમના જે દશોના માનવાધિકારો સંબંધી હોબાળાથી અંજાયને લોકો આ પ્રમાણે કહેતા હતા અથવા હજુ કહે છે તેમને ધીરે ધીરે સમજાવા માંડયું છે કે માનવાધિકાર, પ્રથમ આક્રમણ ન કરવાની પ્રતિજ્ઞા, ફકત સ્‍વબચાવ, વગેરે વાતો સગવડિયા નિયમોનું નામ છે. આજે એ જ યુરોપ અને પ‍શ્ચિમના રાષ્‍ટ્રો ફક્ત માલ, સંપત્તિ, વેપાર અને આર્થિક લાભો સામે રાખી ગરીબ દેશોને કરજમાં ડુબાડે છે, અથવા અંદરો અંદર લડાવે છે, કાં સ્વયં આક્રમણ કરી પોતાનો ઉલ્‍લુ સીધો કરે છે, આજની વૈશ્વિક પરિસ્થિતિ જોતાં કોઇને હવે શંકા ન રહેવી જોઇએ કે સ્‍વબચાવ ખાતર રક્ષણાત્‍મક કે આક્રમક જે રીતે પણ થઇ શકે , લડવું એ કોઇ પણ દેશ, સમાજ, વ્‍યકિતનો બુનિયાદી અધિકાર છે.

જિહાદનો આશય લોકોને પરાણે મુસલમાન બનાવવું નથી,

જિહાદ લોકોને પરાણે મુસલમાન બનાવવા માટે નથી, બલકે ઇસ્‍લામની પ્રતિષ્‍ઠા અને સન્‍માનની સ્‍થાપના માટે છે. પરાણે કે બળાત્‍કારે સ્‍વીકારેલો ઇસ્‍લામ સ્‍વીકાર્ય પણ નથી. બાહ્ય રીતે ઇસ્‍લામ દર્શાવનાર અને અંતરથી નહિ સ્‍વીકારનારને મુસલમાન નહિ, મુનાફિક કહેવામાં આવે છે. માટે લોકો પર પરાણે ઇસ્‍લામી ઠોકી બેસાડવાનો કોઇ અર્થ નથી, ઇસ્‍લામમાં અન્‍ય ધર્મીઓથી જજિયાવેરો વસૂલ કરવો અને એમના સાથે સુલેહ સંધિ કરવાના આદેશો અન નિતી નિયમો પણ સ્‍પષ્‍ટ કરે છે કે ઇસ્‍લામ અન્‍યધર્મીઓના સહઅસ્તિત્‍વને સ્‍વીકારે છે.
કર્આનમાં અલ્‍લાહ તઆલા ફરમાવે છે,

જો અલ્‍લાહ ઈચ્‍છત તો ધરતી પર બધા જ ઇમાન લઇ આવત. ( મુસલમાન બની જાત.) શું તમે લોકો પર દબાણ કરશો કે તેઓ મોમિન-મુસલમાન બની જવાય ? ( સૂરએ યૂનુસ ૯૯)

જે ઇચ્‍છે તે ઇમાન લાવે અને જે ચાહે તે કુફ્ર કરે . ( સૂરએ કહફ ૨૯)
દીન ( ધર્મ )ના વિશે બળજબરી નથી, કારણ કે હિદાયત પોતે જ ગુમરાહીથી નોખી તરી આવે છે. (સૂરએ બકરહ ર૫૬)



Monday, May 29, 2006

નમાઝ માટેની પૂર્વ શરતો


ઇસ્લામમાં સૌથી મહત્વની ઇબાદત ગણાય છે, કુર્આન માં અનેક વાર સ્પષ્ટ શબ્દોમાં નમાઝ પઢવાનો આદેશ આપવામાં આવ્યો છે. સુવાસમાં અગાઉ પણ નમાઝ વિશે માહિતી આપવામાં આવી ચૂકી છે.
નમાઝ માટે પૂર્વ તૈયારી રૂપે અમૂક ચીજો જરૂરી છે.
(૧) જે સ્થળે નમાઝ પઢવામાં આવી રહી છે, તે પાક-સ્વચ્છ હોય, એટલે કે ત્યાં મળ મુત્ર કે અન્ય ગંદકી ન હોય.
(૨) માણસનું શરીર ચોખ્‍ખું – સ્‍વચ્‍છ હોય. અહિંયા પાક ચોખ્‍ખા હોવાનો મતલબ એ છે કે શરીઅતના આદેશ પ્રમાણે જો જરૂરત હોય તો નહાઈ લેવામાં આવે. ( પત્ની સાથે સંભોગ કર્યા પછી કે સ્વપ્ન દોષ પછી નાહવું શરીઅત પ્રમાણે જરૂરી છે. તે વગર માણસ નાપાક ગણાય છે. )અને નાહવાની જરૂરત નથી તો વુઝૂ કરવામાં આવે. (કોગળો કરવા, હાથ, મોં, પગ ધોવા વગેરેને વુઝૂ કહેવામાં આવે છે. આ વિશે બીજી કોઇ વખત વિગતે જણાવવામાં આવશે, ઇન્‍શાઅલ્‍લાહ.)
(૩) કપડાં પાક – સ્‍વચ્‍છ હોય. એટલે કે તેના પર કોઇ નાપાકી, મળ – મુત્ર , લોહી વગેરેની ન હોય. ( કપડાં, પાણી વગેરેના શરીઅતના ધારા ધોરણ મુજબ પાક સ્‍વચ્‍છ હોવા વિશેનું એક સ્વતંત્ર પ્રકરણ અત્રે પાછળથી લખવામાં આવશે. ઇન્‍શાઅલ્‍લાહ.
(૪) કિબ્‍લા તરફ મોઢું કરવું, ( કિબ્‍લા એટલે મક્કા શહેર પવિત્ર મસ્જિદ ના મધ્યે આવેલ એક વિશેષ સ્થળ ), ભારતવાસીઓ માટે એ પશ્ચિમ દિશાએ પડે છે.
(પ) નમાઝનો સમય હોવો, શરીઅત તરફથી પાંચેવ નમાઝોનો સમય નક્કી છે, જે તે નમાઝ માટે એનો સમય હોવો જરૂરી છે, એ સિવાય જો માણસ વધારાની ( નફલ) નમાઝ વધુ ઇબાદત રૂપે પઢવા માંગતો હોય અથવા કોઇ છૂટેલી નમાઝ પઢવા માંગતો હોય તો શરીઅત તરફથી મના કરવામાં આવેલ સમયો ન હોય એની ખાતરી કરી લે.
(૬) નિય્‍યત કરવી, એટલે કે નમાઝ શરૂ કરતાં પહેલાં એ બાબતનું ધ્‍યાન ધરવું કે હું અલ્‍લાહના આદેશાનુસાર ફલાણી નમાઝ પઢી રહ્યો છું.
આ છ બાબતોને નમાઝના બહારના ફરજો કહેવામાં આવે છે, બહારના એટલે નમાઝ રૂપી ઇબાદત શરૂ કરતાં પહેલાંની આવશ્‍યક બાબતો.

Monday, May 22, 2006

ઉતાવળ બુરી બલા છે.


નબીએ કરીમ સલ્‍લલ્‍લાહુ અલયહિ વ સલ્‍લમનું કથન છે,
ગંભીરતા (શાંતિ – શાલીનતા) અલ્‍લાહ તઆલા તરફથી છે, અને ઉતાવળ શયતાનથી સંબંધિત છે. (તિરમિઝી શરીફ)
ઉતાવળે આંબા ન પાકે,
ઉતાવળા તે સૌ બાવળા, ધીરા સૌ ગંભીર,
ધીરજના ફળ મીઠાં વગેરે કહેવતોનો આ જ મતલબ છે.
પૂરતી સાવચેતી, સોચવિચાર અને ગંભીરતાથી ધ્‍યાન દઇ કરવામાં આવતું કાર્ય સારી રીતે પૂરું થાય છે, તેમાં અલ્‍લાહની મદદ શામેલ થાય છે, એથી ઉલટું ઉતાવળે કરવામાં આવતા કામમાં કચાશ રહી જાય છે, કયાંક કાચું કપાય જાય છે, મનને શાંતિ અને બદનને આરામ પણ નથી મળતો,
માટે દરેક કામ શાંતિથી કરવું જોઇએ.
પરંતુ યાદ રાખવું જોઇએ કે શાંતિ ,ધીરજ, અને ગંભીરતાનો મતલબ સુસ્‍તી અને આળસ નથી, માટે કામ ન કરવા માટે ઉતાવળને બહાનું ન બનાવવું જોઇએ, આજનું કામ આજે જ કરવું જોઇએ, આવતી કાલ ઉપર ન છોડવું જોઇએ, આને ઉતાવળ ન કહેવાય.
ખુલાસો એ કે કામ માટે જેટલો સમય અને ધ્‍યાનની જરૂરત હોય તે આધારે કામ કરવું જોઇએ, એક હદીસમાં પયગંબર સાહેબ (સલ્‍લલ્‍લાહુ અલયહિ વ સલ્‍લમનું કથન છે કે શાંતિ અને ગંભીરતાથી રહો, અને ઉતાવળ ન કરો.
જરૂરત વગર દોડવું , સામાન્‍ય હાલતમાં પણ ચાલાવામાં બીજાથી આગળ વધવાની કોશિશ કરવી, જરૂરત વગરની ઉતાવળ કહેવાય.
શકય એટલું ધીરે બોલવું, ધીરે ચાલવું, કોઇને ધક્કો ન મારવો, કયાંક જવું હોય તો સમયથી થોડા વહેલાં નીકળી જવું, જેથી ગભરાવાનો મોકો ન આવે, આ બધું હદીસમાં તાકીદ કરવામાં આવેલ ગંભીરતા અને શાંતિમાં શામેલ છે.

Thursday, May 18, 2006

પહલે ઓરત જનતી થી, અબ સારા આલમ જનતા હે,

પહલે ઓરત જનતી થી,
અબ સારા આલમ જનતા હે,
પહેલે ઘી સે સબ્‍જી બનતી થી,
અબ સબ્‍જી સે ઘી બનતા હે,


અમને આ બે શે‘ર અચાનક ત્‍યારે યાદ આવી ગયા, જયારે રીડગુજરાતી પર નીચેના શે‘ર વાંચવા મળ્યા.

ક્યાંથી હોય – અજ્ઞાત

વસ્ત્રો થઈ ગયા ટુંકા, લાજ ક્યાંથી હોય ?
અનાજ થઈ ગયા હાઈબ્રીડ, સ્વાદ ક્યાંથી હોય ?
નેતા થયા ખુરશીના, દેશ દાઝ ક્યાંથી હોય ?
ફૂલો થયા પ્લાસ્ટીકનાં, સુગંધ ક્યાંથી હોય ?
ચહેરા થયા મેકઅપનાં, રૂપ ક્યાંથી હોય ?
શિક્ષકો થયા ટ્યુશનીયાં, વિદ્યા ક્યાંથી હોય ?
ભોજન થયા ડાલડાનાં, તાકાત ક્યાંથી હોય ?
પ્રોગ્રામ થયા કેબલનાં, સંસ્કાર ક્યાંથી હોય ?
માણસ થઈ ગયો પૈસાનો, દયા ક્યાંથી હોય ?
ભક્તો થયા સ્વાર્થના, ભગવાન ક્યાંથી હોય ?
રીડગુજરાતી પરથી....

સાથે જ પ્રસ્‍તૃત છે, મુહંમદ ભાઇ ભૈડુએ મોકલાવેલ એક નઝમ ( કવિતા )

ગમ લઈ ફરુછુઁ.

તૌહીદી છુઁ તૌહીદનો પરચમ લઈ ફરુઁછુઁ.
ઈમાનની દઅવત હુઁ હરદમ લઈ ફરુઁછુઁ.
આકાએ દોજહાન સદા મીરે કારવાઁ,
આ ઉમ્મતે મરહુમનો હુઁ ગમ લઈ ફરુઁછુઁ.
જ્યારે નિહાળુઁ બેઅમલી બેખોફનો આલમ
દિલને સળગતુ આંખને હુઁ નમ લઈ ફરુઁછુઁ.
જાન,માલ,દિલ, સમય જે કઁઈ બધું છે લૈ,
લાઈલાહા-ઈલ્લલાહ નો દમ લઈ ફરુઁછુઁ
મારા તમામ પાપને બખ્શીદો યા ખુદા,
હુઁ’વફા” મુજ આકેબતનો ગમ લઈ ફરુઁછુઁ

મોહમ્મ્દઅલી ભૈડુ”વફા”
ટોરંટો,કેનેડા 14મે,2006.

શબ્‍દવિહાર,

તૌહીદી - એકેશ્વરવાદી.
આકાએ દોજહાન - બે જહાન (વિશ્વ)ના સરદાર એટલે આ લોક અને પરલોબના સરદાર ( પયગંબર સાહેબ
માટે વપરાતી ઉપમા)
આકેબત - આખેરત , મરવા પછી ફરી જીવંત થઇ અલ્‍લાહ સમક્ષ હિસાબ કિતાબ આપવાની ઘડી.

Wednesday, May 17, 2006

બિસ્મિલ્‍લાહ .. એટલે ..... (સુવાસ)

મુસલમાનો દરેક કામના પ્રારંભે ‘બિસ્મિલ્‍લાહ‘ પઢે છે.
‘બિસ્મિલ્‍લાહ‘નો અર્થ થાય છે, અલ્‍લાહના નામથી.
આ ટુંકું વાક્ય છે, આખું વાક્ય આ પ્રમાણે છે,
બિસ્મિલ્‍લા‍હિર્રહમાનિર્રહીમ.
بسم اللہ الرحمن الرحیم
આ આખા વાક્યનો અર્થ થાય છે કે ,
શરૂ કરું છું હું અતિકૃપાળુ , મહાન દયાળુ અલ્‍લાહના નામથી.

કોઇ આ પ્રવિત્ર શબ્‍દો કોઇ પણ કામના આરંભે બોલવા-ઉચ્‍ચારવાથી એમાં બરકત અને સફળતા પ્રાપ્‍ત થાય છે.
નબીએ કરીમ હઝરત મુહંમદ સલ્‍લલ્‍લાહુ અલયહિ વ સલ્‍લમ પણ દરેક કામના આરંભે આ શુભ વાક્ય જરૂર ઉચ્‍ચારતા હતા.
આમ કરવામાં એક ખૂબી આ છે કે અલ્‍લાહના બે મહત્‍વના ગુણો ‘ રહમાન ‘ (અતિ દયાળુ) અને ‘ રહીમ ‘ (અતિ કૃપાળુ) ના ઉલ્‍લેખ લઇ કાર્ય શરૂ કરનાર માણસ અલ્‍લાહના નામ અને ગુણો દ્વારા તેની તેની અલ્‍લાહ પ્રત્‍યની નિખલાસતા, ધ્‍યેયની પ્રવિત્રતા અને સત્‍યનિષ્‍ઠાનો એકરાર કરે છે.
કુર્આનમાં પણ દરેક સુરત (પ્રકરણ)ના આરંભે બિસ્મિલ્‍લાહ...નું વર્ણન છે.
પૂરા વાક્ય ‘બિસ્મિલ્‍લા‍હિર્રહમાનિર્રહીમ‘ ની ટુંકી સમજ અત્રે અમે આપીએ છીએ.

‘ બિસ્‍મ ‘ ‘ નામથી ‘ એટલે કે નામની મદદ અને સહાય..
‘ અલ્‍લાહ ‘ આ અલ્‍લાહ તઆલાનું વિશેષ નામ છે. અલ્‍લાહ સિવાય કોઇ અન્‍ય વિશે આ નામનો ઉપયોગ કરી શકાય નહી. ફારસીમાં ‘ ખુદા ‘ અને અંગ્રેજીમાં ગોડ શબ્‍દ અલ્‍લાહ માટે વપરાય છે, પરંતુ ફારસી-અંગ્રેજીના આ શબ્‍દો અન્‍યો માટે પણ વપરાય છે. જેમ કે મોટા માણસ માલિક, શેઠ માટે ખુદાવંદ, ગોડફાધર વગેરે રૂપે બોલાય છે. અરબીમાં અલ્‍લાહ શબ્‍દ કોઇ અન્‍ય માટે વપરાતો નથી. માટે જ અન્‍ય ભાષામાં એનો ઉચિત સમાનાર્થી શબ્‍દ મળવો પણ મુશ્‍કેલ છે.

‘ રહમાન -રહીમ ‘ આ બે શબ્‍દો ‘રહમત! પરથી બન્‍યા છે.
‘ રહમાન ‘ એટલી વિપુલ રહમત વાળો કે એનાથી વધુ રહમતની કલ્‍પ્‍ના ન થઇ શકે. જેમ ‘ અલ્‍લાહ ‘ નામ ફકત અલ્‍લાહ માટે જ છે, એમ ‘ રહમાન ‘નું ગુણ વાચક આ નામ પણ ફકત અલ્‍લાહ માટે જ વપરાય છે. કુર્આનમાં અલ્‍લાહના નામ પછી સૌપ્રથમ જે ગુણનો ઉલ્‍લેખ કરવામાં આવ્‍યો છે તે ‘રહમાન‘ જ છે.

‘રહીમ ‘ પણ અલ્‍લાહનું ગુણવાચક નામ છે, રહમતમાં અતિશ્‍યોકિત દર્શાવે છે, એટલે કે વારંવાર રહમત કરવાવાળો.
આ બન્‍ને ગુણવાચક નામોનો ખુલાસો વર્ણવવામાં આવે તો કહી શકાય કે રહમતની વિપુલતા અને અતિમાત્રા તો રહમાનના ગુણ દ્વારા બતાવાવમાં આવી, અને વારેઘડીએ રહમત વરસવાને ‘ રહીમ ‘ના ગુણ દ્વારા વર્ણવવામાં આવ્‍યું.
આ છે ઇસ્‍લામના ધર્મપુસ્‍તક કુર્આનના આરંભિક શબ્‍દો. જે અલ્‍લાહના એકત્‍વ અને તેના પ્રેમ-કરૂણા, દયા રહમતના સર્વસ્‍વ અને સર્વગ્રાહી હોવાના એલાન સાથે ઇસ્‍લામના મુળ સ્‍વભાવને વ્‍યકત કરે છે,

Sunday, May 14, 2006

OLD IS GOLD

આજે અચાનક સુરત-રાંદેરથી પ્રકાશિત, હાલ બંધ, ‘ કારવાં‘ મેગેઝિનના જુના અંકો ઉઠલાવી રહ્યો હતો, ડિસેમ્‍બર ૧૯૪૦ નો અંક જોયો તો સુવાસના મથાળાથી આ પંકિતઓ મળી,
રહેજો કોઇના દિલમાં તો એની આશ બની
રહેજો આંખમાં તો આંખનો પ્રકાશ બની
જવાનું થાય જો શત્રુની કદી મહેફિલમાં
જજે ખુશીથી મગર ફૂલની સુવાસ બની.
( શયદા - મુંબઇ )

Saturday, May 06, 2006

ઇસ્‍લામનો આધાર, માનવીય સંસ્‍કારો ...( સુવાસ)

કુર્આનમાં અલ્‍લાહ તઆલાનો આદેશ છેઃ
ન્‍યાયથી વર્તો, ભલાઇ - ઉપકાર કરો. સગાવહાલાઓને એમનો હક આપો.
બુરી બાબતો , ગુનાહિત કામો ન કરો.
કુર્આનમાં અન્‍ય એક સ્‍‍થળે અલ્‍લાહ તઆલા તેના શ્રેષ્‍ઠ બંદાઓનું વર્ણન આ શબ્‍દોમાં કરે છે,
અલ્‍લાહના બંદા ધરતી પર હળવેથી હરે ફરે છે,
અજ્ઞાનીઓ એમનાથી બાખડવાનો પ્રયત્‍ન કરે છે તો શાંતિની વાત કરે છે.
રાત્રે અલ્‍લાહ સમક્ષ ઉભા રહે છે કે સજદો કરે છે, (એટલે કે રાત્રિ ઈબાદત આરાધનામાં પસાર કરે છે.)
તેઓ અલ્‍લાહથી દુઆ કરતા રહે છે કે અમને જહન્‍નમ – નર્કના અઝાબ - શિક્ષાથી રક્ષણ આપો.
તેઓ ખર્ચમાં મધ્‍યમ રાહ અપનાવે છે,
અલ્‍લાહ સાથે અન્‍ય કોઇને માબૂદ – પૂજ્ય નથી ગણતા.
અલ્‍લાહે મનાઇ ફરમાવેલ કોઇ પણ માણસને કતલ નથી કરતા, હા કોઇ ગુનાની સઝામાં જુદી વાત છે.
તેઓ વ્‍યાભિચાર નથી કરતા.
જેઓ આવા ( કતલ – વ્‍યાભિચાર વગેરે ગુનાના) કાર્યો કરે છે , તેમને ગુનો (અને તેની શિક્ષા) લાગુ પડશે.
તેઓ જુઠી ગવાહી નથી આપતા.
ગેરઉપયોગી બાબતો સજ્જનતાથી ટાળી દે છે.
તેઓ પ્રાથના – દુઆ કરે છે કે હે અલ્‍લાહ ! અમને અમારી પત્નિઓ અને બાળકોમાં આંખોની ટાઢક આપો, અને સજ્જન માણસોમાં ઉચું સ્‍થાન અર્પો.
આવા લોકોને અલ્‍લાહ તરફથી સ્‍વર્ગનું સુંદર સ્‍થાન આપવામાં આવશે.
સૂરએ ફુરકાન – ૬૩

------------------------------------

મક્કામાં જ્યારે મુહંમદ પયગંબર સાહેબનો જન્‍મ થયો તો ચોતરફ અંધાધૂંધી હતી, અત્‍યાચાર , બળાત્‍કાર અને કુકર્મોની બોલબાલા હતી, લુંટફાટ, ચોરી, ખૂનામરકી અને વ્‍યાભિચારનું ચલન હતું, લોકો એટલા નિલર્જ અને ક્રૂર – ઘાતકી હતા કે સગી પુત્રીને જીવતી દાટી દેતા હતા. પરંતુ પયગંબર સાહેબ સલ્‍લલ્‍લાહુ અલયહિ વ સલ્‍લમમાં આવો કોઇ દુર્ગુણ હતો નહિ, ઉલટાનું તેઓ આ બધાથી નફરત કરતા, લોકોને આમ ન કરવા કહેતા, આવા ખરાબ કૃત્‍યો કરનારાઓથી દૂર રહેતા. સદાયે ચિંતિત રહેતા કે કેમેય કરી લોકો સજ્જન બની જાય, અત્‍યાચારોનો અંત આવે, વગેરે...
એવામાં એક વાર એક ગુફાનમાં ઇબાદતમાં મગ્‍ન મુહંમદને અલ્‍લાહનો દિવ્‍ય સંદેશ પ્રા૫ત થાય છે અને લોકોની સુધારણા માટે નિયુકત કરવા ઉપરાંત તે માટે અલ્‍લાહ તરફથી સહાય અને સફળતાનું વચન આપવામાં આવે છે.
મુહંમદ પયગંબર સાહેબ સલ્‍લલ્‍લાહુ અલયહિ વ સલ્‍લમને પ્રારંભે જ્યારે અલ્‍લાહ તઆલા તરફથી દિવ્‍ય સંદેશ પ્રાપ્‍ત થયો કે આપને અલ્‍લાહનો સંદેશ લોકો સુધી પહોંચાડવા માટે નિયુક્ત કરવામાં આવ્‍યા છે, હવેથી તમારે લોકોની સુધારણા અને દિવ્‍યજ્ઞાનના પ્રસાર માટે અલ્‍લાહના આદેશ પ્રમાણે કામ કરવાનું છે. પ્રારંભે અચાનક જ અલ્‍લાહના એક મહાન ફરિશ્‍તા - દૂત મારફતે મળેલ આ સંદેશાથી પયગંબર સાહેબ કંઇક ગભરાય ગયા, તેઓ સીધા ઘરે આવ્‍યા, અને પત્નિ ખદીજાને આ બધી વાત કરી, આ નેક અને સજ્જન ખાતૂને પતિને શાંત્‍વન આપતાં કહ્યું કે ગભરાઓ નહિં, તમે તો નેક , સજ્જન , પ્રમાણિક અને અમાનતદાર વ્‍યકિત છો, ખુદા તમને કંઇ કષ્‍ટમાં નહિં નાંખે, તમે તો સગાંસ્‍નેહીઓથી સદવર્તન રાખો છો, પિડિતોની સહાય કરો છો, નિશાધારોને સધિયારો આપો છો, ગરીબોના બેલી છો, મહેમાનોની પરોણાગતિ કરો છો, અને સત્‍ય ખાતર દરેકને ઉપયોગી થાઓ છો.
પત્નિ ખદીજાના આ શબ્‍દો મુળે તો પયગંબર મુહમ્‍મદ સાહેબના સદાચાર અને સંસ્‍કારો દર્શાવે છે, પણ ઉપર દર્શાવવામાં આવેલા કુર્આનના આદેશને જોઇએ છીએ, તો સ્‍પષ્‍ટ થાય છે કે મુહંમદ પયગંબર સાહેબને ખુદા તઆલાએ પયગંબર બનાવ્‍યા પછી પણ તે જ સદકાર્યોનો આદેશ આપ્‍યો, જે તેઓ પહેલેથી તેમની સજ્જનતાથી કરતા જ હતા.
આનાથી ફલિત થાય છે કે માનવીય સંસ્‍કારો અને પ્રાકૃતિક સદાચારો જ મુળ ઈસ્‍લામ ધર્મના સિદ્ધાંતો છે, તેના ઉપર જ ઇસ્‍લામની ઇમારત ઊભી છે, જે કાર્યો અને સદકર્મો મુહંમદ એક સજ્જન અને સંસ્‍કારી હોવાના નાતે પોતે કરતા હતા તેના જ વિશે કહેવામાં આવ્‍યું કે તમે લોકોમાં એનો પ્રચાર – પ્રસાર કરો.
આ જ બાબત ઇસ્‍લામની ખૂબી છે, આધાર અને બુનિયાદ છે, મુસલમાનોએ અને અન્‍ય દરેકે આ બાબતને લક્ષમાં રાખી જ ઇસ્‍લામ વિશે વિચારવું જોઇએ, અત્‍યાચાર મુસલમાનોનો ધર્મ નથી, મુસલમાનોએ અપનાવવાની જરૂરત નથી, અને કોઇ કરે તો એનો સાથ પણ ન આપી શકાય.

Monday, May 01, 2006

પાંચ + પાચ + પાંચ + પાંચ = ર૦ બાબતો

અઝદ કબીલાનું એક પ્રતિનિધિ મંડળ પયગંબર હઝરત મુહંમદ સાહેબની સેવામાં પધાર્યું.જેમાં કુલ સાત માણસો હતા. એમનો પહેરવેશ અને ચાલ ઢાલ પયગંબર સાહેબને યોગ્‍ય જણાંયાં .
પયગંબર સાહબ - તમે કોણ છો ?
કબીલા વાળાઓ - અમે મોમિન છીએ.
પયગંબર સાહેબ - તમારા મોમિન હોવાનો મતલબ શું છે ?
કબીલા વાળાઓ – અમે પંદર વાતોને અનુસરીએ છીએ, એમાંથી પાંચ વાતોની ( દિલથી માનવા) માન્‍યતા રાખવાનો અને બીજા પાંચ કામો કરવાનો આદેશ અમને તમારા જ માણસોએ આપ્‍યો છે. અન્‍ય પાંચ વાતો અમે પૂર્વેથી જ અનુસરતા આવીએ છીએ.
દિલથી માનવા અને માન્‍યતા રાખવાની પાંચ વાતો આ છે,
૧ , અલ્‍લાહ ઉપર , ર, ફરિશ્‍તાઓ ઉપર , ૩ , અલ્‍લાહની કિતાબો ઉપર , ૪, અલ્‍લાહના રસૂલો ઉપર , ૫, અને મર્યા પછી આખિરત (પરલોકમાં ) ફરી જીવંત થવા ઉપર ઈમાન રાખવું, ( એટલે આ બધાના હોવા કે થવા ઉપર શ્રધ્‍ધા રાખવી.)

જે પાંચ કામો કરવાનો અમને આદેશ છે તે આ છે, ૧, લા ઇલાહ ઇલ્‍લલ્‍લાહ કહેવું, ( એટલે કે ફક્ત એક અલ્‍લાહ હોવાનો એકરાર કરવો). ર, પાંચ સમયની નમાઝ પઢવી. ૩, ઝકાત આપવી, ૪, રમઝાન માસના રોઝા ( ઉપવાસ) રાખવા, ૫, શકિત શાળી સમૃદ્ધ માણસે હજજ કરવી.
બાકીની પાંચ વાતો જેને અમે પૂર્વેથી જ અનુસરતા આવીએ છીએ તે આ છે ,
૧ , રાહતમાં શુક્ર કરવો , ર, મુસીબત ટાણે સબ્ર કરવો. ૩, અલ્‍લાહના ફેસલા પર ખુશ રહેવું ૪ , કસોટી વેળા સત્‍યને વળગી રહેવું, ૫ , શત્રુને હસવાની તક ન આપવી.
પયગંબર સાહેબે તેમની આ વાતો સાંભળી ફરમાવ્‍યું કે જેણે તમને આ વાતો શીખવાડી તે વિદ્વાન અને જ્ઞાની હતા. હવે બીજી પાંચ વાતો વધુ યાદ કરી પૂરી વીસ કરી લો.
૧ , જે વસ્‍તુ ખાવાની ન હોય એને ભેગી ન કરો.
ર ૪ જે મકાનમાં રહેવાનું ન હોય એને બનાવશો નહી.
૩ , જે વાતો કાલે છૂટી જવાની છે, એમાં હરિફાઇ ન કરો.
૪ , અલ્‍લાહથી ડરો , એની પાસે પાછા જવાનું છે.
૫ , આખિરતમાં કામ આવે એવી વસ્‍તુઓનો શોખ રાખો ,ત્‍યાં હંમેશા રહેવાનું છે.

Saturday, April 29, 2006

અલગાવની લાગણી...

‘‘......પ્રત્‍યેક નાગરિક સમાન અને ન્‍યાયી વર્તાવના અધિકારી છે. નાગરિકોમાં રાષ્‍ટ્રીય અસ્મિતાની ભાવના ઉત્‍પન્ન થાય, શિક્ષણની સમાન પદ્ધતિ વિકસે, ન્‍યાયી અને શકિત શાળી રાજય તેમ જ જીવંત, ધબકતા નાગરિક સમાજનું નિર્માણ થાય અને સંસ્‍કુતિક, પ્રાદેશિક સ્‍વાયત્તતા સ્‍વીકારાય એના પર રાષ્‍ટ્રના અસ્તિત્‍વનો આધાર છે. એકતા વિનાની વિવિધતા વિભાજનકારી બને, અને વિવિધતા વિનાની એકતા સપાટ, દમનકારી હોય. બન્નેની સહોપસ્થિતિ શકય બનાવવાની છે. ભારતમાં આપણે લઘુમતીઓમાં એકતાની ભાવના જગાવવા આઝાદીની લડતના સમયથી સારો એવો પ્રયાસ કર્યો છે, છતાં હિન્‍દુ મુસ્લિમ સંબંધમાં સમસ્‍યા જ રહી છે. હિન્‍દુત્‍વવાદીઓએ મુસલમાનોને સમાન નાગરિક તરીકે હજી સ્‍વીકાર્યા નથી, આ ઠીક ન ગણાય. મોટા ભાગના મુસલમાનો સારા ભાયતીયો-દેશવાસી -દેશપ્રેમીઓ છે. પાકિસ્‍તાન સાથેના યુદ્ધમાં મુસલમાનોએ અનેક કુરબાની આપી છે. આપણાં સાહિત્‍ય, સંગીત, કળા, ફિલ્‍મ, રમત-ગમત ઇત્‍યાદી તમામ ક્ષેત્રે એમનું પ્રદાન ગણનાપાત્ર, કયારેક કયાંક ચઢિયાતું છે. દેશમાં કાયદાનું રાજ એમણે સ્‍વીકાર્યું છે, એ રીતે વર્ત્યા છે. રાજકીય હિંસા એમણે ભાગ્‍યે જ આચરી છે. ભારતીય હોવાનો એમને ગર્વ છે. દેશ પ્રત્‍યેની એમની વફાદારી વિશે અવારનવાર શંકા ઊભી કરીને એમને અપમાનિત કર્યા કરીશું તો સ્‍વાભાવિક તેઓ આપણાથી અલગ થતા રહેશે. દેશના બાર કરોડ મુસલમાનો આ રીતે અલગાવની લાગણીથી પીડાયા કરશે તો દેશ ખતમ થઇ જશે.‘‘
(પ્રા. ભીખુ પારેખઃ એક મુલાકાત)
મુલાકાત હિંમત ઝવેરી. નવનીત સમપર્ણ, નવે. ર૦૦ર પેજ ૬ર-૬૩

Wednesday, April 26, 2006

સમાચાર સાર અને ઉજાસ

બ્‍લોગ વિશ્વમાં હવે તો લાગે છે રોજ એક નવ બ્‍લોગ ઉમરાશે, દોસ્‍ત સલીમે એક બ્‍લોગ ઉજાસ શરૂ કર્યો છે, બીજો બ્‍લોગ અમારી સુવાસ ટીમે સમાચાર સાર નામે શરૂ કર્યો છે, અમારો આશય છે કે શિક્ષણ ક્ષેત્રે પછાત લધુમતિ કોમ એટલે કે મુસલમાનોને શિક્ષણ પ્રતિ આકર્ષવામાં આવે, આધુનિક શિક્ષણ પ્રતિ તેમનું ઓણમાયું વર્તન બદલાય એવા પ્રયત્‍નો કરવામાં આવે, આ જ આધારે અમુક વિશેષ પ્રકારના સમાચાર અને બોધદાયક વાતો સમાચારસારમાં પ્રગટ કરવાનો વિચાર છે. આશા છે કે દરેક તરફથી સારો પ્રતિસાદ મળશે.

જો મુસલમાનો જંગલી અને અન્‍યાયી હોત તો ?


જો મુસલમાનો જંગલી અને અન્‍યાયી હોત તો તેઓ પરાજિત પ્રજાઓનું સંપૂર્ણ નિકંદન કાઢી નાખત.
હુણો અને તાર્તરોએ શું કર્યું હતું તે ઇતિહાસના પૃષ્‍ઠોમાં વર્ણવાયેલ છે.
ઇસ્‍લામ સ્‍વીકારી અભણ આરબો એક મહાન પ્રજા બની ગયા. વિધા , હુનર સંસ્‍કાર અને સંસ્‍કૃતિના પ્રતિક બની ગયા. મુસલમાનો જયાં જયાં પણ ગયા, ત્‍યાંની પ્રજાના દિલ જીતી લીધાં . પરાજિત પ્રજાને પણ સંસ્‍કૃત બનાવી અને સમાન દરજો આપ્‍યો . અને તેમને જીવનનો સત્‍ય માર્ગ બતાવ્‍યો . હિંદુસ્‍તાનમાં જોઇએ તો મુસલમાન રાજઅમલમાં અહિયાં જાહોજલાલી હતી. તાજમહાલ , કુતુબમીનાર , લાલ કિલ્‍લો અને સ્‍થાપત્‍ય કળાના બીજા અનેક નમૂનાઓ, ઉપરાંત ભાષા, લોક જીવન, રાજવહીવટ, અને અન્‍ય અનેક ક્ષેત્રોમાં તેમનું યોગદાન આજે આપણે જોઇ શકીએ છીએ.
જો મુસલમાનો જંગલી હોત તો ભારતને ખેદાન મેદાન કરી મૂકયું હોત.
મુસલમાનો જંગલી હોત તો સ્‍પેનને તેમના સાતસો વરસના સત્તાકાળ દરમિયાન બરબાદ કરી નાખત . મુસ્‍લિમ સ્‍પેનમાં વિશ્વખ્યિત વિધાધામો સેવા બજાવતા હતા . કોરડોવાની વિખ્‍યાત યુનિવ‍ર્સિટીમાં યુરોપના ખિસ્‍તી રાજકુંવરો , ઉમરાવપુતો અને બિશપો જ્ઞાન લેવા આવતા હતા. આ ટાણે ખિસ્‍તી યુરોપ અંધકારમાં અટવાતું હતું .
મુસલમાનોએ પૂર્વ આફિકામાં સ્‍વાહીલી સંસ્‍કૃતિ અને પશ્ચિમ આફિકામાં મંડીગો ફુલાની અને હવસા ( હબશી મુસલમાનો ) ની સંસ્‍કૃતિની સ્‍થાપના કરી . તેનો વિકાસ કર્યો.
ઇસ્‍લામે વિશ્વ સંસ્‍કૃતિમાં કયો કયો ફાળો આપ્‍યો છે તે વિશેની જાણકારી યુનેસ્‍કો દ્વારા પ્રકાશિત ૮૦ પૃષ્‍ઠોના ‘ The Courier ‘ Aug Sept 1981 ના અંકમાં આપવામાં આવી છે.
જંગલી પ્રજા સંસ્‍કાર અને સંસ્‍કૃતિનો વિકાસ સાધી ન શકે. સંસ્‍કૃતિના વિકાસ માટે શાંતિ સલામતી અને ન્‍યાય આવશ્‍યક છે. જુલ્‍મ પર આધારિત તંદુરસ્‍ત રાજવ્‍યવસ્‍થા અને કુટુંબ રચના ન થઇ શકે.
જો મુસલમાનો જુલ્‍મી અને જંગલી હોત તો સાતસો વર્ષ સુધી સ્‍પેન અને ભારત પર રાજ કરી શકત નહી. રાજ્ય વ્‍યવસ્‍થા ન્‍યાય , સમાનતા સહિષ્‍ણુતા અને માનવાતા પર નિર્ભર છે.
પંડિત જવાહર લાલ નહેરૂ લખે છેઃ
આરબો જાગૃત થયા ત્‍યારે તેઓ પોતાના ધર્મ પ્રત્‍યે ખુબ ‍ઉત્‍સાહી અને સહિષ્‍ણુ હતા. તેના ઘણા દષ્‍ટાંતો છે. ખલીફા ઉમર સહિષ્‍ણુતા માટે ખાસ આગ્રહી હતા. મુસ્લિમ સ્‍પેનમાં ખ્રિસ્‍તીઓની મોટી વસતી હતી. તેઓને દરેક પ્રકારની સ્‍વતંત્રતા હતી. સિંધમાં મુસ્લિમો બીજી પ્રજા સાથે મૈત્રિભર્યો સંબંધ રાખતા . આ સમયના ઇતિહાસમાં યુરોપના ખ્રિસ્‍તીઓની અસહિષ્‍ણુતા અને મુસ્લિમ આરબોની સહિષ્‍ણુતા વચ્‍ચેનો વિરોધાભાસ એક નોંધનીય બાબત છે. ( Glimpses of History )
પ્રોફેસર એ. જે. એબેરી લખે છેઃ
સદીઓથી યુરોપે ઇસ્‍લામને અન્‍યાય કર્યો છે. મુસ્‍લિમ સંસ્‍કૃતિઓની સિધ્ધિઓની અવગણના કરી છે.
સર ડેનીસન રોસ લખે છે કે
ઇસ્‍લામમાં જે કાંઇ સારું છે તે તદ્દન છુપાવવામાં આવ્‍યું અને જે કાંઇ ખ્રિસ્‍તીઓની નજરમાં સારૂં જ જણાયું તેની અતિશયોક્તિ કરવામાં આવી અથવા તેની વિકૃત રજૂઆત કરવામાં આવી .

Monday, April 24, 2006

મુહમ્‍મદ અને મક્કા

અજ્ઞાનતા, અત્‍યાચારમાં જીવતા અરબસ્‍તાનના નિરંકુશ કબીલાઓ માંહે એક કબીલા ‘કુરેશ‘માં પયગંબર મુહમ્‍મદ સાહેબનો જન્‍મ થાય છે.
મુસલમાનો સામાન્‍યતઃ પયગંબરના નામ સાથે ‘સલ્‍લલ્‍લાહુ અલયહિ વ સલ્‍લમ‘ લગાવે છે. જેનો અર્થ છે, એમના ઉપર અલ્‍લાહની કૃપા અને સલામતી રહે. ઇસ્‍લામી પરિભાષામાં મુહમ્‍મદ પયગંબર સાહેબ માટે કરવામાં આવતી આવી પ્રાથનાને દુરૂદ કહેવામાં આવે છે.
મક્કા શહેર અને તેની આસપસના વિસ્‍તારોના ખંડેરો આજે પણ ભવ્‍યભૂતકાળની સાક્ષી પૂરે છે. કુર્આનમાં પણ એ બધાંની ભવ્‍યતાનો ઉલ્‍લેખ છે. પણ પાપનો ઘડો જ્યારે છલકાય ત્‍યારે, એટલે કે ઇશ્વર-અલ્‍લાહે આપેલી ઢીલ પૂરી થાય ત્યારે અંતે તબાહી – વિનાશનો કાળ આવે છે.
ઇસ્‍વી સન ૫૭૧માં મુહમ્‍મદ પયગંબર સાહેબ (સલ્‍લલ્‍લાહુ અલયહિ વ સલ્‍લમ) નો જન્‍મ થયો. ચાળીસ વરસના થયા છતાં સમાજની રસમો, રીવાજો, (અત્‍યાચારો અને બદીઓ) સાથે મનમેળ ખાતો ન હતો. માટે બધાંથી અળગા જ રહેતા.
રપ વરસની ઉમરે જેની સાથે શાદી કરી એ ૪૦ વર્ષીય પત્નિ ખદીજા ઘણાં નેક, પવિત્ર અને સજ્જન ખાતૂન હતાં. પતિના સ્‍વભાવ, સમજ અને અંતરના દુઃખને સમજતા હતાં. સહભાગી પણ હતાં.
૪૦ વર્ષના થયા તો અલ્‍લાહ તરફથી ફરિશ્‍તા (ઇશદૂત) જીબ્રઇલ મારફત અલ્‍લાહનો સંદેશ આપવામાં આવ્‍યો કે
‘પઢો, ( પઠન કરો) તે અલ્‍લાહનું નામ લઇ જેણે સૃષ્ટિનું સર્જન કર્યું, .......
તમારો પાલનહાર અતિસન્‍માનનીય છે, જેણે કલમ વડે જ્ઞાનની ધારા વહાવી.

ઈતિહાસકારો લખે કે આ ટાણે આખા મક્કામાં બધા મળીને ૧ર માણસો લખવા વાંચવાનું જાણતા હતા. સ્‍વંય મુહમ્‍મદ પયગંબર સાહેબ સલ્‍લલ્‍લાહુ અલયહિ વ સલ્‍લમ પણ જાણતા હતા.
અલ્‍લાહ તરફથી આવેલ આ પ્રથમ સંદેશ દ્વારા પરોક્ષ રીતે કહેવામાં આવ્‍યું કે જ્ઞાન મેળવો, ઇલ્‍મ પ્રાપ્‍ત કરો, કલમનો ઉપયોગ કરો. એના વડે અલ્‍લાહ માણસને જ્ઞાન આપી સન્‍માન અર્પે છે. એના થકી લોકો બુરાઇઓ છોડશે, અથવા તો સારું નરસું વિચારવાની લાયકાત મેળવશે.
આમ અલ્‍લાહના આદેશથી મુહમ્‍મદ સલ્‍લલ્‍લાહુ અલયહિ વ સલ્‍લમની ચળવળ આરંભાય છે. પરંતુ અવરોધોનો પર નથી, મુહમ્‍મદ સલ્‍લલ્‍લાહુ અલયહિ વ સલ્‍લમનો એટલો વિરોધ કરવામાં આવે છે કે તેમણે મક્કા છોડવું પડયું . પહેલાં તો તેઓ તાઇફ નામી શહેર ગયા. પરંતુ ત્‍યાંના લોકોએ સહકાર ન આપ્‍યો, અપમાન કર્યું. એટલે મક્કા પરત આવી ગયા.
થોડા વરસો પછી મદીના શહેરમાં આશાનું કિરણ ઉગે છે, મદીનાવાસીઓ મુહમ્‍મદની સીધી સાદી સદકર્મોની શીખ આપતી વાતોને સમજે અને અપનાવે છે. અને અંતે મુહમ્‍મદ સલ્‍લલ્‍લાહુ અલયહિ વ સલ્‍લમ મક્કા છોડી મદીના ચાલ્‍યા જાય છે.
મદીનામાં યોગ્‍ય સહકાર મળવાથી અને સમજદાર સાથીઓના સથવારે ( જેમાંથી ઘણા બધા મક્કાથી સાથે આવેલા નિષ્‍ઠાવાન અનુયાયીઓ પણ હતા) પયગંબર એક સુંદર, સંસ્‍કારિત, સમાનતા અને ન્‍યાય આધારિત સમાજની રચના કરવામાં સફળ થાય છે.
વિરોધીઓ ઘણા ખરા તો સદકાર્યો અને સંસ્‍કારો થકી મુસલમાન બની જાય છે, અને જેમણે કષ્‍ટો અને સતામણી ચાલુ રાખી એમને કંઇ કડકાઇથી સમજાવવામાં આવ્‍યા.
મદીનામાં મુહમ્‍મદ સલ્‍લલ્‍લાહુ અલયહિ વ સલ્‍લમ કુલ ૧૧ વર્ષ રહ્યા.
આ મુદ્દતમાં મક્કાવાળાઓ જોડે સામસામેના યુદ્ધો પણ થયા;
એક વાર સુલેહ-શાતિના કરાર થયા, પણ મક્કા વાસીઓએ કરાર પાલન કર્યું નહી. અને કરાર વિરુદ્ધ અનેક કાર્યો કર્યા.
આ બધાનો અંત મદીના આવ્‍યાને ૧૦ મે વરસે આવે છે. જ્યારે મુહમ્‍મદ સલ્‍લલ્‍લાહુ અલયહિ વ સલ્‍લમ લાખો અનુયાયીઓને લઇ મક્કા જાય છે.



મુસલમાનોની આ મક્કા પર ફતેહ હતી. મક્કાવાસીઓ શત્રુ હતા. અત્‍યાર સુધીની સતામણીનો પાર ન હતો. અને ન્‍યાયી રીતે દરેકથી બદલો લઇ શકાય એમ હતું. પરંતુ પયગંબર સાહેબે દરેકને ક્ષમા આપી. મક્કાવાસીઓ મુસલમાનો પરના તેમના અત્‍યાચારો ના કારણે એટલા બધા અપરાધ ભાવમાં હતા કે ક્ષમા અને માફીનું જાહેરનામા પર તેમને શ્રદ્ધા ન બેસી, એટલે એલાન કરાવવામાં આવ્‍યુ કે જે કોઇ તેના ઘરનો દરવાજો બંધ કરી લેશે તેને માફી. જે કોઇ કાબાની પવિત્ર મસ્જિદમાં આવી જશે, તેને માફી. જે કોઇ મક્કાના સરદાર અબૂ સુફિયાનના ઘરમાં આવી જશે, તેને માફી.
આ ઘટના અને પયગંબર સાહેબ સલ્‍લલ્‍લાહુ અલયહિ વ સલ્‍લમ દ્વારા પુરૂં પાડવામાં આવેલ ક્ષમા અને માફીનું દષ્‍ટાંત ઘણું બધુ કહી જાય છે. માફીનું ઇસ્‍લામમાં ઘણું મહત્‍વ છે,
ન્‍યાય અને બદલા માટે અસલ તો ઇસ્‍લામનો કાયદો ઘણો સખત છે. તેમાં વિશેષ કરી અત્‍યાચાર, જુલમ અને ગુનાહને સામે રાખી પીડિતનો વિશેષ ખ્‍યાલ રાખવમાં આવ્‍યો છે , માટે જ અમુક નક્કી બાબતોમાં તો કુર્આનમાં પણ કહી દેવામાં આવ્‍યું કે આંખના બદલે આંખ, કાનના બદલે કાન, અને પ્રાણના બદલે પ્રાણ. પણ કુર્આનમાં સાથે જ કહેવામાં આવ્‍યું છે કે આમ બદલો લેવાના બદલે જો ‍પીડિત માફ કરી દે તો એ માફીનો એને અલ્‍લાહ તરફથી શ્રેષ્‍ઠ બદલો આપવામાં આવશે.
આજ કાલ પશ્ચિમના લેખકો અને કાયદાવિદો જેઓની નિતિ ગુનેગાર તરફી અને ઢીલ વાળી જ રહી છે, તેઓ આવા સખત કાયદાઓ પ્રત્‍યે અણગમો વ્‍યકત કરે છે. તેને માનવતા વિરુદ્ધ દર્શાવે છે, પરંતુ આવા કડક કાયદા સાથે ઇસ્‍લામે દર્શાવેલ માફી અને રહેમના પાસાને ફોક્સ નથી કરતા.
આપણે જોઇએ છીએ કે ઉપરની ઘટનામાં મુહમ્‍મદ પયગંબર સાહેબ પોતે તેમના શત્રુઓને ક્ષમા આપી આ જ માફી અને રહેમના સિદ્ધાંતને અનુસર્યા છે.
પયગંબર સાહેબનું કથન છે કે લોકોની તમારા પ્રત્‍યેની ભૂલોને માફ કરશો તો અલ્‍લાહ તમારી ભૂલોને માફ કરશે.
પયગંબર સાહેબનું જ કથન છે કે તમે ધરતીવાળાઓ પર રહેમ કરો, આસમાનવાળો તમારા પર રહેમ કરશે.

Saturday, April 22, 2006

મદરેસાઓ અંગેના તથાતથ્‍યની તપાસ થાય.

હિંદુત્‍વ એક અધ્‍યયન, લેખક કાન્તિ શાહ ,
અત્રે અમે આ પુસ્‍તકના અમુક અંશ આપીએ છીએ,
મદરેસાઓ અને તેમાં અપાતા ધાર્મિક શિક્ષણનો સવાલ વારે વારે ઊભો થઇ રહયો છે. જે દૂર થવો જોઇએ. એટલે આ બાબતમાં ઊંડા ઉતરી તથાતથ્‍ય જાણી લઇ કાયમનો આ સવાલનો નિકાલ લાવી દેવો જોઇએ. અને આ અંતરાય દૂર કરી નાંખવો જોઇએ. તે માટે તપાસ સમિતિ નીમી શકાય, કમિશન બેસાડી શકાય.
એટલું તો સ્‍પષ્‍ટ છે કે આપણા જેવા નાનાવિધ ધર્મો વાળા રાષ્‍ટ્રમાં ધર્માંધતાનું સાંપ્રદાયિક શિક્ષણ આપી શકાય નહીં એટલું જ નહી, ધાર્મિક શિક્ષણ આપતી પણ વખતે સર્વધર્મ સમભાવની ભાવના ખીલે એવું વલણ હોવું જોઇએ. વળી વિધાર્થીઓને માત્ર ધાર્મિક શિક્ષણ જ મળે અને અન્‍ય જ્ઞાન અને વિધાથી તેઓ વંચિત રહી જાય એ પણ ઇષ્‍ટ નહી ગણાય. તેથી જેમ મીશનરી શાળાઓ છે, અને હિંદુ ગુરુકુળો અને પાઠશાળાઓ છે, તેમ મદ્રેસાઓ પણ માત્ર ધાર્મિક શિક્ષણ આપતી સંસથાને બદલે બૃહદ વિધાધામો બની રહે એ ઇષ્‍ટ છે. તેમાં અન્‍યધર્મી માટે પ્રવેશ નિષિ‍દ્ધ ન હોય તો વળી વધુ સારુ.
આવા એક વ્‍યાપક દષ્ટિકોણ સાથે આપણે એ પણ જાણવું જોઇએ કે આજે જે મદ્રેસાઓ ચાલે છે તે કોઇ ભુગર્ભ પ્રવૃતિ સ્‍વરૂપે અથવા બિનકાયદેસર ચાલતા નથી. આ બધા મદ્રેસાઓ બંધારણ માન્‍ય છે. અને કાયદેસર રજિસ્‍ટર્ડ થયેલા છે. તથા અન્‍ય સંસ્‍થાઓની માફક સરકારના ધારાધોરણ અનુસાર ચાલી રહ્યા છે. એટલે સરકાર દ્વારા એમનું જરૂરી નિયમન નિયંત્રણ સહેલાઇથી કરી શકાય. એમની સામે કોઇ ફરીયાદ હોય તો જરૂર કોઇ કાયદેસર પગલાં લઇ શકાય. પરંતુ આવી વારંવાર બહુ ફરિયાદો કરનારા પોતે આજે સરકારમાં હોવા છતાં અત્‍યાર સુધી એમણે આવું કશું જ કર્યું નથી, અરે આવી ગેરરીતી આચરનારા મદ્રેસાઓની યાદી સરખી પણ, તેની વિગતે માહિતી સરખી પણ એમણે જાહેરમાં મૂકી નથી.
ત્‍યારે શું એમ માનવું કે આ લોકોના હાથમાં હિંદુઓમાં મુસ્લિમ વિરોધી લાગણી ઉશ્‍કેરવા માટેનો આ પણ એક સસ્‍તો મુદ્દો માત્ર છે ? એમને આ સવાલ ઉકેલવામાં રસ નથી. માત્ર તેને સળગતો રાખીને રાજકયી લાભ ખાટતા રહેવામાં જ રસ છે ? આ પણ એક ભારે બેજવાબદાર, વિઘાતક અને અંતરાયરૂપ ભૂમિકા છે.
અહીં એટલું ઉમેરવું જોઇએ કે બધા મુસ્લિમો મદ્રેસામાં ભણે છે એવી છાપ પણ ખોટી છે. વાસ્‍તવિકતા તો એ છે કે મદ્રેસામાં જનારા બાળકોમાંથી મોટા ભાગના ગરીબ હોય છે. ...............ઉપરાંત ઘણા મદ્રેસાઓમાં ધામિર્ક શિક્ષણની સાથે અન્‍ય શિક્ષણ પણ આપવાનું શરૂ થયું છે. એમના અભ્‍યાસક્રમને આધુનિક બનાવાયા છે. થોડા વખત પહેલાં ભરૂચ બાજુના એક સંચાલકે તો જાહેરમાં નિમંત્રણ આપ્‍યું હતું કે અમારે ત્‍યાં આવીને જોઇ જાવ કે અમારા મદ્રેસામાં અમે કેવું એક અઘતન વિધાધામ જેવું શિક્ષણ આપી રહ્યા છીએ.
એટલે હવે મદ્રસાના મુદ્દાની લાકડી બનાવીને બધા મુસ્લિમોને એક સાથે ફટકારતા રહેવાનું બંધ થવું જોઇએ. અહીં એવું પણ યાદ આવે છે કે દસ પંદર વરસ પહેલાં સુરેન્‍દ્રનગરનો એક તેજસ્‍વી મુસ્લિમ વિધાર્થી એસ.એસ.સી.માં સંસ્‍કૃત વિષયમાં ગુજરાતભરમાં પ્રથમ નંબરે ઉત્તીર્ણ થયો હતો. ખોટી માહિતી આપીને મુસ્લિમો પ્રત્‍યે દ્વેષભાવ વધારતા રહેવાના બદલે આવી સાચી પણ ઉપેક્ષિ‍ત માહિતીને વધુ ને વધુ ઉજાગર કરતા રહેવાથી દૂરીભાવ ઓવો થશે અને હિંદુત્‍વની વધુ સેવા થશે.
( કાન્તિ શાહ, ‘‘ હિંદુત્‍વ એક અધ્‍યયન ‘‘ પેજ ૯૫ – ૯૬ )
છાસવારે આપણા સમાચાર પત્રો અને લેખકો મદ્રેસાઓ વિશે નકારાત્‍મક લખાણો લખતા રહે છે, જેનો વાસ્‍તવિકતાથી કોઇ સંબંધ નથી હોતો, આવા રિપોર્ટરો અને લેખકોએ કોઇ મદ્રેસાની કદી મુલાકાત પણ લીધી નથી હોતી, બલકે સીધું જ પશ્ચિમી મીડીયાનું અનુસરણ કે અનુવાદ એમના લખાણોથી છલકતું હોય છે. આજના માહોલમાં જરૂરી છે કે આ બાબતે સ્‍પ્‍ષ્‍ટતા થાય. હું પોતે મદ્રેસાનો મોલ્‍વી હોવા ઉપરાંત હાલ એક મદ્રેસામાં જ કાર્યરત છું માટે મને આવા રીપોર્ટો અને નકારાત્‍મક સમાચારોનો ખાસો કડવો અનુભવ છે, સ્‍પ્‍ષ્‍ટ છે કે માણસ વિશે કોઇ વાસ્‍તવિકતાથી દૂર સદંતર ખોટું લખે તો એને તકલીફ પહોંચે, અને જો પાછો સામે વાળો તમારી ચોખવટ અને નિર્દોષતા સાંભળવા તૈયાર ન હોય તો પછી મનની વેદના મન જ જાણે.
સુવાસના હિંદુ વાચકોને જો આ બાબતે કોઇ સાચી અને સ્‍પષ્‍ટ માહિતી જોઇતી હોય, અથવા કંઇ શંકા કુશંકા હોય તો અમારાથી સંપર્ક કરે.

Friday, April 21, 2006

તૌહીદની મયકદા --- એકેશ્વરવાદનું મદિરાલય

કેનેડામાં વસતા જનાબ મોહમ્‍મદઅલી ભૈડુવફા ‘ સાહેબે એક નઝમ (કવિતા) સુવાસ માટે મોકલાવી છે, પોતાના મનની વાત રજૂ કરતા તેઓ ઇસ્‍લામ અને મુસલમાનનોની પડતીથી ચિંતિત છે, પણ આશા અમર છે, તેમણે આશા અને ઉમ્‍મીદની વાત કરી છે, પડતીનુ તો નામ પણ નથી લીધું. હિમ્‍મત અને હોસલાનો સંદેશ સમી આ કવિતા અમે સુવાસ દ્વારા અન્‍યો સુધી પહોંચાડીને એની સુવાસ પ્રસરાવવાનો પ્રયત્‍ન કરીને મુહમ્‍મદ અલી ભાઇનો આભાર વ્‍યકત કરીએ છીએ.
તૌહીદની આ મયકદા છલકાયને રહેશે.
કુરઆનઆ આદેશ પણ ફેલાયને રહેશે.
કુફ્ર્ના વાદળ સહુ વિખળાયને રહેશે.
આ ધરાપર ન્યાય પણ તોળાયને રહેશે.
હો જીવન મુસ્લીમનુ જો ખુદ્દાર ખલીલ સમ
આ આગ નિશ્ચે બાગમા પલટાયને રહેશે.
બસ ખુદાનુ નામ લઈ આગળ વધી જાઓ.
ને નબીનુ કામ લઈ આગળ વધી જાઓ.
કામયાબી આવશે ચુમતી ક્દમ તારા ;
ઈમાનનો આ જામ લઈ આગળ વધી જાઓ.
નફરત તણી દીવાલ પણ ભેદાયને રહેશે.
આ આગ નિશ્ચે બાગમા પલટાયને રહેશે.
સીદ્દીકી શાનથી ચલો,ઊમરની આનથી ચાલો;
સદાએ હક બુલં કરવા દિલોને જાનથી ચાલો;
ખુદાથી માગીને લઈલો ગની ની માતબર દોલત;
મરી ફીટવાને મઝહબ પર અલીની શાનથી ચાલો.
ખુદાઈ પ્રેમના ઝરણા બધે રેલાયને રહેશે.
આ આગ નિશ્ચે બાગમા પલટાયને રહેશે.
અમારી કૌમની કશ્તી લગાવી પાર છોડીશું;
કરીશું સર શિખર સર્વે ન એકે દ્વાર છોડીશું.
અમે છીએં જવાં મુસ્લીમ બુલંદ હોંસલાબાજો;
ખુંદી વળશું બધા દરિયા નકો મઝધાર છોડીશું.
ઈન્સાનિયતની ખુશ્બુ પણ મ્હેકાયને રહેશે.
આ આગ નિશ્ચે બાગમા પલટાયને રહેશે.
વિશ્વ પણ સમજી જ્શે માર હજુરનો જમાલ;
વિશ્વમા પેદ કદી થઈ નથી જેની મિસાલ;
કુદરતે અર્પયા હતા કંઈ કેટલાયે મૌઅજિઝહ
અંગુલિના એક ઈશારામા કપાયો'તો હિલાલ.
કથનો નબીના "વફા"ચર્ચાયને રહેશે.
આ આગ નિશ્ચે બાગમા પલટાયને રહેશે.
મોહમ્મદઅલી ભૈડુ"વફા"