Sunday, September 10, 2006

રાષ્‍ટ્રગીત અને રાષ્‍ટ્રપ્રેમ બન્‍ને જુદી બાબતો છે.

રાષ્‍ટ્રગીત અને રાષ્‍ટ્રપ્રેમ બન્‍ને જુદી બાબતો છે.
માદરે વતન એટલે વતન રૂપી માતા. ધરતીના ખોળે રમતો માણસ એટલે જાણે માતાના ખોળામાં રમતું બાળક. એટલે જ ફારસીમાં માદરે વતન, ગુજરાતીમાં ધરતીમાતા, અને અરબીમાં પણ મોટા શહેરને કે કેન્‍દ્રને ‘‘ ઉમ્‍મ ‘‘ (માતા) કહે છે. આ આધારે વતનની માટીને , દેશની ધરતીને એટલો જ પ્રેમ કરવો જોઇએ, જેટલો જનેતાથી. અરબીમાં ‘‘ હુબ્‍બુલ વતનિ મિન લ ઇમાન ‘‘ નો મતલબ જ એ છે કે વતનથી પ્રેમ એ મુસલમાનના ઇસ્‍લામનો એક ભાગ છે.
પયગંબર મુહમ્‍મદ સલ્‍લલ્‍લાહુ અલયહિ વ સલ્‍લમ જયારે તેમનું વતન મક્કા છોડી મદીના હિજરત કરી રહયા હતા, ત્‍યારે મક્કાથી બહાર નીકળી અફસોસ સહિત જે ઉદગારો તેમના મુખેથી નીકળ્યા તે આ હતા, હે મક્કા તારો વિરહ મને કદાપિ સ્‍વીકાર્ય ન હોત, જો તારા રહેવાસીઓ મારી સાથે અપમાનજનક વર્તાવ ન કરતા હોત.
પયગંબર મુહમ્‍મદ સલ્‍લલ્‍લાહુ અલયહિ વ સલ્‍લમના અનુયાયીઓ અન દેશપ્રેમને ધર્મનો જ અંશ માનનારા મુસલમાનોને જો કોઇ એમ કહે કે તમારામાં દેશ પ્રેમ નથી તો સો વારના પ્રયાસો પછી પણ તેના કથનને તે પૂરવાર ન કરી શકે.
અત્રે યાદ રાખવું ઘટે કે દેશપ્રેમ કે રાષ્‍ટ્રપ્રેમ એ કોઇ કપડાંનો યુનિફોર્મ નથી, યુનિવર્સિટીની ડીગ્રી નથી, કોઇ પરવાનો કે લાયસન્‍સ નથી કે તમે એ ધારણ કરી લો, ખભે લગાવી દો, ગળે લટકાવી દો કે દીવારે કોતરાવી નાંખો એટલે પત્‍યું. પ્રેમ તો દિલમાં હોય છે, અને જાહેર રૂપે એના વ્‍યકત થવાના અનેક સાધનો છે. દેશપ્રેમના ગીતો ગાવા પણ એક સાધન છે. પણ જો કોઇ માણસ દેશપ્રેમના બદલે ભગવાનના ભજનને દેશપ્રેમમાં ખપાવવા માંડે તો પછી એ ભજન તો પૂજારીએ જ ગાવું રહ્યું.
આવું જ કંઇક ‘ વંદે માતરમ ‘ ગીત બાબતે છે. એમાં દશેની અને વતનની ધરતી પ્રત્‍યે પ્રેમ વ્‍યકત કરવામાં આવ્‍યો છે, એ બરાબર. પણ એમાં એથી આગળ વધીને ધરતીને માતા કે દેવી ગણી એની વંદના-ઇબાદત કરવાનો એકરાર છે. માટે આ ગીત રાષ્‍ટ્રપ્રેમનું ન હોય રાષ્‍ટ્રપૂજનનું છે, હિંદુઓ ચાહે તો ધરતીમાતાનું અલગ મંદિર બનાવી એમાં ધરતીના ગોળાને દેવી રૂપે સ્‍થાપી વંદે માતરમનું ભજન ગાય, પણ અલ્‍લાહ સિવાય અન્‍ય કોઇને પણ નહીં પૂજનાર મુસલમાનોથી આવી માંગણી ન કરી શકાય.
એમ જોવા જઇએ તો આ ગીત બાબતે અનેક સળગતા પ્રશ્નો છે,
વંદે માતરમ ગીતની કેટલી પંકતિઓ રાષ્‍ટ્રગીત તરીકે સ્‍વીકારાયેલ છે ?
શું કાનૂની રીતે રાષ્‍ટ્રગીત ગાવું ફરજિયાત છે ?
રાષ્‍ટ્રગીત ગાનાર રાષ્‍ટ્રપ્રેમી છે જ અને નહીં ગાનાર રાષ્‍ટ્રવિરોધી જ છે, એ કેટલો પ્રમાણિત નિર્ણય છે ?
લોકો જાણે જ છે કે પહેલાં ફિલમના આરંભે અને અંતમાં વંદે માતરમ વગાતું હતું, પણ કોઇ ઉભું થતું ન હતું એટલે કોર્ટે બંધ કરાવ્‍યું ! આજે પણ સંસદમાં આરંભે અને અંતે આ ીત ગવાય છે, પણ એનાથી જે રાષ્‍ટ્રપ્રેમનો જુસ્‍સો ઉભરાય છે તેનાથી સંસદનું કીંમતી ફર્નિચર રોજ તૂટે છે. અધિકારીઓ, સાહેબો, વેપારીઓ વારે – તહેવારે આ ગીત ગાય છે, અને પછી ખુરશી પર બેસી ભ્રષ્‍ટાચાર કરે છે. રાજકરણીઓ આ ગીત બાબતે જુસ્‍સાદાર નિવેદનો કરે છે, પછી નાગરિકોની લાશો પર ગીધોની મિઝબાની ઉડાવે છે.
મુળ વાત એ છે કે પૂર્વાગ્રહથી ભરેલ, ગંદુ માનસ ધરાવતા અમુક વિશેષ તત્‍વો ફકત અને ફકત મુસલમાનોના વિરોધ ખાતર આ મુદ્દાને ચગાવે છે. આજકાલ આ મુદ્દો ગરમ છે એટલે લેખકોને પણ ટોપિ‍ક મળી ગયો છે, અનેક નામી અનામી મુસલમાન નેતાઓના નામ લઇ એમની સાથે વંદેમાતરમનું ગાન જોડી દેવાનો પ્રયાસ કરવામાં આવે છે. મોલાના આઝાદ , હસરત મોહાની કે અન્‍ય જે કોઇ હોય, એ બધા કંઇ મુસલમાનોના ધાર્મિક ગુરૂઓ નથી, રાજકીય નેતાઓ છે, તેઓ વંદે માતરમને આપત્તિજનક ન સમજતા હોય તો એ એમનો મત છે, અન્‍ય મુસલમાનો એનાથી સંમત હોત તો આજ સુધી એનો વિરોધ બાકી ન રહેત. મોલાના આઝાદનું નામ લેનારા કેમ ભૂલી જાય છે કે એમણે તો ભાગલાનો પણ વિરોધ કર્યો હતો, ગાંધીજી અને સરદાર શા માટે માની ગયા ? ભારતના માથે કેટલું દેવું છે ? એ કોના તાગડધિન્‍ના કરવાથી ચડયું છે ? હે રાષ્‍ટ્રપ્રેમીઓ એનો ઉકેલ લાવો, પરિષદ અને સંઘ એની સંપત્તિ દેશને બખ્‍શી દે . પ્રજાનો કરોડોનો ટેકસ કયાં જાય છે ? કંપનીઓનો અરબોનો નફો કયા માલેતુજારો સમેટી જાય છે? સરકારી ગ્રાન્‍ટો, ફંડો, અને લોનો કોણ ઓહિયા કરી જાય છે ? મુસલમાનો જ કે પછી રાજકરણીઓ ? વંદેમાતરમ ગાનારા કે બીજા કોઇ ?
વિચારવા લાયક બાબત આ પણ છે કે દેશની એક ચતુર્થાંશ વસતીને જેના પ્રત્‍યે અણગમો છે તે ગીતને શા માટે આપણે રાષ્‍ટ્રગીતનો દરજો આપી રાખ્‍યો છે ? આતો એવું થયું કે રાષ્‍ટ્રપ્રેમ વ્‍યકત કરવાનું માધ્‍યમ જ રાષ્‍ટ્રવાસીઓના અણગમા અને જુથવાદ માટે કારણભૂત બની રહયું છે.
હિંદુ ધર્મમાં તો પતિ , આગ, નાગ, પથ્‍થર પાણી, ગાય અને ગરૂડ બધાં જ દેવ – દેવીઓ છે, રાષ્‍ટના આ બધા જ અવયવો પૂજવા-ભજવા પર કોઇ અન્‍ય ધર્મીને કેવી રીતે બાધ્‍ય કરી શકાય ?
ખૂબ ચગેલા પ્રકરણ વિશે ગત દિવસોમાં આ લેખ અનેક સમાચાર પત્રોમાં મોકલવામાં આવ્‍યો, પણ તોગડિયા કે સિંઘલની ધમકીઓ છાપતા આ સમાચાર પત્રોએ આ લેખ ન છાપ્‍યો !