Saturday, June 27, 2009

ત્રાસવાદ અને નકસલવાદના મૂળમાં ગોરી પ્રજાનો સંસ્થાનવાદ છે

ન્યૂઝ વ્યુઝ
Written by GS News
Thursday, 25 June 2009
गुजरात समाचार
બધા આતંકવાદીઓ મુસ્લિમ જ હોય છે તે વાત તમિળ ટાઇગરોએ અને નકસલવાદીઓએ જૂઠી સાબિત કરી છેમુંબઇ ઉપર ૨૬/૧૧ના આતંકવાદી હુમલો થયો, જેમાં સંખ્યાબંધ નિર્દોષ નાગરિકો સહિત જાંબાઝ પોલિસ ઓફિસરોના જીવ ગયા. આ અગાઉ પણ મુંબઇ સહિતનાં ભારતનાં અનેક શહેરોમાં બોમ્બ ધડાકા અને આતંકવાદી હુમલાઓ થયા હતા. ઓરિસ્સા, ઝારખંડ, આંધ્રપ્રદેશ, પશ્ચિમ બંગાળ અને છત્તીસગઢ જેવાં રાજ્યોમાં નકસલવાદ જોર પકડી રહ્યો છે. તેવી જ રીતે અમેરિકામાં ન્યુયોર્કના વર્લ્ડ ટ્રેડ સેન્ટર ઉપર આતંકવાદી હુમલાથી આખું અમેરિકા હચમચી ગયું હતું. તેના માટે પણ ઇસ્લામિક ત્રાસવાદને જવાબદાર માનવામાં આવે છે. મુંબઇના આતંકવાદી હુમલા પછી તો એવા એસએમએસ વહેતા થયા હતા કે, 'બધા જ મુસ્લિમો ત્રાસવાદી નથી હોતા પણ બધા જ ત્રાસવાદી મુસ્લિમ શા માટે હોય છે ?' આ પ્રકારના સંદેશાથી એવું ચિત્ર ખડું થાય છે કે વિશ્વભરના ત્રાસવાદ માટે મુસ્લિમો જ જવાબદાર છે. શું આ ચિત્ર ખરેખર સાચું છે ? કેટલાક મુસ્લિમો જો આતંકવાદ અથવા જિહાદના રવાડે ચડી ગયા હોય તો પણ તેની પાછળ કયાં ઐતિહાસિક પરિબળો જવાબદાર છે, તેનો વિચાર આપણે કર્યો છે ખરો ?
આજે વિશ્વભરમાં ફેલાયેલા ત્રાસવાદ તરફ નજર નાંખીશું તો ખ્યાલ આવશે કે જે દેશોમાં ત્રાસવાદ જોવા મળે છે, ત્યાં એક વખત બ્રિટીશરો રાજ્ય કરતા હતા. ગોરા અંગ્રેજો જ્યાં રાજ્ય કરતા હતા તે દેશોનું તેમણે ભારે શોષણ કર્યું હતું એટલું જ નહીં, આ પ્રજાને કાયમી ગુલામ રાખવા માટે તેમને અંદરોઅંદર લડાવી મારવાની કૂટનીતિ પણ અખત્યાર કરી હતી. બીજા વિશ્વયુધ્ધને પગલે બ્રિટને આ બધા જ સંસ્થાનોનો કબજો છોડી દેવો પડયો હતો. આ સંસ્થાનોને આઝાદી આપવાનું નાટક કરીને બ્રિટિશરોએ તેમના એવી રીતે ટુકડા કર્યા હતા કે આજે પણ તેઓ આંતરવિગ્રહની પરિસ્થિતિનો સામનો કરી રહ્યા છે. વિશ્વભરના દેશોમાં જોવા મળતા આતંકવાદનો જો અભ્યાસ કરવામાં આવશે તો તેમાં ઇસ્લામિક ત્રાસવાદ કરતાં પણ બ્રિટિશરોની ભાગલા પાડી લડાવી મારવાની નીતિ વધુ કારણભૂત જણાશે.ભારતની જ વાત કરીએ તો ઇ.સ. ૧૮૫૭ના સ્વાતંત્ર્ય સંગ્રામ દરમિયાન આપણા દેશમાં હિન્દુ-મુસ્લિમ એકતા જોઇને બ્રિટીશરો ડઘાઈ ગયા હતા. ઇ.સ. ૧૮૫૭ પછી ભારતની તાકાત તોડવા માટે અંગ્રેજોએ હિન્દુ તેમજ મુસ્લિમ પ્રજાને અંદરોઅંદર લડાવીને રાજ્ય કરવાની નીતિ અખત્યાર કરી હતી. આ નીતિની પરાકાષ્ટા સ્વરૃપે જ હિન્દુસ્તાનના ભાગલા કરવામાં આવ્યા હતા અને પાકિસ્તાનનો જન્મ થયો હતો. ભારતના બે ભાગલા કરીને બ્રિટીશરો તો આપણા ઉપખંડમાંથી વિદાય થઇ ગયા હતા પણ કાશ્મીરનું કોકડું છોડતા ગયા હતા. આજે ભારતમાં જે આતંકવાદ જોવા મળે છે, તેના મૂળમાં કાશ્મીર સમસ્યા છે. કાશ્મીરની મુલાકાતે જઇ આવેલા ભારતીય ટુરિસ્ટોનો અનુભવ કહે છે કે ત્યાંની બહુમતી પ્રજા ભારતમાં રહેવા માંગતી નથી. તેમને સ્વતંત્ર કાશ્મીર દેશ જોઇએ છે અથવા પાકિસ્તાનમાં ભળી જવું છે. આ સમગ્ર પ્રદેશને આપણે બળજબરીથી આપણા લશ્કરના કબજા હેઠળ રાખ્યો છે. ભારતના લશ્કરે કાશ્મીરની પ્રજા ઉપર કોઈ ઓછા અત્યાચારો નથી ગુજાર્યા. આપણે જેને આતંકવાદીઓ કહીએ છીએ તેમને કાશ્મીરી પ્રજા તેમના દેશની આઝાદી માટે લડતા ક્રાંતિવીરો ગણે છે. મુંબઇમાં બોમ્બ ધડાકા થાય અને નિર્દોષ નાગરિકોના જીવ જાય તે આપણને ખૂંચે છે તેમ ભારતીય લશ્કર કાશ્મીરી યુવાનોને આતંકવાદી ગણાવી ગોળીએ મારે છે અને તેમની મા બહેનો ઉપર બળાત્કાર કરે છે તે કેમ નથી ખૂંચતું ?
વિશ્વમાં આતંકવાદની યાદીમાં મોખરા ઉપર આજે પેલેસ્ટાઇનનું નામ આવે છે. આ પ્રદેશ અંગ્રેજોનું સંસ્થાન હતું. ઇ.. ૧૯૪૭માં પેલેસ્ટાઇનનો કબજો છોડી દેતા અગાઉ અંગ્રેજોએ તેમાં મોટી સંખ્યામાં બિન મુસ્લિમ પ્રજા વસાવી, જેમાં ખ્રિસ્તીઓનો અને યહૂદીઓનો પણ સમાવેશ થતો હતો. આ વિદેશીઓ અંગ્રેજોના શાસનકાળમાં અસ્તાચલ દરમિયાન આવ્યા હોવાથી તેઓ મૂળ મુસ્લિમ પ્રજાનો સંહાર કરી શક્યા નહીં. બીજા વિશ્વયુધ્ધ પછી અમેરિકા અને બ્રિટને મળીને પેલેસ્ટાઈનની મૂળ પ્રજાની જમીન આંચકીને ત્યાં ઇઝરાયલનું નિર્માણ કર્યું હતું. આ મુસ્લિમો આજે પોતાની માતૃભૂમિને વિદેશી પ્રજાના આધિપત્યથી મુક્ત કરવા માટે સંઘર્ષ કરે છે તેને દુનિયા આતંકવાદના નામે ઓળખે છે. આ કહેવાતા આતંકવાદને કારણે ઇઝરાયલી પ્રજા કાયમ માટે ભયના ઓથાર હેઠળ જીવે છે.ઇઝરાયલને અમેરિકા જેવી મહાસત્તાનો ટેકો છે તો આખું ઇસ્લામિક વિશ્વ પેલેસ્ટાઇની ગેરિલાઓની પડખે છે. હકીકતમાં તેઓ ગેરિલા નથી પણ પોતાની માતૃભૂમિને વિદેશી પક્કડમાંથી મુક્ત કરાવવા માટે ઝઝૂમતા સ્વાતંત્ર્ય સૈનિકો છે. આજે આપણાં પ્રસાર માધ્યમો ઉપર અંગ્રેજોનો એટલો પ્રભાવ છે કે વિશ્વની કોઈ પણ ઘટનાને આપણે અંગ્રેજોનાં ચશ્માંથી જોવાને ટેવાઇ ગયા છીએ. આ કારણે જ પેલેસ્ટાઇનની પ્રજા આતંકવાદી છે, એવી છાપ આપણી છાપાં વાંચનારી પ્રજાના મનમાં ઘર કરી ગઇ છે. આ છાપાંઓ અને ટીવી આપણી સમક્ષ સિક્કાની એક જ બાજુ રજુ કરે છે. સ્કૂલોનાં ઇતિહાસમાં પણ આપણને અંગ્રેજોનો જ દ્રષ્ટિકોણ ભણાવવામાં આવે છે.
આજે સિરિયા લિયોન નામના દેશમાં જે સંઘર્ષ ચાલી રહ્યો છે, તેના મૂળમાં પણ બ્રિટીશ સંસ્થાનવાદ છે. આ દેશનો કબજો બ્રિટિશરોએ અઢારમી સદીના અંત ભાગમાં લીધો પણ તેમાં ઓગણીસમી સદીમાં મોટી સંખ્યામાં યુરોપિયન તેમ જ કેનેડિયન કાળી ખ્રિસ્તી પ્રજાને વસાવવામાં આવી હતી. સિરિયા લાયેનની મૂળ મુસ્લિમ પ્રજાએ તેનો હિંસક વિરોધ કર્યો હતો. આ વિરોધ આજે પણ ચાલી રહ્યો છે. જોકે તાજેતરમાં બ્રિટીશ લશ્કરે આ દેશમાં પ્રવેશ કરીને આ વિરોધને ક્રૂરતાથી કચડી નાંખ્યો છે.ભારતની દક્ષિણે આવેલા શ્રીલંકામાં પણ બ્રિટીશરોએ પોતાનું સંસ્થાન સ્થાપ્યું હતું. આ ટાપુમાં આવેલા ચાના બગીચામાં કામ કરવા માટે ભારતમાંથી મોટી સંખ્યામાં તામિળ મજૂરોની આયાત કરવામાં આવી હતી. આ મજૂરો આજે ઉત્તર શ્રીલંકામાં તામિળ દેશ માટે લડાઈ લડી રહ્યા છે. શ્રીલંકાની સરકાર માટે ત્રાસવાદીઓ છે તો ભારતના તામિળોની સહાનુભૂતિ તેમની સાથે છે. આ તામિળ ટાઇગરોને ખતમ કરવામાં શ્રીલંકાની સરકારને મદદ કરવાની મૂર્ખાઈ શ્રી રાજીવ ગાંધીએ કરી તેના કારણે તેમને પોતાના જાનથી હાથ ધોવા પડયા હતા. જેઓ એવો પ્રચાર કરી રહ્યા છે કે બધા આતંકવાદીઓ મુસ્લિમ જ હોય છે, તેમના પ્રચારને આ તામિળ ટાઈગરો ખોટો સાબિત કરે છે કારણકે તેઓ બધા જ હિન્દુઓ છે. આવી જ રીતે મોટાભાગના નકસલવાદીઓ પણ હિન્દુ જ હોય છે.બધા જ ત્રાસવાદીઓ મુસ્લિમ જ હોય છે તે પણ પશ્ચિમી પ્રસાર માધ્યમો તરફથી ઊભું કરવામાં આવેલું મોટું જૂઠાણું છે. ભારતના કુલ ૬૦૦ પૈકી ૧૫૦ જિલ્લાઓમાં આજે નકસલવાદીઓનો પ્રભાવ વર્તાઇ રહ્યો છે. ભારતની એક તૃતિયાંશ પ્રજા આજે નકસલવાદીઓની અસર હેઠળ છે. આ પ્રજા મોટા ભાગે વનવાસી અને ગરીબ છે. અંગ્રેજોનો વારસો નિભાવી રહેલી આપણી સરકારે અને તેના અધિકારીઓએ આ પ્રજાનું એટલું શોષણ કર્યું છે કે નકસલવાદીઓનો સાથ લઇને તેમણે ભારતની સરકાર સામે સશસ્ત્ર સંઘર્ષ છેડી દીધો છે. આ બધા જ હિન્દુ 'આતંકવાદીઓ' છે પણ તેઓ બિનસાંપ્રદાયિક છે. તેમને કોઈ ધર્મ સાથે નિસ્બત નથી પણ તેઓ દેશી અંગ્રેજોના શોષણમાંથી મુક્ત થવાનો સંગ્રામ લડી રહ્યા છે. આ સંઘર્ષની વધુ અસર ગામડાંઓમાં જ જોવા મળે છે. શહેરોમાં વધુ અસર મુસ્લિમ ત્રાસવાદની જોવા મળે છે; માટે શહેરી પ્રજામાં એવી ગેરસમજ પેદા થઇ છે કે બધા આતંકવાદી મુસ્લિમ જ હોય છે.
ભારતની વનવાસી પ્રજા નકસલવાદીઓને સાથ આપી રહી છે, તેનું કારણ પણ ભારત ઉપર બ્રિટીશ સંસ્થાનવાદની અસર છે. બ્રિટીશરો ભારતમાં જે પધધતિએ રાજ્ય ચલાવતા હતા તે જ પધ્ધતિ અને તુમાખીખોર અમલદારશાહી આજે ચાલી રહી છે. આ પધ્ધતિના શાસનમાં વનવાસી પ્રજાના તેના જંગલ, જમીન અને જળ ઉપરના અધિકારોથી વંચિત કરવામાં આવી રહી છે. તેમની કુદરતી સમૃધ્ધિ તેમની પાસેથી આંચકીને દેશી-વિદેશી ઉદ્યોગપતિઓને સોંપવામાં આવી રહી છે, જેને કારણે આ ગરીબ પ્રજા બરબાદ થઇ રહી છે. આ પ્રજા પોતાના મૂળભૂત અધિકારોનું જતન કરવા માટે અત્યાચારી ભારત સરકાર સામે જંગ ખેલી રહી છે, તેને આપણે આતંકવાદ અને નકસલવાદ તરીકે ઓળખીએ છીએ. આ પણ પ્રસાર માધ્યમોનો જ પ્રભાવ છે ને ?આજે દુનિયાના જે બે દેશો ઉપર આતંકવાદનો આરોપ મૂકવામાં આવે છે તે ઇરાક અને અફઘાનિસ્તાનમાં પણ કહેવાતા આતંકવાદના મૂળમાં બ્રિટીશરોની સંસ્થાનવાદની નીતિ કારણભૂત છે. પહેલા વિશ્વયુધ્ધ દરમિયાન બ્રિટને ઇરાક ઉપર કબજો જમાવવા માટે ગુલામ ભારતના સૈન્યની મદદ લીધી હતી. ત્યારબાદ ભારતીય સૈનિકોનું સ્થાન બ્રિટીશ લશ્કરે લીધું હતું. આજે અમેરિકન લશ્કરે ઇરાકમાં પગદંડો જમાવ્યો છે. પોતાના દેશને અમેરિકાની દાદાગીરીથી બચાવવા માટે ઝઝૂમનારા સદ્દામ હુસૈનને આતંકવાદી ગણાવીને ફાંસી આપી દેવામાં આવી છે. દુનિયાનો મોટામાં મોટી આતંકવાદી જો કોઈ હોય તો તે અમેરિકાનો ભૂતપૂર્વ પ્રમુખ જ્યોર્જ બુશ છે. અફઘાનિસ્તાનમાં જોવા મળતા આતંકવાદના મૂળમાં પણ અમેરિકાની દાદાગીરી છે. વિશ્વમાં જ્યાં સુધી ગોરી પ્રજાના અત્યાચારો ચાલ્યા કરશે ત્યાં સુધી આતંકવાદનો અંત આવે તેવી કોઈ સંભાવના નથી.